ભારતે 2023ના જી-20 શિખર સંમેલનનું યજમાનપદુ સ્વીકાર્યું છે. બાલી-ઇન્ડોનેશિયામાં આ અઠવાડિયે યોજાયેલા તેના 17માં સંમેલનમાં, ઇન્ડોનેશિયાના રાષ્ટ્રપતિ જોકો વિડોડોએ વડા પ્રધાન નરેન્દ્ર મોદીને 2023નું અધ્યક્ષપદ સુપરત કર્યું હતું. ભારતે, 2002માં જી-20ના નાણાં મંત્રીઓ અને બેંક ગવર્નરોની બેઠક યોજી હતી, પરંતુ 2008માં વૈશ્વિક નાણાંકીય અને આર્થિક કટોકટી પછી જી-20ને શિખર વાર્તાનું સ્વરૂપ આપવામાં આવ્યું, તે પછી ભારત પહેલીવાર 19 રાષ્ટ્રો વત્તા યુરોપિયન યુનિયનના આ આંતરરાષ્ટ્રીય ફોરમને ભારતની ઝાંખી કરાવશે. ભારત માટે આ તાજેતરનાં વર્ષોનો સૌથી મોટો વૈશ્વિક કાર્યક્રમ છે. તેના માટે સંભવતઃ ઓકટોબર-નવેમ્બર વચ્ચે દિલ્હી, મુંબઈ, ચેન્નાઈ અને કોલકત્તા જેવા મોટાં શહેરોને સમાવતા 200 જેટલાં કાર્યક્રમોનું આયોજન થઇ રહ્યું છે.
2023ના આ 18માં શિખર સંમેલનના સંદર્ભમાં, ભારત માટે બાલીનું 17મું સંમેલન મહત્ત્વપૂર્ણ રહ્યું હતું. એ સિવાય, વિશ્વ માટે તેની અગત્યતા બે કારણોથી છે; એક તો, કોરોના મહામારીમાંથી વિશ્વ બેઠું થઇ રહ્યું છે ત્યારે આ સંમેલન મળ્યું છે અને બીજું, તે રશિયા-યુક્રેન યુદ્ધના કારણે ખોરવાયેલા એનર્જી અને ફૂડ સપ્લાયના બેકગ્રાઉન્ડ વચ્ચે યોજાઈ રહ્યું હતું. એટલા માટે જ આ વખતના સંમેલનની થીમ ‘રીકવર ટૂગેધર, રીકવર સ્ટ્રોંગર’ (સાથે ઊભા થઈએ, મજબૂતીથી ઊભા થઈએ) હતી.
જી-20 વિશ્વની સૌથી આગળ પડતી અર્થવ્યવસ્થાઓનો સમૂહ છે. આ સમૂહ કેટલો તાકતવર છે અને કેમ વિશ્વ માટે મહત્ત્વનો છે તે એ હકીકત પરથી ફલિત થાય છે કે તેનાં રાષ્ટ્રોનું વૈશ્વિક જી.ડી.પી.માં 85%, વૈશ્વિક વેપારમાં 75% અને વૈશ્વિક વસ્તીમાં 66% યોગદાન છે. મૂળ આ જી-7 સમૂહ હતો, પરંતુ વૈશ્વિક આર્થિક મંદી ટાળવાના આશયથી 1999માં તેનું કદ વધારીને 20 કરવામાં આવ્યું હતું. તે ઉપરાંત, તેમાં અર્થવ્યવસ્થાને પ્રભાવિત કરતાં આતંકવાદ, જળવાયુ પરિવર્તન અને હવે સ્વાસ્થ્ય જેવાં અન્ય વિષયો પણ સામેલ થતાં ગયા છે અને એ રીતે જી-20 કુટનીતિનું એક સમાવેશી મંચ બની ગયું છે.
સંમેલનનાં અધિકૃત સત્રોમાં જે ભાષણો અને જાહેરાતો થાય છે તે કોઈને બંધનકર્તા હોતા નથી એટલે આ સંમેલનની ઉપયોગીતાને લઈને પ્રશ્નો થતા રહે છે, પરંતુ તેની અસલી ફલશ્રુતિ સંબંધિત દેશો મંચથી દૂર એકબીજાને મળીને ગિલે-શિકવે દૂર કરતાં હોય છે તેમાં છે. એવું ધારો ને કે કોકનાં લગ્ન થતાં હોય, ત્યારે દૂર મહેમાનગણમાં બીજા કોક છોકરા-છોકરીઓનું જોવાનું ચાલતું હોય, કોઈકે જોઈ રાખ્યા હોય તો વાત આગળ વધતી હોય, કોકનું ક્યાંક અટક્યું હોય તો રસ્તાઓ નીકળતા હોય, કોકના અબોલા તૂટતા હોય, કોકના નવા સંબંધો અને સંવાદો શરૂ થતાં હોય, વગેરે.
