મિખાઇલ ગોર્બાચેવે વિશ્વના રાજકીય ઇતિહાસમાં બે સૌથી મોટા કામ કર્યાં – એક તો શિત યુદ્ધનો અંત આણવો અને સોવિયટ યુનિયન વિખેરવાનો નિર્ણય લીધો. જો કે ગોર્બાચેવ સોવિયેતના તંત્રને વિખેરવા નહોતા માગતા બલકે તેમાં સુધાર લાવવા માગતા હતા.
એંશીના દાયકામાં જન્મેલાઓ માટે મિખાઇલ ગોર્બાચેવ એક એવા રશિયન નેતા હતા જેમના માથા પર જાણે કોઇ બીજા દેશના નકશાના આકારનું નિશાન હતું. સોવિયેત યુનિયનના આખરી નેતાનું ગયા અઠવાડિયે ૩૧મી ઑગસ્ટના રોજ ૯૧ વર્ષની વયે મોત થયું. ગોર્બાચેવ એવા રશિયન રાજકીય નેતા હતા જેમણે વીસમી સદીમાં સામ્રાજ્યવાદી વલણના સામે પ્રવાહે તરવાનું નક્કી કર્યું. મિખાઇલ ગોર્બાચેવ સત્તા પર આવ્યા તે પહેલાં સોવિયેત યુનિયન એક એવો સુપર પાવર હતો જે યુ.એસ.એ.નો કાયમી શત્રુ હતો. મિખાઇલ ગોર્બાચેવે લીધેલા નિર્ણયોએ ઘણું બધું બદલી નાખ્યું.
બીજા વિશ્વયુદ્ધ દરમિયાન ગ્રેટ બ્રિટન, ફ્રાન્સ, સોવિયેત યુનિયન, યુનાઇટેડ સ્ટેટ્સ અને ચીન બધા સાથી સત્તાઓ હતી. એ સમયે ખાસ તો યુ.એસ.એ.ના રોનાલ્ડ રેગન, બ્રિટનનાં માર્ગારેટ થેચર અને ગોર્બાચેવ વૈશ્વિક રાજકીય નાટ્યમંચના મુખ્ય કિરદારો હતાં. સામ્રાજ્યવાદનો સૂરજ તપતો હોય અને એક માણસ નક્કી કરે કે તેણે લોકશાહીને કોટે વળગાડવી છે કારણ કે તેને લોકશાહીમાં વિશ્વાસ છે અને એ દિશામાં આગળ વધવું જ યોગ્ય સમજે – આ માણસ એટલે મિખાઇલ ગોર્બાચેવ. સોવિયેત યુનિયનને વધુ માનવીય બનાવવાની ગોર્બાચેવની ચાહ સામે ઘણાને વાંધો હતો અને આજે પણ ઘણા રશિયનો ગોર્બાચેવથી નારાજ છે.
મિખાઇલ ગોર્બાચેવે વિશ્વના રાજકીય ઇતિહાસમાં બે સૌથી મોટા કામ કર્યાં – એક તો શિત યુદ્ધનો અંત આણવો અને સોવિયત યુનિયન વિખેરવાનો નિર્ણય લીધો. જો કે ગોર્બાચેવ સોવિયેતના તંત્રને વિખેરવા નહોતા માગતા બલકે તેમાં સુધાર લાવવા માગતા હતા. તેમેણે શરૂઆત કરી આર્થિક સુધારાઓ સાથે અને આ સાથે જ તેમની સાથે આજ સુધી જોડાયેલો શબ્દ અસ્તિત્વમાં આવ્યો – ગ્લાસનોસ્ટ – એટલે કે ઓપનનેસ – નિખાલસતા – વાણી સ્વાતંત્ર્ય. સરકાર અને અર્થતંત્રની કાર્યવાહીમાં પૂરેપૂરી પારદર્શિતાની અપેક્ષા સાથે ગોર્બાચેવને આશા હતી કે લોકો યુ.એસ.એસ.આર.માં પોતાની જિંદગીને ફરી વ્યવસ્થાના પાટે ચઢાવી દેશે. આ પહેલાં તેમણે પેરેસ્ત્રોઇકા – એટલે કે પુનઃ ઘડતરનો મંત્ર આપ્યો કારણ કે યુ.એસ.એસ.આર.નું અર્થશાસ્ત્ર સાવ ખાડે ગયું હતું. ગોર્બાચેવને ખબર હતી કે યુ.એસ.એસ.