
આજે સાહિત્ય પરિષદની કારોબારીની ચૂંટણીનું પરિણામ છે. નવી કારોબારી ને નવા પ્રમુખ સાહિત્ય પરિષદની સ્વસ્થતા અને સુરક્ષિતતા અંગે નહીં જ વિચારતા હોય એમ માનવાને કારણ નથી, પણ કેટલીક બાબતો તરફ ધ્યાન ખેંચવા અહીં થોડી વાતો કરવાનું સ્વીકાર્યું છે. દર ત્રણ વર્ષે પ્રમુખની અને મધ્યસ્થ સમિતિની ચૂંટણીનો ક્રમ હોય છે. એમાં જો પ્રમુખ તરીકે એક જ નામ
આવે તો ચૂંટણી ટળે, પણ મધ્યસ્થની ચૂંટણી ટળતી નથી. એ પછી કારોબારી નક્કી થાય છે. એમાં પણ ચૂંટણી થાય એ સ્થિતિ છેલ્લાં થોડાં વર્ષોમાં તો રહી જ છે. આ તમામ ખર્ચાળ ચૂંટણીઓ લગભગ પાંચેક મહિના ચાલે છે. લાખો મતદાતાઓ હોવા છતાં લોકસભાની ચૂંટણી અનેક શહેરો અને મથકોમાં આટલી લાંબી ચાલતી નથી, પણ માંડ ચારેક હજાર આજીવન સભ્યો હોય ને તેમાં ય મત આપનારાઓ પંદરસો સભ્યો પણ ન હોય ત્યારે પરિષદની ચૂંટણી મહિનાઓ સુધી ચાલે તે વિચિત્ર છે. આ સ્થિતિ બદલાવી જોઈએ. અનેક ટેકનિકલ સગવડો હાથવગી છે ત્યારે ચૂંટણીનો સમયગાળો ઘટવો જોઈએ ને મતદાનની પદ્ધતિ પણ વધુ આધુનિક બને તે અંગે વિચારાવું જોઈએ.
પરિષદનું બંધારણ કેટલાક સુધારાઓ માંગે છે. જેમ કે, દાતાસભ્યો, સંવર્ધક સભ્યો અને સંસ્થાસભ્યોની નવેસરથી વ્યાખ્યાઓ કરવાની જરૂર છે. આગળના સમયમાં ઓછી રકમ આપનારને જુદા જુદા સભ્યપદો ભલે અપાયા હોય, પણ હવે આજના સમય પ્રમાણે રકમ નક્કી કરીને જે તે સભ્યપદ અપાવું જોઈએ, એમાં પણ સૌથી વધુ ધ્યાન સાહિત્યિક સંસ્થાઓનું જોડાણ પરિષદ સાથે વધે એ તરફ જવું જોઈએ. એમ થશે તો પરિષદ વધુ મજબૂત અને સમૃદ્ધ સંસ્થા તરીકે રાજ્યમાં અને દેશવિદેશમાં વિશેષ ઓળખ પામશે.
કારણો ગમે તે હોય, પણ પરિષદ વિશાળ અને વિરાટ રૂપ પામે એ દિશામાં ખાસ પ્રયત્નો થયા નથી. વિશ્વ કક્ષાના સર્જકો ગુજરાતીમાં થયા, પણ પરિષદનો વિસ્તાર સીમિત જ રહ્યો. લેખકો વચ્ચેના અહમ્નો ટકરાવ એવો રહ્યો કે સંસ્થા અંગત માલિકીની હોય એવું વલણ પણ બળવત્તર રહ્યું. પરિષદ અમદાવાદમાં સ્થપાઈ, પણ તેનો અમદાવાદની બહાર વિસ્તાર ન થાય એની કાળજી રખાઈ. એ કાળજી પણ રખાઈ કે અધિવેશનો અને જ્ઞાનસત્રો ભલે અમદાવાદની બહાર થાય, પણ 115 વર્ષની પરિષદની એક પણ શાખા અમદાવાદની બહાર ન જ ખૂલે. એમાં સ્થાપિત હિતો ને હેતુઓએ સારો એવો ફાળો આપ્યો છે તેની નોંધ લેવી ઘટે.
