જે વીરલાઓને આજે મોકળું મેદાન મળ્યું તે વીરલાઓને એન.ડી.એ. કાળમાં જરાક જેટલો સમય મળેલો ત્યારે એ વીરલાઓ શિક્ષણમાં અંબાણી-બિરલાને લઈ આવેલા. ઉચ્ચ શિક્ષણ માટે જે સમિતિ એમણે સ્થાપેલી એનું નામ ‘અંબાણી-બિરલા સમિતિ’ હતી. આ સમિતિએ જે દસ્તાવેજ તૈયાર કર્યો એનું નામ ‘અંબાણી-બિરલા રિપોર્ટ’, જે મહત્ત્વનો ઐતિહાસિક દસ્તાવેજ છે. આ વીરલાઓના, પુત્રનાં લક્ષણ પારણામાં એમ આ રિપોર્ટમાં રંગેચંગે સ્વીકારાયું કે ‘શિક્ષણ મૂડીરોકાણનું ઉત્તમ ક્ષેત્ર છે.’ આ સમિતિની ભલામણ હતી કે ઉચ્ચ શિક્ષણના સમગ્ર ક્ષેત્રનું ખાનગીકરણ કરી દેવું જોઈએ ! આ સમિતિની રચના જ બતાવે છે કે શિક્ષણ પર ‘બજાર’નું કેવું અને કેટલું પ્રભુત્વ હશે. જ્યારે એન.ડી.એ. કાળ હતો, ત્યારે તો બત્રાનાં પતરાં ખખડતાં નહોતાં હવે તો બત્રાજીનો વેદ વદે છે અને શ્રુતિ તો એવી છે કે સ્મૃિત (ઈરાની) શાખ નહીં, શાખાની શાખાઓ શાળાઓ રૂપે જ આપશે ! વિવિધ ભારતી પાસેથી નહીં પણ ‘વિદ્યાભારતી’ પાસેથી મેળવેલું ‘જ્ઞાન’ વહેંચવામાં આવશે. કૉંગ્રેસે શિક્ષણને ખાડે નાખેલું છે. હવે શિક્ષણમાં અખાડાયુદ્ધ જ શરૂ થવાનું છે જેના અણસાર વર્તાય છે.
શું આ વીરલાઓ પાસે આશા રાખી શકાશે કે શિક્ષણમાં અચ્છે દિન આયેંગે ? વૈશ્વિકીકરણના માહોલમાં શિક્ષણનાં (કુ)લક્ષણો આ રીતે પ્રગટ થતાં રહ્યાં છે : ઉચ્ચ-મૂલ્યબોધવાળા મનુષ્યનું નિર્માણ કરવાની પ્રક્રિયા સમા શિક્ષણના મૂળભૂત ઉદ્દેશોને નગણ્ય લેખવામાં આવે છે. સામાજિક પરિપ્રેક્ષ્યથી શિક્ષણને કાપી નાંખવામાં આવ્યું છે. ‘બજાર’ની જરૂરત મુજબ શિક્ષણનું નિર્ધારણ કરવાનું છે. રાજ્યનો હસ્તક્ષેપ હરપળે રાખવાનો છે. કૉમન યુનિવર્સિટી ઍક્ટ ગુજરાતમાં લાવવાની બબ્બે વાર નાકામ કોશિશ કરનારા આ વીરલાઓ જ હતા જ્યાં શિક્ષણની સ્વાયત્તતાનો ખાતમો બોલાવવાની પેરવી હતી – જે ઍક્ટ મહેનતપૂર્વક ‘સંતાડી’ રાખવામાં આવેલો. પ્રજાસમક્ષ રજૂ જ નહોતો કરાયો. ભૂતકાળની ઘટના એટલે દોહરાવું છું, આ વીરલાઓની વૃત્તિનો ખ્યાલ આવે. અંબાણી-બિરલાએ શિક્ષણની કબરનો છેલ્લો ખિલ્લો એમ કહીને ઠોક્યો કે ખાનગી યુનિવર્સિટી નીલ પાસ ! જાવ ઉદ્યોગપતિઓ લહેર કરો. નદી-નાળાં-સમંદર-રોડ-પર્વત તો તમને