હૈયાને દરબાર
સરખી સાહેલી અમે સાથ સાથ ઘૂમશું
શેરીમાં સાદ કરી કહીશું રે લોલ
કેટલા જમાનાથી વેઠી છે વેદના
આવડો જુલમ નહીં સહેશું રે લોલ
ઘરખૂણે કેદ કર્યાં, ઘરકૂકડી નામ દીધાં
નીકળ્યાં જો બહાર ત્યારે
પળ પળ બદનામ કીધાં
એવાં અપમાન નહીં પીશું રે લોલ.
કુળની મર્યાદા ને ધર્મોની જાળમાં
રૂઢિ-રિવાજ અને ઘરની જંજાળમાં
કેટલા દિવસ હવે રહેશું રે લોલ
આપણાં દુ:ખોને હવે આપણે જ ફેડવાં
ટક્કર ઝીલવી છે હવે આંસુ ના રેડવાં
વજ્જર હૈયાંનાં અમે થઈશું રે લોલ
સાથે મળીને અમે શમણાં ઉછેરશું
સદીઓ પુરાણાં આ બંધનને તોડશું
ખળખળતી નદીઓ થઈ વહેશું રે લોલ
— કવિ : સરૂપ ધ્રુવ
—
નવરાત્રિની નીરવ રાતે માતાજી આ વર્ષે શાંતિથી સૌને નિરખી રહ્યાં છે. ન કોઈ ઘોંઘાટ, ન ધાંધલ-ધમાલ કે ના કાન ફાડી દેનારા બેસૂરા બરાડા.
ચોલી કે પીછે ક્યા હૈ, તુઝે મિરચી લગી તો મૈં ક્યા કરું, કાલાકૌઆ કાટ ખાયેગા સચ બોલ એવા ગરબા ય નવરાત્રિમાં સાંભળ્યા છે. સામે પક્ષે પારંપરિક ગરબાનું હાર્દ પણ ઘણી જગ્યાએ સચવાયું છે. એક સમય હતો જ્યારે ભગિની સમાજના ગરબાનું ખૂબ મહત્ત્વ હતું. એમના ગરબા સુંદર અને પ્રયોગશીલ હતા. અવિનાશ વ્યાસે માડી તારું કંકુ ખર્યું ને સૂરજ ઊગ્યો, હવે મંદિરનાં બારણાં, માડી તારા મંદિરીયે ઘંટારવ, માડી તારી સામે કેમ કરી મીટ માંડું જેવા કેટલાક સર્વાંગ સુંદર ક્લાસિક ગરબા આપ્યા. પ્રસિદ્ધ સંગીતકાર નિનુ મઝુમદારે લખેલો ઋતુઓનો, પતંગનો, ચોપાટનો અને રાષ્ટ્રીય એકતાનો ગરબો તદ્દન ભિન્ન પ્રકારના ગરબા હતા. ઉમાશંકર જોશી, રમેશ પારેખ તથા વિનોદ જોશીના આધુનિક ગરબાઓનું સરસ સ્વરનિયોજન ઉદય મઝુમદારે કર્યું હતું.
એ પછી દોર આવ્યો ફિલ્મી ગીતોની ધૂન પર નાચવાનો. આમાં માતાજીની સ્તુતિ ક્યાં આવી? રોજિંદી ઘટમાળના સંઘર્ષમાંથી મુક્તિ મેળવવા જ લોકોને નાચવું હતું. શ્રદ્ધા, ભક્તિ, આસ્થા, પ્રાર્થના, ઉપાસના ક્યાં ય ખોવાઈ ગયાં હતાં. વિશાળ મેદાનોની હકડેઠઠ ભીડમાં માતાજી શોધ્યાં ન જડે એવી સ્થિતિ. લેખિકા મિત્ર એષા દાદાવાળાએ ઉચિત જ લખ્યું કે, "પાર્ટી પ્લોટની ઝાકઝમાળ વચ્ચે આપણે માતાજીનાં ચહેરાને ઝાંખો ને ઝાંખો કરતા ગયા અને એટલે જ ‘પાસ’માં વહેંચાઇ ગયેલા આપણે માતાની ભક્તિમાં ‘નાપાસ’ થઇ ગયા. આપણે જાણી જ નથી શક્યા કે કઇ પળે – કયા દિવસે માતાજી આપણી વચ્ચેથી જતા રહ્યા. ચોરસ-લંબચોરસ પાર્ટી પ્લોટો પર બનાવાયેલા ગરબાનાં વર્તુળો વચ્ચે માતાજીનું કેન્દ્ર ખોવાઇ ગયું. હેલોજન લાઇટોનાં પ્રકાશમાં ઝગારા મારતા આભલાઓ અને આકાશે ઊડવા મથતા ફૂમતાઓ વચ્ચે માતાની ચૂંદડી-ક્યારે-કઇ દિશામાં ઊડી ગઇ એ આપણે જાણી જ ન શક્યા. સત્ય તો એ છે કે – આપણાં ગરબાનાં ગ્રાઉન્ડ પરથી માતાજીએ તો ક્યારની વિદાય લઇ લીધી હતી. ડી.જે.ના પ્રચંડ અવાજમાં આપણી ભક્તિ ક્યારની બહેરી થઇ ગઇ હતી. માતાજી પ્રત્યેની આસ્થાએ પાર્ટી પ્લોટો પર ક્યારે ય પગ જ ન્હોતો મૂક્યો.