બંધારણમાં જ એ પ્રકારની કાળજી રખાઈ છે કે અમદાવાદનો મહિમા ઓછો ન થાય. એ રીતે આ બંધારણ ઉદાર અને વ્યાપક દૃષ્ટિનું પરિણામ નથી. હોદ્દેદારોની વાત કરીએ તો માત્ર વિકાસમંત્રી જ બહારનો હશે એવો સ્પષ્ટ ઉલ્લેખ છે, બાકી અન્ય કોઈ હોદ્દાઓ માટે બહારની વ્યક્તિ સંદર્ભે બંધારણમાં કશી સ્પષ્ટતા નથી. એનો ગર્ભિત અર્થ એવો પણ થાય કે અન્ય હોદ્દાઓ પર અમદાવાદના જ સભ્યો હોય તો તે આપત્તિજનક નથી. એ સૂચવે છે કે પરિષદ અમદાવાદની બહાર પણ વિસ્તાર પામે એવી વૃત્તિ બંધારણ ઘડતી વખતે ધ્યાનમાં રહી નથી.
કાર્યવાહક સમિતિમાં બે ઉપપ્રમુખો હશે એવું બંધારણમાં છે. એ બેમાંથી એક ઉપપ્રમુખ બહારના હોય એ અગાઉનાં બંધારણમાં ઈચ્છનીય ગણાયેલું, પણ બંને ઉપપ્રમુખો અમદાવાદના હોય તે માટે એવો સુધારો બંધારણમાં દાખલ કરાયો કે બે ઉપપ્રમુખો પૈકી ઓછામાં ઓછા એક પરિષદસ્થળના (સ્થાનિક એટલે કે અમદાવાદના) હશે. આ ફેરફારથી એક ઉપપ્રમુખ બહારના ઇચ્છનીય હતા એના પર ચોકડી મારવા જેવું થયું. ઓછામાં ઓછા એક અમદાવાદના હોય તે સાથે જ વધારેમાં વધારે બંને ઉપપ્રમુખો અમદાવાદનાં પણ હોય તો તે વાંધાજનક નથી એવો અર્થ પણ એ સુધારામાં અભિપ્રેત છે. આ ફેરફાર શુદ્ધબુદ્ધિથી કરવામાં આવ્યો હોય એવું લાગતું નથી. બે ઉપપ્રમુખો જરૂરી બન્યા હોય તો તે બંને અમદાવાદના જ હોય એવી ગણતરી તો બંધારણ ઘડનારાઓની ન જ હોય. બે ઉપપ્રમુખો રાખવાનો ઉદ્દેશ તો એ જ હોય કે જેમ એક ઉપપ્રમુખ સ્થાનિક હોય તેમ જ એક અમદાવાદની બહારના પણ હોય.
એમાં પણ જ્યારે વાત ચૂંટણીની આવે ત્યારે કોઈ પણ પદ પર જે સૌથી વધુ મત મેળવે તે જીતે એ સ્પષ્ટ છે, પણ ઉપપ્રમુખની ચૂંટણીને એ વાત લાગુ પડતી નથી. જો ઉપપ્રમુખપદ માટે બેથી વધુ સભ્યો ઉમેદવારી કરે તો ચૂંટણી થાય ને એમાં જો બંને સ્થાનિક વધુ મત મેળવે તો બે ઉપપ્રમુખો અમદાવાદના જ થાય. એ જ રીતે બંને બહારના ઉમેદવારો વધુ મત મેળવે તો બંને ઉપપ્રમુખો બહારના થવા જોઈએ, પણ એવું નથી. અહીં ઓછામાં ઓછો એક ઉપપ્રમુખ તો સ્થાનિક હોય એ વાત આગળ કરાય છે ને હારેલો હોય તો પણ સ્થાનિક ઉમેદવાર ઉપપ્રમુખ થાય એવી મૌખિક સ્પષ્ટતા ચૂંટણી અધિકારીશ્રીએ કરી છે. કોઈ પણ ચૂંટણીમાં હારેલો ઉમેદવાર વિજેતા થતો નથી, એમાં પરિષદની ઉપપ્રમુખની ચૂંટણી અપવાદ છે. એ લોકશાહી પદ્ધતિની વિરુદ્ધ છે. આ ઠીક નથી. જો આ ઠીક હોય તો જે બહારનાને ઓછા મત મળે છે તે ઉમેદવારને પણ એક ઉપપ્રમુખપદ સોંપાવું જોઈએ. ઓછા મતે જો સ્થાનિક ઉમેદવાર ઉપપ્રમુખ થાય તો ઓછા મતે બહારનો ઉમેદવાર પણ ઉપપ્રમુખ થવો જ જોઈએ. અહીં બેવડી નીતિ છે તે યોગ્ય નથી. આ મતલબી અર્થઘટન છે ને ચૂંટણી અધિકારીશ્રીએ એનો ભાગ ને ભોગ ન બનવું જોઈએ. સાદો તર્ક તો એ જ હોય કે ઓછા મતે એક સ્થાનિક ઉમેદવાર ઉપપ્રમુખ થતો હોય તો ઓછા મતે એક બહારનો ઉમેદવાર પણ ઉપપ્રમુખ થાય. કોઈ પણ નીતિ કે ધોરણ પક્ષપાતી ન હોઈ શકે. જો કોઈ એક વાત ઠરાવાય તો તે સ્થાનિક કે બહારના ઉમેદવારને સરખી રીતે લાગુ પડવી જોઈએ. વધારે મતે બે સ્થાનિકો જીતી શકે તો બહારના પણ જીતી જ શકે. જો એ યોગ્ય ન હોય ને ઓછા મતે એક સ્થાનિક જીતી શકે તો ઓછા મતે એક બહારનો પણ જીતે એ જ સંતુલિત અને પ્રમાણિક અર્થઘટન ગણાય.
