અચાનક નગરવચાળ
ભયકંર મચ્યો હાહાકાર …
બસમાં બેઠો જોઉં … બારી બહાર
સચિવાલયની બિલ્ડીંગોની લોબીમાંથી
બારીમાંથી
પણે વિધાનસભાની ગેલેરીઓમાંથી
વંટોળ જેમ ઘુમરાતા
ગુલાંટ ખાતા ઊછળતા
ગોળ ચકરાતા ઘુમરાતા
ટપોટપ ટપોટપ ચોમેરથી પડતા
નાના થતાં મોટા થતાં
હાંફતા વર્તુળાતા
ઉપર તળે ઉપર થતાં … ધસી રહ્યા ..
શી રફતાર !
માંડ ઉકેલી શક્યો
સત્યમેવ જયતે !
રસ્તાની ધારે ધારે ચારે બાજુ હટૃ હટૃ છંકા
પૂર ઝડપે પસાર …!
એ જોઈ આસપાસનાં વૃક્ષો
હસી હસી લોટપોટ થાય
રસ્તા પર જતી આવતી
મોટરકારોની ચળકતી સપાટી પર
’સત્યમેવ જયતે’નાં બિબં પ્રતિબિબં ચીરાય … સરી જાય સટૃ
રાહદારીઓની આંખો જાણે લખોટીઓ —
દેશ આખો જાણે લાક્ષાગહ
‘સત્યમેવ જયતે’ના ધસારાનો ઘસારો
તણખો પાડી દેશે તો …?
પડે એની રાહ જોઉં છું … તમે ય ?
તમે ય જુઓ છો ને રાહ …
સૌજન્ય : “નિરીક્ષક”, 16 મે 2021; પૃ. 15