ઇન્દિરા ગાંધીની હત્યા પછી, દિલ્હી સમેત, દેશભરમાં શીખોની કત્લેઆમ ચાલી, ત્યારે વડાપ્રધાન રાજીવ ગાંધીનો પ્રતિભાવ, ‘કોઈ વિરાટ વૃક્ષ પડે ત્યારે થોડી ધરતી હાલે’નો હતો. ૨૦૦૨માં ગોધરાકાંડ પછી મુસ્લિમોની કત્લેઆમ ચાલી તો મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીએ તેને ‘બહુમતી પ્રજાનો ગુસ્સો કે ઍકશન સામેનું રિઍક્શન’ ગણાવેલું. ગઈ તારીખ ૧૧મી જુલાઈ, ૨૦૧૬ના રોજ ઉના નજીકના મોટા સમઢિયાળાની ઘટનાનો લોકશાહી રાહે શાંત, અહિંસક અને સંગઠિત વિરોધ કરતાં અમદાવાદના દલિતોને ૨૦ દિવસ લાગ્યા! અમદાવાદમાં દલિતોની વિરોધરેલીને મંજૂરી ન મળી કે બંધની અસર મર્યાદિત રહી, તે પછી અસરકારક વિરોધ માટેનું દલિત મહાસંમેલન ૩૧મી જુલાઈ, ૨૦૧૬ના મધ્યાહ્ને અમદાવાદના સાબરમતી વિસ્તારમાં યોજાયું હતું. આ સંમેલન અમદાવાદના દલિત-આંદોલનના ઇતિહાસમાં અક્ષરશઃ ઐતિહાસિક લેખાશે.
છેલ્લા એક-દોઢ દાયકાથી ગુજરાતના દલિત આંદોલનમાં સ્થગિતતા જોવા મળી છે. યોગ્ય નેતૃત્વ અને સંઘર્ષ બંનેનો અભાવ રહ્યો છે. દલિતોમાં કામ કરતી વિદેશી સહાય પર નભતી પ્રોજેક્ટ બેઇઝ્ડ એન.જી.ઓ.ની મર્યાદાઓ સ્વયંસ્પષ્ટ છે, પરંતુ તે સિવાયની દલિત – પ્રવૃત્તિમાં પણ સલામતી અને સુંવાળપ જોવા મળે છે. એકંદર દલિત-આંદોલન એટલે સમૂહલગ્નો, તેજસ્વી તારલા(એટલે?)નાં સન્માનો, લગ્ન-પસંદગી અને પરિચયમેળાઓ અને સન્માન સમારંભો. (૭૫ વર્ષનાને અને ઍવૉર્ડવિજેતાને પહેલી પસંદગી). બીજી જે દલિત પ્રવૃત્તિને દલિત-આંદોલન તરીકે ખપાવાય છે, તે સરકારી નોકરીઓ માટેની સ્પર્ધાત્મક પરીક્ષાઓ માટેના ક્લાસિસ અને માર્ગદર્શક શિબિરો. શહેરે- શહેરે અને લત્તે-લત્તે દલિત ચાણક્યો, ચન્દ્રગુપ્તો તરીકે દલિત યુવાનોમાં તલાટીઓ, કારકુનો, લોકરક્ષકો, નાયબ સેક્શન અધિકારીઓ અને તેથી આગળ વધીને વર્ગ ૧-૨ના અધિકારી જોતા-શોધતા ફરે છે. આ બધું કરતાં એ વાત સગવડપૂર્વક ભૂલી જાય છે કે આપણો બાપ બાબો આંબેડકર કહી ગયો છે કે, “પોયલાવાડી ચોકી પાસે ૪૮ અને ૫૦” નંબરની ખોલીમાં મેં કણકી અને રોટલા પર દહાડા ટૂંકા કર્યા છે. પણ સમાજસેવા છોડીને તગડા પગારવાળી નોકરી ભણી જોયું નથી. નોકરી કરવાનું મને પસંદ નથી.”