આપ્યાં જ હતાં તો તમારા યજ્ઞમાં વધુ એક આહુતિ. શિક્ષણની પણ હાટડીઓ માંડો. ટૂંકમાં, શિક્ષણ એક પણ્યપ્રવૃત્તિ (comodity) બની ગયું છે. શિક્ષણનું આ વેપારીકરણ (comodification) એ વૈશ્વિકીકરણનો શિક્ષણ પર પડેલો પ્રભાવ છે. એ લોકો સ્પષ્ટ માને છે કે શિક્ષણ જ્યારે એક લે-વેચની સામગ્રી બની ગઈ છે ત્યારે એમાંથી નફાની મલાઈ ખાવાની શરમ શી ? છાશ લેવા જવું ને દોણી સંતાડવી ? તેથી આઝાદ ભારતમાં ચોમેર અધધધ કહી શકાય, એવી શિક્ષણની હાટડીઓ મંડાઈ ગઈ છે. રિલાયન્સ કે નિરમા – ગાંધીજી, ભગતસિંહ, જગદીશચંદ્ર બોઝ, વિક્રમ સારાભાઈ કે પ્રેમચંદજી પેદા કરવા માટે શિક્ષણનું કારખાનું થોડું ખોલે ? એને તો જોઈતો હોય છે થોકડાબંધ રોકડો નફો. છાશવારે સંસ્કૃિતની વાતો કરનારાની, સંસદને વંદન કરનારની અસલી સંસ્કૃિત આ છે. સરસ્વતી(જ્ઞાન)ને બજારુ બનાવી દેવાઈ છે. આ દુઃશાસનકર્તાઓ સરસ્વતીનું ચીરહરણ કરી રહ્યાં છે ત્યારે આખી સભા ચૂપ છે ! લેખકો, પત્રકારો, કળાકારો, સમૂહમાધ્યમોને આ વસ્ત્રાહરણ દેખાતું નથી ?
શિક્ષણમાં ઉદ્યોગોની વધુમાં વધુ ભાગીદારી કોણીએ એવો ગોળ લગાડીને આપવામાં આવી રહી છે કે આ ઉદ્યોગો રોજગારી પૂરી પાડનારા છે. જો આવું જ હોત તો કરોડો શિક્ષિત બેરોજગારોને એમને ત્યાં બોલાવતા કોણ અટકાવે છે ? ખાનગી સંસ્થાઓમાં કૅમ્પસડ્રાઇવ નાટક ચાલે જ છે. જેમાં કૅમ્પસ પરથી ભરતી થાય, એની ટકાવારી સંસ્થા હરખાતી-હરખાતી બતાવે … પછી એક-બે વર્ષમાં જ પેલાઓને છુટ્ટા કરાય. ખાનગી સંસ્થા અને ઉદ્યોગમાલિકોનું આ ષડ્યંત્ર હવે તો જગજાહેર છે. ઉદ્યોગોને તો જેવો અને જેટલો કુશળ (skilled) મજૂર જોઈએ છે, તેવો અને તેટલો જ શિક્ષણ પામેલો જોઈએ છે. વધુ જ્ઞાનવાનનો એને ખપ નથી. આમ, વૈશ્વિકીકરણમાં શિક્ષણનો ઢાંચો ઉદ્યોગકેન્દ્રી બની રહ્યો છે, જે એકાંગી વિકલાંગ સમાજ સર્જશે. લાખો ગૃહિણીઓ, ખેડૂતો, વંચિતો એમને, એવા કરોડોને કોણ શિક્ષણ આપશે ? કલ્યાણરાજ્યના સેવાકીય ક્ષેત્રને આ રીતે નફાકેન્દ્રી ઉદ્યોગોના હવાલે કરી દેવાયું છે. કોઈ પણ પક્ષના દરેક બજેટમાં ઉદ્યોગના સરેરાશ ૪૫થી ૬૫ હજાર કરોડનું દેવું માફ કરાય છે, જ્યારે બીજી તરફ આટ્ર્સ-કૉમર્સમાં પણ પૅમેન્ટ સીટ છે !
