આપણા સાંપ્રતમાં વિરલ એવા સાહિત્યકાર હિમાંશી શેલતને આવતી કાલે શ્રી મનુભાઈ પંચોળી ફાઉન્ડેશન અવૉર્ડથી સન્માનવામાં આવી રહ્યાં છે. તેમણે ટૂંકી વાર્તાઓ થકી એકંદર સ્ત્રીવર્ગની મનોદશા, અનેક રીતે શોષિત-વંચિત સ્ત્રીઓની અવદશા, સ્ત્રીનાં સંઘર્ષ અને શક્તિને વાચા આપી છે. વળી નવલિકાઓ થકી તેમણે સમાજના હાંસિયા બહાર મૂકાયેલા લોકોના વાસ્તવને, વાચક હચમચી ઊઠે તે રીતે ઉજાગર કર્યું છે. કરમાયેલાં બાળપણને કેન્દ્રમાં રાખીને કરુણા અને સહજતાના સંયોજન સાથેનાં લખાણો પણ હિમાંશીબહેને આપ્યાં છે. હિમાંશીબહેન કદાચ એકમાત્ર ગુજરાતી લેખક છે કે જેમણે તેમની આસપાસની પ્રાણીસૃષ્ટિ સાથેના સ્નેહસંબંધ વિશે માંડીને લખ્યું હોય. તેમણે લાવણ્યમય લલિત નિબંધો અને અસરકારક અખબારી લેખો પણ લખ્યા છે. પોતાનાં કેટલાંક પુસ્તકોમાં નમણાં રેખાંકનો પણ એમણે કર્યાં છે.
અંગ્રેજીના પૂર્વ અધ્યાપક હિમાંશીબહેને પ્લૅટફૉર્મ પર રખડતાં, ઝૂંપડપટ્ટીમાં રહેતાં, રિમાન્ડ હોમ તેમ જ અનાથાશ્રમમાં વસતાં બાળકો સાથે પોતાની રીતે કામ કર્યું છે. તદુપરાંત સુરતમાં દેહવ્યવસાય કરનારી મહિલાઓ સાથે પણ તેમણે કેટલોક વખત કામ કર્યું છે. આસમાની-સુલતાની વખતે તે પીડિતોને વહારે દોડ્યાં છે. સમાજકાર્યના દાવા-દેખાડા વિનાના અનુકંપાપૂર્ણ અનુભવે તેમને લેખન માટેની સામગ્રી પૂરી પાડવા ઉપરાંત તેમના સર્જનને પ્રતીતિજનક બનાવ્યું છે. એમના સર્જનમાં સામાજિક નિસબત અને કલાસૌંદર્યનું દુર્લભ સંતુલન જોવા મળે છે. લેખક તરીકેની તેમની મહત્તામાં ઉત્કટતા, કળા અને સામાજિક સભાનતા ઉપરાંત ગદ્ય-પ્રતિભાનો મોટો ફાળો છે. અનેક જાતના અવળા અભરખાના જમાનામાં અંદરથી ઝળાંહળાં અને જાત સાથે ઇમાનદાર એવાં હિમાંશીબહેન આપણને મળતાં મળે એવા સર્જક છે.
હિમાંશીબહેનનું આત્મકથન ‘મુક્તિ-વૃત્તાંત’ (અરુણોદય પ્રકાશન, અમદાવાદ) હમણાં ફેબ્રુઆરી મહિનામાં પ્રકાશિત થયું છે. સ્વકથન માટે જરૂરી નિખાલસતા અને નિર્ધાર, પ્રામાણિકતા અને પ્રમાણભાન, આત્મકથાના સ્વરૂપની સમજ અને સભાનતા ‘મુક્તિ-વૃતાંત’ને ગુજરાતી ભાષાની પૂરા કદની, સુરેખ અને સુવાંગ એવી પહેલી મહિલા આત્મકથા બનાવે છે. હિમાંશીબહેને તેમનાં જન્મથી ( ‘હું મુક્તિ. સુડતાળીસમાં જન્મી એટલે સ્વતંત્રતાને વધાવવા પાડેલું મારું પહેલું નામ. રાશિ-નામ મળ્યું એ પાછળથી.’) છેક હમણાં સુધીના એટલે કે ‘રાજ્યની સાહિત્ય અકાદમી પર સરકારની પકડ’ કે ‘દિલ્હીની હવા અત્યંત દૂષિત બનતી જાય છે’ ત્યાં સુધીના સમયનું પોતાનું જીવન, ધોરણસરની નિખાલસતાથી આલેખ્યું છે. તેની સાથે કેટલાક મહત્ત્વના સામાજિક-રાજકીય બનાવો તરફનો પ્રતિભાવ પણ છે. આખું પુસ્તક તેના લગભગ દરેક પાસામાં ગમી જાય તેવું છે.
