
સુમન શાહ
હરારીના “Nexus” પુસ્તકમાંથી પસાર થતાં, મને ગુજરાતી સાહિત્યમાં મેં વાંચેલાં ચિન્તનાત્મક પુસ્તકોમાંનાં બે ખાસ યાદ આવે છે, કિશોરલાલ મશરૂવાળા-લિખિત, “સમૂળી ક્રાન્તિ” (૧૯૪૮) અને ગો.મા.ત્રિ.-લિખિત “સાક્ષરજીવન” (૧૯૧૯).
યાદ આવવાનું કારણ એ છે કે બન્ને પુસ્તકોમાં રજૂ થયેલો વિચારપક્ષ અઘરો છે, ગમ્ભીર છે, ગભીર અથવા ગહન પણ છે. પરન્તુ બન્ને લેખકોએ પોતાના વિચારપક્ષને તર્કસરણીએ વિકસાવ્યો છે, અને તેથી તેમાં જરૂરી વિષય-વિભાજનોની ચૉક્કસ વ્યવસ્થા ઊભી કરી છે. પરિણામે, સમગ્ર રજૂઆત વિશદ અને પારદર્શક બની આવી છે. રજૂઆતની એ ગુણવત્તાઓને કારણે તેમાં વાચકનો પ્રવેશ સરળ અને સુખદ બન્યો છે. ‘સુખદ’ એટલે, બધું છે ગમ્ભીર ગહન અને અઘરું, પણ સમજી શકાય એવું સરળ છે, અથવા સમજી શકાય એવું સરળ છે, પણ છે ગમ્ભીર ગહન અને અઘરું.
કિશોરલાલ સમૂળી ક્રાન્તિનો વિચારપક્ષ લઈને આવ્યા છે. તદનુસાર, સમૂળી ક્રાન્તિ માટે માનવજીવનમાં અનિવાર્યપણે સંકળાયેલાં ધર્મ, અર્થ, રાજ્ય, કેળવણી એ ચાર ક્ષેત્રોમાં ક્રાન્તિ થવી જરૂરી છે. કિશોરલાલના લેખનની વિશેષતા એ છે કે દરેક ક્રાન્તિ માટે એમણે પૂરતી વિચારણા કરી છે, અને અ-પૂર્વ રોચક વિધાનો કર્યાં છે : જેમ કે, ધર્મોને ‘નિષ્પ્રાણ’ કહ્યા છે. આર્થિક ક્રાન્તિ માટે તેમાં ‘ચારિત્ર્ય’-ને ઉમેર્યું છે. લોકશાહીને સ્થાને ‘સુરાજ્ય’-નો પ્રકલ્પ દર્શાવ્યો છે. શિક્ષણ અને કેળવણી વચ્ચેનો ‘ભેદ’ આગળ કર્યો છે. વગેરે.
ગોવર્ધનરામ સાક્ષર અને તેના જીવનનો, એટલે કે, તેની પુરુષાર્થભરી કારકિર્દી વિશેનો, પોતાનો વિચારપક્ષ રજૂ કરે છે. લેખક સાક્ષરજીવનના પ્રકારથી વાત શરૂ કરીને, શુક, બાલ, લક્ષણ, એ ત્રણ દૃષ્ટાઓનાં સ્વરૂપ અને કાર્યપદ્ધતિ વીગતે સમજાવે છે. નૉંધપાત્ર વિશેષતા એ છે કે ગોવર્ધનરામ સાક્ષરત્વના ઇતિહાસને તેનાં મૂળ અને વ્યાપ સહિત રજૂ કરે છે. વિસ્તૃત પરિશિષ્ટ સહિતના ૨૫૪ પાનનો આ અપૂર્ણ ગ્રન્થ એ રીતે પૂર્ણ દીસે છે કે લેખકે એમાં અનેક જીવનકથાઓ, ઘટનાઓ અને દૃષ્ટાન્તો વડે તેમ જ લગભગ પાને પાને સંસ્કૃત અને અંગ્રેજી અવતરણો વડે પોતાનાં મન્તવ્યો પુષ્ટ કર્યાં છે. એ અર્થમાં સાક્ષરજીવનવિષયક વિચારપક્ષને ચૉક્કસ આધાર મળ્યો છે, આકાર મળ્યો છે. વગેરે.
