ગૂર્જર વસુંધરાએ વિશ્વને ચરણે ભેટ ધરેલાં કેટલાંક સારસ્વતરત્નોમાં એક મધુસૂદન અમીલાલ ઢાંકીનું તા. ૨૯ જુલાઈ, ૨૦૧૬ના રોજ અવસાન થયું. ભગવાનલાલ ઇન્દ્રજીનું ભારતીય અભિલેખવિદ્યામાં અને હસમુખ સાંકળિયાનું ભારતીય પુરાતત્ત્વમાં જેવું પ્રદાન છે, તેવું જ પ્રદાન મધુસૂદન ઢાંકીનું ભારતીય દેવાલય-સ્થાપત્યનાં ક્ષેત્રે રહ્યું.
મૂળે પોરબંદર પાસે ઢાંક ગામના હોવાથી અટક ઢાંકી. એમનું મૂળ નામ તો સરસ્વતીચંદ્ર અને ધોરણ પાંચ સુધી એ જ નામ ચાલુ રહેલું. ત્યાર બાદ બાપુજીને કોઈએ કહ્યું કે આ નામ રાશિ પ્રમાણે નથી, તો રાશિ પ્રમાણે નામ પાડવું, ને નામ પડ્યું મધુસૂદન. એમનો જન્મ ૩૧ જુલાઈ, ૧૯૨૭ના રોજ પોરબંદરમાં થયેલો. પ્રાથમિક અને માધ્યમિક શિક્ષણ તેમણે પોરબંદરમાં પ્રાપ્ત કર્યું. અને તે પછી તેમણે પુણેની જગત્ખ્યાત ફર્ગ્યુસન કૉલેજમાંથી ભૂસ્તરવિદ્યા અને રસાયણશાસ્ત્રના વિષયો સાથે બીએસ.સી.ની પદવી પ્રાપ્ત કરી.
તેમની કારકિર્દીનો પ્રારંભ બૅંકની નોકરીથી થયો, એમણે એ પછી જૂનાગઢમાં ઉદ્યાનવિદ (horticulturist) તરીકે પણ કામગીરી બજાવી. અલબત્ત, જીવ મૂળે સંશોધનનો અને કલા-સ્થાપત્યનો એટલે ૧૯૫૧માં અન્ય મિત્રો સાથે ‘પોરબંદર પુરાતત્ત્વ સંશોધકમંડળ’ની સ્થાપના કરી અને પોરબંદરની આસપાસ જૂનાં સ્થાપત્યોની શોધ ચલાવી અને ઘણાં નવાં મંદિરો શોધી કાઢ્યાં. વડોદરા મ્યુિઝયમના રક્ષપાલ (curator) હરમાન ગ્યોત્સે તેમની કામગીરીને બિરદાવી અને પ્રોત્સાહન પણ આપ્યું. ત્યાર બાદ તેઓ તેમના મનગમતા પુરાતત્ત્વના વ્યવસાયમાં જોડાયા અને જૂનાગઢ અને જામનગરનાં સંગ્રહાલયમાં તેમણે રક્ષપાલ તરીકે કામગીરી બજાવી. તત્પશ્ચાત્ તેઓ રાજકોટ ખાતે ડિપાર્ટમેન્ટ ઑફ આર્કિયોલૉજી અને મ્યુિઝયમમાં જોડાયા. આ સમય દરમિયાન તેમણે પ્રભાસપાટણના ઉત્ખનનમાં મહત્ત્વની કામગીરી બજાવી અને કચ્છની લોકકલાઓ અંગે પણ ક્ષેત્રકાર્ય કર્યું. આજે કચ્છી ભરતકામ વિશ્વપ્રસિદ્ધ છે, પણ એ સમયે ગુજરાત બહાર બહુ ઓછા લોકો એ વિશે કશું જાણતા. ઢાંકીસાહેબના ક્ષેત્રકાર્યમાંથી નીપજેલા પુસ્તકે વિદ્યાકીય જગતમાં કચ્છની અદ્ભુત ભરતકલા અને મણકાકામ વિશે આધારભૂત માહિતી પૂરી પાડી. ગુસેપ્પે તુચ્ચી જેવા ઇટાલિયન વિદ્વાને આ પુસ્તકને ‘ખૂબ રસપ્રદ’ ગણાવી, આ પ્રકારની ન જાણીતી લોકકલાઓ વિશે કામ કરવા અધ્યેતાઓને આહ્વાન આપેલું. પુરાતત્ત્વ સર્વેક્ષણમાં હતા તે દરમિયાન જ તેમણે ભારતીય પુરાતાત્ત્વિક સંદર્ભમાં મળતા મણિ-મણકાઓનો અભ્યાસ કર્યો અને એના પરિણામે લખાયેલ પુસ્તક કદી પ્રસિદ્ધ જ ન થયું અને છેવટે ગેરવલ્લે ગયું.
