
રમેશ ઓઝા
સમાન નાગરિક સંહિતા(યુનિફોર્મ સિવિલ કોડ)નો મુદ્દો સરકારે ઉપસ્થિત કર્યો છે. લોકસભાની ચૂંટણી નજીક આવી રહી છે, કર્નાટક વિધાનસભાની ચૂંટણીમાં કારમો પરાજય થયો છે, વિરોધ પક્ષો એકતા માટે પ્રયાસરત છે અને ભારતના સેક્યુલર નાગરિક સમાજે મેદાનમાં ઉતરવાનું શરૂ કર્યું છે ત્યારે એવો કોઈ પ્રશ્ન ઉપસ્થિતિ કરવો જરૂરી છે જે કોમી ધ્રુવીકરણ કરવામાં ઉપયોગી થાય. સરકારની ગણતરી એવી છે કે મુસ્લિમ મૌલવીઓ, તેમની ધાર્મિક સંસ્થાઓ, રૂઢિચુસ્ત પુરુષ મુસલમાનો સમાન નાગરિક સંહિતાનો વિરોધ કરશે અને પરિણામે મુસ્લિમ સમાજમાં સ્ત્રી-પુરુષ વચ્ચે લૈંગિક વિભાજન થશે. એ વાતમાં કોઈ શંકા નથી કે સમાન નાગરિક કાયદા મૂળભૂત રીતે સ્ત્રીઓને ન્યાય કરનારા છે. આ ઉપરાંત કેટલાક સેક્યુલર હિંદુ નાગરિકો અને રાજકીય પક્ષો પણ તેનો વિરોધ કરશે અને તેના દ્વારા રાજકીય ફાયદો થશે. વળી સમાન નાગરિક કાયદો બી.જે.પી.ના એજન્ડા પર ૧૯૮૭થી છે. આર્ટીકલ ૩૭૦, સમાન નાગરિક સંહિતા અને અયોધ્યામાં રામમંદિર એમ ત્રણ મુદ્દા બી.જે.પી.ના એજન્ડામાં ૩૫ વરસથી છે.
સરકાર સમાન નાગરિક સંહિતા માટે આગ્રહ કરે અને લાગુ કરવાનો પ્રયાસ કરે તો તે તેનો અધિકાર છે. ભરતનો પ્રત્યેક નાગરિક એક કાયદા દ્વારા શાસિત હોવો જોઈએ, કાયદા સામે દરેક સરખા અને પ્રત્યેક કાયદો ભેદભાવ વિના એક સરખો લાગુ થવો જોઈએ એમ બંધારણમાં પણ કહેવામાં આવ્યું છે. રહી વાત એક સમાન નાગરિક કાયદાઓની તો એ બાબતે બંધારણ ઘડનારાઓ માર્ગદર્શન આપીને ગયા છે કે ભવિષ્યમાં બને એટલી સત્વરે એને લાગુ કરવામાં આવે અને લાગુ કરી શકાય એવી અનુકૂળતા પેદા કરવામાં આવે.
અહીં સવાલ ઉપસ્થિત થાય છે કે શા માટે બંધારણ ઘડાયું ત્યારે જ દરેક ધર્મના અનુયાયીઓ માટે સમાન નાગરિક કાયદો લાગુ કરવામાં ન આવ્યો? બીજું નાગરિક કાયદા શું છે?
બીજો સવાલ પહેલાં હાથ ધરીએ.