વૈશ્વિકીકરણના કારણે શિક્ષણ પર પડેલી એક વધુ અસર છે – ઊંચી ફી, ખાનગી સંસ્થાઓએ રોકાણ મુજબ ફી લેવાની ? ના, ઊભા રહો. ઊંચી ફીમાં રાજ્ય કહેશે તેવી ‘સમાનતા’ (!) રાખવાની ! ફી- નિર્ધારણમાં આ રીતે વપરાયેલો ‘સમાનતા’ શબ્દ પણ ‘વિકાસ’ શબ્દની જેમ પોતાની ગરિમા ખોઈ બેઠો. ‘સમાનતા’ શબ્દની આ દશા થશે, એની તો કોઈને કલ્પના પણ નહીં હોય. વંચિત છે એમને તો વંચિતો જ રહેવાનું છે. શિક્ષણથી પણ આઝાદી પછી કોઈને કોઈ સ્વરૂપે આ પ્રશ્નો હતા. પરંતુ ’૯૦ના વૈશ્વિકીકરણના વેગીલા પ્રવાહ પછી નર્યા સપાટી ઉપર આવી ચૂક્યા છે.
વૈશ્વિકીકરણમાં શિક્ષણની બીજી એક સ્થિતિ એ થઈ છે કે અહીં આલોચનાત્મક ચિંતન ક્રિટિકલ થિન્કિંગને જરા ય સ્થાન નથી. ચિત્રોથી પ્રશ્ન પૂછશો તો સરકાર ધમકાવે તે પહેલા મોરલ પોલીસ તૂટી પડશે. ફિલ્મથી પ્રશ્નો નહીં પૂછવાના. બત્રા બોલે તે સત્ય ! ‘પરઝાનિયા’ ફિલ્મ નહીં બતાવવા દઈએ, પી.કે.માં તોડફોડ કરીશું. ભલે ચોમેર બ્લુ ફિલ્મો વેચાય કે સંસદમાં જ જોતાં સાંસદો પકડાય !
ચિંતનશીલ વ્યક્તિની વૈશ્વિકીકરણમાં જરૂર નથી. ચિંતનશીલ વ્યક્તિ ખતરનાક હોય છે. આવી વ્યક્તિઓ એમના જુઠ્ઠાણાંસભર પ્રચારનો પર્દાફાશ કરે છે. રાજ્યને કરોડરજ્જુ વગરનું, ગુલામી માનસવાળું સંપૂર્ણ વફાદાર સૈન્ય જોઈએ છે. તાર્કિક ચિંતનને હવે સ્થાન નથી. તેથી ઇતિહાસ, રાજનીતિ, તત્ત્વજ્ઞાન, સાહિત્ય, સમાજશાસ્ત્ર હવે ભણવાની જરૂર નથી. વિજ્ઞાનમાં પણ કેવળ એપ્લાઈડ સાયન્સ જ ભણવાનું. થિયરી વગર ચાલશે ! હવે આ બધું ભણાવવાની જરૂર નથી અથવા એમાંથી ‘બજાર’ને ખપમાં આવે તેવું જ ભણવાનું. શિક્ષણનો માપદંડ છે એ ‘બજાર’માં કેટલો નફો રળી આપશે ! એને કમ્પ્યૂટર બરાબર આવડતું હશે પણ એનું માનસ વૈજ્ઞાનિક નહીં હોય. આવો ‘રૉબોટ સમાજ’ એમને સર્જવો છે.