પણ એમનો રસનો મૂળ વિષય તો મંદિરોનું સ્થાપત્ય. આ વિષયના તલસ્પર્શી અભ્યાસનું પરિણામ એટલે એમનો પહેલો દીર્ઘલેખ ‘ગુજરાતનાં સોલંકીયુગીન મંદિરોની આનુપૂર્વી’. આ લેખથી પ્રથમ વાર જ ભારતનાં કોઈ પણ પ્રદેશનાં અને કોઈ પણ યુગનાં મંદિરોની સાલવારી અને એ દ્વારા તેમની આનુપૂર્વી અને એમ એનો પ્રારંભ, વિકાસ અને એવાં અન્ય સ્થાપત્ય અને કલાનાં લક્ષણો નિશ્ચિત કરી શકાયાં. આ લેખ મંદિરસ્થાપત્યના વિકાસ અને ઉત્ક્રાન્તિની દૃષ્ટિએ તથા સ્થાપત્યની સંશોધનપદ્ધતિના પ્રતિમાનરૂપ મનાય છે. એ પછી તેમણે સોલંકીયુગીન મંદિરોનાં વિતાન (છત) અંગે તથા મૈત્રક તથા સૈંધવયુગીન દેવાલયો અંગે પોતાના સુદીર્ઘ લેખો આપ્યા. આ લેખોને આધાર રાખીને પછી અન્ય ભારતીય અને પરદેશી અભ્યાસીઓએ અન્ય વિસ્તારો અને અન્ય યુગમાં રચાયેલાં સ્થાપત્યોની આનુપૂર્વી નક્કી કરતાં સંશોધનો કર્યાં. ગૅરી તાર્તોવ્સ્કી જેવા સ્થાપત્યવિદ ઢાંકીસાહેબને ‘ભારતીય દેવાલય-સ્થાપત્યના અભ્યાસના પિતા’ તરીકે ઓળખાવે છે, તો જ્યૉર્જ મિશેલ જેવા ઇતિહાસકાર ઢાંકીસાહેબને ‘ભારતીય દેવાલય સ્થાપત્યના વિશ્વકર્મા -‘the architect divine’ સાથે સરખાવે છે. ૧૯૬૬માં તેઓ વારાણસીમાં અમેરિકન એકૅડમી (પાછળથી અમેરિકન ઇન્સ્ટિટ્યૂટ ઑવ ઇન્ડિયન સ્ટડિઝ)માં જોડાયા, અને ત્યાંથી જ સેન્ટર ફોર આર્ટ ઍન્ડ આર્કિયોલૉજીના નિયામકપદેથી નિવૃત્ત થયા. ઢાંકીસાહેબ અમદાવાદની એલ. ડી. ઇન્સ્ટિટ્યૂટ ઑવ ઇન્ડોલૉજીમાં પણ ભારતીય કલા-સ્થાપત્યના પ્રાધ્યાપક તરીકે સેવા બજાવતા હતા. કલા-સ્થાપત્યના અભ્યાસ અર્થે તેમણે લગભગ સમગ્ર ભારતમાં ભ્રમણ કર્યું, તો ભારતીય કલા-સ્થાપત્યની પડોશી દેશો પર પડેલી અસરો અને ત્યાંથી સ્થાનિક શૈલીઓનો અભ્યાસ કરવા માટે તેમણે શ્રીલંકા અને ઇન્ડોનેશિયામાં પણ ક્ષેત્રકાર્ય કર્યું. ગૉથિક સ્થાપત્ય માટે ઢાંકીસાહેબને એક અજ્ઞાત ખેંચલગની છે, અને એ સ્થાપત્યના અભ્યાસ માટે તેમણે ઇંગ્લૅન્ડ, ફ્રાન્સ, સ્વીટ્ઝર્લૅન્ડમાં ક્ષેત્રકાર્ય કર્યું.