આરે. પોતાના અર્થતંત્રનું પુનઃ બંધારણ કરવું જરૂરી છે અને માટે જ તેમણે પેરેસ્ત્રોઇકાનો વિચાર મૂક્યો. આ પુનઃ બંધારણ કે પુનઃ ઘડતર માત્ર આર્થિક બાબતો સ્થિર કરવાના હેતુથી નહોતા લૉન્ચ કરાયા. ગોર્બાચેવને ખાતરી હતી કે સામાજિક અને રાજકીય સ્તરે પણ સંજોગો બહેતર બનશે જે માઠા અર્થતંત્રથી વણસ્યા હતા. તે મરણિયા સામ્યવાદને પુનર્જિવિત કરી ૧૫ રિપબ્લિક્સ વચ્ચે સમાન ભાગીદારી લાવવાનો ઇરાદો ધરાવતા હતા. આ ૧૫ રિપબ્લિક્સમાં સૌથી શક્તિશાળી હતા રશિયા અને યુક્રેન પણ તેમના પ્રયાસો બાદ છ વર્ષના ગાળામાં સામ્યવાદ અને સોવિયેત સંઘ બન્ને પડી ભાંગ્યા. એમણે આ ફેરફારો સોવિયેત યુનિયનને વિખેરવાના આશયથી તો શરૂ નહોતા જ કર્યા. આર્થિક સ્થિતિ સુધારવી, યુ.એસ.એ. સાથે શસ્ત્રોની રેસનો અંત આણવો, યુરોપ સાથે સંબંધો બહેતર બનાવવા, અફઘાનિસ્તાનમાથી સૈન્યનું બિન જરૂરી સાહસ પાછું ખેંચી લેવા જેવા હેતુ સાથે ગોર્બાચેવે કામ શરૂ કર્યુ.  સોવિયેત યુનિયનનો પુનઃઉદ્ધાર એક રાષ્ટ્રલક્ષી પગલું છે તેમ ગોર્બાચેવ માનતા હતા પણ આમ કરવામાં જે માથાભારે તત્ત્વો પ્રવૃત્ત થયા તે તેમને માટે કલ્પના બહાર હતા. ૧૯૧૭ની રશિયન ક્રાંતિએ જે સામ્યાવાદી તંત્રની ભેટ આપી હતી તે પડી ભાંગી.
સાત દાયકાથી જે સોવિયેત યુનિયનનો વૈશ્વિક સ્તરે ભારે દબદબો હતો. સોવિયેત યુનિયને યુરોપમાં ફાસીવાદને હરાવવામાં, યુદ્ધ પછી યુરોપમાં સ્થિરતા લાવવામાં ફાળો આપ્યો અને સાથે વૈશ્વિક સ્તરે સામ્યવાદી ચળવળને પણ પ્રેરણા આપી. એંશીના દાયકાના પૂર્વાર્ધમાં સોવિયેત યુનિયનનું તંત્ર કથળી 
ગયું હતું અને ગોર્બાચેવને રાજકીય સ્તરે પ્રવૃત્ત થયા પછી આ તંત્રને સુધારવા તેમણે કવાયત કરી પણ સંઘ વિખેરાયો તેની પાછળ પણ ગોર્બાચેવ જ કારણભૂત બન્યા.
પશ્ચિમમાં ગોર્બી તરીકે ઓળખાનારા મિખાઇલ ગોર્બાચેવને નોબલ પીસ પ્રાઇઝથી નવાજવામાં આવ્યા હતા. સોવિયેતના સ્થાપક વ્લાદિમીર લેનિનના સિદ્ધાંતોને પુનઃજીવત કરવા માગતા ગોર્બાચેવના સારા ઇરાદાઓના પાસા પોબાર ન પડ્યા. રશિયા અને બીજા ૧૪ પૂર્વ-સંઘ સભ્ય એવા રિપબ્લિક્સ રાજકીય અસ્તવ્યસ્તતાનો ભોગ બન્યા જેમાંથી બેઠા થતા રશિયાને દાયકાનો સમય લાગ્યો. લોકશાહી રશિયાને માફક ન આવી. વ્લાદિમિર પુતિનના શાસન હેઠળ રશિયાનો રાષ્ટ્રપ્રેમ વાદમાં ફેરવાયો અને યુક્રેન સાથે જ થયું તે તો આપણે જાણીએ જ છીએ. ગોર્બાચેવની હાર આજે પશ્ચિમની જીત બની ચૂકી છે. રશિયનોને ગોર્બાચેવ પ્રત્યે ફરિયાદ જ રહી અને ફરી રાજકારણમાં પ્રવેશવાના તેમના પ્રયત્નોને કોઇ ટેકો ન મળ્યો કારણ કે સોવિયેત સંઘનું ખંડન ગોર્બાચેવનું રાજકીય મોત હતું.