વર્ચસ્વ ધરાવતા સ્થાપિત વર્ગે એમના નિજી સ્વાર્થ માટે જ્ઞાનના સ્વરૂપ સાથે આ રીતે ચેડાં કર્યાં છે. એ વિકૃત (ડિસ્ટોર્ટેડ) જ્ઞાનને ફેલાવે છે. બત્રા જેવા અનધિકૃત, અવૈજ્ઞાનિકને જાણીબૂઝીને પ્રોત્સાહન આપે છે. પછી આ દેશમાં વૈજ્ઞાનિકો, ઇજનેરો, નેતાઓ સાગમટે ગણેશને દૂધ પિવડાવે નહીં તો નવાઈ ! હમણાં વડાપ્રધાને હોદ્દા મુજબ, નાનો માણસ નાનું ગપ્પું મારે, મોટો મોટું ફટકારે, તેમ ફટકાર્યું. ગણેશના શિરચ્છેદ પછી હાથીનું મસ્તક લગાવાયું છે. (પુરાણકથામાં) તેથી ભારતમાં સર્જરીવિદ્યા હતી ! પંડિત નેહરુથી શરૂ થયેલ વડા પ્રધાન પરંપરામાં આપણે ક્યાં પહોંચ્યા એનો આ એક અંદાજ છે. મધ્યપ્રદેશમાં ત્રણ દાયકાથી ચાલતો ‘ઔરંગાબાદ વિજ્ઞાનશિક્ષણ કાર્યક્રમ’ હમણાં બંધ કરી દેવાયો, બીજી તરફ બત્રાજીનાં પુસ્તકોની શ્રેણી ગુજરાત રાજ્ય પાઠ્યપુસ્તક મંડળે છાપી. નરેન્દ્ર મોદી, ભૂપેન્દ્રસિંહ ચુડાસમા જેવા રાજકર્તાઓએ પ્રસ્તાવના લખી. આ આખું મિશન એક માનસિકતા – માઇન્ડસેટ – ઘડવા માટે છે. આ ઘટના પણ વૈશ્વિકીકરણથી, એના એજન્ડાથી પર નથી. જેમ સંસ્થાનવાદ વખતે પુનરુત્થાનવાદી ચેતનાને બળ દેવાતું, શાસન એને પ્રોત્સાહન આપતું, તેવું જ આ છે. વાલીને યજમાન ગણાવી શાળામાં યજ્ઞ કરાવો. વેંડી ડોનિગર કે એ.કે. રામાનુજનનાં પુસ્તકો સામે પ્રતિબંધ લાવનાર તરીકે બત્રાજી વિખ્યાત છે. આર.એસ.એસ. સંચાલિત ‘અખિલ ભારતીય વિદ્યા સંસ્થાન’ના મહાસચિવ હતા. તેમનાં પુસ્તકો ગુજરાતની ચાલીસહજાર શાળાઓમાં મફત વિતરિત કરાયાં. હજાર જગ્યાએ ‘પૈસા નથી’ની રાડો પાડનાર શિક્ષણતંત્રને આ માટે એકાએક પૈસા મળી ગયા ! એક જ વ્યક્તિને આટલું સ્થાન ? આ લોકશાહી રાષ્ટ્ર કે હિન્દુ રાષ્ટ્ર ? એ ગ્રંથોમાં જુઠ્ઠાણાંઓ ધમધોકાર છે. સ્ટેમસેલ રિસર્ચ મહાભારતકાળમાં હતું, સંજયના કારણે કહી શકાય કે ટેલિવિઝન હતું, પુષ્પક વિમાનની કંપની હતી, અનશ્વરથ હતા, તેથી મોટરકાર પણ હતી. એ પુસ્તકમાં અખંડ ભારત દર્શાવાયું છે – ભારત, પાકિસ્તાન, અફઘાનિસ્તાન, નેપાળ, ભૂતાન, તિબેટ, બાંગ્લાદેશ, શ્રીલંકા, મ્યાનમાર ! વૈદિક ગણિત જ સાચું ગણિત છે. નવી પેઢીને, કૂમળા છોડને આ રીતે વાળી નાખવાના. કૂવામાંનાં દેડકાં બનાવવાનાં. આમ, કૉંગ્રેસે કરેલ શિક્ષણના વેપારીકરણમાં ભા.જ.પ. ભગવા રંગનું વેપારીકરણ અથવા તો ભગવાકરણનો વેપાર શિક્ષણ દ્વારા ઉમેરવા માંગે છે.
