
રમેશ ઓઝા
પહેલી જાન્યુઆરીએ મહારાષ્ટ્રમાં દલિતોને (હકીકતમાં મુખ્યત્વે મહારાષ્ટ્રના મહારોએ) ભીમા કોરેગાંવ વિજય દિવસ ઉજવ્યો હતો. ૧૯૨૭ની સાલથી પહેલી જાન્યુઆરીના રોજ પૂના નજીક ભીમા કોરેગાંવ નામનાં સ્થળે મોટી સંખ્યામાં મહાર દલિતો જમા થાય છે અને વિજય દિવસ ઉજવે છે. આ વખતે લગભગ બે લાખ જેટલા દલિતો ભીમા કોરેગાંવમાં ઉપસ્થિત રહ્યા હતા એમ મરાઠી અખબારોનાં અહેવાલો કહે છે.
શા માટે મહારાષ્ટ્રના દલિતો ભીમા કોરેગાંવ દિવસ ઉજવે છે? ક્યાં છે આ ભીમા કોરેગાંવ? કોનો વિજય થયો હતો અને કોની સામે વિજય થયો હતો? ગુજરાતનાં વાચકોને કદાચ આની જાણ નહીં હોય એટલે પહેલાં એ ઘટનાની પૃષ્ઠભૂમિ સમજી લઈએ.
૧૭૫૭નાં પ્લાસીના યુદ્ધમાં ઇસ્ટ ઇન્ડિયા કંપનીનો વિજય થયો એ પછીથી કંપનીએ ધીરે ધીરે ભારત પર કબજો જમાવવા માંડ્યો હતો. આમાં કંપની સામે મોટો અવરોધ મહારાષ્ટ્રના મરાઠાઓ અને પેશાવાઓ હતા. એક અભિપ્રાય એવો છે કે જો મરાઠાઓને અને પેશાવાઓને રાજ કરતાં આવડ્યું હોત તો કદાચ અંગ્રેજોને ભારત પર કબજો જમાવવામાં સફળતા ન મળી હોત. બન્યું એવું કે મરાઠાઓ ભારતમાં જે તે પ્રદેશ જીતતા હતા અને જે તે સરદારને એક ચોથાઈ મહેસૂલ આપવાની શરતે એ જીતેલો પ્રદેશ રાજ કરવા આપી દેતા હતા. હોલકર, પવાર, શિંદે (સિંધિયા), ગાયવાડ, ભોંસલે વગેરે આવા મરાઠા સરદારો પેશ્વાઓ વતી પણ લગભગ સંપૂર્ણ સ્વાયત્તા સાથે રાજ કરનારા સરંજામો હતા. એ વ્યવસ્થાને સરંજામશાહી તરીકે ઓળખવામાં આવે છે.
લાંબા ઇતિહાસને ટુંકાવી દઈએ. છત્રપતિ શિવાજી મહારાજના વંશજો તેમનાં વતી શાસન કરનારા પેશ્વાઓ દ્વારા મળતાં સાલિયાણાં પર નભતા થયા અને પુરુષાર્થનો અંત આવ્યો. તેઓ નામના રાજા હતા. કોંકણસ્થ બ્રાહ્મણ પેશ્વાઓ (પેશ્વા એટલે પ્રધાનમંત્રી, અમાત્ય, દિવાન) અક્ષરસ: શાસક બની ગયા અને પેશ્વાઈ વંશપરંપરાગત બની ગઈ. સત્તા માટે પરિવારમાં કાવતરાં, દગાખોરી અને હત્યાઓ થવા લાગી. મહેસૂલનો એક ચોથાઇ હિસ્સો મળતો હતો એટલે પેશ્વાઓ અને તેમના બ્રાહ્મણ પ્રધાનો એશો આરામ કરવા લાગ્યા અને ધીરે ધીરે લંપટ જિંદગી જીવવા લાગ્યા. પછાત જાતિઓ અને તેમની સ્ત્રીઓ બ્રાહ્મણ શાસકોનાં અત્યાચારનો શિકાર બનવા લાગ્યા હતા. આ બાજુ જે તે પ્રદેશના સૂબાઓ આપસમાં લડતા હતા અને ઉત્તર પેશ્વાઈ યુગમાં (પાણીપતના યુદ્ધમાં મરાઠાઓના થયેલા પરાજય પછી) તેઓ પૂનાના પેશ્વાઓથી સ્વતંત્ર થવા લાગ્યા હતા અથવા તેમને ગણકારતા નહોતા. ટૂંકમાં પેશ્વાઇ અંદરથી ક્ષીણ થવા લાગી હતી. જો મરાઠાઓએ મરાઠા સામ્રાજ્યના સ્થાપક શિવાજી મહારાજને અનુસરીને અથવા મુઘલોને અનુસરીને એક કેન્દ્ર પરથી શાસન કરતું કેન્દ્રવર્તી સામ્રાજ્ય સ્થાપ્યું હોત તો કદાચ ભારતનો ઇતિહાસ જુદો હોત અને અંગ્રેજોને વિજય ન મળ્યો હોત અથવા વિજય આસાનીથી ન મળ્યો હોત.