એ દૃષ્ટિએ, ભારત માટે વર્તમાન અને આગામી એમ બંને સંમેલનો વૈશ્વિક મુદ્દાઓ પર પોતાના વિચારો દુનિયા સામે મુકવાનો અવસર બની ગયાં છે. બાલીમાં વડા પ્રધાને ત્રણ મહત્ત્વનાં સત્રોમાં ભારતના દૃષ્ટિકોણ રજૂ કર્યા હતા – ફૂડ અને એનર્જી સુરક્ષા, ડિજીટલ ટ્રાન્સફર્મેશન અને સ્વાસ્થ્ય. આગામી સંમેલન માટે ભારત એજન્ડા નક્કી કરવાનું છે.
ભારત અત્યારે દુનિયાની પાંચમી સૌથી મોટી અર્થવ્યવસ્થા છે અને દુનિયાની સૌથી તેજીથી આગળ વધી રહેલા દેશોમાં તે સામેલ છે. એ રીતે ભારતને બીજી મોટી અને વિકસિત અર્થવ્યવસ્થાઓ સાથે હાથ મિલાવીને તેનાં રાષ્ટૃ હિતોને સાધવાનો મોકો મળ્યો છે. અમેરિકા અને ચીન વચ્ચે જે પ્રમાણે શીત યુદ્ધ શરૂ થયું છે અને વિશ્વ જે રીતે ફરી એકવાર (અમેરિકા-સોવિયત સંઘની જેમ) બે છાવણીઓમાં વહેચાવા જઈ રહ્યું છે, તે જોતાં વડા પ્રધાને નહેરુના બિન-જોડાણવાદને ફરી જીવતો કરવો પડશે.
ઇન ફેક્ટ, 2020ની નોન-અલાઇન્મેટ મૂવમેન્ટ(નામ)માં પહેલીવાર મોદીએ ભાગ લીધો હતો. 2014માં સત્તા પર આવ્યા પછી 2016ની અને 2019ની “નામ” બેઠકમાં તેમણે હાજર રહેવાનું ટાળ્યું હતું, પરંતુ 2020માં તેમણે તેમાં હાજરી પુરાવીને નહેરુના વખતના આ મહત્ત્વના ગઠબંધનને ફરીથી જીવંત કરવાનો તેમનો ઈરાદો સ્પષ્ટ કર્યો હતો. ભારત જ્યારે અમેરિકા કે સોવિયત સંઘ બંનેમાંથી એકેયની છત્રી નીચે શરણ લેવા માગતું નહોતું, ત્યારે 1961માં ભારતે જ બિન-જોડાણવાદી અભિયાન શરૂ કરીને દુનિયાના દેશો માટે ત્રીજી છત્રીનો વિકલ્પ ઊભો કર્યો હતો.
સોવિયત સંઘના વિભાજન પછી વિશ્વમાં જ્યારે અમેરિકા એક માત્ર છાવણી રહી ગઈ હતી તે પછી ક્રમશઃ આ અભિયાન મૃતપાય: થવા લાગ્યું હતું અને 1991માં આર્થિક ઉદારીકરણની સાથે ભારત ખુદ કે મજબૂત આત્મનિર્ભર અર્થવ્યવસ્થા બનવા લાગ્યું હતું એટલે તેની બીજી કોઈ એક છાવણીમાં જવાની વિવશતા ઘટતી ગઈ હતી. મોદીનો રાષ્ટ્રવાદ આમ જુઓ તો એ આત્મનિર્ભરતાનું જ આધુનિક સ્વરૂપ છે અને એ રાષ્ટ્રવાદી હિતોને પોષવા માટે તેઓ બિન-જોડાણવાદને જીવંત કરે તેમાં નવાઈ નથી. ભારત કોઈ એક છાવણીમાં બંધાઈ જવાને બદલે તેનાં હિતોની જરૂરિયાત મુજબ કોઈની પણ સાથે હાથ મિલાવવા તૈયાર છે, એ આ રાષ્ટ્રવાદી બિન-જોડાણવાદની વ્યાખ્યા કહેવાય.
એમાં તાકડે અમેરિકા-ચીન વચ્ચે ખાઈ પહોળી થઇ છે તે ભારત માટે ‘આફતમાં અવસર’ જેવું છે. ભારત નહેરુના સમયનું વિવશ રાષ્ટ્ર નથી, જેણે પગભર થવા માટે વિશ્વની સત્તાનો સહારો લેવો પડે તેમ હતો. આજે સ્થિતિ એવી છે કે અમેરિકા-ચીન વચ્ચે ફૂટ પડી છે તેના કારણે જે અસ્થિરતા ઊભી થવાની છે તેમાં ભારત “સ્ટેબિલાઈઝર” તરીકે ભૂમિકા ભજવવા માટે સક્ષમ છે. 2020માં “નામ” બેઠકમાં ભારતની હાજરી અને 2023માં જી-20ના અધ્યક્ષપદનો સ્વીકાર એ બંને બાબતને ભારતની વધતી વૈશ્વિક ભૂમિકા તરીકે જોવી જોઈએ.
