દિવાળી જાય છે ને દિલ્હીમાં પ્રદૂષણની બૂમ પડે છે. હવા ઝેરી થવા લાગે છે ને દિલ્હીના મુખ્ય મંત્રી રાબેતા મુજબ વાહનો માટે ઓડ-ઇવન ફોર્મ્યુલા, લોકડાઉન, સ્મોગ ટાવર, વર્ક ફ્રોમ હોમ જેવાં પગલાં લાગુ કરવા મચી પડે છે. સુપ્રીમ કોર્ટ પણ દર વર્ષે રાજ્ય અને કેન્દ્રને ચેતવણીઓ આપ્યાં કરે છે, સરકારો થોડી ઘણી સળવળે છે ને પછી બધું હતું તેવું થઈ જાય છે. રાજ્ય વર્ક ફ્રોમ હોમ માટે તૈયાર થાય છે તો કેન્દ્ર સરકારને એ માફક નથી આવતું. મહત્ત્વની ન હોય એવી ટ્રકોને રાજ્ય બહાર રોકવાના આદેશો અપાય છે, શિક્ષણ 21મી સુધી બંધ કરી દેવાય છે ને એવું ઘણું ઘણું થાય છે ને વળી એક દિવાળી જાય છે કે નવી ગિલ્લી, નવો દાવ-ની જેમ ફરી સુપ્રીમ કોર્ટ ચેતવણીઓ આપે છે, વળી સ્કૂલ-કોલેજો બંધ થઈ જાય છે ને વળી સરકારો પ્રદૂષણ અટકાવવાના એ જ જૂના ઉપાયો અજમાવી પ્રદૂષણ રોકવાના પ્રયત્નો કરે છે ને એમ બધું વર્ષોથી ચાલ્યા કરે છે. 2015માં દિલ્હી હાઇ કોર્ટ દિલ્હીને ગેસ ચેમ્બર કહી ચૂકી છે એ પરથી પણ ખ્યાલ આવશે કે આ સાતેક વર્ષ જૂનો રોગ છે ને એનો કાયમી ઈલાજ જડે તેની રાહ જોવાની રહે જ છે.
સાચી વાત એ છે કે કોઈને આનો કાયમી ઉકેલ શોધવામાં રસ નથી. દિલ્હી અને તેની આસપાસના નોઇડા, ગાઝિયાબાદ, ફરીદાબાદ જેવા વિસ્તારોમાં ઉદ્યોગોનું કાયમી ધોરણે ધુમાડાઓ અને કેમિકલ ઓકવાનું ચાલે જ છે, એમાંના ઘણા ઉદ્યોગો તો રહેણાંક વિસ્તારોમાં ચાલે છે, પણ એનાં જોખમોની કોઈને પરવા નથી. એમાં ઉદ્યોગો ઉમેરાય છે, પણ ઉકેલ ઉમેરાતો નથી. રોજ કરોડથી વધારે કાર દિલ્હીમાં ધુમાડાઓ કાઢતી દોડે છે ને એમાં પણ ઉમેરો તો થતો જ જાય છે, આ ઉપરાંત અન્ય વાહનો અને સાધનો પ્રદૂષણ ફેલાવે તે તો નફામાં ! દિલ્હીમાં વરસાદી વાદળો વિદાય લે છે એ પછી પ્રદૂષિત વાદળો ઘેરાવા લાગે છે ને જેમ ચોમાસું નક્કી છે એમ જ આ પ્રદૂષિત વાદળો પણ નક્કી જ છે, પણ એ વિખેરવાનો કોઈ પ્રયત્ન કાયમી ધોરણે થતો નથી તે હકીકત છે. આ બધું પાછું સ્વચ્છ ભારત અભિયાન અંતર્ગત હોય એમ પણ બને. આમાં કેન્દ્રમાં ભા.જ.પ.ની સરકાર હોય ને દિલ્હીમાં આપની સરકાર હોય એટલે વાંધાવચકાનું પ્રદૂષણ ન ફેલાય તો જ નવાઈ ! એમાં ઘાટ શિયાળ તાણે સીમ ભણી ને કૂતરું તાણે ગામ ભણી-વાળો થાય છે. સુપ્રીમ કોર્ટે છેલ્લી ટિપ્પણી એવી કરી કે કેન્દ્ર – રાજ્ય સરકારોએ કામ જ નથી કરવું અને બધું સુપ્રીમ પર ઢોળી દેવું છે. સુપ્રીમે ચોખ્ખું કહ્યું છે કે સરકારની કે સરકારી બાબુઓની પ્રદૂષણ રોકવાની દાનત જ નથી. આ પરથી સમજાય તેવું છે કે તંત્રો કેટલાં રેઢિયાળ અને ખાઈબદેલાં છે ! સુપ્રીમ ટોક્યા જ કરે ને સરકાર ટાળ્યાં જ કરે ત્યાં સફળ પરિણામ ન જ આવે તે સ્પષ્ટ જ છે. બાકી હોય તેમ મીડિયા દિલ્હીનું પ્રદૂષણ વૈશ્વિક બનાવવામાં ભારે જહેમત ઉઠાવે છે. મીડિયા કોઈ ચેપી રોગ જેવું છે જે ફેલાવામાં ભાગ્યે જ પાછળ રહે છે. વારુ, કૃષિ કાનૂનને મુદ્દે સરકાર અને ખેડૂતો વચ્ચે વરસેકથી