કાઁગ્રેસમુક્ત ભારત અને કાઁગ્રેસયુક્ત ભા.જ.પ. એવા કોઈ સપાટ ટુચકામાં આ અનવસ્થાનો ઉગાર નથી.

પ્રકાશ ન. શાહ
હર જૂન માસના ગોરંભાતે ત્રીજે-ચોથે અઠવાડિયે 1975ના જૂનની સત્તાવીસમી તારીખ ‘ટાઈમ્સ ઓફ ઇન્ડિયા’માં પ્રગટ થયેલી એક વિલક્ષણ મૃત્યુનોંધની યાદ તાજી થઈ આવે છે, દૂઝતો જખમ જાણેઃ
D’Ocracy – D.E.M., beloved husband of T. Ruth, loving father of L.I. Bertie, brother of Faith, Hope, Justice, expired on 26th June.
દેખીતી રીતે જ, છાપાંઓ સમાચાર અને ટિપ્પણી બાબતે લગભગ મ્યાન અને મૌન હોવાનાં હતાં ત્યારે, ઇંદિરાઈ કટોકટીરાજની વળતી સવારે, જેને દેશનું ને લોકશાહીનું દાઝતું હતું એવા એક વાચકે પ્રજાસત્તાક જાણે રાણીસત્તાકમાં ફેરવાઈ ગયાની સટીક રજૂઆત જાxખના સ્વાંગમાં કરી હતી.
હમણાં મેં ‘રાણીસત્તાક’ કહ્યું પણ કટોકટીરાજ કંઇ બ્રિટિશ રાજાશાહીની જેમ, જેમાં ‘રાજાએ પોતાના ડેથ વૉરન્ટ પર પણ સહી કરવી પડે’ એવી સંસદીય લોકશાહી પ્રણાલિવાળું અલબત્ત નહોતું.
કુલદીપ નાયરથી માંડીને અનેક પત્રકારોએ અને અડવાણી સહિતના ભુક્તભોગીઓએ મૂળભૂત અધિકારો સ્થગિત હોય, હોબિયસ કોર્પસનો અતોપતો ન હોય એવી અનવસ્થા અને જેલરાજનાં ચિત્રો આપ્યાં છે. એ વરસોમાં એક્સપ્રેસ જૂથની નવીનવી પત્રકાર કૂમી કપૂરે પણ ‘ધ ઇમરજન્સીઃ પર્સનલ હિસ્ટરી’ નામે કિતાબ લખી છે. જેમાં એમના પોતાના પત્રકારી અનુભવો ઉપરાંત મિસાવાસી થનાર પતિ વીરેન્દ્ર કપૂર અને બનેવી(સુબ્રમણ્યમ્ સ્વામી)નાં અનુભવો અને અવલોકનો પણ અચ્છા અંબોળાયાં છે. કૂમીની કિતાબ તરતમાં ગુજરાતીમાંયે સુલભ થઈ રહી છે. ઉપરાંત, ગુજરાતીમાં આપણી પાસે ‘સંઘર્ષમાં ગુજરાત’ (નરેન્દ્ર મોદી) અને ‘મીસાવાસ્યમ્’ (વિષ્ણુ પંડ્યા) એ બે વ્યક્તિગત કાર્યાનુભવ અને કારાનુભવ સહિતનાં કટોકટીવૃતાંત સુલભ છે. સવિશેષ તો, પુરુષોત્તમ માવળંકરનાં લોકસભાનાં ને ઉમાશંકર જોશીનાં રાજ્યસભાનાં પ્રવચનો એમના પોતાના જ ગુજરાતી અનુવાદમાં પ્રાપ્ત છે. આપણી મિરાત જ કહો ને.
તે વર્ષોમાં ઇંદિરાજીના પ્રધાનમંડળના જુનિયર સાથી પ્રણવ મુખર્જીએ કહ્યું છે કે ‘એ ગાળો એક એવા દુઃસાહસનો પુરવાર થયો જેની બહુ મોટી કિંમત કાઁગ્રેસે અને દેશે ચૂકવવી પડી હતી.’ ગમે તેમ પણ ઇંદિરા ગાંધીએ કટોકટીરાજ લંબાવવાની જોગવાઈ છતાં ચૂંટણી આપી એ એક અણધારી મોટી વાત હતી. કુલદીપ નાયરે સંજય ગાંધી જેવા એ કાળના સર્વેસર્વાને પૂછ્યું કે તમે કેમ ચૂંટણી આપી ત્યારે સંજય ગાંધીએ એ મતલબનું છાંછિયું કરેલું કે હું તે વળી એવી ભૂલ કરું ? પૂછો મારી માને.)
