કાવ્યકૂકીઝ
0
રાવણ આજે હોત તો
માથું દુખવાની 10 ટેબ્લેટની
આખી સ્ટ્રીપ જ તેણે એક સાથે લીધી હોત
તે જો બસમાં મુસાફરી કરતે તો
દસ ટિકિટ કઢાવવી પડતે
ને બધાં માથાં સાથે બસમાં ઘૂસવા જતે તો
અડધાં માથાં તો બહાર જ લટકતાં હોત
હોટેલમાં એક ચા મંગાવી હોત તો
નવ માથાં ‘મને પહેલાં’ની બૂમો મારી
અંદરોઅંદર ઝઘડ્યાં હોત !
ચૂંટણી લડવા ટિકિટ કેટલી આપવી
એ બાબતે ય તકરાર થઈ હોત
ને ધારો કે બધાં માથાં જીત્યાં હોત તો પણ
ઉમેદવાર તો એક જ જીત્યો હોત !
એ જો લગ્ન કરવા તૈયાર થયો હોત
તો કોઈ કન્યાએ ‘ટેન ઇન વન’ હસબન્ડને
પસંદ કર્યો હોત કે કેમ તે નક્કી કરવાનું
મુશ્કેલ છે ને ધારો કે કોઈ તૈયાર થઈ પણ હોત
તો બહુપતિત્વને મામલે કોઈ વકીલે
તેને બચાવી હોત કે કેમ તે પ્રશ્ન જ છે
એમાં કદાચને કોઈ ગુના સબબ
પતિને જેલ થઈ હોત તો
એક ઓરડીમાં માથાંનો ભરાવો થતાં
અન્ય કેદીને રાખવા અંગે
ચડભડ થઈ હોત તે નફામાં !
બાય ચાન્સ ડહાપણની દાઢ કઢાવવાની હોત
તો એક સામટી દાઢ કઢાવવાનો ખર્ચ
કદાચ પરવડ્યો હોત તો પણ
દસેક ગણો દુખાવો દૂર ન કરી શકતા
ડૉક્ટરને તેણે ઝાપટ મારી જ હોત
તો ડૉક્ટર ચોકઠું નખાવવા ક્યાં ગયો હોત
તે અટકળનો વિષય છે
એ અટકળ તમે કરી શકો એમ છો?
000
e.mail : ravindra21111946@gmail.com
![]()


2022નું વર્ષ પૂરું થવામાં છે ત્યારે વિશ્વનું વાતાવરણ, ઉજવણાંનું ઓછું અને ઊઠમણાંનું વિશેષ જણાય છે. નાતાલનો પણ તાલ રહ્યો નથી. અમેરિકાએ તો બરફમાં દટાઇને ક્રિસમસ ઊજવી છે. ત્યાં બોમ્બ સાઈક્લોને 48 રાજ્યોમાં બરફની સફેદ સફેદ ચાદરો ફેલાવીને 65 જીવોને ઠંડી કબરોમાં દફનાવી દીધા છે. સૌથી વધુ મોત ન્યૂયોર્ક સ્ટેટના બફેલો સિટીમાં થયાં છે. આઠ ફૂટથી વધુ બરફ જામી ગયો છે ને લાખો લોકો વીજળી-પાણી વગર ઝઝૂમી રહ્યાં છે. પાણી જામી જવાને લીધે, ઠંડી અને પાણીને અભાવે 34 લોકો મૃત્યુ પામ્યાં છે. 25 કરોડથી વધુ લોકો આ તોફાનથી અસરગ્રસ્ત છે. આ તોફાનને આર્કટિક બ્લાસ્ટ પણ કહે છે. એને કારણે પારો -57 ડિગ્રીએ પહોંચ્યો છે. આર્કટિક પરથી બરફનાં કણો સાથે પવન ફૂંકાય છે ને તે બોમ્બની જેમ વરસે છે. 26 ડિસેમ્બરે ત્રણ ભારતીયો જામી ગયેલાં વુડ કેનન લેક પર ફરતાં હતાં ને એકાએક બરફની પરત તૂટતાં લેકમાં ગરકાવ થઈ ગયાં ને મૃત્યુ પામ્યાં. અમેરિકામાં જનજીવન ઠપ થઈ ગયું છે ને ત્યાં ઇમરજન્સી ડિકલેર થઈ છે. ત્રણ હજારથી વધુ ફ્લાઇટ્સ કેન્સલ થઈ છે ને સ્થિતિ અત્યારે વિશ્વ આખાથી કપાઈ ગયા જેવી છે. એ જ રીતે જાપાનમાં આઠેક દિવસથી થઈ રહેલી હિમવર્ષાને કારણે 17 જીવોને બરફની કબરો નસીબ થઈ છે. જાપાનના 20 હજારથી વધુ ઘરોમાં અંધારપટ છે ને બીજી પણ ઘણી મુશ્કેલીઓનો સામનો તે કરી રહ્યું છે. .