ગજગ્રાહ ચાલે છે ને ખેડૂતો નથી માનતા એટલે જે પણ રીતે ખેડૂતોને બદનામ કરી શકાય, સરકાર પૂરી ઈમાનદારીથી તે કરે છે. ખેડૂતો પરાળ કે સાંઠા બાળી નાખે છે એટલે પ્રદૂષણ ફેલાય છે એવું કહીને સરકાર પ્રદૂષણનું ઠીકરું ખેડૂતોને માથે ફોડે છે. બીજી તરફ પ્રદૂષણ સમૂહ માધ્યમો પણ ફેલાવે છે ને આ મેલી ગંગામાં જેને તક મળે છે તે બધાં જ હાથ ધોઈને પવિત્ર થતાં રહે છે. ટૂંકમાં, સરકારો પોતાને જવાબદાર માનતી નથી એટલે કોઈ જવાબદારી લેવા તે તૈયાર નથી એટલે કામ થતાં નથી ને કામ થવાની એક્ટિંગ થતી રહે છે.
— અને આ કૈં એકલી દિલ્હીની જ વાત છે એવું નથી. એ ખરું કે દિલ્હી દુનિયાની સૌથી વધુ પ્રદૂષિત રાજધાની છે, તે કદાચ જાતભાતનાં અનેક પ્રદૂષણો સંદર્ભે પણ હશે, પણ દુનિયાના 30 સૌથી વધુ પ્રદૂષિત શહેરોમાં 22 તો ભારતનાં છે. એ શહેરો બહુ બોલતાં નથી એટલું જ, ને દિલ્હી રાજધાની છે ને પ્રદૂષિત થવામાં નિયમિત છે એટલે દેવદિવાળી ત્યાંથી થાય છે, બાકી, જે રાજ્યોએ ઔદ્યોગિક વિકાસ સાધ્યો છે ત્યાં પ્રદૂષણ પણ વિકસ્યું જ છે એ કહેવાની જરૂર નથી. ગુજરાતનાં અંકલેશ્વર ને વાપી શહેરો વૈશ્વિક કક્ષાએ પ્રદૂષણને મામલે ગાજ્યાં જ છે ને એ સ્થિતિમાં આજે પણ ઝાઝો ફરક પડ્યો નથી. વિકાસ ઉદ્યોગોને કારણે થયો છે એ સાચું, પણ એની સાથે ઇમારતો ને વાહનો પણ વિકસે છે ને એ પણ પ્રદૂષણમાં તો વધારો જ કરે છે. આ વળી કુદરતી સંસાધનોને ભોગે થતું હોય છે એટલે વિકાસ પણ થાય અને સમાંતરે વનસ્પતિ પણ ખીલે એવું ભાગ્યે જ બને છે. આ બધાંની સીધી અસર મનુષ્યને થાય છે ને વેઠવાનું એને આવે છે.
એમ લાગે છે કે જે જનતાના વૉટથી સરકારો અમલમાં આવે છે તે, અમલમાં આવ્યા પછી, જનતાની ઝાઝી ચિંતા કરતી નથી. એમ પણ લાગે છે કે દરેક જણ પોતપોતાની તાનમાં ને ધૂનમાં ચાલે છે. એક બાજુએ ભાવો વધ્યા જ કરે છે ને ઉદ્યોગપતિઓ એ યુક્તિ વિચારતા રહે છે કે પેટ્રોલ-ડિઝલમાં નરમાઈ છે તો ગેસમાં ભડકો કઈ રીતે થાય એમ છે ! પ્રજાને પણ મોંઘવારીની બહુ પડેલી ન હોય તેમ જરા ય ઊહાપોહ વગર જીવી કાઢે છે. જે રાજ્યોમાં ચૂંટણી આવી રહી છે એ રાજ્યોમાં કેસરિયાં કેમ થઈ શકે એની વેતરણમાં રાજ્યો ને કેન્દ્ર પડેલાં છે. મુસ્લિમોના મત ન મળે એમ લાગે તો ‘ઝીણા’ને મોટા ચીતરીને મત મેળવવાના પેંતરા પક્ષો કરે છે. જો એમ લાગે કે ભારત આવવાનું આમંત્રણ આપવાથી ખ્રિસ્તીઓના મત મળે એમ છે તો પોપને પણ લોલીપોપ આપવાનો વાંધો આવતો નથી. હિન્દુઓના મત મેળવવા હિન્દુત્વનું પાનું પણ ઊતરી દેવાય છે ને આદિવાસીઓને ગજવે ઘાલવા છે તો જનજાતિ દિવસ ઉજવવાનો ય વાંધો નહીં ! આ ઉપરાંત રેલી-રેલા તો ચાલ્યાં જ કરે છે, ક્યાંક ને ક્યાંક ઉદ્ઘાટનો પણ ચાલે છે ને ઉજવણાનો તો કોઈ પાર જ નથી. આ બધું એક બીજા સાથે ના’વા નીચોવવાનું ન હોય એમ એકબીજાથી અજાણ રહીને થતું રહે છે. બહાર બધું સારું સારું દેખાય ને અંદરની પ્રજા રૂંધાતી, ચૂંથાતી કે આપઘાતી બની રહે એની કોઈને જ ચિંતા નથી.
