કૉંગ્રેસ પ્રમુખ સોનિયા ગાંધીએ ફૈઝાબાદ – અયોધ્યા મતવિસ્તારની મુલાકાત દરમ્યાન ચૂંટણી રેલીમાં કહ્યું કે "આપ સબ કે સાથ મિલ કર મર્યાદા પુરુષોત્તમ ભગવાન રામ કી પવિત્ર ભૂમિ કો પ્રણામ કરતી હૂં." છેલ્લાં વર્ષોમાં દાઝેલાં આપણને સૌને ચૂંટણીભાષણમાં રામનો ઉલ્લેખ કંઈક ચોંકાવનારો તો કંઈક મતમોહની કરામતના ખયાલે કરાનારો લાગે એ સહજ છે. બલકે, ટાઈમ્સ ન્યૂસ સર્વિસનાં શૈલ્વી શારદાએ સટીક સમાચારની પેઠે લખ્યું પણ ખરું કે મોદી અને બીજા હિંદુત્વ હાર્ડલાઈનરોએ ફૈઝાબાદમાં ને બીજે જે ઉલ્લેખ ટાળવો પસંદ કર્યો હતો તે ઉલ્લેખ સોનિયા ગાંધીએ ચહીને કર્યો.
આમ તો, સામાન્યપણે કોઈ ધાર્મિક બાવાજાળાં વગર વ્યાપક સાંસ્કૃતિક સંદર્ભમાં રામનો ઉલ્લેખ થાય એમાં અજુગતું કશું નથી. મોદીએ અને એવા બીજાઓએ પ્રસંગે તે ટાળ્યો હોય તો એનું કારણ અલબત્ત એમના એ રાજકારણમાં પડેલું છે જેને જોરે તેઓ અડવાણીની યાત્રાને પગલે એક તબક્કે નવી દિલ્હીની ગાદીએ ગઠબંધન સરકારરૂપે પહોંચી શક્યા હતા. પણ તે દરમ્યાન અને ત્યાર પછી ઊભા થયેલા સવાલોના જવાબો આપવાનું એમને માટે અઘરું થઈ પડ્યું છે અને નવા સમયમાં સુશાસન તેમજ વિકાસ (ગવર્નન્સ ઍન્ડ ડેવલપમેન્ટ)નો વેશ પાડ્યા વગર એમને છૂટકો નથી એટલે રામને મ્યાન રાખવું એમને સારુ સલાહભર્યું પણ છે. વચ્ચે વરુણ પ્રકારનો પ્રસંગ અનાયોજિત ઊભો થઈ જાય ત્યારે પોતે જે વાત ટાળી ન શક્યા તે વખત છે ને એકદમ જ ફળદાયી બની જાય તો, એ ખયાલે તેઓને હિંદુત્વ હઈસોજંબેમાં જોડાઈ જવાની ફરજ પડે છે એટલું જ. સાધ્વી પ્રજ્ઞાના પ્રકરણમાં પણ એક તબક્કે સલામત અંતરનો તો બીજે તબક્કે 'જોઈ શું રહ્યા છો, જોડાઈ જાઓ!' પ્રકારનો ખેલ પાડતાં આપણે એ સૌને ક્યાં જોયા નથી ?
સોનિયા ગાંધી બેલાશક ચૂંટણી જંગમાં પડેલાં છે, અને લોકલાગણીને અપીલ કરવા વાસ્તે એમને તથા એમના સલાહકારોને ફૈઝાબાદ અયોધ્યામાં રામનું નામ સૂઝી રહે એ સમજી શકાય એવું છે. રામનામે આપણે વચલાં વરસોમાં જે નમૂનાઓને તરી જતા જોયા છે એથી આવે વખતે, નાટ્યાત્મક જ નહીં પણ નાટકી (થિયેટ્રિકલ) સુધ્ધાં લાગવાની હદે કહેવું જોઈએ કે હૈયું સોનિયાવચનોથી એકબે ધબકારા ચૂકી ગયું હતું.
