૧૯૧૭માં અમેરિકામાં ભારતીય રાષ્ટ્રવાદ વિષે પ્રવચન આપતા ગુરુદેવ રવીન્દ્રનાથ ટાગોરે કહ્યું હતું કે રાષ્ટ્રવાદ એક ભૂંડી કલ્પના છે અને ખાસ કરીને ભારત માટે તો એ વધારે ભૂંડી છે; કારણ કે ભારતની સમસ્યા રાજકીય નથી, સામાજિક છે. રવીન્દ્રનાથ ટાગોર માત્ર એક પ્રવચન આપીને અને તેને છપાવીને થોભ્યા નહોતા, પણ ગાંધીજીએ ૧૯૨૦-૧૯૨૧ની સાલમાં જ્યારે અસહકારનું આંદોલન શરૂ કર્યું ત્યારે તેઓ ગાંધીજી સાથે પણ વિવાદમાં ઉતર્યા હતા. અસહકારના આંદોલનનો વિરોધ કરતા તેમણે ગાંધીજીને કહ્યું હતું કે રાષ્ટ્રીય જાગૃતિના નામે તેઓ (ગાંધી) આગ સાથે રમત રમી રહ્યા છે. ગાંધીજીએ ‘કવિની ચોકી’ (ચોકીદારી) નામનો લેખ લખીને ગુરુદેવને નિશ્ચિંત રહેવાનું આશ્વાસન આપ્યું હતું.
આવું કવિવરે શા માટે કહ્યું? રવીન્દ્રનાથ ટાગોર વીસમી સદીના મેધાવી અને મૌલિક વિચારક હતા. આ બાજુ સદીઓથી સુષુપ્ત અને અધમરેલા ભારતીય સમાજને ગાંધીજી જાગૃત કરી રહ્યા હતા. પહેલીવાર અંગ્રેજોને એમ લાગવા માંડ્યું હતું કે હવે ભારતમાંથી ઉચાળા ભરવા પડશે. બ્રિટિશ વડા પ્રધાને ૧૮મી માર્ચ ૧૯૨૨ના રોજ (જે દિવસે ગાંધીજીને છ વરસની સજા કરવામાં આવી હતી એ જ દિવસે) લંડનમાં આમની સભામાં પ્રજાને સધિયારો આપતા કહ્યું હતું કે ભારતમાં બ્રિટિશ સામ્રાજ્ય સુરક્ષિત છે અને આપણે લાંબો સમય રાજ કરી શકીશું. ૧૯૨૩ના નવેમ્બરમાં મુંબઈના ગવર્નર સર જૉર્જ લૉઈડે અમેરિકન પત્રકાર ડ્રુ પિયર્સનને કહ્યું હતું કે, “એ તો ચૌરાચૌરીની ઘટના બની અને આંદોલન પાછું ખેંચાયું, પણ જો એમ ન બન્યું હોત અને અસહકારની લડતમાં ના-કરની લડત ઉમેરાઈ હોત તો અમારું શું થાત?” આમ રાષ્ટ્રીય જાગૃતિ અને અભૂતપૂર્વ રાષ્ટ્રીય એકતાને કારણે બ્રિટિશ સામ્રાજ્ય ધ્રુજી ગયું હતું.
આમ છતાં એ જ અરસામાં રવીન્દ્રનાથ ટાગોર કહે છે રાષ્ટ્રવાદ સ્વયં એક ભૂંડી કલ્પના છે અને ભારત માટે તો એ વધારે ભૂંડી નીવડી શકે એમ છે. જ્યારે ગાંધીના વિરોધીઓ સમય વર્તીને શુભ શુભ બોલતા હતા ત્યારે ગાંધીના અત્યંત સ્નેહી અને આદરણીય ગુરુદેવને ખરે ટાણે અશુભ બોલીને અપશુકન કરવાની શી જરૂર પડી? આખરે રવીન્દ્રનાથ દૂરનું ભાળી શકનારા કવિ હતા. તેમણે ગાંધીજી હજુ ભારતનું નેતૃત્વ સંભાળે એ પહેલાં જ ભારતીય રાષ્ટ્રવાદ વિષે ખતરાની ઘંટી વગાડી હતી અને અસહકારની લડત વખતે તો ગાંધીજી સાથે વિવાદમાં ઉતર્યા હતા. શા માટે?
