નવાં-નોખાં પુસ્તકોનાં પાનાં કલાકો સુધી ફેરવતાં કે ગ્રંથાવલોકનો વાંચતાં મળેલો આનંદ પણ વહેંચવા જેવો હોય છે. આગામી વર્ષ વાચનસમૃદ્ધ બને તેવી શુભેચ્છા !

વીતેલાં વર્ષમાં વાંચવામાં આવેલું હચમચાવી દેનારું પુસ્તક ‘લાસ્ટ ગર્લ’, આ વર્ષના શાંતિ માટેનાં નોબલ પુરસ્કારથી સન્માનિત ઇરાકી યુવતી નાદિયા મુરાદની આપવીતી છે. અત્યારે છવ્વીસ વર્ષની નાદિયાને અમાનુષ ધર્મઝનૂની સંગઠન ઇસ્લામિક સ્ટેટ(આઇ.એસ.)એ ઑગસ્ટ 2014માં સેક્સ સ્લેવ બનાવી હતી. આઇ.એસ.ની કેદમાં ખૂબ અત્યાચાર વેઠીને નાદિયા હિમ્મત અને સાહસથી છટકી. ત્યાર બાદ તે એના જેવા જ અત્યાચારનો ભોગ બની રહેલી સ્ત્રીઓ માટે આંતરરાષ્ટ્રીય ટેકાથી ચળવળ ચલાવી રહી છે.નાદિયા સાથે નોબલ શાંતિ-સન્માન આફ્રિકી દેશ કૉન્ગોના ડૉ. ડેનિસ મુક્કેગેને આપવામાં આવ્યું છે. તેઓ તુત્સી અને
હુતુ કોમોના દાયકા સુધી ચાલેલા આંતરવિગ્રહમાં બળાત્કારનો ભોગ બનેલી હજારો સ્ત્રીઓની સારવારની કામગીરી બજાવતા રહ્યા છે. નાદિયાના સ્વકથનમાં આઇ.એસે. તેની યાઝિદી કોમનાં ચલાવેલાં માનવસંહાર, અને તેની પોતાની યાતનાઓનાં નિરૂપણની વચ્ચે સહુથી મહત્ત્વનો દેખાય છે તેનો નારી-નિર્ધાર. નાદિયા આ દુનિયામાંથી સ્ત્રીઓનાં ટ્રાફિકિન્ગ એટલે કે તેમની લે-વેચ અને તેમની પરના યૌન અત્યાચાર માટે કારણરૂપ બનતું ધર્મઝનૂની રાજકીય માનસ નાબૂદ કરવાના મિશન સાથે કાર્યરત છે. એટલે જ તો તે કહે છે : ‘આઇ વૉન્ટ ટુ બી ધ લાસ્ટ ગર્લ વિથ અ સ્ટોરી લાઇક માઇન’.