અંગ્રેજો ભારતમાં આવ્યા ત્યારે ભારતમાં ન્યાયદાનની કોઈ એક સરખી જોગવાઈ નહોતી. લેખિત કાયદાઓ નહોતા અને પૂરા સમય કામ કરનારું ન્યાયતંત્ર પણ નહોતું. એક પ્રકારની અવ્યવસ્થા અને વિસંગતતા જોવા મળતી હતી. હવે અંગ્રેજોની પ્રતિષ્ઠા વ્યવસ્થા (ઓર્ડર) માટેની હતી અને તેના દ્વારા તો તેઓ ભારતની પ્રજાનો વિશ્વાસ સંપાદિત કરતા હતા એટલે તેમણે ન્યાયની પ્રક્રિયામાં એકસરખાપણું લાવવાનો પ્રયાસ કર્યો. પૂરો સમય કામ કરનારું ન્યાયતંત્ર વિકસાવ્યું અને કાયદાપોથીઓ તૈયાર કરી અર્થાત કાયદાઓને લેખિત સ્વરૂપ આપવા માંડ્યું. કાયદો લેખિત હોય તો અર્થઘટન કરવાની છૂટ મળે, કાયદાથી તદ્દન વિરુદ્ધ દિશામાં જવાની કોઈને છૂટ ન મળે. અંગ્રેજોએ ભેદભાવ વિના પ્રત્યેક ભારતીયનાં જીવન વ્યવહારને એક સરખા કાયદે બાંધી દીધો. પણ ધાર્મિક અને સામાજિક રીતિરિવાજોનું શું? અંગ્રેજો સામે વિકટ પ્રશ્ન ઉપસ્થિત થયો. લગ્ન, લગ્નવય, એકપત્ની કે બહુપત્ની, સગોત્રવિવાહ, છૂટાછેડા, પુનર્વિવાહ, પુત્રને દત્તક લેવો, કૌટુંબિક વારસો વગેરે બાબતે જે તે કોમના લોકોમાં અલગ અલગ રિવાજ હતા અને તેને કાં ધર્મની માન્યતા હતી અથવા સમાજની માન્યતા હતી. હવે આ રિવાજોને ભલે જે તે ધર્મની કે સમાજની માન્યતા હતી, પણ એ કોઈકને અન્યાય કરનારા હતા. ખાસ કરીને સ્ત્રીઓને અન્યાય કરનારા હતા.
અંગ્રેજોએ એમાં પણ એકસરખાપણું લાવવાનો પ્રયાસ કર્યો હતો, પણ એમાં તેમના હાથ દાઝ્યા, ૧૯૫૭માં વિદ્રોહ થયો એટલે તેમાં હસ્તક્ષેપ કરવાનું અંગ્રેજોએ પડતું મુક્યું. અંગ્રેજોને સમજાઈ ગયું કે આ સંવેદનશીલ મામલો છે.
અહી બે સ્પષ્ટતા કરવી જરૂરી છે. એક તો એ કે અલગ વૈયકતિક કે કૌટુંબિક કાયદાઓનો લાભ એકલા મુસલમાનોને નથી મળતો, પારસી સહિત ભારતની દરેક ધાર્મિક પ્રજાને મળે છે અને તેમાં આદિવાસીઓનો પણ સમાવેશ થાય. આદિવાસીઓ માટેના અલગ કાયદાઓ સામાજિક કાયદા (કસ્ટમરીઝ લો) તરીકે ઓળખાય છે. બીજી સ્પષ્ટતા એ કે ભારતનો પ્રત્યેક નાગરિક ઉપર કહ્યા એ લગ્ન વગેરે કૌટુંબિક બાબતોને છોડીને બાકી દરેક બાબતે એક સરખા કાયદા દ્વારા શાસિત છે. બીજા શબ્દોમાં કહીએ તો લગભગ ૯૫ ટકા બાબતે યુનિફોર્મ લોઝ અંગ્રેજોના સમયથી લાગુ છે. માત્ર એક નાનકડી પૂંછડી બચી ગઈ છે.