કારકુનો જ પેદા કરતો રહેલો દલિત સમાજ કર્મશીલો પેદા કરવાનું અને રાજુ સોલંકી જેવા વિરલ કર્મશીલોને નિભાવવા-ટકાવવાનું ભૂલી ગયો, એટલે ૧૯૮૧ અને ૧૯૮૫નાં અનામત-વિરોધી રમખાણો વખતે એણે પ્રતિ આંદોલનો જ કર્યાં. એટલે જ મોટા સમઢિયાળાની રૂંવે-રૂંવે ઝાળ લાગે એવી ઘટનાનો લોકશાહી ઢબે વિરોધ કરતાં એને ત્રણ અઠવાડિયાં લાગ્યાં. જિજ્ઞેશ મેવાણી અને તેમના વિરલા સાથીઓનો આભાર કે તેમણે દલિત-આંદોલનનો આ ઠરાવ તોડ્યો અને અમદાવાદમાં દલિતોના અસરકારક વિરોધનું નિમિત્ત બન્યા.
અમદાવાદના દલિત-સંમેલન અંગે કેટલાક વિચારણીય મુદ્દા
૧. ‘ઉના અત્યાચાર લડત-સમિતિ’ અને તેના સૌ સંયોજકો એક રીતે અમદાવાદ અને ગુજરાતના દલિત-આંદોલનમાં ‘ફેસલેસ લીડર્સ’ હતા. તેમના પ્રયત્નને મળેલી સફળતા દલિત આંદોલનના નેતૃત્વમાં રહેલા શૂન્યાવકાશનું પરિણામ છે. હવે આ સૌ સાથીઓએ શૂન્યમાંથી સર્જન કરવાનું છે. ગાંધી-સરદારના ગુજરાતમાં તેમનો એકડો ભૂંસી આંબેડકરનો એકડો માંડવો કે ગાંધી-સર્વોદય સહિતની સઘળી માનવઅધિકાર ચળવળો સાથે સંવાદ સાધી દલિત – આંદોલનને એક ઊંચાઈએ લઈ જવું. સાથે જ દલિતોની જૂની પેઢીના નેતાઓનો અનુભવ તો નવી પેઢીના જોમ અને નવતર વિચારોને જોડી રાખવા, તે ખાસ્સું પડકારજનક કામ છે.
૨. સંમેલનમાં આરંભે સમિતિના કન્વીનર જિજ્ઞેશ મેવાણીના વક્તવ્યમાં અભ્યાસ, પ્રોઢી અને પ્રતિબદ્ધતા ભારોભાર હતાં. હવે માધ્યમોએ ગુજરાતના નવા યુવા નેતૃત્વમાં હાર્દિક પટેલ અને અલ્પેશ ઠાકોરની જોડાજોડ જિજ્ઞેશ મેવાણીને મૂક્યા છે, ત્યારે તેમની પાસેની આશા-અપેક્ષા અનેકગણી વધી જાય છે.
૩. આ સંમેલનમાં ઘણાં ‘બુધ્ધિશાળી’ (કટ્ર્સી સભાસંચાલક સુરેશ આગજા) વક્તાઓ હાજર હતા. અમૃતપર્વી દલિત દીપડા વાલજીભાઈ પટેલથી માંડી પચીસીના સુબોધ પરમારનાં વક્તવ્યો થયાં. પરંતુ શ્રોતાઓનો એકંદર મૂડ લોકરંજક અને તાળીપડાવ વક્તવ્યો સાંભળવાનો જ હતો. એટલે કોઈ ગંભીર વક્તવ્યોને અવકાશ ન રહ્યો.
૪. સમિતિ અને સભામાં દલિતોની બંને પ્રભુત્વશાળી જ્ઞાતિઓની સામેલગીરી તો સભામાં ૮૦ થી ૯૦ ટકા દલિત યુવાનોની હાજરી નોંધપાત્ર હતી.
૫. જિજ્ઞેશ મેવાણીએ પ્રભાવશાળી હિંદીમાં વક્તવ્ય કર્યું ! એનું રહસ્ય ત્યારે સમજાયું ‘જ્યારે એમણે હિંદી વક્તવ્યના અંતે કહ્યું, ‘હવે હું બે મિનિટ ગુજરાતી ચૅનલો માટે ગુજરાતીમાં બોલીશ.’