બન્ને પુસ્તકોમાં પર્યાપ્ત વિચારવિમર્શ રજૂ થયો છે, પણ તેની વીગતોમાં ઊતરવાનું હાલ અહીં કારણ નથી.
+
કિશોરલાલ અને ગોવર્ધનરામનાં એ પુસ્તકોનાં અધ્યયનમાં અને અધ્યાપનમાં મને આનન્દ તો આવેલો, પણ એ બન્ને મહાનુભાવોના એ વિચાર-ચિન્તનનો આપણે ત્યાં કશો દેખીતો પ્રભાવ કે વૈચારિક સાતત્ય જોવા નહીં મળેલાં, તેથી અફસોસ પણ થયેલો.
હરારીના વિચારો સંદર્ભે એ પ્રકારનો અફસોસ થવો મને અસંભવિત નથી લાગતો. મેં કહેલું કે હરારી પોતાના વાચકને વિચારો વડે અને વિચારો સાથે ઉત્તેજિત કરવા ચાહે છે. તેઓ “Nexus”-માં, વિવિધ માહિતી-જાળથી રચાનારા સામાજિક, સાંસ્કૃતિક કે રાજકીય આવિષ્કારો વિશે, ખાસ તો, નુક્સાનો વિશે, પોતાના વાચકને જાગ્રત કરવા માગે છે. મજાકમાં કહું કે તેઓ ભારતીય રાજકારણી નથી, નહિતર ઢંઢેરો પીટત અને કહેત કે પ્રતિપક્ષી કો માર હટાવો, વિજય હમારા નિશ્ચિત હૈ …
+ +
હરારીનાં બધાં પુસ્તકોમાં તેમ “Nexus”-માં પણ એવી જ ગુણવત્તાઓ હાજર છે. આપણે જોઈ શકીએ છીએ કે હરારી માહિતી-જાળના ઇતિહાસને તેનાં મૂળ અને વ્યાપ સહિત પુસ્તક સમગ્રમાં રજૂ કરી રહ્યા છે. વળી, એમાં પણ વિષય-વિભાજન તેમ જ ઐતિહાસિક ઘટનાઓ, કથાઓ અને દૃષ્ટાન્તોના આધારો સાથેની સુચારુ વ્યવસ્થા છે, અને હરારીએ પોતે જ વાચકો માટે એ વ્યવસ્થાને, કહો કે, ફ્રૅન્ડલિ બનાવી આપી છે. પોતે પુસ્તકના દરેક ભાગમાં અને તેનાં પ્રકરણોમાં મુખ્ય શું અને કેમ પીરસ્યું છે અને ગૌણને કેમ ટાળ્યું છે, શું કહેવું પોતાને અભિપ્રેત છે અને પોતાની મર્યાદામાં રહીને શેને વિશે ચૂપ રહેવું છે, તે પૂરી વ્યવસ્થાની વાત એમણે વીગતે કરી છે, જુઓ :
પહેલા ભાગમાં, વિશાળ કદ-માપની વિવિધ માહિતી-જાળની તપાસ માટે એમણે બે જરૂરી સિદ્ધાન્તોનો ઉલ્લેખ કર્યો છે : માયથોલૉજિ અને બ્યુરોક્રસી. પ્રકરણ ૨ અને ૩ – માં, દર્શાવ્યું છે કે બ્યુરોક્રેટ્સ અને મિથમેકર્સમાં પ્રાચીન રાજાશાહીને ભરોસો હતો, વર્તમાન રાજ્યોને પણ છે. પ્રકરણ ૪ -માં, માહિતીની પુષ્કળતાના પ્રશ્નની તેમ જ સૅલ્ફમિકેનિઝમના લાભાલાભની ચર્ચા કરી છે. પ્રકરણ ૫ -માં, ડિસ્ટ્રબ્યુટેડ અને કેન્દ્રીકૃત જાળની ચર્ચા છે.
