અમેરિકાની મુસાફરીએ ગયેલા કોઈ લેખકે વ્હાઈટ હાઉસમાં જઈ અમેરિકાના પ્રમુખની મુલાકાત લીધી હોય, તેની સાથે શેક હેન્ડ કરી હોય, તેની સામે ખુરસી પર બેસી વાતો કરી હોય, એવું બને ખરું? તમે કહેશો, આ તો શેખચલ્લીના વિચાર છે. ક્યાં રાજા ભોજ જેવા આપણા ગુજરાતી લેખકો, અને ક્યાં ગંગુ તેલી જેવો અમેરિકાનો પ્રમુખ ! આપણા લેખકો કાંઈ અમેરિકન પ્રમુખનો ‘ઉધ્ધાર’ કરવા ત્યાં થોડા જ જાય છે? એમને માથે તો બીજી ઘણી વધુ મોટી, મહત્ત્વની, આર્થિક લાભવાળી જવાબદારી હોય છે – ત્યાં વસતા ગુજરાતીઓનો ‘ઉધ્ધાર’ કરી નાખવાની ! એમાંથી ટાઈમ મળે તો બચાડા પ્રમુખનો ઉધ્ધાર કરવા જાય ને !
પણ એક ગુજરાતી લેખક તો એવો પાક્યો છે જેણે વ્હાઈટ હાઉસમાં જઈ અમેરિકાના પ્રમુખની મુલાકાત લીધેલી. તમે પૂછશો : કોણે? ક્યારે? બીજા સવાલનો જવાબ પહેલાં : ૧૮૬૨ના ઓગસ્ટની ૧૯મી તારીખે સવારે. ના, ‘૧૮૬૨’ એ છાપભૂલ નથી હોં !
એ લેખકના પોતાના જ શબ્દોમાં એ મુલાકાતની વાત સાંભળીએ : “શીઉઅરડ પોતાની આફિસમાંથી હમારી સંગાથે ચાલીને પરેસીડેનટના ઘરમાં (વાઇટ હાલ) હમોને લઈ ગયેલો. આ મકાનના દરવાજા આગળ નહિ સિપાઈની ચોકી કે નહિ ઘરમાં ચોકીદાર માણસો, માતરે દરવાજા આગલ એક આદમી ઊભેલું હતું જે ઘર જોવા આવનારા લોકોને સટેટ રૂમ કે જાહાં પરેસીડેનટ લેવી ભરી લોકોની મુલાકાત લિએ છે તે જાગો દેખાડતો હતો. તે સિવાએ બીજા દેશની પઠે અમસથા ચોકી પોહોરા રાખી પોતાના દેશને ફોકતના ખરચમાં નથી નાખતા. પછી મી. શીઉઅરડે હમોને દરવાજો ઉઘાડી અંદર બોલાવેઆ. હમોએ મી. શીઉઅરડને સેજ વાત કરતા ચેતવણી આપી હતી કે હમો હમારી પાઘડી પહેરી રાખેઆથી વધારે માન ભરેલું સમજીએ છે. તેણે જવાબ દીધો જે હમો જાણીએ છ તે છતાં પણ જે શખસની ધારણા સારી હોએ એટલું જ બસ છે. હમો અંદર પેથા તેવો જ પરેસીડેંટ ઊભો થાએઓ. હમો આગલ વધેઆ, અને મી. શીઉઅરડે હમારી સાથે એ ગરહસથની ઓલખાણ કરાવી. હમોને પરેસીડેનટે શેક હેનડ કરીને કુરસી આપી. અને પોતે પણ બેઠો. એ ગરહસથની લખવાની ટેબલ સાદી હતી, અને ઓરડો પણ સાધારણ નાહાનો હતો. હમારી જોડે એ ગરહસથે વાતચીત કીધી અને હમોને કહીંઉ કે આ દેશમાં નવાઈ જેવું જોવાને તો કાંઈ નથી. પછી હમોને પુછીઉં કે તમોએ તમારું વતન છોડેઆને કેટલી મુદત થાઈ. તેનો જવાબ આપી હમોએ કહેઉં કે તારો વધારે વખત રોકવાને હમો ચાહતા નથી હેવું કહી હમો એ જાગો પરથી ઊઠીઆ. આ વેલાએ પોતે બી ઊઠી હમોને શેકહેનડ કીધી. આએ વેલા હમારીથી આટલું તો બોલેઆ વગર રેહેવાઈ શકાઉં નહિ કે હું તારી સરવે વાતે ફતેહમંદી ચાહું છઉં. એટલું કહી હમોએ રૂખસદ લીધી.”