નાદિયાની વ્યથાની આ કથા કરતાં ઇસ્રાઇલી અધ્યાપક યુવાલ નોઆ હરારીના ‘ટ્વેન્ટિ વન લેસન્સ ફૉર ટ્વેન્ટિએથ સેન્ચ્યુરિ’ પુસ્તકે હમણાં દુનિયાનું ધ્યાન ખેંચ્યું હોય એમ લાગે છે. ગયાં ત્રણ-ચાર વર્ષમાં પ્રખ્યાત બનેલા ચિંતક
એવા બેતાળીસ વર્ષના હરારીનાં પુસ્તકોની ખૂબ માગ છે. ‘સેપિયન્સ : અ બ્રીફ હિસ્ટરિ ઑફ હ્યૂમન કાઇન્ડ’માં તેમણે ખૂબ પહેલાંના ઇતિહાસની વાત કરી છે (હોમો સેપિયન એટલે ઉત્ક્રાન્તિના ક્રમમાં બુદ્ધિમાન બનેલો માનવી). ‘હોમો ડેઅસ: અ બ્રીફ હિસ્ટરિ ઑફ ટુમૉરો’માં તેમણે ભવિષ્યનો અણસાર આપ્યો છે (‘ડેઅસ’ એટલે ભગવાનને સમકક્ષ માનવી). ‘ટ્વેન્ટિ વન લેસન્સ’ માં તેમણે વર્તમાનનું બહુઆયામી નિરુપણ કર્યું છે. અહીં હરારીના કેટલાક નવા નિબંધો અને પહેલાંના લેખો થઈને કુલ એકવીસ લખાણો વાંચવા મળે છે. તેમાં તેઓ માનવજાતની સામેની ટેક્નોલૉજિકલ, પૉલિટિકલ, સામાજિક અને અસ્તિત્વલક્ષી સમસ્યાઓની વાત કરે છે. તેમાં લેખક અર્ટિફિશ્યલ ઇન્ટેલિજન્સ, બિગ ડેટા, ડિજિટલ ટેકનોલૉજિ, ક્લાયમેટ ચેન્જ, ન્યુક્લિઅર વૉર, ધર્મ જેવા સંખ્યાબંધ પ્રસ્તુત વિષયોને સ્પર્શે છે.
તબીબી ક્ષેત્રને લગતાં બે વિશિષ્ટ પુસ્તકો જોવામાં આવ્યાં. તેમાંથી ‘હીલર્સ ઑર પ્રિડેટર્સ ? ધ હેલ્થકેઅર કરપ્શન ઇન ઇન્ડિયા’ તબીબોએ લખેલા એકતાળીસ લેખોનું 750 પાનાંનું સંપાદન છે. તેમાં મેડિકલમાં પ્રવેશથી માંડીને સરકારી હૉસ્પિટલોની બેદરકારીથી લઈને મેડિકલ કાઉન્સિલ સુધી તબીબી ક્ષેત્ર દુરાચારથી કેવું ખવાઈ ગયું છે તેની આધાર સાથેની માહિતી અને આ ક્ષેત્રને સાજું કરવાના ઉપાયો વિશે વાંચવા મળે છે. શીર્ષકમાં આવતા પ્રિડેટર્સ શબ્દનો અર્થ શિકારી પ્રાણી એવો થાય છે. પણ બધા ડૉક્ટરો એવા નથી હોતા એ હકીકત બતાવવા માટે સેવાભાવી તબીબી કાર્યો વિશેના થોડાક લેખો પણ અહીં વાંચવા મળે છે. ‘તબિયત : મેડિસિન ઍન્ડ હીલિન્ગ ઇન ઇન્ડિયા’ એ પદ્મભૂષણ સન્માનિત મુંબઈના વરિષ્ટ તબીબ ફારોખ ઉદવાડિયાના નવ લેખોનો સંચય છે. સામાન્ય વાચકો માટે લખાયેલા આ પુસ્તકના પાંચ લેખો તબીબી ક્ષેત્રના ઇતિહાસ પરના છે. તે ઉપરાંત અહીં તબીબી નીતિમત્તા, સારા ડૉક્ટરનું ઘડતર, તબીબી વિજ્ઞાન અને સંગીત વચ્ચેનો સંબંધ તેમ જ મૃત્યુ એ વિષયોને લગતા લેખો છે. પ્રસંગકથાઓ, કાવ્યપંક્તિઓ અને શૈલીને કારણે પુસ્તક વાચનીય બન્યું છે.