બાય ધી વેઃ
સોવિયેત યુનિયનના ભંગના ત્રણ દાયકા પછી વર્તમાન સંજોગો પર નજર કરીએ ગોર્બાચેવે જે પણ ધાર્યું હતું તેમાનું કંઇ પણ પાર નથી પડ્યું. રશિયામાં લોકશાહી ક્યારે આવી અને ક્યારે ગઇ એ ખબર પણ ન પડી. યુરોપમાં ગોર્બાચેવે સ્થાપેલી શાંતિ ફેબ્રુઆરી ૨૦૨૦માં ભડકે બળી જ્યારે રશિયાએ યુક્રેન પર ચઢાઇ કરી. ગોર્બાચેવને યુરોપ અને યુ.એસ.એ. સાથે સબંધ સુધારવા હતા પણ આજે પુતિન માટે આ બંન્ને રાષ્ટ્રો કટ્ટર દુશ્મન છે. ભારતને યુ.એસ.એસ.આર.નું ખંડન કઠ્યું હતું પણ તેને પગલે ભારતે પોતાના અર્થતંત્રને સુધારવાની ફરજ પડી, પોતાની વિદેશ નીતિનું પુનઃમૂલ્યાંકન કરવું પડ્યું અને વૈશ્વિક સ્તરે પોતાના સ્થાનને બહેતર બનાવવાની સૂઝ પડી. જો કે ૯૦ના દાયકાથી મોસ્કોની ગણતરીમાં દિલ્હી પ્રત્યેનો વ્યૂહાત્મક અભિગમ ઘટતો રહ્યો છે. સમયાંતરે ચીન સાથેની રશિયાની મૈત્રી અને પશ્ચિમ સાથે શિંગડા ભેરવવાનો અભિગમ ભારત સાથેની કડીને નબળી બનાવશે તેવી પૂરી શક્યતાઓ છે.
પ્રગટ : ‘બહુશ્રૃત’ નામક લેખિકાની સાપ્તાહિક કટાર, ’રવિવારીય પૂર્તિ’, “ગુજરાતમિત્ર”, 04 સપ્ટેમ્બર 2022
 ![]()


‘આપ કો કૈસ લગ રહા હૈ?’ના સવાલને જો લોકો મજાક ગણતા હોય તો તેનો મોટા ભાગનો વાંક છે ઇલેક્ટ્રોનિક મીડિયાનો. સદ્ભાગ્યે એક એવી ચેનલ છે જેમાં આવા સવાલોના મારા નથી હોતા – એ ચેનલ એટલે એન.ડી.ટી.વી. ગયા અઠવાડિયે સૌથી વધુ ચર્ચાયેલી બાબત એ છે કે અદાણી ગ્રૂપે એન.ડી.ટી.વી.ના ૨૯ ટકા જેટલો હિસ્સો ખરીદી લીધો. આ સમાચાર આવ્યા એટલે આઘાતની લાગણી અને ઉદ્ગાર કાને પડ્યા. દેશના બુદ્ધિજીવીઓને કપાળે કરચલી પડી અને તે સ્વાભાવિક જ છે. એન.ડી.ટી.વી.ની છાપ સત્યને હાથમાં રાખીને ચાલતી ચેનલની છે જેમાં બેરોજગારી, લોકોની આવકની સમસ્યાઓ, આર્થિક મુદ્દાઓ જેવા પ્રશ્નો પર ચર્ચા છેડાય છે અને તે પણ ઘોંઘાટ વિના. બીજી ચેનલ્સની માફક કોમવાદી મુદ્દાઓ કે ધ્રુવીકરણ કરે એવી રજૂઆતોનો મારો એન.ડી.ટી.વી. પર નથી હોતો. મીડિયાનો મૂળ હેતુ હોય છે સત્તા પર બેઠેલાઓને, સરકારને સવાલ કરવો અને એન.ડી.ટી.વી. એવી જૂજ ન્યુઝ ચેનલોમાંની એક ચેનલ છે જે આ કામ અટક્યા વિના કરતી આવી છે. આ સંજોગોમાં એન.ડી.ટી.વી. સામે ચાલીને સરકાર સાથે નિકટતા ધરાવતા એવા અદાણી ગ્રૂપ સાથે દોસ્તી કરે, તેને પોતાનો અમુક હિસ્સો વેચવા તૈયાર થાય એ વાતમાં દમ નથી. વળી એન.ડી.ટી.વી.નો અમુક ટકા હિસ્સો અદાણીએ ખરીદી લીધોના સમાચાર આવ્યા તેના કલાકોમાં જ એન.ડી.ટી.વી. પર ખબર ચલાવાઇ હતી કે તેના સ્થાપકો, માલિકો કે ત્યાંના કર્મચારીઓને આ હિસ્સાની ખરીદી અંગે કોઇ પ્રકારની જાણ નહોતી.