૬. દલિતોની સભાઓમાં ધર્મપરિવર્તન અને સત્તાની ગુરુકિલ્લીની વાત અચૂક થતી હોય છે. આ સભામાં પણ વક્તાઓએ હિંદુ ધર્મ, મનુવાદ અને હિંદુત્વની ભારોભાર ટીકાઓ કરી. પણ કોઈએ દલિત-સમસ્યાનો ઉપાય હિંદુ ધર્મ છોડી ધર્મપરિવર્તન કરવામાં જ છે, તેવું ન કહ્યું. રામરાજ ઉદિતરાજ બન્યા પછી પોતાનો ઉગારો હિંદુત્વવાદી બી.જે.પી.ના એમ.પી. બનવામાં શોધે, ત્યારે બાબાસાહેબના ધર્મપરિવર્તનના વિચારની દશાની આ અસર હશે?
૭. સંમેલનના યોજકો એવા યુવા કર્મશીલોએ સંમેલનના સ્થળ અંગે સમાધાનકારી માર્ગ અપનાવીને ‘મવાળ’નું બિરુદ રળી લીધું. પણ ‘જહાલો’ ક્યાં ગયા? શું જહાલો કાયમ મવાળોથી દબાયેલા જ રહેશે કે તેમની જહાલગીરી સોશિયલ મીડિયા પર લાઇક મેળવવા પૂરતી જ સીમિત છે?
૮. આ સંમેલનમાં જેમ ધર્મપરિવર્તનની વાત સાંભળવા ન મળી, તેમ ‘જય ભીમ’ની જોડાજોડ ‘લાલ સલામ’ અને ‘ઈન્કલાબ ઝિંદાબાદ’ પણ સંભાળાતું રહ્યું. દલિતોની સભામાં જેમ આવા છૂટથી બોલાતાં ડાબેરી સૂત્રોની નવાઈ રહી તેમ દલિતોના માનવ-અધિકાર આંદોલનમાં પૂર્વે કદી ન જોવા મળેલાં નિર્ઝરી સિન્હા, શમશાદ અને રાહુલ શર્મા(પૂર્વ આઈ.પી.એસ.)નાં વક્તવ્યો પણ સાંભળવા મળ્યાં.
૯. ગુજરાતના નંબર-૧ અખબારનો દાવો કરતા ગુજરાતી દૈનિક ‘ગુજરાત સમાચાર’ના પ્રથમ પાને આઠ કૉલમમાં ‘અમદાવાદમાં દલિતોનો દરિયો’ એવાં મુખ્ય હેડિંગ, તસવીરો અને દલિત વક્તાઓનાં નામો સાથે આ સંમેલનના સમાચાર પ્રગટ થયા. ૧૯૮૧નાં અનામતવિરોધી રમખાણો વખતે દલિતવિરોધી અને જૂઠ્ઠા સમાચારો છાપી ‘એડિટર્સ ગીલ્ડ’નો ઠપકો સાંભળી ચૂકેલા ‘ગુજરાત સમાચાર’નો આ દલિતપ્રેમ આનંદ એટલા જ ચિંતાનો વિષય બનવો જોઈએ. ‘ગુજરાત સમાચારે’ આ સંમેલનમાં ૩૦થી ૩૫ હજારની હાજરીનો દાવો કર્યો. ભા.જ.પ.નાં દલિત નેતા દર્શનાબહેન વાઘેલાએ એક ટી.વી. ડિબેટમાં ૩,૦૦૦ દલિતો હાજર હતા તેમ જણાવ્યું. જિજ્ઞેશ મેવાણીએ ૨૦,૦૦૦ દલિતોએ સંમેલનમાં શપથ લીધા એમ જણાવ્યું. તો સંમેલન-સ્થળે પાણીનાં પાઉચ-સપ્લાયર બે વ્યક્તિઓએ અનુક્રમે ૧૫,૦૦૦ અને ૭,૦૦૦ પાઉચ પહોંચાડ્યાનું કહ્યું, તેના પરથી સંમેલનની હાજરીનો તાળો મળે છે.
