કેન્દ્રમાં સ્પષ્ટ બહુમતી સાથે સત્તામાં આવ્યા પછી યોગી આદિત્યનાથ જેવા બેફામ બોલનારા અને ધોલધપાટ કરનારા કહેવાતા ફ્રિન્જ એલિમેન્ટ્સ(પૂંછડિયા નેતાઓ)ને ઊંબાડિયાં કરવા દેવામાં આવ્યાં હતાં. ઇરાદો પાણી માપવાનો હતો. જો વિકાસના વિમર્શને હિન્દુત્વ તરફ દોરી જવામાં આવે અને એ પછી પણ જો સમર્થકો વિકાસની યાદ દેવડાવ્યા વિના હિન્દુત્વના બૅન્ડ-વૅગનમાં જોડાઈ જઈને ટેકો આપતા રહે તો સમજવું કે સ્થિતિ અનુકૂળ છે. સમર્થકો ભક્તો બની ગયા છે અને વિકાસની વાત ભૂલી ગયા છે
ઉત્તર પ્રદેશમાં યોગી આદિત્યનાથને મુખ્ય પ્રધાન બનાવવામાં આવ્યા એનો સંકેત બહુ સ્પષ્ટ છે અને હવે કોઈએ ભ્રમમાં રહેવાની જરૂર નથી. પહેલી વાત તો એ કે યોગી આદિત્યનાથ વિધાનસભાના સભ્ય નથી. બીજું, તેમને BJP દ્વારા મુખ્ય પ્રધાનપદના ઉમેદવાર તરીકે ઘોષિત કરવામાં આવ્યા નહોતા. ત્રીજું, ચૂંટણીપ્રચારમાં તેઓ મોખરાના સ્ટાર પ્રચારક પણ નહોતા. ચૂંટણીના પ્રચારમાં તેમનો અમુક સ્થળે જ ઉપયોગ કરવામાં આવ્યો હતો જ્યાં કોમી વિભાજન કરવાથી એ પૉકેટ પૂરતો BJPને લાભ મળે. ચોથું, ઉત્તર પ્રદેશ BJPના વિધાનસભા પક્ષે યોગી આદિત્યનાથને પસંદ કર્યા હોય એવું પણ નથી. યોગી આદિત્યનાથને અને BJPના ઉત્તર પ્રદેશ એકમના અધ્યક્ષ કેશવ પ્રસાદ મૌર્યને મારતે વિમાને દિલ્હી બોલાવવામાં આવ્યા હતા અને નરેન્દ્ર મોદી અને અમિત શાહને મળ્યા પછી એ જ ચાર્ટર્ડ વિમાનમાં બે કલાક પછી તેઓ લખનઉ પાછા ફર્યા હતા. સાથે કેન્દ્રીય પ્રધાન વેન્કૈયા નાયડુ હતા અને લખનઉમાં વિધાનસભ્યોને કહેવામાં આવ્યું હતું કે તેમણે શું કરવાનું છે. આમ યોગીને મુખ્ય પ્રધાન બનાવવાનો નિર્ણય દિલ્હીમાં લેવાયો હતો, લખનઉમાં નહીં. ટિપિકલ કૉન્ગ્રેસ સિસ્ટમ જે હવે નૅશનલ સિસ્ટમ બની ગઈ છે.
શા માટે દિલ્હીના હાકેમોએ (દિલ્હીના હાકેમોમાં વડા પ્રધાન નરેન્દ્ર મોદી, પક્ષના અધ્યક્ષ અમિત શાહ અને રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના સરસંઘચાલક મોહન ભાગવત જે આજકાલ નાગપુર કરતાં દિલ્હી વધુ રહે છે) યોગી આદિત્યનાથને દેશના સૌથી મોટા રાજ્યમાં મુખ્ય પ્રધાન તરીકે મોકલવાનો નિર્ણય લીધો? આ નિર્ણયના શું સંકેત હોઈ શકે?
આનો સંકેત એવો છે કે હવે તેમણે મોહરાં ફગાવી દેવાનો નિર્ણય લીધો છે. ઉત્તર પ્રદેશ જેવા અઘરા અને ત્રિપાંખિયા જંગવાળા રાજ્યમાં ૪૦૪માંથી ૩૨૫ બેઠકો મેળવ્યા પછી તેમને ખાતરી થઈ ગઈ છે કે હવે ‘સબકા સાથ સબકા વિકાસ’, ‘ઇન્ડિયા ફર્સ્ટ’ જેવા બધાને સાથે લઈને ચાલવાના આદર્શવાદી મહોરાની જરૂર નથી. ૨૦૧૯ની લોકસભાની ચૂંટણી હિન્દુ રાષ્ટ્રના નામે લડી શકાય છે અને શું ખબર દેશ અને વિદેશમાં જે પ્રતિક્રિયાવાદી માહોલ છે એ જોતાં લોકસભામાં બે-તૃતીયાંશ બહુમતી મળી પણ જાય. જો ડોનલ્ડ ટ્રમ્પ જેવો મૂર્ખ માણસ ઓન્લી વાઇટ ક્રિશ્ચિયન અમેરિકન ફર્સ્ટના નામે ચૂંટણી જીતી શકે તો આ જગતમાં કંઈ પણ બની શકે. આ ઉપરાંત બ્રેક્ઝિટ ઘટના, યુરોપમાં વધી રહેલો ઇસ્લામોફોબિયા જોતાં જગતઆખામાં અત્યારે પ્રતિક્રિયાવાદનો જુવાળ ઊમટ્યો છે.
