આના માટે વડા પ્રધાન નરેન્દ્ર મોદીને પણ અભિનંદન આપવાં જોઈએ કે તેમણે લોકોની અંદર કોટો જાળવી રાખ્યો હતો. સરેરાશ આમ આદમીને એમ લાગતું હતું કે વડા પ્રધાને એવો મોટો હથોડો માર્યો છે કે બસ આજકાલમાં શ્રીમંતોની આત્મહત્યાના સમાચારો આવવાના શરૂ થઈ જશે. બસ, કોઈ બચવાનું નથી એમ નરેન્દ્ર મોદી કહેતા રહ્યા અને લોકો શ્રીમંતોની આત્મહત્યાઓની ખબરની રાહ જોતા રહ્યા એમાં સંકટના દિવસો વીતી ગયા
ઇટ ઇઝ ઑફિશ્યલ. નોટબંધીનો નિર્ણય નિરર્થક સાબિત થયો છે એનો આડકતરી રીતે સરકારે સ્વીકાર કરી લીધો છે. નોટબંધી પછી જૂની નોટમાં જો કોઈ પાસે અમર્યાદિત પ્રમાણમાં કાળું નાણું હોય તો એને જમા કરાવવા માટે ઍમ્નેસ્ટી સ્કીમ જાહેર કરવામાં આવી હતી. હવે સરકારે કબૂલ કર્યું છે કે એ સ્કીમ હેઠળ માત્ર પાંચ હજાર કરોડ રૂપિયા જાહેર થયા છે. જ્યારે નોટબંધી જાહેર કરવામાં આવી ત્યારે દેશમાં કુલ ૧૭.૭૭ લાખ કરોડ રૂપિયાની નોટ બજારમાં ફરતી હતી અથવા બૅન્કોમાં જમા હતી. આમાંથી પાંચસો અને હજારની નોટમાં ૧૪.૧૮ લાખ કરોડ રૂપિયા હતા. જો ટકાવારી કાઢવી હોય તો કુલ ચલણના ૦.૨૭ ટકા થયા. આટલી મામૂલી સફાઈ માટે આટલી મોટી હેરાનગતિ? એના કરતાં વધુ રૂપિયા તો નવી નોટ છાપવા પાછળ ખર્ચાયા હશે.
વડા પ્રધાને ૮ નવેમ્બરે નોટબંધી જાહેર કરી ત્યારે આવું આકરું પગલું ભરવા પાછળનાં ત્રણ કારણ આપ્યાં હતાં. પહેલું મોટું કારણ કાળાં નાણાંને પકડવાનું અને આર્થિક સફાઈનું હતું. બીજું કારણ ત્રાસવાદીઓને મળતા ફન્ડને અટકાવવાનું હતું અને ત્રીજું કારણ નકલી નોટોને ચલણમાંથી બહાર કાઢવાનું હતું. સરકારે એમ પણ કહ્યું હતું કે દુશ્મનદેશ નકલી નોટો છાપે છે અને ભારતમાં ઘુસાડે છે. ત્રાસવાદીઓનું નેટવર્ક પણ નકલી નોટોનો ભારતને અસ્થિર કરવા માટે ઉપયોગ કરે છે. વડા પ્રધાનની જાહેરાત પછી દેશમાં સોપો પડી ગયો હતો. સરકારે જ્યારે આવડું મોટું અને પ્રજાને હેરાન કરનારું પગલું ભર્યું છે તો સરકારે પૂરી તૈયારી કરીને ભર્યું હશે એમ માનવામાં આવતું હતું. એક રીતે જુઓ તો સરકારે મોટું સાહસ કર્યું હતું.