એમ તો આ દેશમાં વિપક્ષો પણ છે ને તે ગરીબોની, શોષિતોની મદદમાં હોય તેમ લાલચો આપતા રહે છે. કોઈ દેવું માફ કરવાનું કહે છે તો કોઈ મફત અનાજપાણીનું થૂંકયા કરે છે, કોઈ કૈં પણ કામ કરાવ્યા વગર ગરીબોના ખાતામાં ભીખ નાખ્યા કરે છે. આવી મદદથી પ્રજા નિર્માલ્ય અને મફતનું શોધતી થઈ છે તેનો કદાચ કોઈને ખ્યાલ પણ નથી. આનાથી ખરેખર મદદ થતી હોય તો પણ તે કોઈ રીતે ઉપકારક નથી. માનભેર જીવવાની કોઈ યોજના હોય તો તે પ્રજાને માટે મુકાવી જોઈએ. એક તરફ દિલ્હીના મુખ્ય મંત્રી પ્રદૂષિત યમુના નદીને સાફ કરવા 6 એક્શન પોઈન્ટ આપે છે, તો વડા પ્રધાન જેવા પર્યાવરણ સુધારણાની 200 દેશોની વૈશ્વિક સભામાં 2030 સુધીમાં કાર્બન ઉત્સર્જનમાં એક અબજ ટનનો ઘટાડો ભારત કરશે એવો વાયદો કરી આવે છે ને 2070 સુધીમાં ભારત શૂન્ય ઉત્સર્જનનું લક્ષ્ય હાંસલ કરશે એવું પણ ઉમેરે છે ને એ પરથી ગુજરાતનાં મુખ્ય મંત્રી જાહેર પણ કરી દે છે કે 2070 સુધી તો ભા.જ.પ. છે જ ! 2021માં દિલ્હીનું પ્રદૂષણ દૂર કરવાના ઠેકાણાં નથી ને 2070માં ભારત ઝીરો કાર્બન યુક્ત હશે એવું વડા પ્રધાન કયા આધારે કહી આવે છે તે નથી સમજાતું. આ સારો આશાવાદ જરૂર છે, પણ 2070 સુધીમાં પર્યાવરણની ખરેખર શી સ્થિતિ હશે ને ત્યારે ભારત કયાં હશે ને વડા પ્રધાન કે ભા.જ.પ. કયાં હશે એની આગાહી કરવાનું ઘણું વહેલું છે, પણ બોલવામાં ક્યાં પૈસા પડે છે, એટલે બોલે છે બધાં !
2022માં દિલ્હીમાં ચૂંટણી હોત તો કામચલાઉ રીતે તો દિલ્હી પ્રદૂષણ મુક્ત થઈ ગયું હોત, પણ અત્યારે ચૂંટણી ઉત્તર પ્રદેશ ને ગુજરાતમાં આવી રહી છે એટલે કેન્દ્ર સરકાર કે રાજ્ય સરકારો એ સિવાય બીજું કૈં મહત્ત્વનું ન ગણે એમ બને. એ રાજ્યોમાં જે પણ રીતે ચૂંટણી જીતી શકાય એ બધી રીતો સરકાર અજમાવવા તૈયાર છે, એ સિવાય બીજી કોઈ વાતો એમને અત્યારે મહત્ત્વની નથી, ભલે પછી એ રાજધાની દિલ્હીની તીવ્ર સમસ્યા જ કેમ ન હોય !
000
e.mail : ravindra21111946@gmail.com
પ્રગટ : ‘આજકાલ’ નામક લેખકની કટાર, “ધબકાર”, 19 નવેમ્બર 2021