વૈિશ્વક બજારના અન્ય ઘટકો – સેટેલાઇટ, ડિજિટલ ટેક્નોલૉજી, કમ્પ્યૂટર્સ વગેરેની શિક્ષણમાં બોલબાલા વધી છે. તેથી સમાજમાં અત્યંત આધુનિકથી માંડી અત્યંત સામાન્ય શાળાઓનો ભેદ સર્જાયો છે. જેની પાસે જેવા પૈસા તેમાં જાવ. વડોદરામાં એક તરફ મોંઘીદાટ નવરચના શિક્ષણસંસ્થા છે, તો બીજી તરફ કડકબજારમાં પ્રતાપ હાઈસ્કૂલ પણ છે. શિક્ષણમાં વર્ગભેદ સર્જાયો છે. અતિ આધુનિક સુવિધાગ્રસ્ત શાળાઓ સામાજિક દરજ્જાની સૂચક બની છે. વૈશ્વિકીકરણે આમ શિક્ષણને પણ્યપ્રવૃત્તિ અને ક્રયવસ્તુ બનાવ્યા પછી એમાં ‘બ્રાન્ડ નેમ્સ’ ઊભાં કરે છે. આ આખી રીતભાતમાં વૈશ્વિકીકરણની વિજ્ઞાપનકળાનો ય ફાળો છે. છેવટે બધાંને સમાન ગુણવત્તાવાળું શિક્ષણ પૂરી પાડવાની પોતાની બંધારણીય ફરજમાંથી રાજ્યે પોતાના હાથ ઊંચા કરી નાખ્યા છે.
બીજી તરફ ઑપન યુનિવર્સિટીઓ, રેડિયો-ટીવી દ્વારા શિક્ષણ જેવી ઔપચારિક શિક્ષણપદ્ધતિઓ આમજનતાના શિક્ષણ માટે છે. આમ, શિક્ષણનું ‘નાટક’ ચાલે છે. રાબેતા મુજબની શાળાઓ, યુનિવર્સિટી બંધ કરી દેવાની, જેથી ખાનગી માલિકોને જલસા. એમ.એસ. યુનિવર્સિટીએ તાજેતરમાં જ પાદરામાં આટ્ર્સ ફૅકલ્ટી બંધ કરી. ઉસમાનપુરાનો(અમદાવાદ)ની શાળામાં વહીવટી કચેરી થઈ ગઈ. મીઠાખળી (અમદાવાદ)ની મ્યુિનસિપલ શાળા નંબર વીસનો બનાવ આ દૃષ્ટિએ ઐતિહાસિક છે. ’૯૭માં આ સરકારી શાળાનું પંદર ઓરડાનું તે કાળે કાયદેસર કિંમત સવા પાંચ કરોડનું મકાન, મેદાન સાથે ખાનગી સંસ્થાને અંગ્રેજી શાળા ખોલવા માટે ભાડાપેટે આપવામાં આવ્યું. બીજી ઑક્ટોબરે આ જગ્યાએ ‘મહાત્મા ગાંધી ઇન્ટરનેશનલ ઇંગ્લિશ સ્કૂલ’ શરૂ થઈ ! ત્યારે ત્યાં જુનિયર કે.જી.ની ફી રૂપિયા ૧૮,૦૦૦/- હતી ! મકાનના ભાડા પેટે વાર્ષિક ભાડું ૧૦૧ રૂપિયા ! ૪૦ વર્ષ માટે આ જગા ભાડે અપાઈ ચૂકી છે. A.I.D.S.O.ની લોકલડત ચાલી. સર્વશ્રી દર્શક, યશવંતભાઈ શુક્લ, ચુનીભાઈ વૈદ્ય, પ્રકાશભાઈ શાહ સમેત અનેક અગ્રણીઓએ એમાં ભાગ લીધો. ડૉ. યશપાલે (યુજીસી ચૅરમેને) ટેકો જાહેર કર્યો; પરિણામ શૂન્ય. લોકલડતના કાર્યકરોએ એક વર્ષ સુધી ફૂટપાથ પર વંચિતો માટે શાળા ચલાવી. આજે ગાંધીના નામે એ જગાએ વેપલો ચાલુ છે. ભેદભાવપૂર્ણ સમાંતર શિક્ષણવ્યવસ્થા સરકાર દ્વારા જ ઊભી થઈ રહી છે, તેનું આ ઉદાહરણ છે. દિલ્હી યુનિવર્સિટીમાં ૧૦+૨+૩નું ખુલ્લેઆમ ઉલ્લંઘન કરીને સ્નાતક કોર્સ ચાર વર્ષનો કરવાના જે ધમપછાડા સરકારે કર્યા, એ પણ આનું જ ઉદાહરણ છે. જેમ જાહેર એકમોને તાળાં વાગે, તો ખાનગી ઉદ્યોગપતિઓને મોકળું મેદાન મળે તે જ નીતિ આ છે. રાબેતા મુજબની શાળા/ કૉલેજો/ યુનિવર્સિટીઓને સરકાર તાળાંબંધી કરી રહી છે, જેથી શિક્ષણ પાછળ સરકારે બજેટ ફાળવવું જ ન પડે.