અદાણી ગ્રૂપે VCPLને હસ્તગત કરી, 103 કરોડમાં ખરીદી લીધી. સ્વાભાવિક છે કે એમ પ્રશ્ન થાય કે 400 કરોડની લોન આપનારી કંપની આટલી ઓછી કિંમતે કેવી રીતે વેચાઇ? VCPL કંપનીએ રિલાયન્સ સ્ટ્રેટેજિક વેન્ચર્સ પાસેથી લોન મેળવી હતી. અદાણીએ VCPL કંપની ખરીદી અને તેમની પાસે વિકલ્પ હતો કે વોરન્ટને માલિકીમાં ફેરવી શકે. આમ અદાણીએ VCPLને ખરીદી, VCPLએ RRPRને લોનની શરતોને આધારે હસ્તગત કરી અને આમ RRPRની એન.ડી.ટી.વી.માં જેટલા ટકા ભાગીદારી હતી તે હિસ્સો હવે અદાણી પાસે છે. ભારતીય નિયમો અનુસાર જો કોઇનો એક કંપનીમાં ૨૫ ટકાથી વધુ હિસ્સો હોય તો તે કંપની વધુ ૨૬ ટકા હિસ્સો ખરીદવાની ઓપન ઑફર આપી શકે જેથી બાકીના શૅર હોલ્ડર્સ પોતાનો ભાગ વેચી શકે. અદાણીએ વધુ ૨૬ ટકા શૅર ખરીદવાની ઑફર આપી છે જે રકમ અંદાજે ૪૯૨.૮ કરોડ જેટલી થાય છે. જોવાનું એ છે કે આ ઑફર આપવામાં અદાણીએ કંપનીના મૂળ માલિકોનો મત જાણવાની તસ્દી પણ નથી લીધી અને માટે જ આ ટેકઓવરને હોસ્ટાઇલ ટેકઓવર તરીકે ચર્ચવામાં આવ્યું. જો આ ૨૬ ટકા હિસ્સાનું વેચાણ થયું તો અદાણી પાસે કંપનીનો ૫૫ ટકા હિસ્સો હશે અને આમ કંપનીનું નિયંત્રણ અદાણી પાસે જ જશે. ૨૬ ટકા શૅર જે હજી સુધી નથી વેચાયો તેના આધારે એન.ડી.ટી.વી.નું ભાવિ ટકેલું છે. જો કે એન.ડી.ટી.વી.માં બે મોટા રોકાણકારો છે એલ.ટી.એસ. ઇન્વેસ્ટમેન્ટ ફંડ અને વિકાસા – એમ સંભળાય છે કે એલ.ટી.એસ. પોતાના શૅર વેચી શકે તેમ છે. જો કે હાલમાં એન.ડી.ટી.વી.ના શૅરના જે ભાવ છે તેના કરતાં તો અદાણી ઓછી રકમ જ ઑફર કરે છે. આ એલ.ટી.એસ. ઇન્વેસ્ટમેન્ટ ફંડના ૯૮ ટકા રોકાણ અદાણી ગ્રૂપમાં જ કરેલું છે અને બીજી ચાર શૅર હોલ્ડર કંપની છે જેના છેડા પણ અદાણીને અડે છે. જો આ છ કંપનીઓ પોતાના શૅર અદાણીને વેચી દે તો અદાણી ગ્રૂપ એન.ડી.ટી.વી.માં ૫૦ ટકાથી વધારેની ભાગીદાર બને.