બીજા ભાગમાં, હરારીએ દર્શાવ્યું છે કે આપણો વર્તમાન AI જેવી મનુષ્ય વડે સરજાયેલી વિવિધ માહિતી-જાળથી ખચિત છે, જેનાં પરિણામોને આપણે નથી વિચાર્યાં, જેની આપણે ચિન્તા નથી કરી. એનો અર્થ એ કે આપણે ઑર્ગેનિકથી ઇન્ઑર્ગેનિક માહિતી-જાળની દિશામાં સરકી રહ્યા છીએ. રોમન ઍમ્પાયર, કૅથોલિક ચર્ચ કે યુ.ઍસ.ઍસ.આર. માહિતીની પ્રક્રિયા માણસના મગજ પર કરતાં, જેને હરારી ‘કાર્બન-બેઝ્ડ બ્રેઇન’ કહે છે. પણ હવે એ પ્રક્રિયા જે પર થાય છે, એને તેઓ ‘સિલિકોન-બેઝ્ડ’ કહે છે.
ત્રીજા ભાગમાં, ઇન્ઑર્ગેનિક માહિતી-જાળનાં જોખમ, પડકાર અને પ્રૉમિસિસની ચર્ચા છે. પ્રકરણ ૯ -માં દર્શાવ્યું છે કે એની સાથે લોકશાહી કેવુંક પાનું પાડી શકે. પ્રકરણ ૧૦ -માં, દર્શાવ્યું છે કે એની સાથે એકહથ્થુસત્તાવાદ કેવુંક પાનું પાડી શકે. અન્તિમ પ્રકરણ ૧૧ -માં, દર્શાવ્યું છે કે નવ્ય માહિતી-જાળ લોકશાહી અને એકહથ્થુસત્તાવાદ વચ્ચે કેવાક સ્વરૂપે સત્તાનું સંતુલન રચી શકે.
હરારીએ પ્રકરણોને શીર્ષકો અને પેટા શીર્ષકોથી વધારે સૂચક બનાવ્યાં છે.
આ ફ્રૅન્ડલિ વ્યવસ્થાની એક આડ-સગવડ એ છે કે માત્ર આ વિષય-વિભાજન વ્યવસ્થા વાંચીને પણ કોઈ પલ્લવગ્રાહી પણ્ડિત કહી શકે કે પોતે પુસ્તક સમગ્ર વાંચ્યું છે, પોતે એનો જ્ઞાતા છે!
+ +
સાહિત્યકાર, સાહિત્યરસિક મિત્ર, અધ્યાપક કે વિદ્યાર્થીને મેં પહેલેથી મારો વાચક ગણ્યો છે — ટાર્ગેટ રીડર. મેં જ્યારે પણ પશ્ચિમના સાહિત્ય વિશે લખ્યું હતું, અને આમ, હરારી સંદર્ભે લખી રહ્યો છું, મારો મૂળ આશય એ રહ્યો હોય છે કે ગુજરાતી સાહિત્યના હિતાર્થે એ વાચકને સમ્બોધીને કશુંક ઉપકારક ઉમેરવું.
ઓછામાં ઓછાં ૫૦ વર્ષથી પશ્ચિમના સાહિત્યવિચારમાં મોટું પરિવર્તન આવ્યું છે – તે છે, એનું અનેક સાહિત્યેતર વિદ્યાશાખાઓ સાથેનું જોડાણ. જેમ કે, ‘ન્યૂ ક્રિટિસિઝમ’-ના અસ્ત પછી સાહિત્યવિચાર સાથે સ્ટ્રકચરાલિઝમ, ડીકન્સ્ટ્રકશન કે પોસ્ટ-મૉડર્નિઝમ વગેરે જોડાયાં એને પરિણામે, પરમ્પરાગત સાહિત્યવિચારનું સ્વરૂપ બદલાઇ ગયું; એ હવે સર્વાંગી થયું છે, હોલિસ્ટિક. એટલે, અપેક્ષા ત્યારે એ હતી કે વાચક પાસે નૃવંશવિજ્ઞાન કે સમાજવિજ્ઞાનનું જ્ઞાન હોય, કંઇ નહીં તો, એના સાથસંગાથમાં ફિલસૂફી અને ભાષાવિજ્ઞાન તો હોવાં જ જોઈએ.