સદ્ભાગ્યે, સોનિયા ગાંધીએ ફૈઝાબાદ અને લખનૌનાં વક્તવ્યોમાં રામરાજ્યની પોતાની વ્યાખ્યા સ્પષ્ટ કરવાની તક ઝડપી હતી, અને એ રીતે ભાજપ કરતાં કૉંગ્રેસનો અભિગમ ક્યાં ને કેમ જુદો પડે છે તે પણ સાફ કરી આપ્યું હતું. એમણે સરસ કહ્યું હતું કે લખનૌ – ફૈઝાબાદ પંથક, આખો ઉત્તર ભારતનો આ મુલક, ગંગાજમની તહજીબ વાસ્તે (અને તેથી બિનસાંપ્રદાયિક સંસ્કૃતિ વાસ્તે) જાણીતો છે. પછી ઉમેર્યું હતું કે " રામરાજ્ય કી બાત કરનેવાલોંકો મૈં કહના ચાહુંગી કિ રામરાજ્યમેં ભેદભાવ નહીં હોતા… રામરાજ્યમેં નફરત નહીં હોતી… રામરાજ્યમેં દંગે નહીં હોતે… રામરાજ્ય તો એક ઐસી વ્યવસ્થા હૈં જિસમેં સબકે લિયે ન્યાય હૈ.
"દેખીતી રીતે જ, રામનું નામ લઈને સંઘ પરિવારે જે 'સાંસ્કૃતિક રાષ્ટ્રવાદ' ચલાવ્યો એના કરતાં ગુણાત્મકપણે જુદી પડતી વાત આ છે. આ ભેદ જો જળવાઈ રહે તો રામના ઉલ્લેખનો શો બાધ હોય ભલા ? ન ઉલ્લેખનો બાધ, ન અનુલ્લેખનો બાધ , એવી ભૂમિકા મારી તો છે.
રામરાજ્ય પ્રકારના ઉલ્લેખમાં, એટલી એક પાયાની સગવડ જરૂર છે કે સામાન્ય માણસ સાથે અનુસંધાન તરત જ શક્ય બને છે. પણ જેવી 'ધર્મ'ને એક 'રાજકીય વિચારધારા'માં ઢાળવાની ચેષ્ટા શરૂ થાય છે કે ગરબડગોંધળનો પાર નથી રહેતો. બલકે, એક ભયાવહ ઈલાકો શરૂ થઈ જાય છે. આશરે પંદરેક વરસ પર સર્વોચ્ચ અદાલતના આસનેથી જસ્ટિસ વર્માએ એમનો એ ઐતિહાસિક ચુકાદો આપ્યો હતો કે હિંદુત્વ એક જીવનશૈલી છે. અડવાણી અને બીજા પોતાની તરફેણમાં આ ચુકાદો ટાંકતા થાકતા નથી. પણ આ જ જસ્ટિસ વર્માએ, પછીથી, રાષ્ટ્રીય માનવ અધિકાર પંચના વડા તરીકે ગુજરાતની મુલાકાત ૨૦૦૨માં લીધી ત્યારે પેલી 'જીવનશૈલી'ને 'રાજકીય વિચારધારા'માં ઢાળવામાં આવતાં કેવો અનર્થ સરજાય છે તે રૂબરૂ જોવાનું બન્યું એ એમને માટે ચોક્કસ જ એક સાક્ષાત્કારક ક્ષણ હતી.
જોકે ખુદ કૉંગ્રેસના પણ જે બધાં ' સિન્સ ઑફ ઓમિશન્સ ઍન્ડ કમિશન્સ'નો સિલસિલો રહ્યો છે એ જોતાં ધારાધોરણસરના રામોલ્લેખ વાસ્તે એની પાત્રતા અને હેસિયત બાબતે આપણો રવૈયો ક્ષપરીક્ષણનો હોય તે ઈચ્છવા જોગ છે. માત્ર, એક વ્યાપક સાંસ્કૃતિક પિછવાઈ પર (જેમ સાતત્ય તેમ શોધન, રિપીટ, શોધન સાથે) બિનસાંપ્રદાયિક અભિગમનું વિકસન અને પ્રફુલ્લન થતું રહે એથી રૂડું શું.
![]()

