'હૈયાને દરબાર'
પ્રેમ અભિવ્યક્ત કરવા માટે શાયરી અને સંગીતથી ઉત્તમ શું હોઈ શકે? આપણામાંથી કેટલાયે લોકોએ જાન-એ-જિગર સુધી હ્રદયની વાત પહોંચાડવા માટે સરસ મજાની પંક્તિઓનો સહારો લીધો જ છે, સાચી વાત ને? પ્રિયતમાને રિઝવવી હોય ત્યારે તમારામાંથી કેટલા ય પુરુષોએ તારી આંખનો અફીણી ગીત ગાયું જ હશે અને વ્હાલમ સુધી વ્હાલ પહોંચાડવા સન્નારીઓએ 'સાંવરિયો' યાદ કર્યો હશે.
આવી જ એક લાજવાબ અને લોકપ્રિય ગઝલ એટલે નયનને બંધ રાખીને મેં જ્યારે તમને જોયાં છે …! બરકત વિરાણી 'બેફામ'ની આ ગઝલ માત્ર પુરુષોનો જ ઈજારો નથી, સ્ત્રીઓ પણ એટલાં જ પ્રેમથી એ લલકારે છે. 'બેફામ'નાં હ્રદયમાં વસતો ઊર્મિશીલ યુવાન શાયર એની રચનાઓમાં દિલને સ્પર્શી જાય તેવી ગઝલો આપતો રહ્યો છે. શાયર ગમે તેટલો વૃદ્ધ થાય પણ એના હ્રદયમાં વસેલો તરોતાજા યુવાન દિલની ધડકનો સાથે તાલ મિલાવતો હોય છે. આબાલવૃદ્ધ ગુજરાતીઓના કાનમાં આ રચના આજે પણ ગુંજે છે. સૌથી વધુ મોબાઇલ રિંગટોન આ ગઝલની હોવાનું પણ જાણવા મળ્યું હતું.
આ ગીતને લોકપ્રિય બનાવનાર સુપ્રસિદ્ધ કલાકાર મનહર ઉધાસ એક પ્રસંગ ટાંકતા કહે છે કે, "વર્ષો પહેલાંની વાત છે. હું એક પ્રોગ્રામ માટે અમદાવાદ ગયો હતો. એક મોટા ઉદ્યોગપતિએ કાર્યક્રમનું આયોજન કર્યું હતું. કાર્યક્રમ પહેલાં એમના ઘરે અમે સૌ બેઠાં હતાં. હીંચકા ઉપર એક યુવાન બેઠેલો હતો. મને જોઈને સીધો મારી પાસે દોડી આવ્યો અને પ્રણામ કર્યા ત્યારે પેલા ઉદ્યોગપતિએ એને કહ્યું કે, તારી પેલી ગઝલવાળી વાત કર ને! પેલો જરા શરમાયો પરંતુ હિંમત એકઠી કરી અને કહેવા માંડ્યો કે હું જ્યારે કોલેજમાં હતો ત્યારે મારું એક છોકરી સાથે અફેર હતું પરંતુ, કોઈ કારણસર કંઈક સમસ્યા ઊભી થતાં એ છોકરીને મેં ના પાડી દીધી. પછી બીજા દિવસે એ છોકરી કોલેજમાં આવી ત્યારે એક સી.ડી. લઈને આવી હતી. મને આપતાં તેણે કહ્યું કે આમાં એક ટિકમાર્ક કરેલી ગઝલ છે. એ તું ખાસ સાંભળજે. મારી માત્ર તને આટલી જ વિનંતી છે. એ તો ચાલી ગઈ. હું તો ગુસ્સામાં ધૂંધવાયેલો હતો કે આ બધાં એનાં શું નાટક છે! ઘરે આવીને મેં એ સી.ડી. કબાટમાં મૂકી દીધી. પછી થોડા દિવસ પછી એક વખત રાતના ઊંઘ નહોતી આવતી ત્યારે અચાનક એ સી.ડી હાથ લાગી. સાઉન્ડ સિસ્ટમમાં મૂકી મેં શરૂ કરી. જેમ જેમ સાંભળતો ગયો તેમ તેમ ગઝલોમાં ડૂબતો ગયો. એણે ટિક માર્ક કરેલી ગઝલ હતી, નયનને બંધ રાખીને ..! રડાવનારી ન હોવા છતાં એ ગઝલ સાંભળીને એ દિવસે મને એટલું બધું રડવું આવ્યું કે મેં આ છોકરી સાથે શા માટે આવું કર્યું? બીજા જ દિવસે એને ફોન લગાડ્યો અને મળવાનું નક્કી કર્યું. એન્ડ રેસ્ટ ઈઝ ધ હિસ્ટ્રી. અમે પરણી ગયાં. આજે એકબીજાંની સંગાથમાં ખૂબ ખુશ છીએ ત્યારે હજુ પણ એ દિવસો યાદ કરીને નયનને બંધ રાખીને અમે સાથે લલકારીએ છીએ!"