પૂનાના સમાજવાદી ‘સાધના પ્રકાશને’ બહાર પાડેલાં ‘ધ કેસ ફૉર રિઝન: અન્ડરસ્ટૅન્ડિન્ગ ધ ઍન્ટિ-સુપરસ્ટિશન મૂવ્હમેન્ટ’. પુસ્તકમાં રૅશનાલિસ્ટ ડૉ. નરેન્દ્ર દાભોલકરના ઓગણત્રીસ મરાઠી લેખોનો સુમન ઓકે કરેલો અનુવાદ છે. વૈજ્ઞાનિક અભિગમ ધરાવતાં સ્વસ્થ, સેક્યુલર અને સમતાવાદી સમાજની રચના માટે મથનાર ડૉ. દાભોલકરની કથિત ધર્મઝનૂનીઓએ 2013માં ગોળી મારીને હત્યા કરી. દાભોલકરે અંધશ્રદ્ધા નિર્મૂલન સમિતિ (અંનિસ) થકી અસાધારણ કામ કર્યું જે અત્યારે પણ સારી રીતે ચાલે છે. પુસ્તકના પહેલા નવ લેખો અંધશ્રદ્ધા વિરોધી ચળવળનાં વૈચારિક પાયા અંગેના છે, પછીના વીસમાં ‘અંનિસ’ની અનેક મહત્ત્વની ઝુંબેશોની માહિતી છે.
વિવેક અગ્નિહોત્રીની ‘બુદ્ધા ઇન અ ટ્રાફિક જામ’ ફિલ્મ જાણીતી બની. તેમાં તેમણે ‘અર્બન નક્સલ્સ’નો ખ્યાલ એટલે કે પ્રગતિશીલ વિચારધારા ધરાવતા શહેરી લોકોમાં પોતાની વિચારધારાનો ફેલાવો કરવાની નક્સલવાદી વ્યૂહરચનાની થિયરી ફિલ્મકથા તરીકે પડદા પર મૂકી છે. લેખકે એ ફિલ્મનાં નિર્માણનું બયાન ‘અર્બન નક્સલ્સ : ધ મેઇકીન્ગ ઑફ બુદ્ધા ઇન અ ટ્રાફિક જામ’ પુસ્તકમાં આપ્યું છે. અગ્નિહોત્રીની ફિલ્મને સેન્સર બોર્ડના અવરોધો નડ્યા, ફિલ્મ સિનેમાગૃહોમાં બહુ ઓછી બતાવી શકાઈ. એટલે અગ્નિહોત્રીએ તેને યુનિવર્સિટીઓમાં અને અન્યત્ર બતાવવાની કોશિશ કરી જેનો સખત વિરોધ થયો. આ આખી વાત પુસ્તકમાં લખાઈ છે. જમણેરી વિચારધારાનો પ્રભાવ સ્વીકારનાર લેખક પુસ્તકનો વિરોધ કરનાર સહુને નક્સલવાદના સમર્થક ગણે છે. વળી, નક્સલવાદની સંકુલ સમસ્યાના અભ્યાસી હોવાના તેમના અભિનિવેશનું સમર્થન કરી શકે તેવું ઊંડાણ આ પુસ્તકમાં નથી એવું નિરીક્ષણ વ્યાજબી જણાય છે.
નક્સલવાદ કહેતાં આપણી સામે છત્તીસગઢના બસ્તરનો હિંસાચાર આવે છે. પણ એ જ વિસ્તારમાં અબુજમાડ નામનો હિસ્સો છે જેમાં તેર હજાર જેવા આદિવાસીઓ હજુ સિવિલાઇઝેશનના સંપર્ક વિનાની અજબગજબની ‘નિર્મળ અને નિર્દોષ’ જિંદગી જીવે છે. તેનું ચિત્રણ ‘બસ્તર ડિસ્પૅચેસ : અ પૅસેજ ફ્રૉમ ધ વાઇલ્ડ’ પુસ્તકમાં મળે છે. માત્ર નરેન્દ્ર એવા નામધારી લેખક દિલ્હીની સેન્ટર ફૉર ડેવલપિન્ગ સોસાયટીઝની શિષ્યવૃત્તિથી 1980થી પાંચ વર્ષ આ અબુજમાડમાં આદિવાસીઓ સાથે રહ્યા. તેના સહવાસચિત્રો લેખકના પોતાના સહજ ચિંતન સાથે, અલબત્ત ઘણાં વર્ષો બાદ, આ પુસ્તકમાં મળે છે. અબુજમાડિયા આદિવાસીઓની ફક્ત પાચસો જેટલા શબ્દોની બોલી, તેમનું અને પ્રાણીઓનું સહજીવન, તારીખ-વારના અભાવ છતાં તહેવારોની નિયમિત ઉજવણી, સહિયારી જમીન જેવી કંઈ કેટલી ય નોખી-નિરાળી વાતો આ પુસ્તક વિશેના લેખમાં વાંચતા પુસ્તક વસાવવાની ઈચ્છા જાગે તે સ્વાભાવિક છે.