પૂનાના બ્રાહ્મણોને એટલું પણ ધ્યાનમાં નહોતું આવ્યું કે પાંચ હજાર માઈલ્સ દૂરથી ભારતમાં ધંધો કરવા આવેલી કંપની તેના મુઠ્ઠીભર અંગ્રેજ અમલદારો દ્વારા ભારત પર કબજો જમાવી રહી છે અને સૂબાઓ નિયુક્ત કર્યા વિના હાથ કરેલા પ્રદેશો પર સીધું શાસન કરે છે. હકીકતમાં કંપની અમલદારો દ્વારા લંડનથી ભારત પર શાસન કરતી હતી. આ બધું પેશ્વાઓની સામે થઈ રહ્યું હતું, પરંતુ તેમના ધ્યાનમાં આ નહોતું આવ્યું. ભરતની સર્વશ્રેષ્ઠ પ્રજાને (બ્રાહ્મણોને) ભારત પર રાજ કરવાની તક મળી ત્યારે રાજ કરતાં આવડ્યું નહીં અને મૂઠીભર અંગ્રેજોએ પરાજીત કરી જીતેલા પ્રદેશો હાથમાંથી છીનવી લીધા એનો ચચરાટ મહારાષ્ટ્રના બ્રાહ્મણો આજે પણ અનુભવે છે અને હિન્દુત્વના રાજકારણને આ નિષ્ફળતા, પરાજય અને તેના ચચરાટ સાથે સીધો સંબંધ છે.
ઇસ્ટ ઇન્ડિયા કંપનીએ ભારત પર કેવી રીતે કબજો કર્યો હતો? ભારતીય સૈનિકો દ્વારા અને એ પણ એવા સૈનિકો જેને આપણા મહાન ભારતમાં તલવાર તો ઠીક, હાથમાં દંડુકો લઈને ગામમાં પ્રવેશવાની પણ મનાઈ હતી. નીચું જોઇને, કોઈની સાથે આંખ મેળવ્યા વિના અને કોઈના પર પડછાયો પણ ન પડે એ રીતે તેઓ ગામમાં પ્રવેશી શકતા હતા. ટૂંકમાં જે પ્રજાનો કોઈ ખપ નહોતો અને જેને હડધૂત કરવામાં આવતી હતી એ પ્રજાની એટલે કે દલિતોની કંપની સરકારે સૈન્યમાં ભરતી કરી હતી. કંપનીએ લશ્કર બાંધવાનું શરૂ કર્યું અને તેમાં મહારાષ્ટ્રના દલિતોની (મહારોની) મોટા પ્રમાણમાં ભરતી કરવામાં આવી. ડૉ આંબેડકરનો જન્મ ઇન્દોર નજીક મઉ ખાતે આવેલી લશ્કરી છાવણીમાં થયો હતો. તેમના પિતા અંગ્રેજોના લશ્કરમાં હતા. અંગ્રેજ લશ્કરમાં મહાર રેજીમેન્ટ હતી.