રવીન્દ્રનાથે તેમના ભાષણની શરૂઆતમાં જ કહ્યું હતું કે ભારતની સમસ્યા રાજકીય નથી, સામાજિક છે એટલે રાષ્ટ્રવાદ ભારત માટે ખતરનાક છે.
આમ કહીને રવીન્દ્રનાથ શું કહેવા માગે છે? રાજકીય અને સામાજિકમાં શો ફરક? રાષ્ટ્રવાદી દેશભક્તોએ આ વાત સમજી લેવાની જરૂર છે. રવીન્દ્રનાથ કહે છે કે જગતના કોઈ પણ દેશ કરતાં ભારતમાં બહુવિધતા વધુ છે. જ્યાં રાષ્ટ્રવાદનો પ્રાદુર્ભાવ થયો છે એ યુરોપના દેશોની અને ભારતની સામાજિક-સાંસ્કૃતિક-ભૌગોલિક સ્થિતિ અલગ છે. સતત ઊભા પગે રહેવું, સતત અસલામતિ વચ્ચે જીવવું, સતત બાજનજર રાખવી અને મોકો શોધીને તક ઝડપી લેવી, જરૂર પડે તો લડવું- ઝઘડવું- આંચકવું એ પશ્ચિમની સભ્યતાનો સ્વભાવ છે. ઓછી વસ્તી, ઓછી બહુવિધતા, ઓછાં કુદરતી સંસાધનો અને સંઘર્ષમય જીવનને પરિણામે પશ્ચિમની પ્રજાનો આવો સ્વભાવ ઘડાયો છે. તેમને પોતા પાસે હોય તે પકડી રાખવા માટે અને બીજા પાસેથી આંચકી લેવામાં રાજ્ય (એટલે કે જે તે યુગના શાસકો) મદદ કરતું આવ્યું છે.
આમાંથી “આપણે” અને “બીજા”ની માનસિકતા વિકસી છે. આમાંથી રાજ્ય(એટલે કે એક શાસકીય એકમ અથવા તો વહીવટી વ્યવસ્થા)ને ઓળખના વાઘા પહેરાવીને રાષ્ટ્રમાં પરિવર્તિત કરવામાં આવ્યું હતું. “આપણે છોડવાનું નથી”, “આપણે સાબદા રહેવાનું છે”, “આપણે મેળવીને જ રહીશું”, “આપણે લડી લઈશું”, એમ “આપણે”, “આપણે”, “ આપણે”! આ આપણે એટલે કોણ? સાવ આપણે કહેવાથી તો પહેલો પુરુષ બહુવચન થયું અને એટલાથી કામ ન ચાલે. જો છિનાઝપટી કરવી હોય અને પોતાનું પકડી રાખવું હોય તો છિનનારમાં અને પકડી રાખનારમાં મહાનતાનું અને શૌર્યનું આરોપણ કરવું પડે. લૂંટારાઓની ટોળકીઓમાં પણ આગલી પેઢી પછીની પેઢીને “આપણે કેટલા મહાન છીએ અને આપણે કેટલા શૂરવીર છીએ” એના પાઠ આપતી જતી હોય છે. ઝનૂન ટકાવી રાખવા માટે આ જરૂરી છે, પછી ઉદ્દેશ ગમે તે હોય. ઝવેરચંદ મેઘાણીની બારવટિયાઓની શૌર્યગાથાઓમાં આ તત્ત્વ જોવા મળશે. ઝનૂન ટકાવી રાખવા માટે સદ્ગુણ અને શૌર્યનું લીંપણ જરૂરી છે.