હિમાંશીબહેનનાં જન્મ, ઉછેર, શિક્ષણ અને કારકિર્દીનો મોટો હિસ્સો સુરતમાં. ઘણા સભ્યોવાળા પરિવારમાં લાડકોડ અને સુખસલામતીવાળું, કોઈ ખાસ ધાકધમકી કે વડીલશાહી વિનાનું બાળપણ. પત્રકાર દાદા અને આઠ ચોપડી ભણેલાં પણ પોતાની રીતે રસિક, કર્તૃત્વશાળી માતુ:શ્રીની મોટી છાપ છે. વાચન-લેખન માટેના લગાવ, રોજબરોજનાં વાણીવર્તનની સંસ્કારિતાનાં મૂળ પણ ત્યાં. પિતાજીના પરગજુપણાની તેમ જ વીતરાગી વૃત્તિની અસર. ‘જીવનભારતી’ જેવી વિશિષ્ટ શાળા અને એમ.ટી.બી. જેવી જાણીતી કૉલેજ. આ જ કૉલેજમાં અંગ્રેજીના અધ્યાપક તરીકે શીખવવા-શીખવા માટેની નિષ્ઠાપૂર્વકની મથામણ છવ્વીસ વર્ષ ચાલી. તે દરમિયાન ભારતીય મૂળના અંગ્રેજી લેખક વિદ્યાધર નાયપૉલની નવલકથાઓ પર ડૉક્ટરેટ મેળવી. અધ્યાપક તરીકે ‘બે-પાંચ પાણીદાર નાગરિકો તૈયાર કરવા જેવું કામ થયું છે ખરું ?’ એવા ખુદને પૂછેલા સવાલ સાથે કમાઉ, સલામત નોકરીમાંથી રાજીનામું આપ્યું. અલગારી વૃત્તિના, ખુદ્દાર, રસિક અને પરિશ્રમી એકલવીર મેઘાણીપુત્ર વિનોદભાઈ સાથે 1995માં લગ્ન કર્યાં. વલસાડ પાસેનાં અબ્રામામાં વાંકી નદી, ઝાડપાન, ફૂલછોડ, પશુપક્ષીઓના સંગમાં; લેખન-વાચન-સંશોધન, સંગીતકળા, ગરીબ બાળકોને રમાડવા-ભણાવવાની પ્રવૃત્તિથી ભર્યું ભર્યું જીવન શરૂ કર્યું. તે વિનોદભાઈના અવસાન (2009) અને ખુદને 2014માં થયેલા હૃદયરોગના હુમલા પછી પણ યથાશક્તિ ચાલુ છે.
ગુજરાતી અને અંગ્રેજી સાહિત્યનું વિપુલ વાચન, ચિત્ર-સંગીત-નાટ્યકલામાં ઘણો રસ. પહેલો વાર્તાસંગ્રહ આવ્યો ‘અંતરાલ’ (1987). તેમાં લેખક કહે છે: ‘ટૂંકી વાર્તાના સ્વરૂપનું મને ભારે ખેંચાણ રહ્યું છે. અત્યંત મર્યાદિત ફલક પર તીવ્ર અનુભૂતિની ક્ષણોને કલમના લસરકાથી આલેખવાનો પડકાર ઝીલવાનું મને ગમે છે …. ક્લિષ્ટતા, ટેકનિકની વધુ પડતી આળપંપાળ કે ભાષાના આંજી દે તેવા ઝગઝગાટ કે ચબરાકીની તરફેણમાં હું નથી.’ આવી સરળતા કથાસર્જનમાં મોટે ભાગે જળવાઈ છે. ત્યાર બાદ ‘અંધારી ગલીમાં સફેદ ટપકાં’ ‘એ લોકો’, ‘સાંજનો સમય’ અને ‘પંચવાયકા’ સંગ્રહો આવે છે. ‘ખાંડણિયામાં માથું’(2003)ની પ્રસ્તાવનામાં હિમાંશી બહેન કહે છે : ‘બે હજાર બેના ગુજરાતને જોયા પછી સમકાલીન વાસ્તવને વાર્તામાં ઝડપી લેવાનો પડકાર ઉપાડવાની મારી તાકાત અંગે ય હું સાશંક બની છું … છતાં વાર્તાએ મને ટકાવી છે.’ ‘સ્ત્રી અને માતૃત્વ સાથે વણાયેલી વાર્તાઓ’ ના સંચય તરીકે ‘ગર્ભગાથા’ જેટલું ખળભળાવી દેનારું ભાગ્યે જ કંઈ વાંચવા મળે. ‘ઘટના પછી’ (2011) સંચય બાદ ચાર વર્ષે આવે છે ‘એમનાં જીવન’.