આઝાદ ભારતના પહેલા શિક્ષણપંચે – બી.જી. ખરે કમિશને શિક્ષણ પાછળ રાષ્ટ્રીય બજેટના ૧૦% વાપરવાનું સૂચન કર્યું હતું. ક્યારે ય આ દેશમાં શિક્ષણ પાછળ ૫% પણ વપરાયા નથી ! વર્ષોનાં વર્ષો સુધી શિક્ષકની ભરતી જ ન થાય. દા.ત., આંકલાવની આટ્ર્સ-કૉમર્સ કૉલેજમાં ૧૯૯૪થી આજ લગી અંગ્રેજીના પ્રાધ્યાપક જ નથી ! સરકારી શાળાઓમાં આવું થાય છે. બિનશૈક્ષણિક કર્મચારીઓની ભરતી થતી નથી. પરિણામ એ આવ્યું છે કે ઝૂંપડપટ્ટીમાં ખાનગીશાળાઓ શરૂ થઈ છે ! મોટી ખાનગી સંસ્થાઓને સરકાર મદદ કરે છે, અને સરકારી શાળાઓને નહીં. જમીન સસ્તા ભાવે, આવકવેરામાંથી મુક્તિ, સી.બી.એસ.ઇ.નું ત્વરિત જોડાણ જેવા લાભો અપાઈ રહ્યા છે.
૮મી સપ્ટેમ્બર, ૨૦૦૪ના રોજ (આંતરરાષ્ટ્રીય સાક્ષરતા દિવસ) ‘હિન્દુસ્તાન ટાઇમ્સ’માં આવેલા સમાચાર આ સંદર્ભે જોવા મળે છે.
‘Directorate of Education (Delhi) has decided to close down 35 Government Schools … This is in addition to the 55 schools already closed.’ ફાટફાટ થતાં શહેરમાં આવી અવળીગંગા કેમ ? આ ગંગાનું શુદ્ધિકરણ ન કરાય ? પછીથી આ શાળાનાં મકાનોમાં કાં તો શૉપિંગ સેન્ટર્સ બને છે. અથવા તો ખાનગી શાળાઓ.
૧૮૮૨માં ઇન્ડિયન એજ્યુકેશન કમિશનની સામે મહાત્મા જ્યોતિબા ફુલેએ, ૧૯૧૧માં ઇમ્પિરિયલ એસેમ્બ્લીમાં ગોપાલકૃષ્ણ ગોખલેએ કે સંવિધાનસભામાં ડૉ. આંબેડકરે ‘મફત અને ફરજિયાત શિક્ષણ’ની વકીલાત કરી હતી. આઝાદી પછીના નેતાઓ કેટલાં વામણાં છે કે આટલી નાની માંગ પણ એ પૂરી કરી શક્યા નથી.
