હૈયાને દરબાર
ગુજરાતી સુગમ સંગીત ક્ષેત્રે ફીમેલ ડ્યુએટ સિંગર્સ વિશે વિચારીએ તો વિરાજ-બીજલનું નામ સૌથી પહેલાં યાદ આવે. ગુજરાતી ગીતોમાં આમ તો male duets અને female duets બહુ ઓછાં જોવા મળે છે. પરંતુ સાતત્યપૂર્ણ જોડી તો વિરાજ-બીજલની જ કહી શકાય. સુગમ સંગીત સમ્રાટ પુરુષોત્તમ ઉપાધ્યાયની આ બે લાડકી દીકરીઓને સાંભળવાની મજા તો આવે જ, પરંતુ બન્નેનું સિન્ક્રોનાઈઝેશન પણ એટલું પરફેક્ટ હોય કે સૂર-શબ્દ-ભાવ એકબીજામાં ભળી જાય. લગભગ પંદરેક વર્ષ પહેલાં એમનાં મોઢે દક્ષેશ ધ્રુવે સ્વરબદ્ધ કરેલું એક સુંદર ગીત :
થાંભલીનો ટેકો ને ઓસરીની કોર,
કણબીની છોકરીએ પાળ્યો રે મોર,
મોર ટહુકા કરે, મોર ટહુકા કરે …
સાંભળ્યું ત્યારે જ ગમી ગયું હતું. એ વખતે સૌથી પહેલાં તો બન્નેની રજૂઆત ખૂબ ગમી, સ્વરાંકન દક્ષેશ ધ્રુવનું અને કાવ્ય વિનોદ જોશીનું એ તો પછીથી ખબર પડી હતી. ગીતમાં કંઈક ચમત્કૃતિ છે એ રજૂઆત વખતે જ સમજાઈ ગયું હતું. ગીતના શબ્દો અને સ્વરાંકન પણ કેવાં સરસ છે! વિનોદ જોશીનાં ગીતની નારી સંવેદના અને દક્ષેશ ધ્રુવના સ્વરાંકનની નજાકત આ ગીતમાં સાંગોપાંગ નિખરી ઊઠી છે.
બીજલ ઉપાધ્યાય આ ગીત વિશે કહે છે, "૧૯૮૨ની આસપાસનો સમય હશે. કોપવૂડ સુગમ સંગીત સંમેલનમાં અમે પહેલી વાર આ ગીત ગાયું અને લોકોને ખૂબ ગમી ગયું હતું. દક્ષેશકાકાએ કદાચ અમને ધ્યાનમાં રાખીને જ આ ગીત બનાવ્યું હોવાથી અમે બહુ સહજતાથી રજૂ કરી શક્યાં. પપ્પાના ઈનપુટ્સ તો હોય જ. કોણે કઈ લાઈન સોલો ગાવી, ક્યાં ઓવરલેપ કરવું, હાર્મની-મેલડીનું સંયોજન કેવી રીતે કરવું એવી ઘણી બારીકીઓ દક્ષેશકાકા અને પપ્પા શીખવતા.
દક્ષેશકાકાનાં ગીતો વિશે તો શું કહું? મુલાયમતા અને નજાકત ભારોભાર. કવિ વિનોદ જોશીને તો હું હંમેશાં કહું કે આપણું કંઈક અકળ જોડાણ છે. કવિ-ગાયક-સ્વરકારની અમુક જોડી આપોઆપ ક્લિક-લોકપ્રિય થઈ જાય. વિનોદભાઈનાં અન્ય ગીતો કાચી સોપારીનો કટકો, રે વણઝારા ગાવાની પણ અમને જબરજસ્ત મઝા પડે છે.
વિરાજ-બીજલ ઉષા દેશપાંડે પાસે શાસ્ત્રીય સંગીત હજુય શીખે છે. બન્ને સોલો ગાઈ શકે છે પરંતુ સાથે ગાય ત્યારે જુદી જ એનર્જી સર્જાય છે એનો યશ માતા ચેલનાબહેનને આપતાં બીજલ કહે છે કે, "મમ્મીને લાગે છે કે અમે બન્ને બહેનો એકબીજાનાં પૂરક છીએ. બન્નેમાં સંગીત દૃષ્ટિએ કદાચ કંઈ ખૂટતું હોય તો સાથે ગાવાથી સરભર થઈ જાય. હવે તો ડ્યુએટ્સ જ અમારી યુ.એસ.પી .(યુનિક સેલિંગ પોઈન્ટ) બની ગયાં છે.