‘આઠમો રંગ’ (2001) એ વિખ્યાત મનસ્વી ચિત્રકાર અમૃતા શેરગિલને ‘નજીકથી ઓળખવાની અને જોવાની તીવ્ર ઇચ્છા’ થી લખાયેલી નવલકથા છે ‘સપ્તધારા’ (2012) લઘુનવલમાં યુદ્ધ, કોમી રમખાણો,નાતજાત, માનસિક વિકૃતિઓ, નશાખોરી, ગુનેગારી,બેકારી જેવાં પરિબળોને કારણે છિન્નભિન્ન થતાં બાળપણની વાત નોંધપાત્ર વસ્તુસંકલના સાથે સતત ઊઘડતી રહે છે. નિતાંત સુંદર નિબંધ સંગ્રહ ‘એકડાની ચકલીઓ’ (2004) અને સમકાલીન જાહેરજીવન પરનાં વ્યંગ-કટાક્ષ લેખોનો સંગ્રહ ‘ડાબે હાથે’ (2012) હરગિઝ ચૂકવા જેવા નથી.
‘પ્લૅટફૉર્મ નંબર ચાર’(1998)માં સુરત રેલવે સ્ટેશને અને અન્યત્ર રઝળતાં તકવિહોણાં બાળકોએ કાર્યકર્તા લેખકને આપેલાં આનંદનું વર્ણન છે. ‘વિક્ટર’ (1999) પુસ્તક ‘પ્રાણી અને મનુષ્યના અતૂટ, ઉત્કટ, રહસ્યમય પ્રેમસંબંધ’ની અનુભવકથાઓ છે. ટીકો-નાની-શાણી-ટપ્પી-પારકો-શ્યામલ (બિલાડાં), લાલુ-નાનકો-જૉલી-રામુ-રાજુ-મોતી-લિઓ-વિક્ટર-સોનુ(કૂતરાં)નાં અને વાનરોના મનભર સહવાસચિત્રો હિમાંશીબહેને નજાકતથી આલેખ્યાં છે. ‘સોનુ અને માઓ’ કૂતરા અને બિલાડીના બચ્ચાની ભાઇબંધી પર બાળકો માટેની કથા છે. ‘રમતાં-ભમતાં’ના બે ભાગમાં દસ બાળવાર્તાઓ અને ‘આનંદે ભજવીએ’ માં છ બાળનાટકો છે. રિમાન્ડહોમના બાળક પરનું નાનકડું પુસ્તક ‘ગણપતની નોંધપોથી’ સહુથી ચોટદાર છે.
હિમાંશીબહેનનાં નવ સંપાદનોમાં પહેલું સંપાદન સ્વામી આનંદ અને મકરંદ દવેનો પત્રવ્યવહાર ‘સ્વામી અને સાંઈ’ (1993). મા-દીકરીના મૈત્રીસંબંધ વિશેના લેખોનો, સહુને ગમી જાય તેવો સંચય તે ‘પહેલો અક્ષર’. પચીસેક વર્ષ સાગરખેડૂ તરીકે વીતાવનાર અનુવાદક અને સંપાદક એવા વિચક્ષણ વિનોદભાઈની મુસાફરીઓનાં ‘મૌલિક સ્મૃિતચિત્રો’નું ‘ઘુમવા દીગ્દીગંતો’ (2009) નામે તેમણે સંપાદન કર્યું છે. જયંત પાઠકના ‘દ્રુતવિલંબિત’ કાવ્યસંચયને હિમાંશીબહેન,અંગ્રેજીમાં લઈ ગયાં છે. સ્વાશ્રયી મહિલા સંગઠન ‘સેવા’ ના સ્થાપક ઈલાબહેન ભટ્ટના બહુ પ્રસ્તુત પુસ્તક ‘વી આર પુઅર બટ સો મેની’ તેમણે ‘ગરીબ, પણ છૈયે કેટલાં બધાં !’ નામે આપ્યું છે.
