
રવીન્દ્ર પારેખ
સમાન નાગરિક સંહિતા (UCC) ભારતમાં લાગુ કરનાર ઉત્તરાખંડ પહેલું રાજ્ય, ઐતિહાસિક રીતે પણ બન્યું છે અને એને પગલે ગુજરાત, આસામ જેવાં રાજ્યો આગળ આવે એમ બને. જો કે, ગુજરાતમાં UCC લાગુ કરવા અંગેની કોઈ હિલચાલ નથી. આમ તો કોમન સિવિલ કોડ લાગુ કરવાની જાહેરાત ગુજરાતે વિધાનસભા ચૂંટણી પહેલાં કરેલી, પણ એ અંગેની એકાદ સમિતિ પણ આજ સુધી રચાઈ નથી. એ તો થાય ત્યારે, પણ અત્યારે તો ઉત્તરાખંડમાં UCC બિલે કાયદાનું રૂપ લઈ લીધું છે તે ખરું. ભા.જ.પ. શાસિત ઉત્તરાખંડ સરકારના મુખ્ય મંત્રી પુષ્કર ધામીએ ૭૬માં પ્રજાસત્તાક દિનથી સમાન નાગરિક ધારો લાગુ કરી દીધો છે. UCC લાગુ કરવાનું વચન ત્રણ વર્ષ પહેલાં અપાયું હતું ને એ પૂરું થયું છે. મુખ્ય મંત્રી ધામીનું કહેવું છે કે UCCનો હેતુ કોઈને ટાર્ગેટ કરવાનો નથી. 27 જાન્યુઆરી હવેથી ‘સમાન નાગરિકતા દિન’ તરીકે ઓળખાશે.
બે પ્રકારના કાયદા દેશમાં છે. ક્રિમિનલ લો દરેક નાગરિકને એકસરખી રીતે લાગુ પડે છે, પણ સિવિલ લોમાં લગ્ન, સંપત્તિ, છૂટાછેડાના કાયદા બધા ધર્મ ને બધી કોમ માટે સરખા નથી. એવા કાયદા પર્સનલ લો તરીકે ઓળખાય છે. મુસ્લિમોમાં લગ્ન અને સંપત્તિને લગતો કાયદો જુદો છે, એમ હિન્દુઓમાં પણ એ જુદો છે. એ જ રીતે ખ્રિસ્તી અને શીખના પર્સનલ લો પણ અલગ અલગ છે. કોઈ પણ ધર્મ યા કોમને હવે પર્સનલ લો નહીં, પણ UCC લાગુ થશે.
આમ તો ધામીએ 12 ફેબ્રુઆરી. 2022ને રોજ વિધાનસભા ચૂંટણીના આગલે દિવસે જ UCCની જાહેરાત કરી હતી. મે, 2022માં સુપ્રીમ કોર્ટના રિટાયર્ડ જજ રંજના દેસાઈની અધ્યક્ષતામાં વિશેષ સમિતિની રચના કરવામાં આવી. સમિતિને વીસેક લાખ જેટલાં સૂચનો મળ્યાં. અઢી લાખ લોકો સાથે સીધો સંવાદ થયો. 6 ફેબ્રુઆરી, 2024ને રોજ UCC બિલ રજૂ થયું ને બીજે દિવસે તે વિધાનસભામાં પસાર થયું. 11 માર્ચે રાષ્ટ્રપતિએ મંજૂરીની મહોર મારી. 2025ની 20 જાન્યુઆરીએ નિયમોને કેબિનેટની મંજૂરી મળી અને 27 જાન્યુઆરીએ યુનિફોર્મ સિવિલ કોડ લાગુ કરવામાં આવ્યો.