ગીતના રચયિતા વિનોદ જોશીનાં ગીતોમાં શૃંગાર રસ ઊડીને આંખે વળગે એવો હોય છે. પ્રેમ, લાગણી, અભિપ્સા, શૃંગાર બહુ સૂક્ષ્મ રીતે વ્યકત થાય છે.
‘સાહિત્ય સેતુ’ના એક લખાણ મુજબ, "વિનોદ જોશીએ ગીત રચનાઓમાં નારીભાવ વિશેષ આલેખ્યો છે. કવિના ગીતોમાં લોકલય સહજ આવીને ભળે છે. શબ્દલય, ઢાળનું ભાવવાહી માધુર્ય, સુગમ, સરળ અને સચોટ રીતે વ્યક્ત થાય છે. આ ગીતમાં નાયિકાનાં આંતરિક ભાવસૌંદર્યનો સ્પર્શ કરાવ્યો છે. ઉભરાતું યૌવન, સૌંદર્યથી છલોછલ અને લજ્જાળ, શરમાળ યુવતીનાં મનોજગત સુધીનો પ્રવાસ ગીતમાં જોવા મળે છે. વિનોદ જોશી સિદ્ધહસ્ત ગીત કવિ છે. તેઓ ઘણો સમય ગામડાંમાં અને નગરમાં બન્ને જગ્યાએ રહ્યા છે એટલે નાયિકાના મુખે ક્યારેક આવી રચના વાંચવામાં આવે છે.
મુંબઈ સમાચાર વાંચે મારો સાયબો
હું મૂઈ વાસીદાં વાળતી જઉં …
અત્તરના પૂમડાં નાખે મારો સાયબો
હું મૂઈ આંધણ ઉકાળતી જઉં …
આ ગીતમાં કવિએ ‘હું મૂઈ’ શબ્દ દ્વારા ગીતના સમગ્ર ભાવજગતને પોષણ આપ્યું છે. વિનોદ જોશીની ગીત કવિતામાં તેમણે તળપદ પરિવેશ મૂક્યો છે જેમાં ‘થાંભલીનો ટેકો’ ગીતની નાયિકાનું આવું જ દૃશ્યાંકન સુંદર રીતે આલેખાયું છે.
થાંભલીનો ટેકો ને ઓસરીની કોર,
કણબીની છોકરીએ પાળ્યો છે મોર …
મોર ટહુકા કરે, આ ગીતમાં ‘કાળજડું કાચું ને રેશમનો ભાર’ અનુભવતી નાયિકાની ભાવસ્થિતિને કવિ મનોમન ઘૂંટે છે. એની છાતીમાં ટહુકાઓ પાળ્યા હોવા છતાં ય એનું ચિત્ત કંઈક ગહન તત્ત્વ પામવાની મથામણમાં છે. કવિએ ધ્રુવ પંક્તિનો ભાવખંડ ‘મોર ટહુકા કરે’ના પ્રાસ ‘હાર ઝૂલ્યા કરે’ અને ‘ભીંત ઝૂર્યા કરે’ પ્રયોજીને કણબીની છોકરીના મનોભાવના વ્યાપને વિસ્તાર્યો છે. એક ગતિ આપી છે. અને અંતિમ અંતરા, સૂનમૂન ફાનસમાં અજવાળા કેદ, નીંદરની વારતામાં ઢાંક્યાં રે ભેદ, ભેદ ખૂલ્યા કરે મોર ટહુકા કરે એની સાચી સૂક્ષ્મતા ભાવશિખરની સાક્ષી બને છે.
આ ગીતનું સરળ-સહજ સ્વરાંકન સ્વ. દક્ષેશ ધ્રુવે કર્યું છે. દક્ષેશભાઈને એક જ વખત મળવાનું બન્યું છે પરંતુ એમનો સંગીતપ્રેમ સતત નિખરતો જોવા મળ્યો હતો.
