ઉર્વીશ કોઠારી અને ચંદુ મહેરિયાએ ગુજરાતી પત્રકારત્વ ક્ષેત્રે અભૂતપૂર્વ ઇતિહાસ સર્જી બતાવ્યો છે. એ બન્ને પડછંદા મિત્રોએ આજ લગી કોઈએ ન કર્યું હોય તેવું મોટા ગજાનું કામ કર્યું છે. અને તે ય પાછું સામે પૂરે તરતાં રહીને; વળી, શાસકોની ખબર લેવાનું ય આ બહાદુર મનેખ લગીર ચૂક્યા નથી. મસ્તક ગૌરવભેર એમને નમે છે.
તમે માનશો ? ૦૨ એપ્રિલ ૨૦૨૦થી ૦૫ જૂન ૨૦૨૦ના સમયગાળામાં એમણે ડિજિટલ દૈનિકની કુલ મળીને ૬૫ અંકોમાં લેખનસામગ્રીના આશરે સાડાચારસો ઉપરાંત પાનાંનું સાહિત્ય આપણને ધર્યું છે. અને તે પછીને ગાળે, ૦૫ જુલાઈ ૨૦૨૦થી આજ સમેત એટલે કે ૨૬ ઑક્ટોબર દરમિયાન સાપ્તાહિક ડિજિટલ આવૃત્તિના સત્તર અંકો આપ્યા છે. અને પરિસ્થિતિવસાત્ આ અંકથી આ બેલડી વિરામ લે છે, ત્યારે, સમજીએ, આ સત્તર અંકોમાં જ ૨૭૨ પાનનું સાહિત્ય એમણે ઠોસબંધ પિરસ્યું છે.
એકંદરે, આછોપાતળો તો આછોપાતળો, પણ ‘પ્રિન્ટેડ મીડિયા’ [મુદ્રિત સમસામયિક], ’ઇલેકટૃિનિક મીડિયા’ [વીજળિક સમસામયિક], તેમ જ ‘સોશિયલ મીડિયા’ [પારસ્પરિક સમસાયિક] જોડેનો એક અનુભવ મને ય રહ્યો છે. આ ત્રણેય જગતને સામે રાખીને ચાલીએ તો ય આસાનીથી તારવી લેવાય કે આ એક અનોખો પ્રયોગ હતો. અને તેમાં પણ એ બન્નેએ નિર્વિવાદ આગેવાની કરી છે. ગાંડા બાવળની પેઠે ગુજરાતી પત્રકારત્વ ક્ષેત્રે ‘ફેઇક ન્યૂઝ’નું પણ જબ્બર ઊગાણ થયું છે. તેને નીંદતાં રહી, આ પ્રયોગ વાટે, “નિરીક્ષકે”, સતતપણે, હકીકત પેશ કરવાની રાખી છે. આ વામનનું વિરાટ પગલું હોય તેમ સમજાય છે.
મને તો થાય, પત્રકારત્વ શીખવાડતું હોય તેવું કોઈ પણ વિશ્વવિદ્યાલયનો વિભાગ આ માતબર સામગ્રીને કેન્દ્રમાં રાખીને કોઈ કને સંશોધન આધારિત કામ કરાવે. ભારે મજબૂત સામગ્રી એમાં પડી છે. પૂછવાનું મન કરું : કોઈ હૈ લેને હારા ?
મહાત્મા ગાંધીએ, સન ૧૯૪૮માં, કરેલી કદાચ છેલ્લી નોંધમાંની એકનો ઉલ્લેખ, ૧૯૫૮માં પ્રકાશિત, પ્યારેલાલકૃત ‘લાસ્ટ ફેઇઝ’ના બીજા ગ્રંથમાંના ૫૬મા પાન પર થયો છે. ‘ગાંધીજીનું તાવીજ’ તરીકે તે જાણીતો બન્યો છે. ગાંધીજીની આ નોંધ આમ છે :
"હું તમને એક તાવીજ આપું છું. ક્યારે ય તમને શંકા થાય કે અહમ્ તમને પીડવા માંડે ત્યારે આ ઉપાય અજમાવવો.
"તમે જે ગરીબમાં ગરીબ અને લાચારમાં લાચાર મનુષ્ય જોયો હોય તેનો ચહેરો યાદ કરીને તમારી જાતને પૂછો કે તમે જે પગલું ભરવાનું વિચારો છો તે આ મનુષ્ય માટે કોઈ કામનું છે ? આનાથી એને કોઈ લાભ થશે ? આનાથી એ પોતાના જીવન અને ભાગ્ય પર કાબૂ મેળવી શકશે ? આનાથી આપણા દેશના કરોડો ભૂખ્યા પેટ અને ક્ષુબ્ધ આત્માવાળા લોકોને સ્વરાજ્ય મળશે ?
"ત્યારે તમે જોશો કે તમારી શંકાઓ અને અહમ્ ગાયબ થઈ રહ્યાં હશે.”
આ બન્ને ભાઈબંધોએ, બસ, આ છેવાડે નજર ચોંટી રાખેલી જ હોય તેમ વર્તાયા કર્યું છે. કોરોના કેર સામે શાસન શિથિલ રહ્યું છે તો તે દાખલા દલીલો અને વિગતો આપીને તેમને સજાગ રાખવાનો જબ્બર પ્રયાસ એ બંધુઓએ કર્યો છે. દલિત, આદિવાસી, નીચલા થરના જૂથો, લધુમતીઓને જ્યારે જ્યારે અન્યાય થયાનું દેખાયું છે તો એ મિત્રોએ પોતાની કલમને સતત સજાવે રાખી છે. એમની નજર ફક્ત ગુજરાત ભણી જ રહી નથી, એમણે જગતભરે પથરાયા ગુજરાતી આલમને જ્યાં જ્યાં ઝૂઝવાનું થયું છે તે મુલકની દાસ્તાં પણ માંડી છે.
ઉર્વીશભાઈ, ચંદુભાઈ, દૂર બેઠા બેઠા વિશેષ તો શું કહી શકું ? તમારા બને થકી “નિરીક્ષક” વધુ ઊજમાળું થયું છે. તમારા બન્નેને આથી પૂરા ઓશિંગણભાવે જૂહારી લઉં છું.
હેરૉ, ૨૬ ઑક્ટોબર ૨૦૨૦
સૌજન્ય : “નિરીક્ષક”, 01 નવેમ્બર 2020; પૃ. 15