UCC લાગુ થતાં રાજ્યમાં તમામ લગ્નોની નોંધણી હવે ફરજિયાત બનશે. લોકોએ નોંધણી માટે સરકારી ક્ચેરીઓએ જવું ન પડે એ રીતે લગ્ન ઓનલાઈન રજિસ્ટર કરવાની સુવિધાઓ ઊભી કરાઈ છે. 27 માર્ચ, 2010 પછીનાં તમામ લગ્નોની નોંધણી 6 મહિનાની અવધિમાં કરાવવાનું ફરજિયાત છે. એ જ રીતે લિવ ઇન રિલેશનશિપનું રજિસ્ટ્રેશન કરાવવાનું પણ ફરજિયાત છે, એટલું જ નહીં, લિવ ઇનમાં રહેવા માટે માતાપિતાની મંજૂરી પણ હવે અનિવાર્ય છે. કોઈને પણ જાણ કર્યા વગર બે વ્યક્તિઓ એક મહિનાથી વધુ સમય માટે લિવ ઇનમાં રહેતી હશે, તો તેમને 10,000 રૂપિયાના દંડની જોગવાઈ કાયદામાં કરવામાં આવી છે. રજિસ્ટ્રાર સમક્ષ સંબંધની શરૂઆત કે તેના અંતની જાણકારી આપવાનું પણ અનિવાર્ય છે. લિવ ઇન રિલેશનથી થયેલું બાળક કાયદેસર ગણાશે. UCC હેઠળ કોઈ પણ ધર્મ કે કોમની દીકરીને દીકરા જેટલો જ મિલકતમાં સમાન અધિકાર રહેશે. લિવ ઇન રિલેશનશિપ ન ટકે તે સ્થિતિમાં સ્ત્રી ભરણપોષણ માંગી શકે છે. અહીં સવાલ એ થાય કે લિવ ઇન, લગ્ન કરતાં કઈ બાબતે અલગ છે? જો લિવ ઇનમાં બધી વિધિ લગ્ન જેવી જ કરવાની હોય કે છૂટાછેડામાં પણ રજિસ્ટ્રારને જાણ કરવાની હોય તો લિવ ઇનમાં રહેવાનું કોઈ શું કામ પસંદ કરશે? લિવ ઇનને કાયદેસર કરવાને બહાને એ પ્રથા ખતમ કરવાનો હેતુ તો નથીને એવો સવાલ પણ થાય છે.
UCC આમ તો કોઈ ધર્મ અને કોમની વિરુદ્ધ નથી એમ કહેવાયું છે, પણ તેની અસર હલાલાની પ્રથા પર પડે એમ છે. તલાક થયા પછી જો પત્ની એ જ પતિને ફરી પરણવા ઈચ્છે તો તે મહિલાએ બીજા લગ્ન કરવાં પડે અને બીજા પતિને તલાક આપ્યા પછી જ એ પહેલા પતિને પરણી શકે. આ પ્રથા ઇસ્લામમાં હલાલા તરીકે ઓળખાય છે. આમ તો હિન્દુઓમાં પણ એકથી વધુ સ્ત્રી કરનાર મળી રહે, પણ મુસ્લિમોમાં એક પર ચાર પત્ની કરવાનો બાધ નથી. એવું પણ નથી કે બધા જ મુસ્લિમો ચાર પત્ની કરે છે, પણ UCC લાગુ થતા બહુપત્નીત્વ પર બ્રેક લાગી જશે એ ખરું. જમીયત ઉલેમા-એ-હિન્દ ઉત્તરાખંડમાં લાગુ થયેલ UCCને નૈનિતાલ હાઇકોર્ટ અને સુપ્રીમ કોર્ટમાં પડકારશે. જમીયતના અધ્યક્ષ મૌલાના અરશદ મદનીનું સ્પષ્ટ કહેવું છે કે UCC બધી રીતે ભેદભાવ અને પૂર્વગ્રહ પર આધારિત છે. આ કાયદો નાગરિકોની ધાર્મિક સ્વતંત્રતા પર તરાપ મારે છે. અમને કોઈ એવો કાયદો સ્વીકાર્ય નથી જે શરિયત વિરુદ્ધ હોય. અમારો કૌટુંબિક કાનૂન માણસો દ્વારા નહીં, પણ કુરાન અને હદીસ દ્વારા બનાવાયો છે. એક તરફ આ વાત છે તો બીજી તરફ સુપ્રીમમાં એવો મામલો પણ સામે આવ્યો છે, જેમાં મુસ્લિમ પરિવારમાં જન્મેલી કેરળની એક મહિલાએ સુપ્રીમમાં પુછાયેલા સવાલના જવાબમાં સ્પષ્ટ કર્યું છે કે તે ઇસ્લામ નથી પાળતી એટલે તેને સંપત્તિમાં હકને મામલે દેશનો બિનસાંપ્રદાયિક કાયદો લાગુ કરવામાં આવે.