વીતેલાં વર્ષમાં આવેલાં રસપ્રદ પુસ્તકોની યાદી લાંબી થઈ શકે. બ્રિટિશ પત્રકાર ડીન નેલ્સનનું ‘જુગાડ યાત્રા : એક્સપ્લોરિન્ગ ધ ઇન્ડિયન આર્ટ ઑફ પ્રૉબ્લેમ સૉલ્વિન્ગ’ એ ‘જુગાડ’ વિષય પર લખાયેલું સંભવત: ચોથું પુસ્તક છે. પત્રકાર અને ટેલિવિઝન ઇન્ટર્વ્યૂઅર કરન થાપરનું ‘ડેવિલ્સ એડવોકેટ : ધ અનટોલ્ડ સ્ટોરી’ એ લેખકના મિત્રોનાં સંભારણાં અને તેમણે લીધેલા ઇન્ટર્વ્યુને લગતી વાતોનું સરસ ગદ્યમાં લખાયેલું પુસ્તક છે. રાજકારણમાં રસ ધરાવતાં પીઢ વાચકો માટે કેન્દ્ર સરકારના પૂર્વમંત્રી જયરામ રમેશના પુસ્તકનું નામ જ ઘણું કહી જાય છે – ‘ઇન્ટર ટ્વાઇન્ડ લાઇવ્ઝ : પી.એન.હક્સર ઍન્ડ ઇંદિરા ગાંધી’.
નવાં પુસ્તકો આખાં ન વંચાય તો પણ કલાકો સુધી તેમનાં પાનાં ફેરવતાં કે તેમનાં વિશેના પરિચય-લેખો વાંચતાં મળેલો આનંદ પણ વહેંચવા જેવો લાગે છે. તેમાંથી એ પણ સમજાય છે કે વાંચશું તો બચશું. આગામી વર્ષ વાચનસમૃદ્ધ બને તેવી શુભેચ્છા !
******
28 ઑક્ટોબર 2018
સૌજન્ય : ’ક્ષિતિજ’ નામક લેખકની સાપ્તાહિક કતાર, “નવગુજરાત સમય”, 29 ડિસેમ્બર 2018
![]()


આમ તો મહારાષ્ટ્રમાં ગયાં પચીસેક વર્ષમાં હજારો ખેડૂતોએ આત્મહત્યા કરી છે. આ હકીકત એટલા માટે પણ વધુ આક્રોશજનક લાગે છે કે આ એ રાજ્ય છે કે જેમાં, દેશના ઇતિહાસમાં ખેડૂતોની દુર્દશા વિશે સંભવત: સહુથી પહેલી વાર સક્રિય ચિંતન કરનાર કર્મશીલ મહાત્મા જોતીરાવ ફુલે (1827-1890) થઈ ગયા. જોતિરાવે આધુનિક પદ્ધતિથી ખેતી કરી,ખેડૂતોના પ્રશ્નો અંગે અંગ્રેજ સરકાર સમક્ષ રજૂઆતો કરી અને ‘શેતકર્યાચા અસૂડ’ (ખેડૂતનો ચાબૂક) નામનાં તેમનાં પુસ્તકમાં ખેડૂતોની દુર્દશાનો ચાબખાં જેવી ભાષામાં ચિતાર આપ્યો. જોતીરાવ આમ તો દલિતોની અસ્મિતાના ઉદ્દગાતા અને ડૉ.