હરારીનાં માહિતી-જાળ વિશેનાં મન્તવ્યો અને સમીક્ષા સમજવા માટે મારા એ વાચક પાસે ગુજરાત, ભારત અને વિશ્વના સામાજિક, સાંસ્કૃતિક કે રાજકીય પરિદૃશ્યનું ઓછામાં ઓછું જ્ઞાન, નહિતર, માહિતી તો હોવાં જ જોઈશે. પણ સ્વીકારી લઈએ કે, મારા એ વાચક પાસે આજે એ નથી. એટલે, અપેક્ષા એ રહે છે કે કંઈ નહીં તો, ઇતિહાસ, સમાજવિજ્ઞાન, રાજનીતિશાસ્ત્ર કે ભાષાવિજ્ઞાનના આપણા ન-સક્રિય વિદ્વાનો એમાં જોડાય. પણ મને ખાતરી છે કે એ અપેક્ષા થોડી જ વારમાં ઓલવાઇને મરી જવાની છે.
તો પ્રશ્ન એ થાય કે હરારી પાસે જઈને શું કરીશું. એ કે આપણી આ એકાંગી અને માંદલી વિદ્યાકીય / સાહિત્યિક સંસ્કૃતિ વિશે નિરાંતે પુનર્વિચાર કરી શકીશું. જો કે, એ માટે કેટલાક પ્રશ્નો કરવા મને જરૂરી લાગ્યા છે :
આપણી પાસે ગુજરાતી, ભારતીય કે વૈશ્વિક સાહિત્ય વિશે ભૂતકાળમાં કેવીક માહિતી હતી અને આજે કેવીક છે? એથી આપણને સાહિત્યકલાનું કેવા સ્વરૂપનું જ્ઞાન લાધ્યું છે? આજે આપણે કઈ માહિતી અને કયા વિચારોની આપ-લે કરીએ છીએ? આજે આપણી પાસે કયો કેન્દ્રવર્તી સાહિત્યવિચાર છે? બઝવર્ડ છે, જે આપણને સૌને ઝંકૃત કરતો હોય? એ ભૂતકાલીન કે સમકાલીન માહિતી-જાળ જે લાભાલાભ પ્રગટાવે છે તેની કડક સમીક્ષા કરીને આપણે સાહિત્યવિચારપરક સમૂળી ક્રાન્તિ ઇચ્છીએ છીએ? સમસામયિક ગુજરાતી સાહિત્યકારના સાક્ષરત્વને તેના ઇતિહાસમાં જઈને તપાસવા ઇચ્છીએ છીએ?
અને જો એમ કરવા નીકળીએ તો આપણે આપણને પૂછીશું કે કેવાંક છે એ ભૂતકાલીન અને સમકાલીન નેટવર્ક્સ, જેણે આપણી વિદ્યાકીય / સાહિત્યિક સંસ્કૃતિના સ્વસ્થ વિકાસમાં ઉપકારક પ્રદાન કર્યાં છે પણ રુકાવટો ય ઊભી કરી છે.
(ક્રમશ:)
(10Oct24USA)
સૌજન્ય : સુમનભાઈ શાહની ફેઇસબૂક દીવાલેથી સાદર
![]()






પુસ્તકનું પેટા-શીર્ષક છે, A brief history of information networks from the stone age to AI. માહિતી-જાળની પાષાણયુગથી AI સુધીની વાતમાં હરારી એનું સ્વરૂપ, કાર્ય, એની ગૂંથણીનાં પરિબળો, એનો સારામાઠો પ્રભાવ અને એનાં પરિણામોની રસપ્રદ વિવેચના કે તીખી ટીકાટિપ્પણી કરે છે.