કાર્યવાહક સમિતિની ચૂંટણીનાં પરિણામ પહેલાં જ ચૂંટણી અધિકારીશ્રી ચોક્કસ નીતિ નક્કી કરીને ન્યાયી વલણ અપનાવે તેવી સહેજે અપેક્ષા રહે.
અહીં અમદાવાદને અવગણવાની વાત નથી, પણ પરિષદના સભ્યો માત્ર અમદાવાદના નથી. તે જો ગુજરાત ને દેશવિદેશના હોય તો પરિષદ માત્ર અમદાવાદની સંસ્થા ન રહેતાં કમસેકમ ગુજરાતની સંસ્થા તો ગણાય જ. બલકે, અત્યારે તો ગુજરાત વ્યાપી તે એકમાત્ર લોકતાંત્રિક સંસ્થા છે એટલે તેની નીતિરીતિ કે બંધારણ માત્ર અમદાવાદને કેન્દ્રમાં રાખીને નહીં, પણ ગુજરાતને ધ્યાનમાં રાખીને ઘડાય તે જરૂરી છે. એ અત્યંત દુખદ છે કે છ કરોડ ગુજરાતીઓ ગુજરાતમાં રહેતા હોવા છતાં 115 વર્ષની આ સંસ્થાના છ હજાર પણ આજીવન સભ્યો નથી. આમ થવા પાછળ પરિષદ, અમદાવાદની બહાર બહુ વિકસી ન જાય એવી માનસિકતા કામ કરી ગઈ હોય એમ બને. આ સ્થિતિ બદલાવી જોઈએ. નવી કારોબારી અને મધ્યસ્થ સમિતિની એ નૈતિક જવાબદારી બનવી જોઈએ કે એના કાર્યકાળ દરમિયાન વધુને વધુ આજીવન સભ્યો આ સમિતિઓ અને હોદ્દેદારો દ્વારા બને. અત્યારે સભ્યો બનાવવાની જે પ્રક્રિયા છે તે સહજ અને સરળ બનવી જોઈએ. કોઈ પણ પુખ્ત વયનો સાહિત્યરસિક કે સર્જક, નિવાસનો પુરાવો, જરૂરી ફી સાથે આપીને સભ્ય થઈ શકે એવી સરળ વ્યવસ્થા વિચારાવી જોઈએ.
આ એટલા માટે પણ જરૂરી છે કે પરિષદ આર્થિક રીતે સમૃદ્ધ રહે. અત્યારની પરિષદની આર્થિક સ્થિતિ સુધરે તે અપેક્ષિત છે. આવકનાં સાધનો ટાંચા છે. છેલ્લા થોડા મહિનાઓથી ભાડાની આવક નહિવત છે. એની સાથે તેનો પગાર અને નિભાવખર્ચ તો ઊભો જ છે. આ સ્થિતિમાં ભલભલી સંસ્થાઓ નબળી પડી શકે. એમાં પરિષદ પણ બાકાત ન હોય. કેટલીક સહાય ગુજરાત સાહિત્ય અકાદમી તરફથી મળતી હતી, તે અકાદમીની સ્વાયત્તતાનો મુદ્દો ઊભો થતાં બંધ પડી છે. આ બધાંમાં પરિષદનાં ઇતિહાસનાં ને અન્ય પ્રકાશનનાં કામો અટકી પડ્યાં છે. આ સ્થિતિ લાંબો સમય રહે તો પરિષદના અસ્તિત્વના પ્રશ્નો ઊભા થઈ શકે. આ સંજોગોમાં વધુને વધુ સભ્યો થાય, દાતાઓ પાસેથી દાન મેળવાય અને આવકની વૈકલ્પિક વ્યવસ્થાઓ વિચારાય તે અત્યંત જરૂરી બને છે. આમાં ભાષાની સંસ્થાઓ, ભાષાના વિદ્યાર્થીઓ ને અધ્યાપકોને મોટી સંખ્યામાં સભ્યો તરીકે જોડી શકાય તો પણ પરિષદને સારો એવો ટેકો થઈ શકે.
