રાજ્યમાં ઓ.બી.સી. અનામત
સોલંકીનો ખામ વિક્રમ તોડી નહિ શકનાર પણ 2002થી સળંગ ચૂંટણી જીતનાર મોદીવ્યૂહ મંડલમંદિરના જોડાણ પર વિકાસના વરખનો હતો

પ્રકાશ ન. શાહ
રાજ્ય સરકારે સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓમાં 27 ટકા ઓ.બી.સી. અનામતની જાહેરાત કરી તે સાથે ભા.જ..પ અને કાઁગ્રેસ વચ્ચે રાબેતા મુજબની સામસામી આતશબાજી આપણે જોઈ રહ્યા છીએ. બંને બાજુની વિગતોમાં તારતમ્યને ધોરણે સત્યાંશ હોઈ શકે છે, પણ સ્વરાજની વડી પાર્ટી તરીકે કાઁગ્રેસ અને વર્તમાન સત્તાપક્ષ ભા.જ.પ. બેઉ જે એક મુદ્દે કસુરવાર અને જવાબદાર છે તે એ કે સ્વરાજના આઠ દાયકા લગોલગ છીએ ત્યાં લગી આવી જોગવાઈઓ જરૂરી લાગે છે એ એક દુર્દૈવ વાસ્તવ છે.
નાત-જાત કોમલિંગ ધરમમજહબ એક્કે ભેદભાવ વગર સાર્વત્રિક પુખ્તવય મતાધિકાર એક ઐતિહાસિક નિર્ણય હતો. દલિત અધિકારના લડવૈયા, ક્યારેક આદિવાસ મતાધિકાર બાબતે મોળા વરતાયેલા આંબેડકરે બંધારણ પાઇલટ કરતી વખતે ન તો સાર્વત્રિક પુખ્તવય મતાધિકારને મુદ્દે આદિવાસીઓ જોડે ભેદભાવનું વલણ દાખવ્યું હતું, ન તો સવર્ણને એક મત અને દલિતને બે મતની ભાષામાં વાત કરી હતી. ગાંધી-નેહરુ-પટેલ એ સ્વરાજત્રિપુટી સહિતની નક્ષત્રમાળા સમસ્ત છતે ભાગલે ધરમમજહબના ભેદ વગર સાર્વત્રિક પુખ્તવય મતાધિકારને પુરસ્કારતી હતી. સમાજમાં ઊંચનીચ અને ભેદભાવ એક વાસ્તવિકતા છે અને સાર્વત્રિક મતાધિકારનો યથાર્હ તથા યથાર્થ ભોગવટો શક્ય બને તે માટે અનામત સહિતની જોગવાઈઓનું ચોક્કસ લૉજિક સ્વીકારાયેલું છે.
પાકિસ્તાનના વિધિવત્ ઠરાવ પૂર્વે મોહમ્મદ અલી ઝીણાએ ઉછાળેલો એક મુદ્દો એ હતો કે ઇંગ્લેન્ડમાં કૉન્ઝર્વેટિવ અને લેબર બે મુખ્ય પક્ષો છે, અને લિબરલ પક્ષ પણ છે. ત્યાં આજે લેબર તો આવતીકાલે કૉન્ઝર્વેટિવ એમ પલટો અને વિકલ્પ શક્ય છે. પણ હિંદમાં આજે હિંદુઓ ને કાલે મુસ્લિમો એવો સત્તાપલટો ક્યાં શક્ય છે ? અહીં તો હિંદુઓ કાયમી બહુમતી છે, અને મુસ્લિમો કાયમી લઘુમતી છે. વસ્તુતઃ ઝીણાની દલીલ, સાર્વત્રિક પુખ્તવય મતાધિકારના લોકશાહી અભિગમ પ્રમાણે ગ્રાહ્ય નહોતી, કેમ કે મતદારે પસંદ કરવાનો છે. તે હિંદુ કે મુસ્લિમ કે ખ્રિસ્તી નથી, ન તો વાણિયા – બ્રાહ્મણ – દલિત પણ છે. મતદારે તો કાર્યક્રમ ને ચારિત્ર્ય આધારિત પસંદગી કરવાની છે.