એ સાવ નાનકડી પૂંછડી છે એટલે એનો અર્થ એવો નથી કે તે ધાર્મિક-સમાજિક રિવાજ આધારિત કાયદાઓ ટકી રહેવા જોઈએ. કારણ કે કોઈ રિવાજને પરિણામે જો કોઈને અન્યાય થતો હોય તો તેને ચલાવી ન લેવાય અને કૌટુંબિક કાયદાઓમાં મુખ્યત્વે સ્ત્રીઓને અન્યાય થાય છે. માટે તો નારીમુક્તિનું આંદોલન ચાલાવનારી મહિલાઓ કહે છે કે આ જે તે કોમની ધાર્મિક સ્વતંત્રતાનો પ્રશ્ન નથી, સ્ત્રીને મળવી જોઈતી સ્વતંત્રતાનો પ્રશ્ન છે, લૈંગિક ન્યાયનો પ્રશ્ન છે.
આગળ કહ્યું એમ અંગ્રેજોના હાથ દાઝ્યા એટલે અંગ્રેજોએ એમાં હસ્તક્ષેપ કરવાનું છોડી દીધું. હવે આઝાદી પછી બંધારણ ઘડનારાઓ સામે પ્રશ્ન આવ્યો કે કૌટુંબિક કાયદાઓનું શું કરવું? એ સ્ત્રીઓ માટે અન્યાયકારી છે એ પહેલી નિસ્બત હતી અને દેશનો પ્રત્યેક નાગરિક એક સરખા કાયદા દ્વારા શાસિત હોવો જોઈએ એ બીજી નિસ્બત હતી. પણ તેઓ પણ સમાન નાગરિક સંહિતા ઘડી શક્યા નહીં.
શા માટે? મુસલમાનોએ વિરોધ કર્યો હતો? નહીં. ભારતમાં રહેવાનું પસંદ કરનારા મુસલમાનો તો બિચારા વિભાજનને કારણે ઓશિયાળા હતા. બંધારણસભામાં એક મુસ્લિમ સભ્યે માગણી કરી હતી કે ભારતીય મુસલમાનો ઉપર સેક્યુલર લોઝ નહીં, શરિયતના કાયદા લાગુ થવા જોઈએ ત્યારે સરદાર વલ્લભભાઇ પટેલે તેમને કહ્યું હતું કે શરિયતનું શાસન જોઈતું હોય તો હજુ પણ પાકિસ્તાન જવાના દરવાજા ખુલ્લા છે. સરદારે આમ કહ્યું ત્યારે નેહરુએ તેમને વાર્યા નહોતા. મુસલમાનો યુનિફોર્મ સિવિલ કોડનો વિરોધ કરવાની સ્થિતિમાં જ નહોતા.
તો પછી વિરોધ કોણે કર્યો હતો? એ જ લોકોએ જેઓ અત્યારે યુનિફોર્મ સિવિલ કોડના મોટા હિમાયતી છે. કાયદા પ્રધાન ડૉ આંબેડકરે હિંદુ કોડ બિલ સંસદમાં રજૂ કર્યું ત્યારે રૂઢિચુસ્ત સનાતની કાઁગ્રેસી હિંદુઓએ તેનો વિરોધ કર્યો હતો. રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ અને હિંદુ મહાસભા બહાર વિરોધ કરતા હતા અને રૂઢિચુસ્ત કાઁગ્રેસીઓ બંધારણસભા કમ સંસદમાં વિરોધ કરતા હતા. આનાં દ્વારા પરિવારો તૂટશે, ભાઈ-બહેન વચ્ચેનાં સંબંધો બગડશે, આ તો હિંદુ પુરુષને અન્યાય કરનાર છે, કારણ કે સ્ત્રીને બાપ, સસરા અને પતિ એમ ત્રણેયની મિલકતમાં ભાગ મળશે અને પુરુષને તો માત્ર એક જ સ્થળેથી. ટૂંકમાં આ બધી જોગવાઈ હિંદુ પરિવારોમાં આગ ચાંપનારી છે. હજુ એક વાત. હિંદુઓમાં પરંપરાગત રિવાજ મુજબ સ્ત્રીને છૂટાછેડા લેવાનો અધિકાર નહોતો. હિંદુ કોડ બીલમાં હિંદુ સ્ત્રીને છૂટાછેડાનો અધિકાર આપવામાં આવ્યો તેનો પણ તેમણે વિરોધ કર્યો હતો. છેવટે ડૉ. આબેડકરે અકળાઈને રાજીનામું આપી દીધું. એ તો ભલું થજો જવાહરલાલ નેહરુનું કે તેમણે સમજાવી ફોસલાવીને અનુકૂળતા બનાવતા જઇને ટુકડે ટુકડે હિંદુ કોડ બીલ મંજૂર કરાવ્યું. ભારતની હિંદુ મહિલા નેહરુની ઋણી છે.