આ બધું વિચારીએ તો લાગે કે આપણે તો માતાજીના નામે પૈસા જ સેરવતા હતા, પ્રેમલીલાઓ કરતાં હતાં, અવાજનું પ્રદૂષણ વધારતાં હતાં. આ કપરા સમયે આપણને ઘણું શીખવાડી દીધું છે. યાદ રાખીને બધાં સુધરે તો સારું, નહીં તો હતાં ત્યાંનાં ત્યાં.
ગરબામાં કાળક્રમે સામાજિક અને રાજકીય વિષયો, સામાજિક કથા, વ્યથા, કટાક્ષ, હાસ્ય, મેણાં-ટોણાં, ઠઠ્ઠા-મશ્કરી, મિલન-વિરહ સહિતનું ભાવ – વિશ્વ ગરબાને સતત નવાં નવાં રંગોમાં રંગતું રહ્યું. નારીચેતનાને ઉજાગર કરતો ગરબો વાગ્યો રે ઢોલ … છેલ્લે આપણે ફિલ્મ ‘હેલ્લારો’માં ય સાંભળ્યો. પણ એનાં મૂળ તો એ પહેલાં મંડાઈ ચૂકેલાં હતાં. નારી જાગૃતિના એક અત્યંત જાણીતા ગરબા એક લાલ દરવાજે તંબૂ તાણિયાં રે લોલ..માં અમદાવાદ નગરીનું સુંદર વર્ણન કરીને પછી કવિ કહે છે કે વહુ તમે ના જશો જોવાને ત્યાં બાદશો બડો મિજાજી! આ રીતે લોકગીતો સંદેશનું માધ્યમ બનતાં. અમદાવાદ વસતાં કવયિત્રી સરૂપ ધ્રુવના ગરબામાં વર્ષો પહેલાં ખરા અર્થમાં નારીશક્તિ ઉજાગર થઈ હતી. સરૂપબહેનના લખેલા બે-ત્રણ ગરબા તો બહેનોએ ગામેગામમાં પ્રચલિત કર્યાં હતા. આ ગરબાઓમાં સરખી સાહેલી, અમે ઈડરિયો ગઢ જીતીશું, અચકો મચકો કારેલીના ઢાળ પર ઢાળેલો ગરબો ઈત્યાદિ પરિવર્તનનું નિમિત્ત બન્યા હતા. વડોદરાની ‘સહિયર’ સંસ્થાએ તો સરખી સાહેલીને સંસ્થાના થીમ ગરબા તરીકે લોકપ્રિય બનાવ્યો હતો.