શબ્દોની તાકાતમાં ગાયકની સંવેદના ઉમેરાય ત્યારે એ ભાવકના હ્રદય સુધી પહોંચી શકે છે. મનહરભાઇનો મુલાયમ કંઠ લાખ્ખો ગુજરાતીઓના દિલ પર કામણ કરે છે. ગુજરાતી ગઝલ ઘર ઘરમાં ગૂંજતી થઈ એનો યશ સંપૂર્ણપણે મનહર ઉધાસને જાય છે. 1960માં ગુજરાતથી મુંબઈ કામની તલાશમાં મનહરભાઇ આવ્યા હતા. બનેવી મનુભાઈ ગઢવી દ્વારા કલ્યાણજી-આણંદજીના પરિચયમાં આવ્યા. એમની સાથે રહીને રેકોર્ડિંગના કામમાં તેઓ થોડી ઘણી મદદ કરતા હતા. એવામાં એકવાર ફિલ્મ 'વિશ્વાસ'ના ગીત, આપ સે હમકો બિછડે હુએ એક ઝમાના બીત ગયા …નું રેકોર્ડિંગ મૂકેશના કંઠે થવાનું હતું. નાદુરસ્ત તબિયતને કારણે મૂકેશે આવી શક્યા નહીં તેથી કલ્યાણજીભાઇએ મનહર ઉધાસને આ ગીત પ્રોક્સીમાં ગાવા કહ્યું. મૂકેશ આવે પછી એમના અવાજમાં ફાઇનલ ગીત રેકોર્ડ કરવું એમ નક્કી થયું હતું. બીજે દિવસે મૂકેશ સ્ટુડિયો પર આવ્યા અને મનહરભાઈનું આ ગીત સાંભળીને બોલી ઊઠ્યા કે આ ગીત એટલું પરફેક્ટલી ગવાયું છે કે હવે મારા અવાજમાં રેકોર્ડ કરવાની કોઈ જરૂર નથી. એ ગીત સુપરહિટ સાબિત થયું અને મનહર ઉધાસના નામનો ડંકો વાગવા લાગ્યો.
મનહર ઉધાસ એ દિવસોની યાદ તાજી કરતાં કહે છે, "ફિલ્મ 'વિશ્વાસ'નું ગીત સુપરહિટ થતાં મને ઘણી ઓફરો આવવા માંડી હતી પરંતુ મારું દિલ ગુજરાતી ગઝલ માટે કંઈક કરવા હંમેશાં ઉત્સુક રહેતું હતું. એવામાં ‘ટી-સિરીઝ’માંથી મને ગુલશનકુમારનો ફોન આવ્યો. એમને મારી સાથે કોઈ પ્રોજેક્ટ કરવો હતો. મેં તરત એ તક ઝડપી લીધી અને કહ્યું કે મારી પાસે બહુ જ સરસ ગુજરાતી ગઝલો છે એનું આલ્બમ કરવું છે. એમણે મને છૂટો દોર આપી દીધો હતો એટલે મારું પહેલું આલ્બમ 'આગમન' તૈયાર થયું એટલે મેં એમને એ સી.ડી આપી દીધી. એક જ મહિનામાં એમનો મારી પર ફોન આવ્યો કે તમે આલ્બમમાં શું કમાલ કરી છે કે એનું જબરજસ્ત વેચાણ થયું છે! આ આલ્બમ માટે ગોલ્ડન ડિસ્ક પણ મળી એ મારા માટે આ ખૂબ ગૌરવપૂર્ણ વાત હતી. પછી તો ‘ટી સિરીઝ’ સાથે મેં બીજા છથી સાત આલ્બમ કર્યા. હું ચોક્કસપણે માનું છું કે મારાં સારાં કર્મના પરિણામે ઈશ્વર મારી પાસે આ ભગીરથ કાર્ય કરાવી રહ્યા છે. 'અ' અક્ષરથી શરૂ થતાં ગઝલ આલબમની સંખ્યા 31 થઈ છે અને 32માં આલબમ પર કામ કરી રહ્યો છું."