દક્ષેશભાઈનાં સાળી અને લેખિકા કલ્લોલિની હઝરતે દક્ષેશ ધ્રુવ વિશે એક સ્થાને લખ્યું હતું, ગુજરાત રિસર્ચ સોસાયટીને તેમણે લગભગ ૩૦ વર્ષ સુધી માનદ સોલિસિટર તરીકે સેવા આપી. અનેક સમસ્યાઓનો તેઓ કુનેહથી ઉકેલ લાવતા. શાંત સ્વભાવ છતાં જરૂર પડે ત્યારે મક્કમતાથી માર્ગદર્શન આપતા હતા. એમના સોલિસિટર તરીકેના અતિ વ્યસ્ત કામમાં પણ સંગીતનો શોખ મોખરે રહ્યો છે. સંગીત એમના માટે એક પેશન હતું, શાસ્ત્રીય સંગીતની તાલીમ દક્ષેશભાઈએ મોડર્ન સ્કૂલથી જ સ્વ. યશવંતભાઈ પુરોહિત પાસે લીધી. એમનું સદ્ભાગ્ય કે યશવંતભાઈ મોડર્ન સ્કૂલના સંગીત શિક્ષક હતા. સુગમ સંગીત માટે સ્વ. નિનુ મઝુમદારનું માર્ગદર્શન મળ્યું. દક્ષેશભાઈની સ્વરરચનાઓમાં શાસ્ત્રીય સંગીતની છાંય સાથે ખૂબ મીઠાશ હતી. સાહિત્યનો શોખ હોવાને કારણે ઘણા જાણીતા કવિઓની કાવ્યરચનાઓને શબ્દના અર્થને અનુરૂપ સ્વરબદ્ધ કરી. એમની અનેક સ્વરરચનાઓમાં થાંભલીનો ટેકો, રાધાની લટની લહેરાતી કાળાશ તથા બાઇજી તારો બેટડો મને ઘડી ઘડી પજવે છે … ખૂબ લોકપ્રિય હતી.
દક્ષેશભાઈના મોટાંબહેન અને જાણીતાં લેખિકા નીરા દેસાઈ કહેતાં કે, "દક્ષેશ મારાથી લગભગ દસ વર્ષ નાનો, મોટી બહેનનું અત્યંત માન જાળવે. કપરા સંજોગોમાં પોતે હાથ ઝાલે. શાસ્ત્રીય સંગીતમાં એમનો રસ કેળવવામાં અને પાયાનું ચણતર કરવામાં પં. યશવંતભાઈ પુરોહિતનો અનન્ય ફાળો છે. થોડો સમય શાસ્ત્રીય સંગીતકાર ફિરોઝ દસ્તુર પાસે પણ એમણે તાલીમ લીધી હતી. આમ છતાં સંગીત નિયોજનમાં નિનુ મઝુમદારનો પ્રભાવ વિશેષત: જોઈ શકાય છે. ખાસ કરીને સ્વરની મુલાયમતામાં. અગ્રજ અને મિત્ર જેવા પુરુષોત્તમ ઉપાધ્યાયનું સાંનિધ્ય સંગીતમાં સુગંધ ઉમેરતું ગયું. આ ઉપરાંત આશિત દેસાઈ, સંગીતચાહક મનીષ શ્રીકાંત તેમ જ બહોળા મિત્ર વર્તુળની ઉત્તેજક બેઠકો એના ગાયક તેમ જ વિશેષત: બંદિશકારના પોતને ઊજાગર કરતાં ગયાં.
સ્વરનિયોજનમાં પસંદિત ગીતોમાં શબ્દને મચડતા કે અર્થવિહીન પંક્તિઓ ધરાવતા કે પછી કાવ્યતત્ત્વને ક્ષતિ પહોંચાડતા ભાગ્યે જ જણાશે. ઉદાહરણ તરીકે માધવ રામાનુજનું ‘ગોકુળમાં કોકવાર આવો’, ભગવતીકુમાર શર્માનું ‘મારે રુદિયે બે મંજીરા’, રમેશ પારેખનું તમે આવો તો વાત કહું શ્યામ’, વિનોદ જોષીનું ‘થાંભલીનો ટેકો’, હરીન્દ્ર દવેનું ‘કાનુડાને બાંધ્યો છે’, રમેશ પારેખનું ‘મીરાં કહે પ્રભુ અરજી લઈને’ કે સુરેશ દલાલનું ‘પગ ઘુંઘરું બાંધ મીરા નાચી’ – વગેરેના ઉલ્લેખ કરવા ગમે. રિયાઝમાં જરા પણ બેદરકારી સહી શકતો નહીં. – એ દૃષ્ટિએ કડક શિક્ષક હતો. પણ સાથે સાથે યોગ્ય શાગિર્દને પોતાની બધી જ શક્તિનું દાન આપતો.