પહેલાં ભારતીય સ્થાપત્યનું વર્ણન અને મૂલ્યાંકન પણ સામાન્ય રીતે યુરોપના સ્થાપત્યની પરિભાષાના આધારે જ કરવામાં આવતું. તેમણે પ્રથમ વાર જ સંસ્કૃતમાં લખાયેલા વાસ્તુશાસ્ત્રના ગ્રંથોને આધારે દેવાલય – સ્થાપત્યની પરિભાષા નિશ્ચિત કરી આપી, એ એમનું એક મોટું પ્રદાન છે. આ જ કાર્યના ભાગ રૂપે તેમણે કેટલીયે વાસ્તુશાસ્ત્રને લગતી કૃતિઓનાં સાચાં અને તર્કપૂત સમયાંકનો કરી આપ્યાં છે.
અમેરિકન ઇન્સ્ટિટ્યૂટમાં જોડાયા પછી તેમણે ભારતીય દેવાલય સ્થાપત્ય મહાકોશ (Encylopedia of Indian Temple Architecture) રચવાની યોજના ઘડી અને એ પ્રકલ્પ અન્વયે તેમણે ભારતનું તથા અન્ય દેશોનું ક્ષેત્રકાર્ય અર્થે ભ્રમણ કરી અસંખ્ય ફોટો લેવડાવ્યા, વિધાનો (plan) તૈયાર કરાવડાવ્યાં તથા એ મંદિરો વિષયક દંતકથાઓ એકઠી કરી. આ ભગીરથ ક્ષેત્રકાર્ય, સંસ્કૃતના વાસ્તુશાસ્ત્ર ગ્રંથોના વર્ષોના અધ્યયન અને સમકાલીન સ્રોતોના ચિકિત્સક-પરિશીલનને અંતે છેક ૧૯૮૩માં એનો પ્રથમ ગ્રંથ પ્રકટ કરી શકાયો. અત્યાર સુધીમાં દક્ષિણ ભારતનાં દેવાલયો અથવા દ્રાવિડી શૈલીનાં દેવાલયોને લગતો છેલ્લો અને પાંચમા ભાગ જે શબ્દાવલિઓને લગતો છે, તે લગભગ પૂર્ણ થઈ પ્રસિદ્ધ થવામાં હતો પણ પછી બાકીનું કાર્ય અપૂર્ણ જ રહ્યું. તેમણે મંદિરોના સ્થાપત્ય, શિલ્પ અને સ્થાપત્યના વિવિધ અંશો વિશે સ્વતંત્ર પુસ્તકો કરેલાં છે. પાછલા અરસામાં તેમની નાદુરસ્ત તબિયત છતાં તેઓ શેત્રુંજીનાં મંદિરો વિશેના પોતાના પુસ્તકને આખરી ઓપ આપી રહ્યા હતા. અમેરિકાની મિનિસોટા યુનિવર્સિટીના કલા-સ્થાપત્ય વિભાગમાં વડા ફ્રેડરિક આશરે ઢાંકીસાહેબના ‘ભારતીય દેવાલયોની જાળીઓ’ પુસ્તકના આમુખમાં લખેલું કે ‘It is with pride, then, that the American Institute of Indian Studies presents another publication by one of the most prolific scholars in any field and certainly the one who knows this tradition [scil. Indian temple architecuture] better and more deeply that any other scholar in the world.’