હિમાંશીબહેને બે હજાર પાનાંના ત્રણ ગ્રંથોમાં વ્યાપેલા સંપાદનનું ગુજરાતીમાં લગભગ અભૂતપૂર્વ કામ વિનોદભાઈ સાથે કરેલું છે : ‘અંતર-છબિ’ નામે ‘ઝવેરચંદ મેઘાણીનું સંકલિત આત્મવૃત્તાંત’, અને ઝવેરચંદ મેઘાણીનું પત્રજીવન ‘લિ. હું આવું છું’. બે ભાગના પત્રસંગ્રહના ઉંઝા જોડણીમાં લખાયેલા પોતાના નિવેદનમાં હિમાંશીબહેન નોંધે છે કે આ કામ દરમિયાન ‘એક પ્રાણવાન અસ્તીત્વની દીપ્તિમાં તરબોળ’ થવાનો’ ભાવ તેમણે અનુભવ્યો હતો. હિમાંશીબહેનનાં પુસ્તકો વાંચતા પણ આવી લાગણી જન્મે છે. હિમાંશી શેલતનું સાહિત્યસર્જન માટેના દર્શક ફાઉન્ડેશન સન્માનથી ગૌરવ કરવામાં આવે તેમાં કલા અને સામાજિક નિસબતના સમન્વયની જરૂરિયાત તેમ જ સ્વીકૃતિનો નિર્દેશ રહેલો છે.
28/4/2016
+++++
e.mail : sanjaysbhave@yahoo.com
![]()


ભારતના કેટલાક બૌદ્ધિકો પણ ઘાતક રાષ્ટ્રવાદની પકડમાં આવી ગયા હોવાનો વધુ એક દાખલો એક પ્રકાશનશ્રેણીને લગતા અત્યારના વિવાદ વિશે વાંચતાં મળે છે. આપણા પ્રાચીન સાહિત્યના અંગ્રેજી અનુવાદની એક ગ્રંથમાળા ‘મૂર્તિ ક્લાસિકલ લાઇબ્રેરી ઑફ ઇન્ડિયા’ નામે બહાર પડી રહી છે. જાણીતા સખાવતી ઉદ્યોગપતિ એન.આર. નારાયણમૂર્તિના હાર્વર્ડમાં અભ્યાસ કરી રહેલા પુત્ર રોહને આ ગ્રંથશ્રેણી માટે હાર્વર્ડ યુનિવર્સિટીને 5.2 મિલિયન ડૉલરનું દાન આપ્યું છે. તેના ઉપક્રમે સંસ્કૃત સહિત દસ ભારતીય ભાષાઓનાં પ્રાચીન સાહિત્યના મૂળ પાઠ અને અંગ્રેજી અનુવાદની પાંચસો ખંડની ગ્રંથમાળાનું આયોજન છે. તેમાંથી કુલ પાંચેક હજાર પાનાનાં દસ પુસ્તકો ગયાં બે વર્ષ દરમિયાન બહાર પડી ચૂક્યાં છે. તેમાં તુલસી રામાયણ, બુલ્લે શાહની રચનાઓ, અબુલ ફઝલના અકબરનામા, બૌદ્ધ કવયિત્રીઓનાં પદ્ય ઇત્યાદિનો સમાવેશ થાય છે. આ દુષ્કર કાર્યના મુખ્ય સંપાદક તરીકે અમેરિકન વિદ્વાન શેલ્ડન પોલૉકની વરણી અંગે વિવાદ ચાલ્યો છે. કોલંબિયા યુનિવર્સિટીના સંસ્કૃત અને ફિલોલૉજીના અધ્યાપક પોલૉકને ૨૦૧૦માં પદ્મપુરસ્કાર મળેલો છે.