આ મુલાકાતની સાલ તમે નોંધી? સાલ હતી ૧૮૬૨. અને એ વખતે અમેરિકાના પ્રેસિડન્ટ હતા બીજું કોઈ નહિ, પણ અબ્રહામ લિંકન! આપણા આ લેખકે તેને વિષે એક જ વાક્ય લખ્યું છે : “એ પરેસીડેનટ લીનકન હારે ઊંચો, શરીરે પતલો તથા દેખાવમાં તથા પેહેરવાસમાં ઘણો સાદો હતો.” તમે પૂછશો : પ્રેસિડન્ટનું નામ તો કહ્યું, પણ તેની મુલાકાત લેનાર એ ગુજરાતી લેખકનું નામ શું? તો જવાબમાં કહેવાનું કે નામ ખબર નથી. કારણ ‘અમેરિકાની મુસાફરી’ નામનું જે પુસ્તક ૧૮૬૪માં પ્રગટ થયેલું તેમાં ક્યાં ય તેના લેખકનું નામ છાપ્યું જ નથી ! પુસ્તકના ટાઈટલ પેજ પર માત્ર આટલું છાપ્યું છે : “એક પારશી ઘરહસથે સન ૧૮૬૨માં ઇંગલેંડથી અમેરિકાના ઈઉનાઈટેડસટેસ ખાતેની મુસાફરીમાં કીધેલી દરરોજની નોંધ.’ લેખકે ભલે પુસ્તક પર પોતાનું નામ ન છપાવ્યું હોય. આપણે તો તેનું નામ શોધવાનો પ્રયત્ન કરવો જોઈએ ને? કહે છે ને કે મન હોય તો માળવે જવાય. અને બીજી કહેતી છે, પૂછતાં પંડિત નીપજે. મુંબઈના અને ગુજરાતના પારસીઓ વિશેની માહિતી અંગે હીરાની ખાણોની ગરજ સારે એવાં પુસ્તકો તે ‘પારસી પ્રકાશ’નાં દફતરો. તેમાં જણાવ્યું છે કે આ પુસ્તક મુંબઈમાં ૧૮૬૪ના જાન્યુઆરીની ૨૧મી તારીખે પ્રગટ થયું હતું અને તેના લેખક હતા શેઠ પીરોજશાહ પેશતનજી મેહર હોમજી. શેઠ ડોશાભાઈ ફરામજી કામાજી પણ એ મુસાફરીમાં તેમની સાથે જોડાયા હતા અને તે બન્નેએ પહેલી જુલાઈથી દસમી સપ્ટેમ્બર સુધી અમેરિકાની મુસાફરી કરી હતી. એ વખતે ‘રાક્ષસી કદ’ની ગણાતી અને ખૂબ વખણાયેલી ‘ગ્રેટ ઇસ્ટર્ન’ નામની સ્ટિમરમાં તેમણે લીવરપુલથી આ મુસાફરી શરૂ કરી હતી.
અગિયારમી જુલાઈએ રાતે આઠ વાગે સ્ટીમર ન્યૂ યોર્ક પહોંચેલી. એ જમાનામાં પાસ પોર્ટ કે વિઝાનો તો સવાલ જ નહોતો. પણ ઉતારુઓના સામાનની ચકાસણી થતી. પણ એ કામ કસ્ટમના અધિકારીઓ સ્ટીમર પર જઈને જ કરતા! મુસાફરીમાં લેખક એક ‘ચાકર’ને પણ સાથે લઈ ગયેલા જે તેમને માટે અલાયદી રસોઈ બનાવતો. એક હોટેલે આ અંગે શરૂઆતમાં વાંધો લીધો, પણ પછી ‘હમારી ખુશી પરમાણે કરવા દીધું.’ એટલું જ નહિ, જતી વખતે એ હોટેલવાળાએ પોતાની નોંધપોથીમાં લેખક પાસે ગુજરાતીમાં તેમનું નામ પણ લખાવ્યું! તો એક રેલવે સ્ટેશન પર તેમને એક પાદરીનો ભેટો થયો. આ પાદરીએ લેખક અને તેના ‘ચાકર’ સાથે ગુજરાતી ભાષામાં વાત કરી. તેથી લેખક ‘તાજ્જુબ’ થઈ ગયા. જોવા જેવાં સ્થળોની મુલાકાત તો લીધેલી જ, પણ ખાસ પરવાનગી લઈને જેલ, સૈનિકોની છાવણી, સૈનિકો માટેની હોસ્પિટલ, તોપ બનાવવાનું કારખાનું, વગેરેની મુલાકાત પણ લીધેલી. લેખક વોશિન્ગ્ટન ડી.સી. ગયા ત્યારે હજી વોશિન્ગ્ટન મેમોરિયલનું બાંધકામ ચાલુ હતું, પણ તે જોવાય ગયેલા. ફિલાડેલ્ફિયામાં મળેલો એક ભોમિયો પારસીઓના ધર્મગ્રંથોની ભાષા – ઝંદ અવસ્તા – જાણતો હતો અને સંસ્કૃત તો સારી રીતે લખી-બોલી શકતો હતો!