આપણે સૌ જાણીએ છીએ કે મનહર ઉધાસના દરેક ગઝલ આલ્બમ 'અ'થી શરૂ થાય છે. 'આગમન'માં જ તેમણે નયનને બંધ રાખીને ગઝલ કમ્પોઝ કરી હતી અને એટલી હિટ નીવડી કે આજે પણ અનેક કલાકારો આ ગઝલ ઉમંગભેર ગાય છે. મનહરભાઇની ગઝલ ગાવામાં સરળ હોવાથી કોઈ પણ વ્યક્તિને ગાવામાં સરળતા રહે છે. એટલે જ કદાચ એ ઘરઘરમાં જાણીતી બની છે. ગઝલ સરળ કેમ છે એ રહસ્યોદ્ઘાટન એમણે એમની વાતચીતમાં કર્યું જ છે.
આ ગઝલની સર્જન પ્રક્રિયા વિશે મનહર ઉધાસ કહે છે કે, ‘80ના દાયકામાં બરકત વિરાણી 'બેફામ' અને ‘શૂન્ય’ પાલનપુરીના સન્માનનો ભવ્ય કાર્યક્રમ બિરલા માતુશ્રી હૉલમાં રાખવામાં આવ્યો હતો. જબરજસ્ત મોટા મુશાયરાનું આયોજન ડૉ. પ્રકાશ કોઠારીએ કર્યું હતું. એ વખતે શાયરોને ખૂબ જ ઓછા પૈસા મળતા હતા તેથી આવા મુશાયરાઓ દ્વારા એમનું માન સન્માન કરવામાં આવતું અને એમાંથી જે રકમ ઊભી થાય તે શાયરોને માનધન તરીકે આપવામાં આવતી હતી. આ મુશાયરા માટે ડો. કોઠારીએ મને ‘શૂન્ય’ પાલનપુરી અને ‘બેફામ’ની ગઝલો સ્વરબદ્ધ કરવા નિમંત્રણ આપ્યું. આ કાર્યક્રમના ભાગરૂપે મેં આ બંને શાયરોની ઉત્કૃષ્ટ ગઝલો કમ્પોઝ કરી જેમાં નયનને બંધ રાખીને પણ હતી. હું હંમેશાં શાયરને આગળ રાખું. એટલે કે એનો શબ્દ મારા સંગીત કરતાં વધારે મહત્ત્વનો છે એ ધ્યાનમાં રાખીને જ સ્વરબદ્ધ કરું. હવે ‘શૂન્ય’ અને ‘બેફામ’ બંને તરન્નુમમાં એમની ગઝલો રજૂ કરતા હતા, જેને ભરપૂર દાદ મળતી એટલે મેં એમાં ખાસ કશા ફેરફાર કર્યાં વિના ગઝલો માત્ર સંગીતના સરસ ટુકડાઓ ઉમેરી સ્વરબદ્ધ કરી અને પેશ કરી. લોકોને આ સરળતા એવી પસંદ આવી કે દરેક શેર પર લોકો ખૂબ દાદ આપવા લાગ્યા. એ જ કાર્યક્રમમાં સૌથી વધુ વન્સ મોર નયનને બંધ રાખીને ગઝલને મળ્યા હતા. ઉપરાઉપરી ત્રણ વખત મારે એ ગાવી પડી હતી. બરકતભાઈ પણ ઓવારી ગયા હતા."