સરૂપબહેન સાંસ્કૃતિક કર્મશીલ છે. તેમણે અનેક સર્જનો કર્યાં છે, જેમાં મારા હાથની વાત’, ‘સળગતી હવા’, ‘હસ્તક્ષેપ’ અને ‘સહિયારા સૂરજની ખોજમાં’ જાણીતા કાવ્ય-ગીતસંગ્રહ છે, તો ઉમ્મીદ હોગી કોઈ’માં ૩૭ વ્યક્તિઓની જીવન પ્રત્યેની આશા અને સંઘર્ષનો દસ્તાવેજ છે. લોકઢાળ પર આધારિત જે તે વિસ્તારની બોલી, રૂપક, પ્રતીકોની પસંદગી દ્વારા મહિલા જાગૃતિનાં ગીતો તેઓ લખે છે. આપણો સમાજ અર્ધશિક્ષિત છે એટલે મૌખિક પરંપરાથી તેમના સમક્ષ પહોંચી શકાતું હોવાથી એમનાં ગીતો-ગરબા સાવ સરળ બાનીમાં હોય છે. નવરાત્રિની સાચી ઉજવણી વિશે પૂછતાં એમણે સચોટ વાત કરી કે, "શાની મસ્તી, શાના ઉત્સવ, રૂંવે રૂંવે લાગ્યો છે દવ! એક બાજુ આપણે શક્તિની પૂજા કરીએ છીએ ને બીજી બાજુ ઘરની લક્ષ્મી, મા-દીકરીઓ પર દમન કરીએ છીએ. સમાજ અને દેશમાં સ્ત્રીઓ સાથે દુર્વ્યવહારની કલંકિત ઘટનાઓ બની રહી છે એ જોતાં આરતીને બદલે આત્મમંથન કરવાની વધુ જરૂર છે. માતાજીની આરતી ઊતારતા હો તો આસપાસની મા-બહેનોનું સન્માન કરો. આત્મમંથન માત્ર પુરુષોએ જ નહીં, સ્ત્રી-પુરુષ બન્નેએ કરવું જરૂરી છે. જીવનરથનાં બન્ને પૈડાં સરખાં હોવાં જોઈએ. કેટલા ય ગરબામાં સ્ત્રીઓને ઊતરતી કે ઉપભોગનું રમકડું બતાવી હોવા છતાં બહેનો કૂદી કૂદીને એ ગીતો-ગરબા ગાય છે. તમે કહ્યાં એવાં બેહૂદાં ગીતો, ચોલી કે પીછે ક્યા હૈ કે તૂ ચીજ બડી હૈ મસ્ત મસ્ત પણ પાર્ટી-પ્લોટના ગરબાઓમાં ગવાય છે. કારણ કે એ ધંધાદારી ગરબા છે. અતિ ભૌતિકવાદમાં અમારા જેવી ઉદ્દામવાદી લેખિકાઓના પ્રયત્નો ઘણીવાર ધોવાઈ જતાં લાગે. પરંતુ, સંગીત એ વિચાર ફેલાવવાનું સબળ માધ્યમ છે. વેદના, સંઘર્ષ, અપમાનની વાતો બહેનો ગાતી થાય તો પરિવર્તન આવે.
જો કે, આ વખતે કેટલાંક વર્ચ્યુઅલ ગરબા સરસ જોવા મળ્યા છે. ગુજરાતી કલાકારો વીડિયો દ્વારા માતાજીના ગરબા દર્શકો સુધી પહોંચાડી રહ્યા છે, એટલે ક્યાંય વરવું પ્રદર્શન નથી દેખાતું. પ્રહર અને સંપદા વોરા દરરોજ સાંજે ગરબો રજૂ કરે છે. હિમાલી વ્યાસે અખંડ ગરબો રજૂ કર્યો છે તો માયા દીપક પણ નવા રચાયેલા ગરબા સ્વરબદ્ધ કરીને રજૂ કરે છે. સુરતનાં યામિની વ્યાસ તેમના નવા ગરબા નવા કલાકારો પાસે ગવડાવીને પ્રોત્સાહન આપે છે. રાધાકૃષ્ણના રાસ તો આરંભકાળથી જ ગરબાનો મુખ્ય સ્રોત રહ્યા છે. પરંતુ જાહન્વી શ્રીમાંકર અને આદિત્ય ગઢવીએ મીરાં ને માધવનો રાસ અદ્ભુત ગાયો છે જેની કોરિયોગ્રાફી અર્શ અને સમીર તન્નાએ કરી છે. સોલી-નિશાએ ગાયેલો અને નયનેશ જાનીએ સ્વરબદ્ધ કરેલો બિરદાળી ખૂબ મધુર ગરબો છે. પ્રતીક મહેતાના સ્વરનિયોજનમાં અંબાની અસવારીના ગરબા કર્ણપ્રિય છે તથા અમદાવાદની બે બહેનો મોસમ-મલકાએ ગાયેલું સપાખરું સાવ અનોખું અને નયનરમ્ય છે.
‘ન્યૂ નોર્મલ’માં દુનિયા આખીમાં ઘણું બધું બદલાઈ રહ્યું છે ત્યારે નવરાત્રિનું સ્વરૂપ પણ બદલાય એવી આશા રાખીએ.
સૌજન્ય : ‘લાડકી’ પૂર્તિ, “મુંબઈ સમાચાર”, 22 ઑક્ટોબર 2020
http://www.bombaysamachar.com/frmStoryShowA.aspx?sNo=658073