ધારણા હતી તેમ ૨૫મી જૂને ‘મન કી બાત’માં વડાપ્રધાન મોદીએ કટોકટીની કાળરાત્રિને યાદ કરી અને વગર નામ દીધે કૉંગ્રેસની ખબર પણ લીધી. (કૉંગ્રેસની એ માટેની પાત્રતા બાબત બેલાશક બેમત નથી.) નમોએ લોકશાહી એ માત્ર શાસનપ્રથા નથી પણ એક સંસ્કાર છે એવું નમોઈઝમ ઠીક રમતું મૂક્યું અને પછી સતત સતર્કતા અને અને અતન્દ્ર જાગૃતિ (ઈટરનલ વિજિલન્સ) એ સ્વાધીનતાની કિંમત (પ્રાઈસ ઑફ લિબર્ટી) છે એ તરજ પર વાત પણ સોજ્જી કીધી. ઉલટ પક્ષે, જ્યાં સુધી કૉંગ્રેસનો સવાલ છે, એના પ્રવક્તા વડક્કને એ તો ઠીક જ કર્યું કે કટોકટી અમારી ભૂલ હતી અને એમાંથી અમે બોધપાઠ લીધો છે એમ કહ્યું. ‘હા, અમે કટોકટીને ભૂલ્યા નથી,’ એમણે કહ્યું અને લાગલું ઉમેર્યું ‘- પણ દેશમાં આજની તારીખે એક અઘોષિત કટોકટી છે.’
૧૯૭૫નાં ૪૨ વરસે, બેંતાળાં ન નડે એ ખયાલે, કૉંગ્રેસ-ભાજપને યાદ કરીને આ ચર્ચાનો ઉપાડ તો કીધો; પણ નાગરિક છેડેથી ચાલવું જોઈતું ચિંતન અને થવું જોઈતું મંથન કેવળ આ બે પક્ષો પૂરતું તો સીમિત ન રહી શકે. એમણે અલબત્ત વસલૂમ વસલૂમની સોઈ શોધવા તાક્યું હોય, પણ આપણી વાત તો એટલેથી જ માંડ શરૂ થાય છે.
જો કે, બેઉની એક સાથે ટીકા કરતે છતે ભાજપની વિશેષ કરવાની બને તે સ્વાભાવિક જ એ કારણે છે કે આજે તે સુવાંગ સત્તારૂઢ જેવો છે. જે ‘ઈટરનલ વિજિલન્સ’ની દુહાઈ નમોએ દીધી એ ધોરણે પ્રજાકીય છેડેથી આપણે કંઈક કહીએ-કરીએ કે તરત જ ‘રાષ્ટ્રવિરોધી’ અને ‘રાજદ્રોહી’ પ્રકારનું બ્રાન્ડિંગ પામીએ છીએ. એટલું જ નહીં, પોતાની સમજ મુજબના રાષ્ટ્રવાદના સંસ્થાપન અર્થે કાયદો હાથમાં લઈ મનમાની ચલાવતાં ટોળાં બાબતે આ સરકાર કાં તો કંઈ કરી શકતી નથી, કે કદાચ સવિશેષ તો કંઈ કરવા ઈચ્છતી નથી. બૃહદારણ્યકના ઋષિએ ધર્મને ક્ષત્રિયનો પણ ક્ષત્રિય કહ્યો હશે, પણ અહીં તો પોતે જ પોતાનો કાયદો (બંધારણ કઈ બલાનું નામ છે) એવી મૉરલ પોલીસ પોતીકી રાજવટ ને પોતીકું રજવાડું હલવે છે. દાર્શનિક અંતર જાળવતી સરકાર, આઘાપાછી કરી જાણતો સત્તાપક્ષ … અને પછી ‘એ લોકો’, એમનેેેે શું કહીશું, સિવાય કે લૉ અનટુ ધૅમસેલ્વ્ઝ. વિચારધારાકીય અને સંગઠનકીય ધોરણે એમની કને રાજનો પટ્ટો છે, અંશતઃ આડકતરો, અને કંઈક અંશે સીધો. આ અનવસ્થામાં રહેલી અઘોષિત કટોકટી ખરું જોતાં ન સમજવું હોય તો જ ન સમજાય એવી છે. (કટોકટીમાં સર્વોચ્ચ અદાલત સમક્ષ એટર્ની જનરલે સત્તાવાર ભૂમિકા લીધી હતી કે મૂળભૂત અધિકારો સ્થગિત હોય ત્યારે તમે સરકાર છેડેથી નાગરિકની હત્યા સબબ પડકાર કરી શકતા નથી. આજે લિન્ચિંગ જોડે શાસકીય મીલીભગતમાં શું વાંચીશું ?)
અને આપણી આર્થિક વિષમતાઓનું શું કરીશું? મનમોહન-મોદી (વાયા વાજપેયી) ધારામાં તે વધતી રહી છે, એ નિઃશંક છે. વળી વિષમતા નિર્મૂલનનો મોરચો આર્થિક કરતાં સામાજિક ઓછો નથી. એટલે સ્તો ૧૯૭૭ના જનતા રાજ્યારોહણ પછી અને છતાં સતત કહેવાનું થતું રહ્યું છે કે કટોકટી (ઈમરજન્સી) ગઈ, કટોકટી (ક્રાઈસિસ) જારી છે.