આનાં પ્રમાણ જોઈતાં હોય તો કળશી એક મળશે. સંપૂર્ણ આંબેડકર ખંડમાં મળશે, સંસદમાં થયેલી ચર્ચામાં મળશે અને આર.એસ.એસ.ના હિન્દી અને અંગ્રેજી મુખપત્રોમાં મળશે. ખુદ તપાસી જુઓ. તો પછી હવે શા માટે તેઓ યુનિફોર્મ સિવિલ કોડના હિમાયતી થઈ ગયા છે? મુસલમાનોને ઝૂડવા માટે અને દેશમાં કોમી ધ્રુવીકરણ પેદા કરવા માટે.
પણ સરકાર જો સમાન નાગરિક સંહિતા લાવવા માગતી હોય તો તેનું સ્વાગત કરવું જોઈએ અને કોઈ રાજકીય પક્ષે કે નાગરિક સમાજે તેનો વિરોધ કરવાની ભૂલ ન કરવી જોઈએ. છેવટે સ્ત્રીઓને ન્યાય મળવાનો છે.
પ્રગટ : ‘કારણ તારણ’, નામક લેખકની કટાર, ‘રસ રંગ પૂર્તિ’, “દિવ્ય ભાસ્કર”, 02 જુલાઈ 2023
![]()


અને હા, બરાકને તો તમે ઓળખતા જ હશો. અમેરિકન પ્રમુખ બરાક ઓબામા જ્યારે ભારત આવ્યા ત્યારે હૈદરાબાદ હાઉસમાં વડા પ્રધાને પ્રોટોકોલ મુજબ અમેરિકન પ્રમુખ બરાક ઓબામા તરીકે સંબોધવાની જગ્યાએ પ્રોટોકોલ તોડીને માત્ર તેમના પહેલા નામથી બરાક તરીકે ઓળખાવ્યા હતા. બરાક ઓબામા હેબતાઈ ગયા હતા. માત્ર પહેલા નામથી એ લોકો સંબોધે જે પ્રેમી હોય કે સ્નેહી હોય અથવા જીગરજાન મિત્ર હોય. નરેન્દ્ર મોદી એમ કહેવા માગતા હતા કે બરાક તો મારો ગોઠિયો છે, અમેરિકન પ્રમુખ તો બાદ મેં. તો બરાકે નરેન્દ્ર મોદી હજુ અમેરિકામાં હતા ત્યારે સી.એન.એન.ને આપેલી મુલાકાતમાં કહ્યું હતું કે, “જો મારે મી. મોદીને (મી. મોદી, નરેન્દ્ર નથી કહેતા) મળવાનું થાય તો હું તેમને સલાહ આપું કે લઘુમતી કોમનું જાતિનિકંદન (તેમણે અંગ્રેજી શબ્દ એથનિક ક્લીન્ઝીંગ વાપર્યો છે) કાઢવામાં આવશે તો તેના પરિણામસ્વરૂપે ભારતના ટુકડા થશે અને એ ઉપરાંત એવી પ્રવૃત્તિ બહુમતી હિંદુઓના હિતમાં પણ નહીં હોય.” તેમણે એમ પણ કહ્યું હતું કે પ્રમુખ બાયડને વડા પ્રધાન નરેન્દ્ર મોદી સાથેની મુલાકાત દરમ્યાન ભારતમાં લોકતંત્રનો પ્રશ્ન ઉપસ્થિતિ કરવો જોઈએ.