આવી પસંદગીમાં સુવાણ વાસ્તે કેટલોક સકારાત્મક અગ્રતાવિવેક કેળવવો રહે છે. અનામત તરેહની જોગવાઈઓ આમાંથી આવે છે. આપણને સવર્ણ-અવર્ણ અંતર સમજાતું હોય તો પણ, જેમ કે, કથિત સવર્ણ સમુદાય માંહેલા ઊંચનીચ પકડાતાં નથી. હિંદુ ધર્મમાંથી મુક્તિની લાહ્યમાં મુસ્લિમ તો થતા, પણ તમે બ્રાહ્મણમાંથી થયેલા મુસ્લિમ કે કથિત નીચલી પાયરીએથી આવેલા મુસ્લિમ, એવું જ ખ્રિસ્તીઓમાં પણ – વિનોબાએ આબાદ કહેલું કે જો જાતી હિ નહીં વો જાતિ હૈ.
હું નથી ગાંધીવાદી કે નથી માર્ક્સવાદી એમ કહેતા ઝુઝારુ એટલા જ સ્વાધ્યાય પ્રવણ સમાજવાદી લોહિયા નવા સમાજની દૃષ્ટિએ ‘પિછડોંકી રાજનીતિ’ના સમર્થક હતા. ચરણસિંહના રાજકારણમાં એ મુદ્દો અંશતઃ અલબત્ત ટૂંકનજરી રાહે પણ ઊભર્યો અને જેપી આંદોલનોત્તર માહોલમાં તે બિહારમાં લાલુ અને ઉત્તર પ્રદેશમાં મુલાયમને ફળ્યો.
જો કે, રાષ્ટ્રીય રાજકારણમાં એનો યશ કે જવાબદારી કાઁગ્રેસનીમ્યા મંડલ પંચની ભલામણોનો અમલ કરવાની જાહેરાત સારુ વિશ્વનાથ પ્રતાપ સિંહને નામે જમે બોલે છે.
ગુજરાતમાં તે પૂર્વે બક્ષીપંચ અને સવિશેષ તો માધવસિંહ સોલંકી પ્રણિત ખામ વ્યૂહ પણ આ સંદર્ભમાં સંભારવાં રહે છે. માધવસિંહના ક્ષત્રિય (K), હરિજન (H) આદિવાસી (A) અને મુસ્લિમ (M) એમ ‘ખામ’ સાથે ભા.જ.પે. કરેલી સર્જરી ‘ખાસ’ની હતી, મુસ્લિમને સ્થાને સવર્ણ (S) મૂકીને. એમનો વિક્રમ નહીં તોડી શકનાર પણ 2002થી સળંગ ચૂંટણીઓ જીતનાર મોદીવ્યૂહ મંદિરમંડલના જોડાણ ઉપર વિકાસના વરખનું હતું.
ગાંધીના સત્યાગ્રહી દર્શન, લોહિયાના સપ્તત્રાંતિ દર્શન કે જેપીના સંપૂર્ણ ક્રાંતિ દર્શન સિવાયનાં આ ઝાવાં આને કે તેને ફળે, પણ નાગરિક તો શોધ્યો જડે તો જડે. નેતૃત્વ, નેતૃત્વ, તું ક્યાં છો.
e.mail : prakash.nireekshak@gmail.com
પ્રગટ : ‘પરિપ્રેક્ષ્ય’, “દિવ્ય ભાસ્કર”; 30 ઑગસ્ટ 2023
 ![]()



ગુજરાતી સાહિત્ય એ રીતે જે એક કિતાબે રળિયાત છે તે કમળાબહેન પટેલની ‘મૂળ સોતાં ઉખડેલાં’ છે. ગરવી ગુજરાતકન્યા મૃદુલા સારાભાઇએ ગાંધી પરંપરામાં રોપાઇને અપહ્યતાઓનો પ્રશ્ન હાથ ધર્યો. સરહદની બેઉ બાજુએ જેમનો સંપર્ક થઇ શક્યો તે અપહ્યતાઓને જાળવીને મૂળ કુટુંબમાં પુન:સ્થાપિત કરવાનું મહાભારત કાર્ય એ હતું. ત્યારે માંડ બાવીસ-તેવીસની કમળા એમના એક સહકાર્યકર તરીકે જીવના જોખમે અભયપૂર્વક પ્રવર્તી એની આખી એક સૃષ્ટિ એમાં ઊઘડી આવી છે, અને તે આપણને હિન્દુ, મુસ્લિમ, શીખ એવી ટાઇપકાસ્ટ ઓળખોથી ઉફરાટે ચડતા પડતા આખડતા માણસની રૂ-બ-રૂ કરી આપે છે. લોહી ઊકળવાની અણીએ તમે સમસમી રહો છો. આ સમસમા તમને ખબરે ન પડે અને સંવેદનમાં, સમસંવેદનામાં ફેરવાઇ જાય છે ને માણસમાં સ્થાપી આપે છે.