ત્રણ તૈયારીની અપેક્ષા મુખ્ય હતી. એક તો કેટલું કાળું નાણું દેશમાં સંગ્રહાયેલું છે એનો કોઈ અંદાજ સરકાર પાસે હોવો જ જોઈએ. રિઝર્વ બૅન્કે કેટલી નોટો છાપી છે અને એમાંથી કેટલી નોટો બૅન્કિંગ સિસ્ટમમાં ફરી રહી છે અને કેટલી નથી ફરી રહી એના આધારે કાળું નાણું કેટલું છે એનો ચોક્કસ નહીં તો પણ કાચો અંદાજ માંડી શકાય. મોટા પ્રમાણમાં કાળું નાણું હોય તો જ સરકાર પ્રજાને હેરાન કરતું પગલું ભરે એમ માની લેવામાં આવ્યું હતું. બીજી અપેક્ષા એવી હતી કે કાળું નાણું પાછલે બારણેથી બૅન્કોમાં જમા ન થાય એની સરકારે પાકી વ્યવસ્થા કરી હશે. ખાળે ડૂચા અને દરવાજા ખુલ્લા જેવી બેવકૂફી તો સરકાર ન જ કરે. જેના ઘરમાં દસ-પંદર લાખ કરતાં વધારે રૂપિયા પાંચસો અને હજારની નોટમાં પડ્યા હશે એ કાં તો પસ્તી થઈ જશે અને કાં ઍમ્નેસ્ટીના માર્ગે અમુક રકમ સરકારની તિજોરીમાં જમા કરાવીને નાણાં સફેદ કરવાં પડશે. એ પણ સરકાર ઍમ્નેસ્ટીનો વિકલ્પ આપે તો. સરકારે જે દિવસે નોટબંધીની જાહેરાત કરી ત્યારે હજી ઍમ્નેસ્ટીનો વિકલ્પ જાહેર નહોતો કર્યો, એટલે પસ્તીની સંભાવના મોટી હતી. ત્રીજી અપેક્ષા એવી હતી કે રિઝર્વ બૅન્કે પૂરતા પ્રમાણમાં નવી નોટો છાપીને જમા રાખી હશે એટલે વધુમાં વધુ પખવાડિયામાં સાફસૂફી પણ થઈ જશે અને નવી નોટોમાં દેશનું અર્થતંત્ર પાટે ચડી જશે.
આગળ કહ્યું એમ દેશમાં સોપો પડી ગયો હતો. દરેક માણસ એમ માનીને ચાલતો હતો કે આવડો મોટો નિર્ણય સરકારે લીધો છે તો એની ગણતરી અને તૈયારી બન્ને પાકી હશે. એટલે તો પ્રારંભમાં વિરોધ પક્ષો નોટબંધીના નિર્ણયનો વિરોધ કરતાં ડરતા હતા. આ લખનાર સહિતના રાજકીય સમીક્ષકોએ નિર્ણયને આવકાર્યો હતો. કોઈને ત્યારે એમ નહોતું લાગતું કે સરકારે કોઈ ગણતરી અને તૈયારી વિના આવડું મોટું સાહસ કર્યું હશે. એ પછી જે બન્યું એ હાસ્યાસ્પદ ઇતિહાસ છે. ગણતરીના દિવસોમાં લોકોને જાણ થઈ ગઈ કે સરકારે કોઈ તૈયારી નથી કરી. કેન્દ્રના નાણાપ્રધાન અરુણ જેટલીએ લોકસભામાં કહ્યું હતું કે નોટબંધી જાહેર કરી એ પહેલાં સરકાર પાસે કોઈ ભરોસાપાત્ર અંદાજ નહોતો કે કેટલું કાળું નાણું દેશમાં ફરી રહ્યું છે. છીંડાં બંધ કરવામાં નહોતાં આવ્યાં એટલે લોકોએ જે મળ્યા એ માણસોને લાઇનમાં ઊભા રાખીને બૅન્કોમાં પૈસા જમા કરાવી દીધા હતા. વાળીચોળીને જેટલા પૈસા હતા એ જમા થઈ ગયા હતા. લોકો તો કહે છે કે ૮ નવેમ્બરે નોટબંધી જાહેર કરી એ દિવસે રિઝર્વ બૅન્કે પાંચસો અને હજારની નોટનો જે આંકડો આપ્યો હતો એના કરતાં વધુ રૂપિયા જમા થયા છે. રિઝર્વ બૅન્ક ચૂપ છે અને સાચો આંકડો જાહેર નથી કરતી. આ ઉપરાંત નોટોની મોટી તંગી પેદા થઈ હતી જેનો હજી અંત નથી આવ્યો.