મૂળ ભાવનગરના કવિ બરકત વિરાણી છઠ્ઠા ધોરણમાં આવ્યા ત્યારે ચિત્રકળા પર સારો હાથ બેઠો હતો એટલે ત્યારથી જ કાવ્ય લખવાની શરૂઆત કરી. ‘બેઝાર’ અને ‘બેફામ’ બે ઉપનામ તેમણે સૂચવ્યા, છેવટે ‘બેફામ’થી ખૂબ પ્રસિદ્ધ થયા, મક્તામાં ‘મરણ’ એ તેમની આગવી વિશેષતા રહી હતી. એક મુશાયરામાં ભાગ લેતાં ઓલ ઇન્ડિયા રેડિયોના કેન્દ્ર સંચાલક ઝેડ.એ. બુખારીના સંપર્કમાં આવ્યા અને તેમણે મુંબઈ રેડિયો સ્ટેશન પર નોકરી અપાવી. ત્યારથી કુશળ અભિનેતા અને નાટ્યકાર તરીકે ત્યાં જ નોકરી કરી.
ડૉ. પ્રકાશ કોઠારી પોતે શેર-ઓ-શાયરીના ખૂબ શોખીન એટલે બધા શાયરો સાથે એમનો ઘરોબો સારો. અજાણતાં ય એમણે કેટલા ય શાયરોની તબિયતનો ખ્યાલ રાખ્યો હતો અને સાચવી લીધા હતા. બરકત વિરાણી વિશે વાત કરતાં તેમણે કહ્યું કે, "એમનું તખલ્લુસ ભલે 'બેફામ' હતું પણ તેઓ બહુ જ નરમ, સૌમ્ય અને સરળ હતા. થાય સરખામણી તો ઊતરતા છીએ … એમનો આ શેર એમના વ્યક્તિત્વને જ અનુરૂપ હતો. મુંબઈના ડોંગરી વિસ્તારમાં સાવ સામાન્ય ઘરમાં રહેતા આ શાયરના લગ્ન વિખ્યાત શાયર શયદા નાં દીકરી રૂકૈયા સાથે થયાં હતાં. ઑલ ઈન્ડિયા રેડિયો પર ઘણો સમય કામ કર્યું. ત્યાં થોડા કડવા અનુભવો પણ થયા. પરંતુ, સ્વભાવે અજાતશત્રુ. બેફામ’ અને ‘શૂન્ય'નું સન્માન કરવાનું નક્કી કર્યું ત્યારે આ બંને શાયરો માટે અમે એક સરખી સિલ્કની શેરવાની-પાયજામો સિવડાવ્યાં હતાં, એકસરખી મોજડી લીધી હતી. ઓડિટોરિયમમાં બન્ને આવ્યા ત્યારે એકબીજાને જોઇને એટલા ખુશ થયા હતા કે ‘શૂન્ય' તરત બોલી ઉઠ્યા કે મિયાં, ઈન લોગોં ને તો હમેં દુલ્હા બના દિયા હૈ!
એ કાર્યક્રમમાં બંનેએ જે જમાવટ કરી હતી, આહાહા! ‘બેફામ’નો અવાજ શું સુંદર! તરન્નુમમાં ગઝલ શરૂ કરે ને લોકો મંત્રમુગ્ધ થઈને એમને સાંભળતા. એ ગાતાં હોય ત્યારે તમને લાગે કે વાજિંત્રો સાથે વાગી રહ્યાં છે. ‘શૂન્ય'નું રાગદારીનું જ્ઞાન પણ અદ્દભુત! હંમેશાં ગાતાં પહેલાં બોલે પણ ખરા કે આ ગઝલ હું આ રાગમાં ગાવાનો છું. એ વખતના પરંપરાના શાયરોની તૈયારી શું જબરજસ્ત રહેતી! આ કાર્યક્રમમાં મનહર ઉધાસ, પંકજ ઉધાસ અને ચંદ્રા કોઠારી ગઝલ ગાઈને પ્રસ્તુત કરવાના હતા, જેમાં મનહરભાઈએ નયનને બંધ રાખીને પેશ કરી અને ખૂબ લોકચાહના પામી હતી. બરકત વિરાણીએ મનહરની તારીફમાં એટલું જ કહ્યું, જેટલો સુંદર ચહેરો, એટલો જ છે સુંદર અવાજ, એ છે મનહર ઉધાસ! આ બધા શાયરો એવા કમાલના શેર આપી ગયા છે કે જે કામ બે કલાકની સાયકોથેરપી ન કરી શકે એ બે પંક્તિના શેર કરી જાય છે."
