
પ્રકાશ ન. શાહ
આખા સાત જ મહિના થયા એ વાતને : બારમી માર્ચનો એટલે કે દાંડીકૂચનો દિવસ, સ્વરાજની બાકી બલકે ચાલુ લડાઈ વાસ્તે ભલે નાનો પણ નોંધપાત્ર મુકામ બની રહ્યો હતો. લાંબી અદાલતી લડત પછી, વ્હીલચેરગ્રસ્ત – દિવસ દરમ્યાન નાની-મોટી હલચલ વાસ્તે બબ્બે માણસની ખડેપગ જરૂરત સારુ મજબૂર – પ્રો. સાઈબાબા નાગપુર સેન્ટ્રલ જેલમાંથી છૂટ્યા હતા. પકડાયા તો હતા એ યુ.એ.પી.એ. કહેતાં અનલૉફુલ એક્ટિવિટીઝ (પ્રિવેન્શન) એક્ટ અંતર્ગત, પણ કશું પુરવાર ન થયું અને વિના વાંકે જિંદગીનાં દસ વરસ એમણે બંધ દુનિયામાં બસર કર્યા હતા. હાઈકોર્ટે ટ્રાયલ કોર્ટનો ઊધડો લેતાં કહ્યું હતું કે માઓવાદી સાહિત્ય વાંચવું-વસાવવું, ડાઉનલોડ કરવું, આ બધું પોતે થઈને કોઈ કાવતરું કે ગુનો નથી બનતું.
આ માણસને નાગરિક અધિકારોની ચળવળ વાસ્તે પકડ્યો ને યુ.એ.પી.એ. હેઠળ જામીન એવી દોહ્યલી બાબત છે કે માની મરણપથારીએ સાઈબાબા મળી શક્યા નહીં તે નહીં.

પ્રાધ્યાપક જી.એન. સાઈબાબા
હમણાં મેં સાત મહિના કહ્યા એ સાભિપ્રાય કહ્યા. બારમી માર્ચે એ જેલમાંથી મુક્ત થયા અને બારમી ઓક્ટોબરે, લોહિયાના સ્મૃતિ દિવસે એ દેહથી મુક્ત થયા. જેલમાંથી કાગળ તો લખ્યો હતો એમણે છેલ્લા શ્વાસ લેતી માતાને – કાગળ તો શું કાવ્ય જ હતું એ. ‘સ્પીકિંગ ટાઈગર’ એ પ્રકાશન સંસ્થાએ એમનાં પત્રો ને કાવ્યો ‘વાય ડુ યુ ફિયર માય વે સો મચ : પોએમ્સ એન્ડ લેટર્સ ફ્રોમ પ્રિઝન’ એ શીર્ષકે ગ્રંથસ્થ પણ કર્યાં છે. (બાય ધ વે, આ ‘સ્પીકિંગ ટાઈગર’ એ પ્રકાશક છે જેણે નિર્મલા સીતારામન્ના પતિ પરકાલા પ્રભાકરનું પુસ્તક પ્રકાશિત કર્યું હતું. સંખ્યાબંધ પ્રકાશકોનાં ગલ્લાંતલ્લાં અને છાપાંએ તો પણ લોકસભાની ચૂંટણી પછી, એવી શરતથી ઉફરાટે ‘સ્પીકિંગ ટાઈગર’ થકી બાજી પલટાઈ હતી.)
કેટલીક પંક્તિઓ, માતા પરના પત્રમાંથી :
‘મારા બાળપણમાં
જ્યારે તને મારા સારુ દૂધનો એક પિયાલો પણ પરવડતો નહોતો
હામ અને હિંમતના તારા શબ્દો
મારો આહાર હતો
એ સ્તો મને
યાતનાના આ દોરમાં બળ પૂરું પાડે છે …
‘મને પ્રતીત થઈ રહ્યું છે કે જેલ કંઈ મોત નથી
આ તો મારો પુનર્જન્મ છે
અને હું તરત ઘરે પાછો ફરી
તારા ખોળામાં લપાઈ જઈશ
જેણે મને આશા અને હિંમત થકી પાળ્યો પોષ્યો છે…’
‘તું કહી દે કે આ દુનિયાને
મેં ગુમાવેલ આઝાદી
કંઈ લાખોહજારોને સારુ આઝાદી બરોબર છે
કેમ કે મારી સાથે હાથમાં હાથ પરોવી ઊભી રહેતી હર વ્યક્તિ
વસુધાના વંચિતો કાજે હાથ બટાવે છે
અને એમાં- હા, એમાં સ્તો મારીયે મુક્તિ છે…’
પ્રો. સાઈબાબાએ પકડાયા પછી જેલમાંથી સાથી અધ્યાપકો અને વિદ્યાર્થીઓ જોગ દિલની વાત બયાં કીધી’તી : ‘આમ આદમીનાં સુખ-દુ:ખમાં સહભાગી થતાં સમજ્યો ને શીખ્યો તે તો એ કે થોડાક લોકોને સારુ સ્વતંત્રતાનું હોવું તે વસ્તુત: સ્વતંત્રતાનું હોવું જ નથી. આપણો બહુસંખ્ય હિસ્સો એવો છે જેને યાતના ને અભાવ કોઠે પડી ગયાં છે, અગર તો એ વિશે બોલવાની એમનામાં ઈચ્છાશક્તિ જ બચી નથી. આ જાણે કે એક મૂંગું જેલખાનું જ છે. મારે જનસાધારણની આ જેલદીવાલ ભેદવી છે.’