૧૦. થાનગઢ હત્યાકાંડના વિરોધમાં એક લાખ કરતાં વધુ દલિતોની સભામાં તમામ પક્ષોના દલિત રાજકારણીઓ (નિવૃત્ત સુધ્ધાં) હાજર હતા. જ્યારે આ સંમેલનમાં કોઈ દલિત રાજકારણી ફરક્યો નહોતો. એટલું જ નહીં, અહીં તો દલિત રાજકારણીઓની ટીકાને ભારે દાદ મળતી હતી. એના ઉત્સાહમાં, ચૂંટાયેલા દલિત પ્રતિનિધિઓને કુરિયરમાં ચણિયા મોકલવા અંગેની સ્ત્રીવિરોધી વાતો પણ થઈ અને સારી તાળીઓ અને સમાચારની બૉક્સ આઇટમ મળી.
૧૧. સરકારના આંબેડકર, ગાંધી અને દલિત સાહિત્યના ઍવૉર્ડ પુરસ્કૃત (હવે એમને વિજેતા જ કહેવા જોઈએ) કર્મશીલો અને સાહિત્યકારો સભામાં ખાસ જોવા મળ્યા નહીં. અમૃત મકવાણાની જેમ ઍવૉર્ડ વાપસી નહીં તો એમના સર્જક-પ્રતિભાવની સહજ અપેક્ષા જરૂર રહે.
૧૨. સભામાં મૃત પશુના નિકાલ, મળ અને ગટર સહિતની ગંદકી સાફ કરવાના દલિતોના માથે મરાયેલાં જાતિગત કામો દલિતોએ નહીં કરવાના સંકલ્પો લેવડાવવામાં આવ્યા તે ખૂબ જ મહત્ત્વની બાબત છે. સંકલ્પ લેવામાં વ્યક્તિગત સામેલગીરી હોય છે, તેની મોટી અસર જરૂર થશે.
૧૩. આનંદીબહેન પટેલના મુખ્યમંત્રી તરીકેના રાજીનામા અને રમણભાઈ વોરાની નવા પ્રધાનમંડળમાંથી બાદબાકીનાં અન્ય કારણો ઉપરાંત દલિત-આંદોલન પણ કારણ છે. પરંતુ આવા રાજકીય ફેરફારોથી દલિત આંદોલનને કેવો અને કેટલો લાભ થશે, તે વિચારવું રહ્યું. દલિતોના વ્યાપક સવાલો માટે આવા ફેરફારો બહુ નગણ્ય જ ગણાવા જોઈએ.
૧૪. આયોજકોની વારંવારની વિનંતીઓ અને ચેતવણીઓ છતાં કેટલાક લોકો આ છોકરડાઓને નહીં ગાંઠીને ધરાર સભામંચ પર ચડી બેઠા હતા. તો શ્રોતાઓમાંથી પણ સતત ‘મને કે ફલાણાને બોલવા દો’ની ચિઠ્ઠીઓ આવતી હતી.
૧૫. સભામંચ પર જિજ્ઞેશ મેવાણીના પપ્પાનું હોવું, સમિતિના સૌથી નાની વયના સભ્ય સુબોધ પરમાર દ્વારા પોતાના વક્તવ્ય દરમિયાન પ્રયોજિત ભીડ દ્વારા સુબોધ તરફી સૂત્રોચ્ચાર કરાવવા અને ચાલુ ભાષણે તેમને સામંતશાહીના પ્રતીક જેવો સાફો કોઈ ઉત્સાહી પ્રશંસક દ્વારા પહેરાવવો-આવી ચેષ્ટાઓથી બચવું જોઈતું હતું.
અંતે જય ભીમ કોમરેડ સાથે જિજ્ઞેશ મેવાણી અને સાથીઓની સેવામાં માઓની સુખ્યાત ઉક્તિ – “નેતા તો મોજું છે, પ્રજા જ સમુદ્ર છે.” આ રખે ભુલાય.