અહીં કેટલીક વાતો કેવળ પરિષદનું હિત વિચારીને કરી છે. કોઈને અહીં ઓછા આંકવાનો ઇરાદો નથી. મુખ્ય હેતુ તો હાલના સંજોગોમાં આવનારી સમિતિઓ પરિષદના આંતરિક અને બાહ્ય વિકાસ માટે સક્રિય બને તે અંગે ધ્યાન ખેંચવાનો છે.આશા છે એને એ રીતે જ જોવાશે. અસ્તુ !
0
e.mail : ravindra21111946@gmail.com
પ્રગટ : લેખકની ‘આજકાલ’ નામક કટાર, “ધબકાર” દૈનિક, 07 ડિસેમ્બર 2020
![]()


ખાસ કરીને જ્યારે રાજ્યમાં દિવાળી પછી કોરોનાએ તેનો રાક્ષસી પંજો ફેલાવ્યો છે ને સરકાર તથા તંત્રો તેને અટકાવવા ભારે જહેમત ઉઠાવી રહ્યાં છે, ત્યારે આપણા રાજકારણીઓ માણસાઈ બાજુ પર મૂકીને જે બેશરમીથી વર્તી રહ્યા છે તે ઘોર નિંદાને પાત્ર છે. એક તરફ હોસ્પિટલો છલકાઈ રહી છે, ઘણાં વેન્ટિલેટર પર જિંદગી માટે તરફડી રહ્યાં છે ને રોજના પંદર સત્તર લોકો મરી રહ્યાં છે, તો બીજી તરફ રાજકારણીઓ અને ઉદ્યોગપતિઓ પોતાની સંપત્તિનું વરવું ને નિર્લજ્જ પ્રદર્શન કરી રહ્યાં છે તે કોઈ પણ રીતે માનવતાને છાજે એવું નથી. આ આછકલાઈ છે ને સત્તાના મદનું, અહંકારનું છીછરું પ્રદર્શન છે ને તે ઘૃણાને પાત્ર છે.
આપણાં તંત્રો મતલબી ને પ્રજા બેદરકાર છે. આ પ્રજા જીવને જોખમે પણ, બેદરકારી દાખવવામાં જરા ય શરમાતી કે અચકાતી નથી. કોરોના એકંદરે કાબૂમાં આવ્યો હતો. કેસ ઘટવા માંડ્યા હતા. તઘલખી સરકાર પર દયા આવતાં કોરોનાને જ એમ થયું કે હવે ઘટવું જોઈએ એટલે એ ઘટવા માંડ્યો, પણ પ્રજા એમ એને ઘટવા દે? તેણે કોરોનાને કહ્યું કે અમે ઘટીશું, પણ તને ઘટવા નહીં દઈએ. સરકાર બરાબર જાણતી હતી કે દિવાળી આવી રહી છે ને લોકો રસ્તે આવી ગયા હોય તો પણ, રસ્તે ઊતરી પડવાના છે, પણ તેણે ચાલવા દીધું ને ટેવ પ્રમાણે સરકારી રાગ – માસ્ક, અંતર અને સેનેટાઈઝેશનનો આલાપ્યા કર્યો. લોકોને એવું થઈ ગયું કે કોરોનાથી કૈં થવાનું નથી, એટલે દિવાળી વખતે ઠેર ઠેર રસ્તે ઠલવાઈ ગયા. સરકાર લોકો માટે કોરોનાથી સાવચેતીનું રટણ કરતી રહી ને લોકો તેના તરફ ધ્યાન આપ્યા વગર મનમાની કરતા રહ્યા. પછી કોરોના ન વકરે એવું તો કેમ બને? તેણે પણ તેની જાત બતાવવા માંડી. રોજના 1,500થી 1,600 લોકો સંક્રમિત થવા લાગ્યા ને મરણનો આંકડો રોજનો પંદર સત્તર પર પહોંચવા લાગ્યો.