આજે હવે ગુજરાતીઓ માટે અમેરિકાનો પ્રવાસ એ નવાઈની વાત રહી નથી. લેખકોએ તેમ જ અન્યોએ પણ પોતાની મુસાફરીનું વર્ણન કરતાં અનેક પુસ્તકો લખ્યાં છે, અને હજી લખાતાં રહે છે. પણ ૧૮૬૨માં એક પારસી સજ્જન લગભગ આખું અમેરિકા ખુંદી વળેલા. પુસ્તકને અંતે તેઓ કહે છે કે અમેરિકાનો કિનારો છોડતી વખતે અમોને ઘણી દિલગીરી થઈ, કેમ કે આ દેશના લોકોએ અમારી સાથે ઘણી જ મિત્રાચારી તથા દિલદારી બતાવી હતી. બરાબર દોઢ સો વર્ષ પહેલાં છપાયેલા આ પુસ્તકની છાપેલી નકલ આજે સહેલાઈથી જોવા ન મળે. પણ મુંબઈની ફાર્બસ ગુજરાતી સભાએ પોતાના સંગ્રહમાંનાં ૧૯મી સદીમાં પ્રગટ થયેલાં એક સો દુર્લભ પુસ્તકો સ્કેન કરીને સીડી પર ઇબુક રૂપે સુલભ કર્યાં છે. તેમાં આ પુસ્તકનો પણ સમાવેશ થાય છે. એટલે તે મેળવીને કોઈ પણ પુસ્તકપ્રેમી વાંચી શકે તેમ છે.
સૌજન્ય : ‘ગ્રંથયાત્રા’, “ગુજરાતમિત્ર”, 27 જુલાઈ 2014
e.mail : deepakbmehta@gmail.com
![]()


પહેલી ગુજરાતી જાહેર ખબર અને પહેલું ગુજરાતી પુસ્તક છપાયું બોમ્બે કુરિયર પ્રેસમાં પણ એ મુખ્યત્વે અંગ્રેજી અખબાર છાપતું પ્રેસ હોવાથી ગુજરાતી મુદ્રણ એ તેને માટે ગૌણ કે આનુષંગિક પ્રવૃત્તિ હતું. પણ માત્ર ગુજરાતી છાપકામ કરવા માટેનું પહેલવહેલું પ્રેસ શરૂ થયું ૧૮૧૨માં અને તે પણ મુંબઈમાં. એ શરૂ કરનાર હતા સુરતમાં જન્મેલા પારસી નબીરા ફરદુનજી મર્ઝબાનજી.
મુંબઈના જે બોમ્બે કુરિયર પ્રેસમાં ૧૭૯૭માં પહેલીવાર ગુજરાતી મજકૂર છપાયો તે જ પ્રેસમાં છપાઈને ૧૮૦૮માં પહેલુંવહેલું ગુજરાતી પુસ્તક બહાર પડયું. એ પુસ્તકનું લાંબુલચક નામ હતું : ‘ઇલસ્ટ્રેશન્સ ઑફ ધ ગ્રામેટિકલ પાર્ટસ ઑફ ધ ગુજરાતી મરહટ્ટ એન્ડ ઇંગ્લિશ લેંગ્વેજિસ.’ નામ જ સૂચવે છે તેમ આ પુસ્તક ત્રિભાષી હતું. આ પુસ્તકમાં ગુજરાતી મજકૂર છાપવા માટે જે બીબાં વપરાયાં છે તે બહેરામજીએ બનાવેલાં તે જ બીબાં હોય તેમ અક્ષરો સરખાવી જોતાં લાગે છે. અલબત્ત, બહેરામજીનું તો ૧૮૦૪માં અવસાન થયેલું. એટલે આ પુસ્તકનો ગુજરાતી મજકૂર તેમણે કમ્પોઝ કર્યો ન હોય. આ પુસ્તક તે મુંબઈમાં છપાયેલું પહેલું મરાઠી પુસ્તક પણ છે. તેના લેખક હતા એક અંગ્રેજ ડૉ.રોબર્ટ ડ્રમન્ડ. વ્યવસાયે સરકારી સર્જન. આજની એશિયાટિક સોસાયટી ઑફ મુંબઈની પુરોગામી સંસ્થા લિટરરી સોસાયટી ઑફ બોમ્બેની ૧૮૦૪ના નવેમ્બરની ૨૬મીએ સ્થાપના થઈ ત્યારના તેના સ્થાપકોમાંના એક હતા ડૉ. ડ્રમન્ડ. આ પુસ્તક પ્રગટ થયું તે પછીના વર્ષે તેઓ સ્વદેશ જવા મુંબઈથી રવાના થયા. પણ તેમનું વહાણ અધવચ્ચે ડૂબી જતાં ૧૮૦૯ના માર્ચની ૧૪મી તારીખે ‘લોસ્ટ એટ સી’ એવી નોંધ સાથે બોમ્બે આર્મીના નોકરિયાતોની યાદીમાંથી તેમનું નામ દૂર કરવામાં આવ્યું.