અંગ્રેજી ભાષાસાહિત્યમાં યુનિવર્સિટી ટોપર સાઈબાબાની એક રચના છે, ‘ઓડ ટુ લાઈફ’ (જીવનની સંબોધગીતિ). એમાં એમણે પાબ્લો નેરુદાની બે પંક્તિઓ સરસ જોગવી છે : ‘સૌંદર્ય, તું સંગ મુજ પ્રીતિબંધ છે – ને જે મારું લોક, એની સાથે એક રક્તરંજિત ભાવબંધ!’
જોવાનું એ છે કે આ ભાઈને પકડાયા, ગુનો તો પુરવાર થાય ત્યારે, પણ કોલેજે પ્રોફેસર સાહેબને ઘરભેગા કર્યા. નોકરી ગઈ. પત્ની વસંતા હમણેનાં વરસોમાં તો દિલ્હીથી નાગપુર ધાર્યું જઈ શકે એવીયે જોગવાઈ નહોતી. બાઈજ્જત બરી થઈને આવ્યા પણ કોલેજ પાછી લે ત્યારે ને. હવે મામલો કોરટમાં છે અને સાઈબાબા જહન્નમમાં કે ઝન્નતમાં, જ્યાં હોય ત્યાં …
રાજ્યમાત્ર કને તે લોકતંત્ર હોય ત્યારે પણ એક ત્રાસતંત્ર ખચિત હોય છે. ઈંદિરાઈ વખતે તે પ્રત્યક્ષ અનુભવાયું હતું, પણ છતે બંધારણીય અમલે અઘોષિતપણે તે હોય જ છે. એમાં વળી વિચારધારાનો આથો ભળે ને માંજો ચઢે, પછી તો –
એક દસકા પછી લોકસભામાં વિપક્ષ નેતાનું પદ વિધિવત શક્ય બન્યું એમાં આ લખનાર સહિત ઘણાએ લોકતંત્રની દૃષ્ટિએ આશાનો ઉજાસ દીઠો હતો, અને એ છે પણ. સહજ ઉત્સાહવશ ત્યારે એમાં નવસંવતના ભણકારા સાંભળવાનુંયે બન્યું હતું. એ કશુંયે સરાસર ખોટું તો અલબત્ત નથી. પણ છતે પલટે સત્તામાનસને બદલાતાં વાર થતી હોય છે. 1946માં લોહિયા ગોવાની જેલમાં હતા ત્યારે ગાંધી વાઈસરોય વેવલને લખી શક્યા હતા, પણ નેહરુ-પટેલ હજુ બ્રિટન-પોર્ટુગલ પ્રોટોકોલવશ અસમંજસમાં હોય એવી છાપ ઊઠી હતી.
આ સાંભર્યું તે પ્રો. સાઈબાબાના મૃતદેહને, દેહદાન પૂર્વે અંતિમ દર્શન વાસ્તે હૈદરાબાદના શહીદ સ્મારક ખાતે રાખવાની રજા બાબતે રેવન્ત રેડ્ડીની કાઁગ્રેસ સરકારના નનૈયાથી. અંજલિ આપવામાં જેમ સ્વતંત્ર નાગરિકો, કોમ્યુનિસ્ટો તેમ કાઁગ્રેસજનો પણ હતા, પણ સરકાર જેનું નામ – રાહુલ ગાંધી જે પરિવર્તનની હવા પર આવ્યા છે એનો અર્થ માત્ર કાઁગ્રેસની ઓછીવત્તી ફતેહમાં સીમિત નથી. ન જ હોઈ શકે.
ટેરરિઝમ સામેની લડત પોતાને ઠેકાણે ઠીક જ છે. ઠીક જ કેમ, ધર્મ્ય પણ હોઈ શકે. પણ ભીમા-કોરેગાંવ અટકાયતો સાથે રાજ્યનો જે આતંક બહાર આવ્યો છે તે કેવી રીતે સ્વીકારી શકાય? ચૂંટણીફતેહ માત્રે નહીં અટકવાનો પડકાર આ તો છે.
Editor: nireekshak@gmail.com
પ્રગટ : ‘તવારીખની તેજછાયા’ નામક લેખકની સાપ્તાહિક કોલમ, ‘કળશ’ પૂર્તિ, “દિવ્ય ભાસ્કર”; 23 ઑક્ટોબર 2024