બાબાસાહેબ આંબેડકરના એક ગુરુ તરીકે વંદનીય ગણાય છે. સવર્ણ વર્ગો દ્વારા દલિત વર્ગો પ્રત્યે બતાવાતા અમાનવીય ભેદભાવો અને પુરોહિત વર્ગના વર્ચસ્ વિરુદ્ધ તેમણે ચળવળ ચલાવી. દલિત કન્યાઓ માટેની પહેલી શાળા તેમણે 1842માં પૂનામાં ચલાવી. તેના પહેલાં શિક્ષક અને આચાર્ય જોતિરાવનાં પત્ની સાવિત્રીબાઈ હતાં, જેમણે અનેક મુશ્કેલીઓ વચ્ચે દલિતોનાં શિક્ષણનો વ્યાપ વધાર્યો. પૂના યુનિવર્સિટી નામ કોઈ પણ વિવાદ વિના ઑગસ્ટ 2014થી સાવિત્રીબાઈ ફુલે પુણે યુનિવર્સિટી પાડવામાં આવ્યું તે સાવિત્રીબાઈની મહત્તા બતાવે છે. ફુલે દંપતીએ પીડિત સ્ત્રીઓના આધાર માટે અને સ્ત્રી-પુરુષ સમાનતાની દિશામાં પણ અનેક કામ કર્યાં. જોતિરાવે પ્રગતિશીલ વિચારોના પ્રસાર માટે પત્રિકાઓ, પુસ્તકો અને અહેવાલો લખ્યાં છે. ‘દીનબંધુ’ સામયિક થકી પત્રકારિતા કરવા ઉપરાંત મિલમજૂરો માટેની ચળવળમાં પણ સાથ આપ્યો છે. તેમણે શૂદ્ર ગણાતા લોકોને અધિકારો માટે જાગૃત કરવા અને તેમને પુરોહિતોની ગુલામીમાંથી મુક્ત કરવા ‘સત્યશોધક સમાજ’ નામનાં સંગઠનની 1873માં સ્થાપના કરી. ખેડૂતોની સ્થિતિમાં સુધારા માટેના કરેલા અથાક પ્રયત્નો મહાત્મા ફુલેનાં જીવનકાર્યનું અગત્યનું પાસું છે.
ફુલેના ‘શેતકર્યાચા અસૂડ’(1883) પુસ્તકના ઉઘાડની પંક્તિઓ બહુ જ જાણીતી છે : ‘વિદ્યે વિના મતિ ગેલી, મતિ વિના નીતિ ગેલી, નીતિવિના ગતિ ગેલી !/ ગતિ વિના વિત્ત ગેલે, વિત્તાવિના શૂદ્ર ખચલે, ઇતકે અનર્થ એકા અવિદ્યેને કેલે.’ (વિદ્યા વિના મતિ ગઈ, મતિ વિના નીતિ ગઈ, નીતિ વિના ગતિ ગઈ ! ગતિ વિના વિત્ત ગયું, વિત્ત વિના શૂદ્રો તૂટ્યા, આટલા અનર્થો એક અવિદ્યાએ કર્યા). પુસ્તકની શરૂઆતમાં ફુલે ખેડૂત વર્ગ તરફની આભડછેટ અને ખેડૂતોના પેટા વર્ગો વિશે લખે છે. પ્રસ્તાવનાના છેલ્લા મુદ્દા તરીકે ફુલે એ મતલબનું લખે છે કે દુનિયાના બધા દેશોના ખેડૂતો કરતાં હિન્દુસ્તાનમાંના અજ્ઞાની, અને ભોળી ઇશ્વરશ્રદ્ધા રાખાનારા ખેડૂતોની સ્થિતિ પશુઓથી પણ બદતર થઈ છે. પહેલાં પ્રકરણમાં પુરોહિત વર્ગ શૂદ્ર ગણાતાં ગામડાંના ખેડૂત સમૂહને તેની આખી જિંદગી જાતભાતનાં કર્મકાંડ કરાવીને કેવી રીતે છેતરે છે તેનું વિગતે વર્ણન છે. ત્યાર પછીનાં પ્રકરણમાં જોતીરાવ ખેડૂતોની પાયમલીના