‘ભારતીય દેવાલય-સ્થાપત્ય મહાકોશ’ના છ બૃહત્કાય ગ્રંથો સિવાય ત્રણસો ઉપરાંત પુસ્તકો, ગ્રંથો, લેખો, નોંધોમાં તેમની વિદ્યાનિષ્ઠા અને અભ્યાસપ્રીતિ જોઈ શકાય છે. ભારતીય સ્થાપત્ય સિવાય નિર્ગ્રંથ એટલે કે જૈનધર્મ અને એના ઇતિહાસ અને સાહિત્ય અંગે પણ ઢાંકીસાહેબનાં સંશોધનો ખૂબ જાણીતાં છે. એમણે જૈનસાહિત્યની વિવિધ કૃતિઓના પાઠ નિશ્ચિત કરી આપ્યા અને કૃતિઓના તેમ જ એમના કર્તાઓના સમય આંકી આપ્યા.
અનેક વિદ્યાઓમાં વિચરતાં તેમનાં રસ-રુચિ-કલા-સ્થાપત્ય અને સાહિત્ય સિવાય સંગીતમાં પણ ખૂબ આગળ વધ્યા. તેમણે હિન્દુસ્તાની અને કર્ણાટકી એમ બેઉ ભારતના માર્ગી એટલે કે શાસ્ત્રીય સંગીતની પણ તાલીમ લીધી. આ તાલીમ અને તેમની સંશોધનની મૂળભૂત વૃત્તિને કારણે સંગીતના ક્ષેત્રે પણ તેમણે મહત્ત્વના લેખો આપ્યા વખત જતાં, જે તેમના ગ્રંથ ‘સપ્તક’માં સંગૃહિત થયા, અને તજ્જ્ઞો દ્વારા પ્રસંશા પામ્યા. મૂળે ભૂસ્તરવિદ્યાના વિદ્યાર્થી હોવાને નાતે તેમ જ વિશિષ્ટ સૌંદર્યદૃષ્ટિને કારણે તેમને રત્નોમાં પણ ખાસ દિલચશ્પી રહી, અને રત્નશાસ્ત્રને લગતાં પણ કેટલાંક લખાણો તેમણે કર્યાં.
પાછલાં વર્ષોમાં તેમણે સર્જનાત્મક સાહિત્યની દિશામાં પણ પોતાની કલમ ચલાવી. સર્જનાત્મક સાહિત્યનો એમનો સમુચ્યચ ગ્રંથ ‘તામ્રશાસન’ નામે પ્રગટ થયો. ઢાંકીસાહેબને કુમારચંદ્રક, પ્રાકૃત જ્ઞાનપીઠ પુરસ્કાર, કેમ્બલ મમોરિઅલ ગોલ્ડમૅડલ અવ એશિયાટિક સોસાયટી અવ બૉમ્બે, હેમચંદ્રાચાર્ય ઍવૉર્ડ, રસિકલાલ છોટાલાલ પરીખ સુવર્ણચંદ્રક, ગુજરાત વિદ્યાસભાનો પ્રતિષ્ઠિત ‘રણજિતરામ સુવર્ણચંદ્રક’ અને બીજાં કેટલાંક સન્માન પ્રાપ્ત થયાં. વર્ષ ૨૦૧૦માં ભારત સરકાર દ્વારા ‘પદ્મભૂષણ’ના નાગરિક-સન્માન માટે પણ તેમની પસંદગી કરવામાં આવી હતી. તેમના લલિતલખાણોના પુસ્તક ‘શનિમેખલા’ માટે તેમને ગુજરાતી સાહિત્ય પરિષદનું ‘ઉમાસ્નેહરશ્મિ’ પારિતોષિક પણ પ્રાપ્ત થયેલું.
ઢાંકીસાહેબ સંશોધક તરીકે જેટલા કડક અને શિસ્તપ્રિય હતા, એટલા જ એક માણસ તરીકે સ્નેહાર્દ્ર અને ઉષ્મિલ હતા. એમના સંપર્કમાં આવનાર કોઈ પણ વ્યક્તિ તેમના શિશુસહજ હાસ્ય, એમની પ્રત્યુત્પન્નમતિ અને વિનોદવૃત્તિથી, એમના વિનમ્ર અને ગુણગ્રાહી સ્વભાવથી એમનું ન થઈ જાય તો નવાઈ જ!
આવા મહાન સરસ્વતીપુત્રને આપણાં વંદન!
e.mail : nasatya@gmail.com
સૌજન્ય : “નિરીક્ષક”, 01 સપ્ટેમ્બર 2016; પૃ. 20-21