આમ પશ્ચિમમાં જરૂરિયાતના ભાગરૂપે “આપણે”ની ઓળખ વિકસાવવામાં આવી અને તેના સ્વાભાવિક પરિણામ સ્વરૂપે ‘બીજા’ની ઓળખ પણ વિકસાવવામાં આવી હતી. “આપણે” મહાન અને શુરવીર અને “બીજા” નીચ અને નિર્વીર્ય. પણ ભારતને આની જરૂરિયાત છે? ભારતમાં આ શક્ય છે? જો શક્ય બનાવાવમાં આવે તો ભારત માટે હિતાવહ છે? રાષ્ટ્રવાદના રાવણામાં ચાલી નીકળતા પહેલાં આ પ્રશ્નોના ઉત્તર શોધવા જોઈશે. જો એવી તસ્દી નહીં લો તો તમારું સંતાન રાષ્ટ્રવાદના ખપ્પરમાં હોમાઈ શકે છે, જેમ જર્મની અને ઇટાલીમાં બન્યું હતું અને અત્યારે જ્યાં ઇસ્લામિક રાષ્ટ્રવાદ પ્રબળ છે એ મુસ્લિમ દેશોમાં બની રહ્યું છે.
આગળ વધતાં પહેલાં ભારતીય સભ્યતા કઈ રીતે આકાર પામી છે એ સમજી લો. માનવ સભ્યતાનો ઇતિહાસ એમ કહે છે કે જ્યાં આકરી આબોહવા ન હોય એટલે કે ઋતુ સમશીતોષ્ણ હોય, જ્યાં વિપુલ પાણી હોય અને જ્યાં જમીન ફળદ્રુપ હોય ત્યાં લોકો જઈને વસવાનું પસંદ કરે છે. દેખીતી રીતે જ્યાં જીવન ઓછું કષ્ટપ્રદ હોય અને જીવન જીવવા માટે બધું જ મળી રહેતું હોય ત્યાં માણસ રહેવાનું પસંદ કરશે. આ માનવસ્વભાવ છે અને ભારત આવી ભૂમિ છે. આખા જગતને ઈર્ષા થાય એવી હરીભરી આ ભૂમિ છે. હવે આપણે ગોળનો ગાડવો રાખીને બેઠા હોય અને મકોડા ન આવે એવું તો બને નહીં.
ભારતમાં ચારે બાજુથી લોકો આવવા લાગ્યા. કોઈ ફરતા ફરતા સુખની શોધમાં આવ્યા, કોઈ આક્રમક તરીકે આવ્યા, કોઈ વેપાર કરવા આવ્યા; પણ જે આવ્યા એ બધા જ અહીં આવીને વસી ગયા. માત્ર યુરોપિયનો ભારતમાં કાયમ માટે વસ્યા નહોતા કારણ કે તેઓ ઘણા મોડેથી આવ્યા હતા અને ત્યાં સુધીમાં તેમણે “બીજાનું” ધન લૂંટીને “આપણે” ત્યાં લઈ જવાની આવડત વિકસાવી લીધી હતી અને તે પણ રાષ્ટ્રવાદનું જ પરિણામ હતું. પશ્ચિમના એ શોષણ આધારિત રાષ્ટ્રવાદને જે તે દેશોના રાજ્યની મદદ હતી.
યુરોપિયનો ભારતમાં આવ્યા એ પહેલાનાં પાંચેક હજાર વરસના સમયખંડમાં સેંકડો લોકો ભારતમાં આવ્યા હતા અને વસી ગયા હતા. આદિવાસીઓને છોડીને કોણ મૂળ ભારતીય છે એ પણ આપણે જાણતા નથી. ગર્વીલા હિંદુઓ પોતાને આર્ય અને ભારતને આર્યાવર્ત તરીકે ઓળખાવવાનું પસંદ કરે છે, પણ ઇતિહાસકારો એમ કહે છે કે આર્યો જ મધ્ય એશિયામાંથી ભારત આવ્યા હતા. આમ કોણ અસ્સલ ભારતીય અને કોણ આગંતુક ભારતીય એ કોઈ જાણતું નથી. ટૂંકમાં ભારતમાં જીવન ઓછું મુશ્કેલ હોવાને કારણે લોકો આવતા ગયા અને વસતા ગયા. આનો અર્થ એવો નથી કે ભારત ધર્મશાળા હતું. ધર્મશાળામાં લોકો આવે છે અને થોડા દિવસ રહીને જતા રહે છે. અહીં તો લોકોએ કાયમ માટે આશ્રય લીધો હતો એટલે આપણે એમ કહી શકીએ કે ભારતીય સભ્યતા ધર્મશાળામાં વિકસેલી સભ્યતા છે અને આખા જગતમાં આવી એક માત્ર સભ્યતા છે.