કારણો આપે છે. પેશવાઓની પડતી પછી ખેડૂતોની સૈનિકો તરીકેની ભરતીમાં ઘટાડો થયો. રાજ્ય અને લશ્કરનાં ગૌણ કામોમાં જોતરાયેલા ખેડૂતો ખેતી તરફ પાછા વળ્યા અને જમીનના નાના હિસ્સા પડ્યા. ઓછી જમીનને કારણે પરિવાર દીઠ પાક ઓછો, ઓછી આવક અને ઓછાં પોષણનું ચક્ર ચાલ્યું. વારંવાર દુકાળ પડ્યા અને શાહુકારો તેમ જ સરકારી અધિકારીઓનો જુલમ વધતો ચાલ્યો. જંગલખાતાનું ગૌચરો પરનું દબાણ, અંગ્રેજોની વ્યાપારનીતિ, સરકારી અધિકારીઓની જડતા અને અનીતિ તેમ જ ભ્રષ્ટ ન્યાયવ્યવસ્થા જેવાં પરિબળોની પણ જોતીરાવ છણાવટ કરે છે. આ બધાંને કારણે ખેડૂતોનાં બેહાલ થયેલાં જીવતરનાં વ્યથિત કરે તેવાં શબ્દચિત્રો લેખકે ચોથા પ્રકરણમાં આપ્યાં છે. ‘અસૂડ’ના આખરી પ્રકરણમાં ખેડૂત અને ખેતીના સુધારા માટે જોતીરાવ અનેક સૂચનો આપે છે. તેમાંથી કેટલાક આ મુજબ છે : ગાય-બળદની યોગ્ય પેદાશ અને ઉછેર, નાના બંધોનું લશ્કર દ્વારા બાંધકામ, નહેરોના કામમાં ખેડૂતોની સામેલગીરી, જળસ્રોતના નકશાની રચના, કુવાઓનું ખોદાણ, ઊંચી ઓલાદનાં ઘેંટા બકરાની પેદાશ અને પાલન, ખેડૂતોનાં સંતાનોને સુથારીકામ-લુહારીકામ જેવાં હુન્નરની તાલીમ અને ખેતી માટેની શાળાઓ. ઉપલા વર્ગો અને સરકાર ખેડૂતો માટે શું કરી શકે તે માટેનાં સૂચનો છે. શાસનવ્યવસ્થાની સક્રિય સંવેદનશીલતા પર ફુલે ખૂબ ભાર મૂકે છે.
મનમોહન સિંગની આગેવાની હેઠળની સરકારે નવેમ્બર 2004માં વિશ્વવિખ્યાત કૃષિવિજ્ઞાની એમ.એસ. સ્વામીનાથનના અધ્યક્ષપદે નૅશનલ ફાર્મર્સ કમિશનની રચના કરી. તેનો હેતુ દેશમાં ખેતી પર આવી પડેલી આપત્તિનો ઉકેલ લાવવાનો હતો. ખેતીમાં નજીવી આવકને કારણે અનેક રાજ્યોમાં સેંકડો ખેડૂતોએ આત્મહત્યા કરી હતી. વિરલ પત્રકાર પી. સાઈનાથના અભ્યાસ મુજબ 1997 થી 2005 દરમિયાન ભારતમાં દર અરધા કલાકમાં એક ખેડૂતે જિંદગી ટૂંકાવી હતી. આ કટોકટીમાં સ્વામીનાથન્ આયોગે તેનો પહેલો અહેવાલ ડિસેમ્બર 2004માં અને પાંચમો (અને અત્યાર સુધીમાં) આખરી અહેવાલ ઑક્ટોબર 2006માં આપ્યો.