શાસ્ત્રીય સંગીતનો પાયો હોવાથી એના સ્વરનિયોજનમાં અનેક રાગો જેવા કે ભૈરવી, પીલુ, ખમાજ, બાગેશ્રી, ચંદ્રનંદન, અહીર ભૈરવની અસર જણાય છે. એમનો પ્રિય રાગ – ભૈરવી. ‘વિરાટનો હિંડોળો’ ગાતા એ થાકતો નહીં. દક્ષેશના સ્વરનિયોજનમાં નાજુકાઈ છે, મુલાયમતા છે, આક્રમકતાનો અભાવ આપણા હૃદયને સ્પર્શે છે. ‘અમને પાગલને પાગલ કહી ..’, કાનુડાને બાંધ્યો છે, ‘જ્યાં ચરણ રૂકે ત્યાં કાશી’, ‘બાઇજી તારો બેટડો’, આ તો બીજમાંથી ઊગ્યું’, ‘પાંચીકા રમતી’તી’, ‘પીડાના ટાંકણાની ભાત લઈ’ કે ‘રમતિયાળ સૈયર તારા કીયા છુંદણે’, બાઈ હું તો કટકે ને કટકે’ વગેરે જેવા ઉદાહરણો યાદ આવે છે.
દક્ષેશભાઈના સંગીત નિયોજનમાં સ્થાયીભાવ કરુણાનો (pathos) રહ્યો છે. એ પોતે પણ એની નોટબુકમાં લખતા, ’our sweetest songs are those that felleth of our’. આ વાદ્યને કરુણગાન વિશેષ ભાવે. સંગીતનિયોજનની એમની શરૂઆત પણ ‘ગલત ફેહમી’, આપને તારા અંતરનો એક તાર’, ‘જ્યાં ચરણ રૂકે ત્યાં કાશી’ એવાં ગીતોથી થઈ હતી.
મુંબઇમાં દક્ષેશભાઈનું ઘર એટલે સૌ સંગીતકારો – ગીતકારો માટેની પરબ. ત્યાં સંગીત-કવિતાની આપ-લે થાય. એમનાં ગીતોની સી.ડી.નું શીર્ષક પણ ‘મૌનના ટહુકા’ યથાર્થ જ છે. સુગમ સંગીતનો સાચો ભાવક હોય એણે દક્ષેશ ધ્રુવને ભલે જોયા ન હોય પણ એમના સ્વરાંકનોથી પરિચિત હોય જ. પ્રથમ વાર સ્વરકાર તરીકે એમની ઓળખાણ થાય પછી કોઈ સ્વરાંકન સાંભળો તો તરત કહી શકો કે આ સ્વરાંકન દક્ષેશ ધ્રુવ સિવાય બીજા કોઈનું હોઇ જ ન શકે. આમ સંગીત અને વ્યક્તિ એકબીજાના પર્યાય બની ગયા હતાં. આ સુંદર ગીત યુટ્યુબ પર તમે સાંભળી શકો છો.
———————-
થાંભલીનો ટેકો ને ઓસરીની કોર,
કણબીની છોકરીએ પાળ્યો રે મોર,
મોર ટહુકા કરે, મોર ટહુકા કરે…
એણે પાંચીકા અમથા ઉલાળ્યા, પછી છાતીમાં ટહુકાઓ પાળ્યા,
કાળજળું કાચુંને રેશમનો ભાર, એલ ઘેલ પાંપણમાં નવસેરો હાર,
હાર ઝુલ્યા કરે… મોર ટહુકા કરે…
મોરપીંછાની વાત પછી ઉડી, એક સાતમે પાતાળ જઇ બૂડી,
ઉગમણી કેડીને આથમણાં ગીત, નીચી તે નજરું ને ઉંચી તે ભીંત,
ભીંત ઝૂલ્યા કરે… મોર ટહુકા કરે…
પછી ડૂમો ઓઢીને રાત સૂતી, બેઉ આંખો અંધારામાં ખૂંપી,
સૂનમૂન ફાનસમાં અજવાળા કેદ, નીંદરની વારતામાં ઢાંક્યાં રે ભેદ,
ભેદ ખૂલ્યાં કરે… મોર ટહુકા કરે…
• કવિ: વિનોદ જોશી • સંગીતકાર: દક્ષેશ ધ્રુવ • ગાયિકા: વિરાજ-બીજલ
————————————
સૌજન્ય : ‘લાડકી’ પૂર્તિ, “મુંબઈ સમાચાર”, 26 સપ્ટેમ્બર 2019
http://www.bombaysamachar.com/frmStoryShowA.aspx?sNo=589046