થોડો દૂરનો ભૂતકાળ નજીકથી
સમઢિયાળા પૂર્વે પણ ગાયને કારણે દલિતોની રંજાડ થઈ છે. ગુજરાતનો તાજેતરનો રાજુલા કાંડ ખાસ ચર્ચાયો નથી કે વિરોધ થયો નથી. ગુજરાતમાં વિધાનસભા ચૂંટણીનો માહોલ હતો, ત્યારે ૧૫મી ઑક્ટૉબર, ૨૦૦૩ના રોજ હરિયાણાના ઝજ્જરમાં પાંચ દલિતોની હત્યા કહેવાતા ગૌરક્ષકોએ ગાયનું ચામડું ઉતારવાના આળથી જ કરી હતી. એ વખતે કેન્દ્રમાં બી.જે.પી.ની અને હરિયાણામાં બી.જે.પી. સમર્થિત ઓમપ્રકાશ ચૌટાલાની સરકાર હતી. લાલકૃષ્ણ અડવાણી દેશના ગૃહમંત્રી હતા.
ઉદિતરાજના સંગઠન ઑલ ઇન્ડિયા કન્ફેડરેશન ઑફ એસ.સી.એસ.ટી. ઑર્ગેનાઇઝેશન દ્વારા ઝજ્જર હત્યાકાંડના વિરોધમાં દસ જ દિવસ બાદ દલિતોના ધર્માંતરનો કાર્યક્રમ યોજાયો હતો. તેમાં દલિતોએ બૌદ્ધ, ખ્રિસ્તી અને ઇસ્લામ ધર્મ અંગીકાર કર્યા હતા. ઇસ્લામ અંગીકાર કરનાર એક દલિતે પોતાનું નામ સદામ હુસેન રાખ્યું હતું. વિશ્વ હિંદુ પરિષદના ઉપપ્રમુખ આચાર્ય ગિરિરાજ કિશોરે હિંદુ ધર્મશાસ્ત્રોનો હવાલો આપીને એ સમયે કહ્યું હતું કે,“ ગાય અમારા માટે દલિત કરતાં વધુ કીમતી છે.” વી.એચ.પી.ના આ નિવેદનના વિરોધમાં રામવિલાસ પાસવાને સંસદ માથે લીધી હતી. ગુજરાતમાં ચૂંટણીનો માહોલ હતો અને ગોધરાકાંડ પછી હિંદુત્વનો મુદ્દો ચૂંટણીમુદ્દો હતો, એટલે ગુજરાત કૉંગ્રેસે પણ હિંદુઓના મત ગુમાવવા ન પડે એટલે ઝજ્જરકાંડને મુદ્દો બનાવ્યો નહોતો. ૨૦૦૩ના ઝજ્જરકાંડના આ વિરોધીઓ ઉદિતરાજ, રામવિલાસ પાસવાન આજે ક્યાં છે અને ૨૦૧૬ના સમઢિયાળાના બનાવ વખતે દલિતોના હામીઓ બની રહેલા આવતી કાલે ક્યાં હશે તે સમજવું અઘરું નથી.
e.mail : maheriyachandu@gmail.com
સૌજન્ય : “નિરીક્ષક”, 16 અૉગસ્ટ 2016; 06-07
 ![]()


અષાઢી બીજના દિવસે એ વાડીએ વાવેતર માટે ગયેલા, પણ લોહીતરસ્યા લોકોએ એમને જ મારીઝૂડી ભોંયમાં દાટી દીધા! રથયાત્રાના દિવસે પોરબંદર પાસેના સોઢાણા ગામે રામાભાઈ ભીખાભાઈ સીંગરખિયા નામક દલિતની જઘન્ય હત્યા કરવામાં આવી. રામાભાઈ છેલ્લા ૨૫ વરસોથી સોઢાણા ગામે સરકારી ખરાબાની જમીન ખેડી પેટ ગુજારો કરતા હતા. સરકારી પડતર જમીન ખેડતા સરપંચ સહિતના બિનદલિતોને તે ખૂંચતા હતા. ગયા વરસે એમનો ઊભો પાક ભેલાડી મૂક્યો અને ગામ છોડી જવાની ફરજ પાડી. આ હિજરતી દલિત આ વરસે વાવેતર કરવા આવ્યા, તો તેમની પર સરપંચ સહિતના ૩૦ થી ૪૦ લોકોના ટોળાએ હિંસક હુમલો કરી મારી નાખ્યા. હત્યારાઓની ધરપકડની સાદી માગણી માટે દલિતોને ચારચાર દિવસ લાશ રઝળતી રાખી આંદોલન કરવું પડ્યું.