અંગ્રેજોએ જ્યારે જોયું કે પેશ્વાઓ વધુ વખત સુધી રાજ કરી શકે એમ નથી ત્યારે તેમણે ૧૮૧૮ના જાન્યુઆરીમાં પેશ્વાઓ પર આક્રમણ કર્યું હતું. પેશ્વાઓનું સૈન્ય વીસેક હજારનું હતું અને કંપનીનું ૮૩૪નું. કંપનીના સૈન્યમાં મહારો ઉપરાંત મરાઠાઓ, મુસલમાનો અને યહૂદીઓ પણ હતા. યુદ્ધમાં ૨૦ હજાર સૈનિકો ધરાવતા પેશ્વાઓનો કંપનીના ૮૩૪ સૈનિકો સામે ઘરઆંગણે પરાજય થયો હતો. વિજય પછી કંપનીએ યુદ્ધભૂમિની જગ્યાએ ૧૮૨૨ની સાલમાં ૬૨ ફૂટ ઊંચો વિજયસ્થંભ ઊભો કર્યો હતો અને તેના ઉપર કંપનીના માર્યા ગયેલા સૈનિકોનાં નામ આપવામાં આવ્યાં છે અને તેમની બહાદુરીની કીર્તિગાથા વર્ણવાઈ છે.
તો વિજય કોનો થયો હતો? દેખીતી રીતે ઇસ્ટ ઇન્ડિયા કંપનીનો? પરાજય કોનો થયો હતો? દેખીતી રીતે પેશ્વાઓનો. એ યુદ્ધ પછી ભારતમાં જલદી પરાજીત ન કરી શકાય એવા સ્થિર અંગ્રેજ રાજની સ્થાપના થઈ હતી. પણ અંગ્રેજો તો અંગ્રેજો હતા. તેમણે વિજય સ્થંભમાં પણ બાજી મારી હતી અને બ્રાહ્મણ પેશ્વાઓને સદૈવ પરાજીત કર્યા હતા. એ કઈ રીતે એની વાત આવતા અઠવાડિયે.
પ્રગટ : ‘નો નૉનસેન્સ’, નામક લેખકની કટાર, ‘રવિવારીય પૂર્તિ’, “ગુજરાતમિત્ર”, 07 જાન્યુઆરી 2024
![]()




રેનનના ઐતિહાસિક વ્યાખ્યાન પછી બરાબર ૧૦૧ વરસે ૧૯૯૩માં બેનેડિક્ટ એન્ડરસનનું એક પુસ્તક પ્રકાશિત થયું હતું જેનું શીર્ષક જ બોલકું છે. એ પુસ્તક છે; ઇમેજિન્ડ કૉમ્યુનિટીઝ : રિફલેક્ષન ઓન ઓરિજીન એન્ડ સ્પ્રેડ ઓફ નેશનાલિઝમ. એ પુસ્તકમાં એન્ડરસને કહ્યું છે કે રાષ્ટ્રવાદની ભાવના પેદા કરવા માટે અને તેને સ્વીકાર્ય બનાવવા માટે ઇમેજિન્ડ (સોનેરી કલ્પનાઓનો વરખ ચડાવેલી) પ્રજાની જરૂર હોય છે અને તે પાછી રાજકીય પ્રજા હોવી જોઇએ. માત્ર ભારતીય પ્રજા રાષ્ટ્રનું નિર્માણ ન કરી શકે, ભારતીય પ્રજા રાજકીય પણ હોવી જોઈએ. વરખ પેદા કરવાની, વરખ ચડાવવાની, વરખને જ સત્ય માનવાની અને મનાવવાની પ્રક્રિયા માત્ર ભારતીય પ્રજા ન કરી શકે, રાજકીય ભારતીય પ્રજા જ કરી શકે અને માટે ઇમેજીન્ડ કૉમ્યુનિટીઝ. આના દ્વારા વતન માટેના પ્રેમને રાષ્ટ્રીય ભાવનામાં પરિવર્તિત કરી શકાય અને દુભાયેલી ભાવનાનો રાજકીય લાભ પણ લઇ શકાય. પ્રેમ અને ભાવનામાં ફરક છે.