લેખના અંતે આ મહાનુભાવોને સહેતુક યાદ કર્યા છે. વૈશ્વિકીકરણ એકદમ નવીનક્કોર ઘટના નથી. સામ્રાજ્યવાદના ઉદયથી વિકાસ સુધીની એની ગતિ છે. સંસ્થાનવાદ વખતે સામ્રાજ્યવાદે શિક્ષણ સાથે એવો જ વ્યવહાર કરેલો. આજનું વૈશ્વિકીકરણ સંસ્થાનવાદનું પરિષ્કૃત અને અધિક શક્તિશાળી સ્વરૂપ છે. પોતાના વેચાણ માટે બજાર મેળવવું, કુદરતી સંસાધનો પર પ્રભુત્વ મેળવવું એ એનો આજે ય હેતુ છે. ૧૮મી-૧૯મી સદીના સંસ્થાનવાદ સાથે તેથી એને સરખાવી શકાય. એની સામે ત્યારે ઈશ્વરચંદ્ર વિદ્યાસાગર, જ્યોતિબા ફુલે, આંબેડકર આ માંગ કરી રહ્યા હતા. આજે આ કોણ કરશે ? આજે તો શિક્ષિતો વૈશ્વિકીકરણના ચળકાટથી અત્યંત પ્રભાવિત છે, અભિભૂત છે. એ વંચિતોની વકીલાત કરશે ? ‘જ્ઞાન’ જે માનવસંસ્કૃિતના વિકાસની ચાવી છે, સામ્રાજ્યવાદીઓના નફા સાથે ટકરાય તો પ્રશ્નો ઊભા થાય, તેથી એ સાચું જ્ઞાન નહીં પણ જ્ઞાનનાં વિકૃત, સીમિત અને અનધિકૃત સ્વરૂપોને જ ખપમાં લે છે. સંસ્થાનવાદે જે સીમિત ‘શિક્ષણવ્યવસ્થા’ પૂરી પાડી હતી, તેમાં ભારતની યુવા પેઢીને સાચા અર્થમાં શિક્ષિત બનાવવાનો હેતુ ન હતો, હકીકતે તો – એમને એમની નોકરશાહીને મજબૂત કરવી હતી. આજે વૈશ્વિકીકરણમાં શિક્ષણ સાથે આ જ વ્યવહાર થઈ રહ્યો છે. સાચું જ્ઞાન તો સ્વતંત્રતા, સમાનતા અને બંધુત્વની માંગણી કરે. એ વૈજ્ઞાનિક, લોકશાહીયુક્ત અને ધર્મનિરપેક્ષ સમાજવ્યવસ્થાની માંગ કરે, જે આજના શિક્ષણના સ્વરૂપમાં દેખાતું નથી. મોટા ભાગની સંસ્થાઓ વૈશ્વિકીકરણના વિરૂપ ચહેરાને માનવીય બતાવવાના દલાલ રૂપે કામ કરે છે. આજે શિક્ષણતંત્રનો આવો ઉપયોગ થઈ રહ્યો છે, તેથી શાળા-કૉલેજોએ પોતાની સર્જનાત્મક ઊર્જા ગુમાવી છે અને માત્ર વિધિ-વિધાનો, કર્મકાંડ ચાલે છે.
શિવે કામદેવને ભસ્મ કરી દીધો હતો. ત્યાર બાદ રતિના વિલાપના કારણે શિવે અંગ વિનાના, અનંગની રચના કરી આપી. અનંગની સામે લડવું કઠિન છે. સંસ્થાનો વખતે સામ્રાજ્યવાદ નજર સામે હતો તેથી એની સામે શિવ જોગમાયા સંગ ધૂણન્તા ઓતરાદી વાયરા ઊઠેલા. પણ એ આજે અનંગ સ્વરૂપે છે. એણે ભારતીયતાનું, સંસ્કૃિતનું કવચ પહેરી લીધું છે, તેથી વૈશ્વિકીકરણથી સજ્જધજ્જ સામ્રાજ્યવાદનો સામનો સંસ્થાનવાદ જેટલો સહેલો નથી. પહેલાં બ્રિટિશરો સામે લડવાનું હતું, હવે તો અર્જુનની જેમ પોતીકા જ સામે છે. વિષાદયોગને ખંખેરીને રણટંકાર કર્યા સિવાય બીજો રસ્તો છે જ નહિ.
સૌજન્ય : “નિરીક્ષક”, 16 ફેબ્રુઆરી 2015, પૃ. 08 – 10