આમ સમગ્ર કેનવાસ પર વિચારીએ ત્યારે સમજાય છે કે કટોકટી ઊઠી, જનતા સરકારે કાનૂની દુરસ્તી કરી, તે છતાં વળી તે ન જ આવે એમ હું માની શકતો નથી એવી અડવાણીની વાતમાં દમ છે. અડવાણીના ઉદ્ગારોમાં (ઈન્દ્રપ્રસ્થને બદલે વાનપ્રસ્થ મળતાં કેટલાક વ્યક્તિગત ટકા બાદ કરીએ તો પણ) જેમ રાજ્યસંસ્થાની પ્રકૃતિ વિશેની સમજ હશે તેમ ઇંદિરાજીની જેમ કોઈ વ્યક્તિગત સત્તાકાંક્ષી પ્રતિભા તોડમરોડ કરી શકે એવો અંદાજ બલકે દહેશત પણ હશે. ગમે તેમ પણ, એમની આ નિરીક્ષા ને નુક્તેચીનીમાં લાંબી રાજકીય કારકિર્દી અને કામગીરીનું વજન ને વજૂદ પડેલું છે.
સંઘ પરિવારના પત્ર ‘ઑર્ગેનાઈઝરે’ એના હમણેના અંકમાં કહ્યું છે કે ૧૯૭૪-૭૫ જેવાં કટોકટીરાજ ભણી લઈ જતાં કોઈ ચિહ્ન નથી. ચારેકોર શોરબકોર મચવતા ચેનલ ચોવીસા કદાચ અહીં ‘સ્વાતંત્ર્ય’નો આભાસ જગવે છે, અને એમાં ‘ઑર્ગેનાઈઝર’નાં વેણ શીરા પેઠે ગળે પણ ઊતરી જાય એવું બને. પણ આ ચેનલ ચોવીસા વચાળે વાસ્તવિકતા તો તાજેતરમાં મહુવાના સદ્ભાવના પર્વમાં રવીશકુમારે કહ્યું તેમ ગોદી મીડિયા કહેતાં ‘એમ્બેડેડ જર્નલિઝમ’ની છે. મીડિયાના કેટલા મોટા હિસ્સાએ સરકારનું કેટલું બધું માની લીધું છે અને સત્તાકારણીઓને એ કઈ હદે સાચવી લે છે એનો આપણને કદાચ અંદાજ જ નથી. એન.ડી.ટી.વી.નો કેસ અહીં અગાઉ ચર્ચેલો છે એટલે વિગતોમાં નહીં જતાં એટલું જ કહીશું કે સરકારપ્રેરિત પિંજરપોપટ રૂપ સી.બી.આઈ.ની ભળતા હેતુસરની ધોંસને ભ્રષ્ટ નાણાવહેવાર સામેની કારવાઈરૂપે ઉપસાવીને જે તે સ્વતંત્ર હોઈ શકતા મીડિયાને પોતાના વશમાં લેવાની કે લોકનજરમાં નીચા પાડવાની ચાલમાં હાલની સરકાર માહેર છે.
બને કે એ લગરીક દૂરાકૃષ્ટ લાગે તો પણ સંભારવા જોગ પેરેલલ મોરારજી-જયપ્રકાશને દાણચોરોની કક્ષામાં મૂકવાની પુરાણી પેરવીનો છે. ગુજરાતમાં ચદ્રકાન્ત દરુએ બંધારણીય કેસો, ખાસ કરીને વ્યક્તિસ્વાતંત્ર્યના કેસો લડવામાં ધાક જમાવી ત્યારે એમને દાણચોરોના વકીલ તરીકે ચીતરવાની ચળ કેટલાંક વર્તુળોમાં ઊપડી હતી. હમણાં રવીશકુમારની રજૂઆતને પણ એવા જ કોઈ ખાનામાં ખતવવાની હોડ સોશ્યલ મીડિયાના કોઈ એમ્બેડેડ હિસ્સામાં હોવાનું સાંભળ્યું છે. આવી એમ્બેડેડ મંડળીને પાછી અદકપાંસળા કે ઘેલા ફોરવર્ડબહાદુરોની કુમક પણ ખાસી મળી રહેતી હોય છે.
જેમ ઇંદિરા ગાંધીના વારામાં હતું તેમ આજે પણ ચુંટાયેલી સરકાર એ જાણે પોતે કરીને કોઈ પવિત્ર ગાય હોય એવું કોરસ સાંભળવા મળે છે. સરકાર થકી પરબારી નિમણૂક અને સ્વાયત્ત સંસ્થામાં થતી ચૂંટણી વચ્ચે કોઈ વિવેકને, પછી, અવકાશ રહેતો નથી. ‘સ્વાયત્તતા’ આ સંજોગોમાં ‘અકારણ વિવાદાસ્પદ મુદ્દો’ બની રહે છે.
છોડો આ બધી ચર્ચા. ઇરોમ શર્મિલાથી માંડીને વિનાયક સેન સહિતના હવાલે અઘોષિત કટોકટી બાબતે ખાસું બધું કરી શકાય. દાયકાઓ પરની કટોકટી દેખાય અને હમણે ન દેખાય, એને બીજું શું કહેવું, સિવાય કે બેંતાળાં.
જેને દેખ્યાનું દુઃખ, તેને સંઘર્ષનું સુખ.
સૌજન્ય : “નિરીક્ષક”, 01 જુલાઈ 2017; પૃ. 01-02