હા, જન્મ માબાપ આપે છે, જાતિ, જ્ઞાતિ આપે છે, તે સિવાય કોઈ પણ અગાઉથી માબાપ કે જાતિ, જ્ઞાતિ નક્કી કરી શકતું નથી. કોઈએ હિન્દુ થવું કે મુસ્લિમ કે શીખ-ઈસાઈ થવું તે કોઈના હાથમાં નથી, બિલકુલ એમ જ જેમ કોને ત્યાં જન્મવું એ કોઈનાં હાથમાં નથી. આટલું નક્કી છે એ જાણવા છતાં આપણે અમુક જાતિ – જ્ઞાતિ માટે જે રાગદ્વેષ પાળીએ છીએ તે યોગ્ય નથી. અમુક હિન્દુ છે કે અમુક મુસ્લિમ છે એ વાતે કેટલાં બધાં વેરઝેર આપણે ઉછેરીએ છીએ ને જિંદગી આખી બીજું કોઈ કામ જ ન હોય એમ, તલવાર-ત્રિશૂળ ઉછાળવાની તૈયારીમાં લાગેલાં રહીએ છીએ એ પણ બરાબર નથી. આપણી સૌથી મોટી વીરતા ઘણીવાર તો સામેનામાં દોષ જોવામાં જ પૂરી થઈ જાય છે. એ વખતે વિચાર કરતા નથી કે જે દોષ સામેનામાં જોઈએ છીએ એનો શિકાર તો આપણે ઘણાં વહેલાં થઈ ચૂક્યા હોઈએ છીએ. આપણને એ પણ ખબર છે કે આવાં રાગદ્વેષથી છેવટે તો લોહી જ હાથમાં આવે છે. એ ત્યારે જ શક્ય બને છે, જો વાંક સામેવાળાનો છે એવું ક્યાંકથી ઠસાવી દેવામાં આવ્યું હોય. વાંક સામેવાળાનો હોય જ નહીં, એવું પણ નથી, સામેવાળાનો હોઈ પણ શકે છે ને એને લીધે આપણું ખુન્નસ વધતું આવે છે. આવું ખુન્નસ વાવનારાઓ નિર્દોષ નથી, ઘણુંખરું તો એવી વાવણી કરનારાઓ બૌદ્ધિકો ને ધાર્મિકો છે. આ લોકો નિર્દોષોને ઉશ્કેરવાનું ને ધાર્યું રાજકારણ પાર પાડવાનું કામ કરે છે. આમ તો આ કહેવાતા બૌદ્ધિકો અને ધાર્મિકો કોઈ મોટાં માથાના હાથા જ હોય છે ને એની વફાદારી નિભાવવામાં એ મોટા સમુદાયનાં ભોળપણનો લાભ ઉઠાવે છે. એમાં એ પોતાનું લોહી બચાવીને શિકાર તો આજ્ઞાંકિતોનો જ કરે છે. આ એ આજ્ઞાંકિતો છે જે ઘેટાંની જેમ પાછળ પાછળ ચાલવામાં જ રાજી છે. એમને પોતાપણું ખાસ નથી. એ તો હોળીનું નાળિયેર બનવા માટે જ છે. એમણે મફત અપાયેલું અનાજ વર્ષો સુધી ખાધું હોય છે ને એની કિંમત તેમનું બ્રેઇન વોશ કરીને વસૂલાતી હોય છે. એ ઉપરાંત બીજા પણ ઘણાં એવાં છે જે ગમે ત્યારે, ગમે ત્યાં દાઝ ઉતારવા તૈયાર હોય છે. એમને ખબર પણ નથી હોતી, શેની દાઝ ઉતારવાની છે, પણ કોઈકે કહ્યું છે ને દાઝ ઉતારવાનું બહાનું મળે છે તો ઉતારી દેવાય છે !