મનહરભાઇએ આ વાતને પુષ્ટિ આપતી બીજી એક વાત કરી. ઓસ્ટ્રેલિયાના પર્થ શહેરમાં મનહરભાઈની ગઝલોનો કાર્યક્રમ હતો. કાર્યક્રમ પૂરો થયો એટલે આયોજક મનહરભાઈ પાસે આવ્યા અને એમણે કહ્યું કે એક વ્યક્તિ તમને તીવ્રતાથી મળવા ચાહે છે, તમે મળશો? મનહરભાઈ હા પાડી. બૅકસ્ટેજમાં ગયા તો દૂરથી એક સ્ત્રી ધીમે પગલે મનહરભાઈ તરફ આવી રહી હતી. એમને જોતાં જ એ સ્ત્રી ચોધાર આંસુએ રડવા માંડી. કારણ પૂછ્યું કે તમે રડો છો શા માટે? તો એ બહેને કહ્યું કે તમને જોઈને આનંદના આંસુ આવી રહ્યા છે કારણ કે અમારું લગ્નજીવન તમારી આ ગઝલને લીધે જ સંભવિત બન્યું છે. મનહરભાઈએ પેલા આયોજક ભાઇ તરફ જોયું ત્યારે એમણે હસતાં હસતાં કહ્યું કે મારી પત્નીને તમને મળવાની તીવ્ર ઈચ્છા હતી કારણ કે, ૨૧ વખત તમારી આ ગઝલ નયનને બંધ રાખીને … ગાઈને મેં મારી પત્નીને પ્રપોઝ કર્યું હતું. આવી તો કેટલીયે ઘટનાઓ આ ગઝલ સાથે સંકળાયેલી છે. દર્શન રાવલે આ ગીત ફ્યુઝન તરીકે ગાઈને લાખો યુવા દિલોને પણ આ ગઝલ પાછળ પાગલ કર્યાં છે. અરે, ઈન્ડોનેશિયાનું એક મ્યુઝિક ગ્રુપ આ ગઝલ જાહેર કાર્યક્રમોમાં રજૂ કરે છે. આવી રોમેન્ટિક ગીતનુમા ગઝલ વરસાદી, મસ્તીભર્યા માહોલમાં સાંભળી જ લેજો!
*****
નયનને બંધ રાખીને, મેં જ્યારે તમને જોયાં છે
તમે છો એના કરતાં પણ વધારે તમને જોયાં છે
ઋતુ એક જ હતી પણ રંગ નો‘તો આપણો એક જ
મને સહેરાએ જોયો છે બહારે તમને જોયાં છે
પરંતુ અર્થ એનો એ નથી કે રાત વીતી ગઇ
નહીં તો મેં ઘણી વેળા, સવારે તમને જોયાં છે
હકીકતમાં જુઓ તો એ ય એક સપનું હતું મારું,
ખૂલી આંખે મે મારા ઘરનાં દ્વારે તમને જોયાં છે
નહિ તો આવી રીતે તો તરે નહિ લાશ દરિયામાં
મને લાગે છે કે એણે, કિનારે તમને જોયાં છે
ગણી તમને જ મંઝિલ એટલા માટે તો ભટકું છું,
હું થાક્યો છું તો, એક એક ઉતારે તમને જોયાં છે.
નિવારણ છો કે કારણ, ના પડી એની ખબર કંઈએ,
ખબર છે એ જ કે મનના મુંઝારે તમને જોયાં છે.
નથી મસ્તી મહોબ્બત, એવું કંઈ કહેતો હતો ‘બેફામ’
એ સાચું છે અમે એના મઝારે તમને જોયાં છે.
• શાયર : બરકત વિરાણી ‘બેફામ’ • સંગીતકાર-ગાયક : મનહર ઉધાસ
https://www.youtube.com/watch?v=PSB2DDTUPDU
પ્રગટ : ‘લાડકી’ પૂર્તિ, “મુંબઈ સમાચાર”, 04 જુલાઈ 2019