જી.એ. તરીકે ઓળખાતા મરાઠી સાહિત્યના જાણીતા વાર્તાકાર ગુરુનાથ આબાજી કુલકર્ણી (૧૯૨૩-૮૭) તેમના ચાહકો-અભ્યાસીઓ માટે એક કોયડો રહ્યા છે. તેમના નવ સંગ્રહોની વાર્તાઓમાં ક્રૂરતા અને શોક, દૈવ અને દંતકથા, અપાર્થિવ અને અગોચર, ગૂઢ અને રમ્ય જેવાં તત્ત્વો વાચક પર છવાઈ જાય છે. વિવેચકોએ જી.એ. અને કાફકા તેમ જ બોર્જેસ વચ્ચે સામ્ય જોયાં છે. ધારવાડની કૉલેજના અંગ્રેજી સાહિત્યના આ અધ્યાપકે વિલિયમ ગોલ્ડિંગની ‘લૉર્ડ ઑફ ધ ફ્લાઇઝ’ ઉપરાંત અમેરિકન લેખક કૉનરૅડ રિચ્ટરની પાંચ નવલકથાઓનો અનુવાદ કર્યો છે. ‘કાજળમાયા’ વાર્તાસંચય માટે ૧૯૭૩માં મળેલા કેન્દ્રિય સાહિત્ય અકાદમીના પુરસ્કાર અંગે વિવાદ થતાં તેમણે ઇનામી રકમ અને પ્રવાસખર્ચ સહિત પુરસ્કાર પાછો આપ્યો હતો. પોતાનો ઠીક મોટો વાચકવર્ગ ઊભો થયો હોવા છતાં જી.એ. હંમેશાં લોકોથી સાવ અળગા રહેવાનું પસંદ કરતા. અપરિણીત અંગત જીવન વિશે કોઈને માહિતી ન મળે તેની પૂરી તકેદારી રાખતા. એટલે તેમના જીવનનાં રહસ્યો ઉકેલવામાં ચાહકો-અભ્યાસીઓ સતત મથતા રહ્યા છે. એકંદરે બિનઅંગત એવાં સાહિત્યિક-વૈચારિક પત્રોનાં ચાર સંચયો અને સંપર્કમાં આવેલા માણસોનાં સંભારણાં થકી તેમના વ્યક્તિગત જીવન પર પ્રકાશ પાડવાની કોશિશો ચાલતી રહી છે. આવી જ એક જંગમ કોશિશ વિ.ગો.વડેર નામના અભ્યાસીના ‘અર્પણપત્રિકાંતૂન જી.એ. દર્શન’ (રાજહંસ પ્રકાશન, પુણે, રૂ.૪૦૦) નામના પુસ્તકમાં મળે છે. જી.એ.એ નવ કથાસંગ્રહો માતા, પિતા, ત્રણ મામા, ત્રણ બહેનો, એક માશી એમ તેમના પરિવારની વિવિધ વ્યક્તિઓને અર્પણ કર્યા છે. તેમાંથી દરેક પર વડેરે એક-એક પ્રકરણ લખ્યું છે. સહુથી લાંબું પ્રકરણ ‘રમલખુણા’ નામનો વાર્તાસંગ્રહ, જે વતન બેળગાવ અને તેમાં વસતા જી.એ. પરનો છે. કુલ ત્રણસો નેવું પાનાંમાં જી.એ.ના ભેદી જીવનનો ચિતાર આલેખાયો છે. તેના માટે લેખકે ૨૦૦૬થી આઠેક વર્ષ છ-સાત હજાર કિલોમીટરનો પ્રવાસ કરી પચીસેક ગામોની સો વ્યક્તિઓની મુલાકાત લીધી છે. સંશોધકે પોતાના પ્રિય લેખકના માનવસંબંધોની કરેલી શોધયાત્રાની બહુ રસપ્રદ વિગતો પ્રસ્તાવના અને પરિશિષ્ટોનાં પાંત્રીસ પાનાંમાં છે. આ પૂર્વે અરધા તપની આવી જ મહેનતથી વડેરે ‘જી.એં.ચી કથા પરિસરયાત્રા’ નામના ગ્રંથનું સહલેખન પણ કર્યું છે.