ઇન ફેક્ટ, 2020 પછી ભારતે આંતરરાષ્ટ્રીય સંબંધોના મોરચે બંને એટલી બેઠકોમાં ભાગ લેવાનું, બીજા દેશોને મદદ કરવાનું, ભારતીય મૂળના નાગરિકોની વહારે જવાનું, વૈશ્વિક એકતા માટે સૌને એકજૂથ કરવાનું શરૂ કર્યું છે. “નામ”ની બેઠકમાં મોદીએ કહ્યું હતું કે, “વર્તમાનમાં જે આંતરરાષ્ટ્રીય વ્યવસ્થા છે, તેની અમુક મર્યાદાઓ છે એટલે ન્યાયોચિત, સમાનતા અને માનવીયતાના ધોરણે કામ કરતા નવા વૈશ્વિકરણની હવે જરૂર છે.” આ શબ્દોમાં સંકેત છે કે દુનિયા બદલાઈ રહી છે.
દુનિયા કેવી રીતે બદલાઈ રહી છે અને એમાં ભારતે શું કરવું જોઈએ તેને લઈને વિદેશ મંત્રી એસ. જયશંકર તેમના તાજેતરમાં જ પ્રગટ થયેલાં પુસ્તક “ધ ઇન્ડિયા વે”માં સરસ સમજાવે છે. તેમના જ શબ્દોમાં :
“ભારતની આત્મલીનતા કેવી રીતે તેની વૈશ્વિક દૃષ્ટિને આકાર આપે છે તે બાબતને દાયકાઓ અગાઉ સત્યજીત રેની એક ફિલ્મમાં સટીક રીતે બતાવવામાં આવી હતી. તેમાં બે એવા નવાબોની વાત હતી, જેઓ એકતરફ ચેસની રમતમાં મશગૂલ હતા, ત્યારે બીજી તરફ બ્રિટિશ ઇસ્ટ ઇન્ડિયા કંપની સ્થિર ગતિએ તેમના સમૃદ્ધ રજવાડા અવધ પર વર્ચસ્વ જમાવી રહી હતી. આજે, જ્યારે એક અન્ય વૈશ્વિક તાકાતનો ઉદય થઇ રહ્યો છે – અને તે પણ ભારતની એકદમ પડખે – ત્યારે આ દેશ ફરી એકવાર તેનાં પરિણામો પ્રત્યે બેખબર રહી ન શકે. આદર્શ રીતે જોવા જઈએ તો, ચીનનું ઉત્થાન ભારતની સ્પર્ધાત્મક વૃત્તિઓને તેજ કરવા માટે પ્રેરણારૂપ બનવું જોઈએ, પરંતુ કમ સે કમ તેનાથી એ ગંભીર ચર્ચા તો છેડાવી જ જોઈએ કે આમાં વૈશ્વિક રાજનીતિ કઈ દિશામાં જશે અને આપણા માટે તેમાં શું સુચિતાર્થ છે.
આ વાત મહત્ત્વની છે કારણ કે તેની સમકક્ષ અન્ય નિર્ણાયક પરિવર્તનો આગળ વધી રહ્યાં છે. એક વ્યાપક સંતુલન પુનઃ સ્થાપિત થતું તો દેખાઈ જ રહ્યું હતું, તેના પર હવે વિસ્તૃત પ્રાદેશિક અસ્થિરતા, જોખમી વ્યવહાર, મજબૂત રાષ્ટ્રવાદ અને વૈશ્વિકરણનો ઇન્કાર છવાઈ ગયો છે. ચીનના ઉત્થાન સામે અમેરિકા કેવો પ્રતિભાવ આપે છે, તેના પરથી સમકાલીન રાજનીતિની દિશા નક્કી થશે. વૈશ્વિક ફેરફારો આંતરિક બાબતોને કેવી રીતે પ્રભાવિત કરે છે તેનો આપણે ત્યાં પૂરો વિચાર કરવામાં આવતો નથી, પરિણામે ભારત ઘણીવાર એ ફેરફારોને નજરઅંદાજ કરે છે. આપણે ત્યાં ચોક્કસ પોલિટીકલ નેરેટિવ્સની ગેરહાજરી હોવાથી, આ ફેરફારો ભારતની વૈચારિકતાને કેવી રીતે પ્રભાવિત કરે છે તે પણ સ્પષ્ટ નથી. એટલે, ભારત જ્યારે વૈશ્વિક વ્યવસ્થામાં ઉપર ઊઠી રહ્યું છે ત્યારે, તે પોતાનાં હિતોને સાફ દૃષ્ટિએ જુએ એટલું જ નહીં, તેને અસરકારક રીતે વ્યક્ત કરે તે પણ જરૂરી છે. “
લાસ્ટ લાઈન :
“ડિપ્લોમસી એટલે લોકો ભાડમાં જાઓ કહેવાની એવી કળા કે એ લોકો ત્યાં જવાનો રસ્તો પૂછે.”
— વિન્સ્ટન ચર્ચીલ
પ્રગટ : ‘ક્રોસલાઈન’ નામે લેખકની સાપ્તાહિક કોલમ, “ગુજરાતી મિડ-ડે”; 22 નવેમ્બર 2022
સૌજન્ય : રાજભાઈ ગોસ્વામીની ફેઇસબૂક દીવાલેથી સાદર