તો, આ પરિસ્થિતિ છે. UCC બધાંને માફક ન આવે એમ બને. મુસ્લિમો ઉપરાંત અન્ય ધર્મી લોકોના પ્રતિભાવ સામે આવ્યા નથી. એમને પણ બધું માફક આવે જ એવું નથી, પણ બાળ લગ્નો, વસ્તી નિયંત્રણ જેવી બાબતે UCC ઉપકારક નીવડી શકે એમ છે. આ કાયદાની મર્યાદા કદાચ એ છે કે અન્ય ધર્મીઓને વિશ્વાસમાં લીધા વગર જ તે લાગુ કરી દેવાયો છે. એ સાથે જ દરેકે એ પણ સમજી લેવાનું રહે કે બધાંને જ માફક આવે એવો કાયદો ઘડવાનું મુશ્કેલ છે. દરેકને લાભ ન થાય એમ જ દરેકને હાનિ જ પહોંચે એવું ય નથી. લગ્નની ઉંમર પુરુષ માટે 21 વર્ષ અને સ્ત્રી માટે 18 વર્ષ તો UCC લાગુ કરવા પહેલાંથી નક્કી છે. એટલે એ બધા જ ધર્મોને લાગુ પડે એમાં કશું ખોટું નથી. એનું પાલન થશે તો બાળલગ્નોનું પ્રમાણ ઘટશે. મુસ્લિમ, ખ્રિસ્તી, પારસી સમુદાય માટે વસિયતના નિયમો અલગ હતા. UCC લાગુ થતાં, બધાં માટે નિયમો સરખા હશે. બધા ધર્મના લોકોને બાળક દત્તક લેવાનો અધિકાર મળશે. જો કે, બીજા ધર્મના બાળકને દત્તક લઈ શકાશે નહીં એ પણ ખરું.
એટલું છે કે યુનિફોર્મ સિવિલ કોડ બંધારણનાં અનુચ્છેદમાં ઉલ્લેખ છે એવી અનુસૂચિત જનજાતિને લાગુ નહીં પડે, જેથી જાતિઓ અને રિવાજોનું રક્ષણ થાય. એ ઉપરાંત ટ્રાન્સજેન્ડરોની પરંપરાઓમાં પણ કોઈ બદલાવ નહીં આવે. ઉત્તરાખંડ સરકારે લગ્ન અને લિવ ઇનની નોંધણી માટે ucc.uk.gov.in નામે એક વેબસાઇટ બનાવી છે. એના પર લગ્ન, છૂટાછેડા અને વસિયત નામાની નોંધણી અંગેની માહિતી મુકાયેલી છે. આ વેબસાઇટ પર 500 રૂપિયા ભરીને લિવ ઇનનું રજિસ્ટ્રેશન થઈ શકે છે.
કાયદાનો વિરોધ કરનારા નીકળે તો ય UCC સ્ત્રીઓને લાભ કરનારો છે, એનો નકાર થઈ શકે એમ નથી. છૂટાછેડા, બહુપત્નીત્વ, લિવ ઇન જેવામાં સ્ત્રીઓને વર્ષોથી અન્યાય થતો આવ્યો છે. UCC લાગુ કરતી વખતે એ વાતનું ધ્યાન રખાયું છે કે સ્ત્રીઓને અન્યાય ન થાય. કમ સે કમ વિવાહનું રજિસ્ટ્રેશન તમામ ધર્મ, કોમ માટે ફરજિયાત થયું છે અને એક હયાત હોય ત્યારે બીજી પત્ની કરવાની બંધી ફરમાવાઈ છે, એથી સ્ત્રીઓને ઘણી પીડામાંથી મુક્તિ મળશે. આવા મામલાઓમાં વધારે વેઠવાનું તો સ્ત્રીઓને જ આવે છે. વિવાહ ભંગના કિસ્સામાં સ્ત્રી અને પુરુષ માટે આધાર બંનેના સમાન રખાયા છે ને એનું ય રજિસ્ટ્રેશન ફરજિયાત કરાયું છે. વડા પ્રધાને પણ કહ્યું છે કે UCC માતાઓ અને પુત્રીઓ માટે ગૌરવપૂર્ણ જીવનનો પાયો બનશે. આમ છતાં પતિ, અન્ય સ્ત્રી સાથે દુષ્કર્મ કરે તો પત્ની છૂટાછેડા લઈ શકે છે, પણ પતિ, પત્ની પર બળાત્કાર કરે તો તેને છૂટાછેડાનો અધિકાર નથી. આવી વિસંગતિઓ સંદર્ભે UCCનો વધુ અભ્યાસ થવો જરૂરી છે.
જોવાનું એ છે કે આવા સુધારાઓ સાથે અન્ય રાજ્યોમાં UCC ક્યારે લાગુ થાય છે …
000
e.mail : ravindra21111946@gmail.com
પ્રગટ : ‘આજકાલ’ નામક લેખકની કટાર, “ધબકાર”, 31 જાન્યુઆરી 2025