આમ નોટબંધી કરવા પાછળના ત્રણેય ઉદ્દેશ નિષ્ફળ નીવડ્યા હતા. સરકારને પણ સમજાઈ ગયું હતું કે કારણ વિનાનું નોટબંધીનું દુસ્સાહસ રાજકીય રીતે મોંઘું પડી શકે એમ છે એટલે ગોલ-પોસ્ટ બદલીને કૅશલેસ ઇન્ડિયાનું નવું ગતકડું રમતું કરવામાં આવ્યું હતું. જ્યારે નોટબંધી જાહેર કરવામાં આવી ત્યારે કૅશલેસનો ઉલ્લેખ સુધ્ધાં કરવામાં નહોતો આવ્યો. યેનકેનપ્રકારેણ નોટબંધીના નિર્ણયને યોગ્ય ઠેરવવાનો હતો. સરકાર નસીબદાર કે પેટ ચોળીને પેદા કરવામાં આવેલા શૂળમાં સરકાર બચી ગઈ. આને માટે વડા પ્રધાન નરેન્દ્ર મોદીને પણ અભિનંદન આપવાં જોઈએ કે તેમણે લોકોની અંદર કોટો જાળવી રાખ્યો હતો. સરેરાશ આમ આદમીને એમ લાગતું હતું કે વડા પ્રધાને એવો મોટો હથોડો માર્યો છે કે બસ આજકાલમાં શ્રીમંતોની આત્મહત્યાના સમાચારો આવવાના શરૂ થઈ જશે. બસ, કોઈ બચવાનું નથી એમ નરેન્દ્ર મોદી કહેતા રહ્યા અને શ્રીમંતોની આત્મહત્યાઓની ખબરની રાહ જોતા રહ્યા એમાં સંકટના દિવસો વીતી ગયા.
આ તો કાળાં નાણાંની વાત થઈ. રોકડ નાણાંના અભાવમાં દેશના અર્થતંત્રને જે નુકસાન પહોંચ્યું છે એ તો રોકડું નુકસાન છે. સાડાસાત ટકાનો GDP આ વરસના જાન્યુઆરી-માર્ચના ત્રિમાહીમાં ૬.૧ ટકા પર નીચે આવી ગયો છે. ડૉ. મનમોહન સિંહે રાજ્યસભામાં બોલતાં જે અંદાજ વ્યક્ત કર્યો હતો એનાં કરતા એક ટકો વધુ નીચે જતો રહ્યો છે. હવે નાણાપ્રધાન અરુણ જેટલી બચાવ કરે છે કે વિકાસદરના પ્રમાણમાં થયેલો ઘટાડો નોટબંધીનું પરિણામ નથી. કદાચ આખા જગતમાં આમ માનનારી તેઓ એકમાત્ર વ્યક્તિ છે. તેમણે બીજી વાત એ કરી છે કે નબળા અર્થતંત્રના સંકેત નોટબંધી પહેલાંથી જ નજરે પડવા લાગ્યા હતા. જો એમ હોય તો કોઈ ડાહ્યો માણસ નોટબંધી કરીને પ્રતિકૂળતામાં વધારો કરે? કયા દૃષ્ટિકોણથી નોટબંધીનો બચાવ કરવો? એકેય તર્ક નજરે નથી પડતો.
સૌજન્ય : ‘કારણ-તારણ’ નામે લેખકની કોલમ, “ગુજરાતી મિડ-ડે”, 03 જૂન 2017
![]()


ગયા ગુરુવારે રૉજર આઇલ્સ નામના એક અમેરિકન પત્રકારનું મૃત્યુ થયું એની નોંધ ખબર નહીં કેમ ભારતીય મીડિયાએ લીધી નથી. સાધારણપણે પત્રકાર એવી કોઈ મોટી હસ્તી નથી ગણાતી કે તેના મૃત્યુના સમાચાર જગતભરનાં અખબારોનો વિષય બને, પણ રૉજર આઇલ્સના અવસાનની નોંધ લેવી પડે એવા પત્રકાર હતા. આટલી પૂર્વભૂમિકા વાંચ્યા પછી તમારા મનમાં થતું હશે કે રૉજર આઇલ્સ કોઈ મરદનો દીકરો એવો જાંબાઝ પત્રકાર હશે જેણે જાનના જોખમે સત્ય માટે લડત આપી હશે અને સત્ય બહાર આણ્યું હશે.