હવે બે વરસ, અને કટોકટી જાહેરાતની ખાસી એક પચાસી પૂરી થશે. વ્યક્તિગત વાર્તારસવાળી સામગ્રીથી ઊંચે ઊઠી વિશ્લેષણાત્મક ખરી ને પૂરી તપાસ હાથ ધરવાની જરૂર છે. આ તપાસ કટોકટીકાળની તો હોય જ હોય. દુર્દૈવ વાસ્તવ, અરુણ શૌરિની યાદગાર ટિપ્પણી મુજબ, એ છે કે નાનામોટા હેતુસર ચર્ચાવિચારણા કરતી આઈ.એ.એસ. મંડળીને શાહ તપાસ પંચના હેવાલની ચર્ચા કરવાપણું લાગ્યું જ નહીં. એમાં વળી ઇંદિરા ગાંધીએ પુનઃ સત્તારૂઢ થયા પછી હેવાલની પંચમહાભૂત આવૃત્તિ વાસ્તે અગ્રક્રમે કાળજી લીધાના વાવડ છે. 1977-78માં શાહ કમિશને જે ગંજાવર કામ દીધું તેની ટ્રાન્સક્રિપ્શન્સ સુદૂર જ્હોન હોપકિન્સ યુનિવર્સિટીમાં જ કદાચ જળવાઈ છે. ક્રિસ્ટોફ જે. ફ્રોલેટે ‘ઇન્ડિયાઝ ફર્સ્ટ ડિક્ટેટરશિપ’માં તે ખપમાં લીધી પણ છે.
જો કે શાહ કમિશન સમક્ષની બધ્ધેબધ્ધી જુબાની સુલભ થાય એ પણ પૂરતું નથી. કેમ કે કટોકટીરાજ તે એક પા ઇંદિરાઈ કાઁગ્રેસ વિ. જનતા પરિવાર (હવે બહુધા ભા.જ.પ.) એવો સીધોસાદો સ્વયંપર્યાપ્ત કિસ્સો નથી. સ્વરાજના આરંભકાળથી આજ સુધીના રંગપટ પર તે કોઈ કૌંસકથા માત્ર નથી. મહાન સ્વરાજનિર્માતાઓએ કટોકટી જોગવાઈની જરૂરત જોઈ તે વિભાજનની વિભીષિકા જોતાં સ્વાભાવિક હતું. (જો કે 1975-77માં તેનો દુરુપયોગ જોઈ બંધારણ સભાના સભ્યપદે રહેલા કે. સંથનમે આત્મશુદ્ધિના ઉપવાસ કર્યા હતા.) હૈદરાબાદની રઝાકાર પ્રવૃત્તિ, તેલંગણમાં રણદીવેની કથિત ક્રાંતિપ્રવૃત્તિ વગેરે નિમિત્તો, જેમ કે પ્રતિબંધક અટકાયતના અભિગમને દેઢાવનારાં હતાં. નેહરુ-પટેલ એની તરફેણમાં ને શ્યામા પ્રસાદ મુખર્જી એની વિરુદ્ધમાં એવું પણ જોવા મળે છે. મુખર્જીની ત્યારની બધી જ દલીલો લગભગ બેઠ્ઠી ને બેઠ્ઠી આજની સરકાર સામે શક્ય છે.
કાઁગ્રેસમુક્ત ભારત અને કાઁગ્રેસયુક્ત ભા.જ.પ., એ આ અનવસ્થાનો ઉગાર નથી.
e.mail : prakash.nireekshak@gmail.com
પ્રગટ : ‘પરિપ્રેક્ષ્ય’, “દિવ્ય ભાસ્કર”; 21 જૂન 2023
https://www.google.co.uk/books/edition/India_s_First_Dictatorship/lHEhEAAAQBAJ?hl=en&gbpv=1&printsec=frontcover