આવી સ્થિતિમાં લોકોની ઓળખ થોડી ટકી, થોડી ઝાંખી પડી, થોડી ભેળસેળ થઈ અને થોડી લુપ્ત થઈ ગઈ. ભારત આ રીતે ઘડાયેલો દેશ છે. બીજું, જીવન ઓછું કષ્ટપ્રદ હોવાને કારણે પશ્ચિમમાં જેમ સતત ઊભા પગે રહેવાની, સતત અસલામતિ વચ્ચે જીવવાની, સતત બાજનજર રાખીને અને મોકો શોધીને તક ઝડપી લેવાની અને જરૂર પડે તો લડવા – ઝઘડવા – આંચકવાની મનોવૃત્તિ જન્મી છે એ સ્વાભાવિકપણે ભારતમાં જન્મી નહોતી. ભારતમાં વસતા દરેકને જીવનનિર્વાહ માટે જે જોઈએ એ બધું જ આસાનીથી મળી રહેતું હતું. અસ્તિત્વ ટકાવી રાખવાનો જીવસટોસટનો સંઘર્ષ નહોતો એટલે ભારતમાં માનવીય ઉર્જા સર્જકતામાં પરિણત થઈ હતી. આપણું પ્રાચીન સાહિત્ય (દાર્શનિક અને લલિત બંને) આની સાક્ષી પૂરે છે.
એક બાજુ કુદરતની ઓછી મહેરને કારણે અસ્તિત્વ ટકાવી રાખવા માટે સતત સાબદો રહેતો સંઘર્ષરત સમાજ અને બીજી બાજુ કુદરતની મહેરને કારણે સંતોષી અને ફૂલેલી-ફાલેલી સર્જકતા ધરાવતો સમાજ. એક બાજુએ સતત સુખ શોધનારો સતત જાગૃત સમાજ અને બીજી બાજુએ આવતીકાલની ચિંતાથી મુક્ત સંયુક્ત પરિવાર જેવો સમાજ. અભાવને કારણે જેમ પશ્ચિમના સમાજનાં કેટલાંક સ્વભાવ લક્ષણો વિકસ્યાં એમ ભારતમાં પણ ઈચ્છો એના કરતાં વધુ હોવાને કારણે વિકસ્યાં. થોડો આળસુ, થોડો ઉદાસીન, થોડો સંતોષી, આળસ અને સંતોષ વચ્ચે તેમ જ ત્યાગ અને પુરુષાર્થ વચ્ચે વિવેક નહીં કરી શકનારો ઢોંગી, એક બાજુએ મહાન દર્શન આપનારો અને બીજી બાજુએ આળસ તેમ જ ક્ષુદ્રતાને મહાન દર્શનના પડીકામાં લપેટનારો વગેરે ભારતીય સમાજનાં સ્વભાવલક્ષણો છે.
પૂર્વ અને પશ્ચિમનો આ સ્થાયીભાવ છે. પશ્ચિમી સમાજના સ્થાયીભાવે રાષ્ટ્રવાદને જન્મ આપ્યો છે જે ભારતીય સમાજના સ્થાયીભાવ સાથે સુસંગત નથી. પશ્ચિમના સામાજિક સ્વરૂપને જોતાં તો રાષ્ટ્રવાદ હજુયે પરવડી શકે, પણ ભારતનું સામાજિક સ્વરૂપ જોતાં તે જરા ય પરવડે એમ નથી. પશ્ચિમમાં રાષ્ટ્રવાદે કોઈ ઓછું નુકસાન નથી કર્યું, પણ ભારતમાં રાષ્ટ્રવાદ એટલે વિનાશ! માટે રવીન્દ્રનાથે કહ્યું હતું કે રાષ્ટ્રવાદ પોતે જ એક ભૂંડી કલ્પના છે અને ભારત માટે તો એ વધારે ભૂંડી છે.
પ્રગટ : ‘નો નૉનસેન્સ’, નામક લેખકની કટાર, ‘રવિવારીય પૂર્તિ’, “ગુજરાતમિત્ર”, 24 નવેમ્બર 2019