અમેરિકા અત્યાર સુધી હાઇફનેટેડ નૅશનલિઝમ (જેમ કે બ્રિટિશ-અમેરિકન, ઇન્ડિયન-અમેરિકન વગેરે જેમાં બ્રિટન કે ભારતથી અમેરિકા ગયેલો વસાહતી તેની મૂળ ઓળખ જાળવી રાખીને પોતાને અમેરિકન તરીકે ઓળખાવે છે અને એટલું પૂરતું ગણાતું હતું) માટે ગર્વ લેતું હતું. ન કોઈ પ્રજાવિશેષની જોહુકમી કે ન તરફદારી કે ન લઘુમતી પ્રજા પાસે બહુમતી સંસ્કૃિતમાં ઓગળી જવાનો દુરાગ્રહ. દાયકા પહેલાંના અમેરિકામાં જેની કલ્પના પણ કરવી મુશ્કેલ હતી એ અત્યારે બની રહ્યું છે અને યુરોપના દેશો પણ એ જ માર્ગે હોય એવા સંકેત મળે છે. આપણે ત્યાં સંઘપરિવાર પણ માને છે કે રાષ્ટ્રવાદ બહુમતી કોમ પર જ આધારિત હોઈ શકે છે અને હોવો જોઈએ. લઘુમતી કોમની ફરજ છે કે એ બહુમતી કોમની સંસ્કૃિતને રાષ્ટ્રીય સંસ્કૃિત સમજીને અપનાવે અને એમાં ઓગળી જાય. રાષ્ટ્રવાદની આ કલ્પના સદી જૂની છે, ઇટલીમાં વિકસી છે અને વી. ડી. સાવરકર દ્વારા રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘે એને અપનાવી છે.
છેલ્લાં ૯૨ વરસથી RSS ઇટલીથી આયાત કરેલા રાષ્ટ્રવાદનો જપ જપે છે, પરંતુ ભારતની ભૂમિ હજી એની કલ્પનાના રાષ્ટ્રવાદને અપનાવવા જેટલી અનુકૂળ નહોતી. આને કારણે સંઘે અનેક મહોરાં પહેરવાં પડતાં હતાં અને અનેક મોઢે બોલવું પડતું હતું. ૨૦૧૪માં નરેન્દ્ર મોદીને અને સંઘપરિવારને ખાતરી થઈ હતી કે લોકોની અંદર પ્રચંડ રોષ અને પ્રતિક્રિયા છે અને એ સાથે જ તેઓ વિકાસની એષણા ધરાવે છે. નરેન્દ્ર મોદીએ વિકાસને કેન્દ્રવર્તી મુદો બનાવ્યો હતો અને સ્વીકાર્યતા મેળવવા સબકા સાથ સબકા વિકાસનું સૂત્ર આપ્યું હતું. સ્પષ્ટ બહુમતી સાથે સત્તામાં આવ્યા પછી યોગી આદિત્યનાથ જેવા બેફામ બોલનારા અને ધોલધપાટ કરનારા કહેવાતા ફ્રિન્જ એલિમેન્ટ્સ(પૂંછડિયા નેતાઓ)ને ઊંબાડિયાં કરવા દેવામાં આવ્યાં હતાં. ઇરાદો પાણી માપવાનો હતો. જો વિકાસના વિમર્શને હિન્દુત્વ તરફ દોરી જવામાં આવે અને એ પછી પણ જો સમર્થકો વિકાસની યાદ દેવડાવ્યા વિના હિન્દુત્વના બૅન્ડ-વૅગનમાં જોડાઈ જઈને ટેકો આપતા રહે તો સમજવું કે સ્થિતિ અનુકૂળ છે. સમર્થકો ભક્તો બની ગયા છે અને વિકાસની વાત ભૂલી ગયા છે.
મૂળમાં તો તેઓ (સમર્થકો-ભક્તો) મુસ્લિમ, આધુનિક મૂલ્યવ્યવસ્થા અને આધુનિક રાજ્યના વિરોધી છે અને વિકાસ તેમ જ ભ્રષ્ટાચારમુક્ત ભારત તો એક બહાનું હતું. હવે તેઓ રૅન્ક ફૉલોઅર બનવા તૈયાર છે એટલે સંઘે અને દિલ્હીના હાકેમોએ જુગાર રમવાનું જોખમ ખેડ્યું છે. ભારતના સૌથી મોટા રાજ્યમાં એવા માણસને મુખ્ય પ્રધાન બનાવવામાં આવ્યા છે જેને ફ્રિન્જ એલિમેન્ટ તરીકે ઓળખાવીને હાથ ખંખેરી નાખવામાં આવતા હતા. દરેક પરિવારમાં અને પક્ષમાં આવા તોફાની બારકસો હોય છે જે મર્યાદા બહાર જઈને વર્તે છે, પરંતુ તેઓ જે બોલે છે કે કરે છે એ પક્ષની સત્તાવાર નીતિ નથી. BJPના અને સંઘના પ્રવક્તાઓ હજી ગઈ કાલ સુધી આવો બચાવ કરતા હતા. હકીકતમાં તેઓ ફ્રિન્જ એલિમેન્ટ હતા જ નહીં, બલ્કે તેઓ ધી એલિમેન્ટ છે. હવે ધી એલિમેન્ટનો સમય આવી ગયો છે એટલે ડાહી-ડાહી વાતો કરનારાઓ વિન્ગમાં જતા રહેશે. ૨૦૧૯ની લોકસભાની ચૂંટણી હિન્દુ રાષ્ટ્રવાદના નામે લડાય તો આશ્ચર્ય નહીં.
સૌજન્ય : ‘કારણ-તારણ’ નામક લેખકની કોલમ, ‘ગુજરાતી મિડ-ડે”, 20 માર્ચ 2017