આર.એસ.એસ.ની સ્થાપના થઇ હતી 1925માં અને તેના સ્થાપક હતા કે.બી. હેડગેવાર. સ્થાપનાથી માંડીને 1947 સુધી આર.એસ.એસ.એ ઇન્ડિયન નેશનલ કાઁગ્રેસે લૉન્ચ કરેલી એકેય ચળવળમાં ભાગ નહોતો લીધો, ન તો તેમણે અંગ્રેજો સામે પોતાની રીતે કોઇ વિરોધ નોંધાવવાની શરૂઆત કરી. હેડગેવાર તો કાઁગ્રેસના સભ્ય પણ હતા, તે નાગપુરમાં મધ્યમ સ્તરીય નેતા હતા અને અસહકારની ચળવળમાં જેલમાં પણ ગયા હતા પણ ત્યારે તે કાઁગ્રેસના સભ્ય તરીકે ચળવળમાં ભાગીદાર બન્યા હતા. તેમણે સંઘને આખી ઘટનાથી દૂર રહેવાની સૂચના આપી હતી અને આમ આર.એસ.એસ.એ સત્યાગ્રહ કે અન્ય કોઇ ચળવળમાં ભાગ નહોતો લીધો. હેડગેવાર હિંદુ મહાસભાના નેતા બી.એસ. મૂંજેના કટ્ટર અનુયાયી હતા. મૂંજેની વિચારધારા પર ફાસીવાદનો ઊંડો પ્રભાવ હતો અને તે પોતે મુસોલિનીની મળ્યા હતા. વળી સાવરકરે 1923માં હિંદુત્વ નામનું જે પુસ્તક લખ્યું હતું તેનો પણ હેડગેવાર પર ઊંડો પ્રભાવ હતો અને એ પુસ્તક અનુસાર ભારત માત્ર હિંદુઓની ભૂમિ છે એવી વાત રજૂ કરાઇ હતી. એમ પણ ચર્ચાયું છે કે વ્યવસ્થાને મામલે હેડગેવારનું મગજ ચાલતું અને સાવરકરના વિચારોનો પ્રભાવ કામગીરી પર પડતો. સાવરકરના મોટાભાઇ એ પાંચ લોકોમાંના એક હતા જેમણે 1925માં નાગપુર ખાતે આર.એસ.એસ.ની સ્થાપનાની બેઠકમાં હાજરી આપી હતી. આમ તો એક સમયે હિંદુ મહાસભા અને આર.એસ.એસ. વચ્ચે પણ ખટરાગ હતો કારણ કે હિંદુ મહાસભાને રાજકીય સ્તરે પ્રવૃત્ત રહેવું હતું પણ સંઘને એમ નહોતું કરવું. સાવરકર રાજકીય રીતે પ્રવૃત્ત રહ્યા પણ હિંદુ મહાસભાના આ નેતાને અંદામાન અને યેરવડાના જેલમાંથી એ જ શરતે છોડાયા હતા કે તે અંગ્રેજો વિરુદ્ધ કઇ કામગીરી નહીં કરે. હિંદુ મહાસભાની લગામ હાથમાં આવતા તરત જ સાવરકરે બે રાષ્ટ્રની થિયરીનાં ગાણાં ગાવાનું શરૂ કરી દીધું હતું. મુસલમાન, ગાંધી અને કાઁગ્રેસ વિરોધી વિધાનો માટે સાવરકર જાણીતા હતા. સંઘ પર જેમના વિચારોના પ્રભાવ રહ્યો તેવા સાવરકરે બીજા વિશ્વયુદ્ધ વખતે અંગ્રેજ વાઇસરોય સામે પ્રસ્તાવ મૂક્યો હતો કે કાઁગ્રેસને હટાવી મંત્રીમંડળ હિંદુ મહાસભાને આપી દેવા જોઇએ. આ પછી પણ ઘણું થયું પરંતુ આર.એસ.એસ.ની વાત પર પાછા વળીએ તો ભારત છોડો આંદોલનથી આર.એસ.એસ.એ અંતર રાખ્યું અને સંઘના યુવા સભ્યોને એમ પાનો ચઢાવ્યો કે તેમણે હજી મોટી લડાઈ લડવાની છે તો આમાં શક્તિ ન વેડફે.