આજકાલ વ્યક્તિગત અને સામૂહિક સ્વાસ્થ્ય વિષે વિવિધ પ્રકારનાં સંશોધનો થાય છે, તેના વિષે પુષ્કળ માહિતીનું વિતરણ થાય છે, એ મુદ્દે પ્રસારણ માધ્યમોમાં ચર્ચાઓ થાય છે અને ખાદ્ય પદાર્થો બનાવનારાં તેમ જ દવાઓ બનાવનારી કંપનીઓ જાણે પોતાને કમાણી કરવાનો અમૂલ્ય અવસર મળ્યો તે જવા ન દેવા કમર કસીને જાત જાતની વસ્તુઓનું ઉત્પાદન અને વેચાણમાં મશગૂલ થયેલાં જણાય છે.
મેડિકલ ક્ષેત્રમાં સંશોધન કરનારાં સંગઠનો સરકારના આરોગ્ય ખાતાને તૈયાર ખાદ્ય પદાર્થો બનાવનાર અને વેંચનાર કંપનીઓને ખાંડ અને નમક ઓછું નાખવા ફરજ પાડવા આગ્રહ રાખી રહ્યા છે, કેમ કે ઘણાં રોગ અને માંદગીઓ માત્ર વૃદ્ધોને જ નહીં, યુવાનો અને નાનાં બાળકોને પણ ગ્રસી રહેલી છે. તો સામેથી આરોગ્ય ખાતું અને સુપર માર્કેટના અધિકારીઓ માતાપિતાને પોતાનાં બાળકો માટે વિવેકપૂર્વક ખોરાકની પસંદગી કરવા માટે જવાબદારી લેવા કહી રહ્યાં છે. વધુ પડતા મેદસ્વી હોવાનો પ્રશ્ન હોય કે ડાયાબિટીસ, હૃદયરોગની સંભાવના હોય કે કેન્સરની શક્યતાઓની વાત હોય, વ્યક્તિની જીવન પદ્ધતિની પસંદગીથી માંડીને ઉદ્યોગોની પ્રામાણિકતા, વેપારીઓની નૈતિકતા અને સરકારના ઉત્તરદાયિત્વ વિષે આંગળી ચીંધવાની પ્રણાલી જોર પકડતી જાય છે.
બીજી બાજુ કુટુંબ વ્યવસ્થા છિન્ન ભિન્ન થતી જાય છે, પડોશ સાથેના સંબંધો નહીંવત્ રહ્યા છે અને પરિણામે લોકોનાં માનસિક સ્વાસ્થ્ય અને સમાજની સલામતી વગેરે પર વિપરીત અસરો જણાવા લાગી છે તેની ય ચર્ચા જોરશોરથી ચાલી રહી છે.
બીજી બધી સમસ્યાઓની માફક ઉપર ઉલ્લેખ કર્યો એ તમામ પરિબળો સરખે નહીં તો વધતે ઓછે અંશે આપણાં શરીર અને મનનાં સ્વાસ્થ્ય માટે જવાબદાર છે, એવું અનુભવે કહી શકું. ચાર વર્ષના બાળકને રમતાં રમતાં ભૂખ લાગે તો જાતે વોકર્સની ક્રિસ્પસનું પેકેટ ઉપાડીને લઇ લેતાં જોઉં ત્યારે, મહિલાઓને મસાલાના પેકેટ ખરીદતાં જોઉં ત્યારે, દુકાનોમાં જાતજાતનાં અથાણાંઓની નાની-મોટી બરણીઓ હારબંધ ઊભેલી અને પછી ખરીદનારની ઝોળીમાં પડતી અને ડાઇનિંગ ટેબલ પર ગોઠવાતી જોઉં ત્યારે અને ફળોને ટીનના ડબ્બાઓમાં પેક થઈને બહાર નીકળવાની રાહ જોતાં જોઉં ત્યારે મને મારું બાળપણ યાદ આવે.
અમે રહ્યા મધ્યમ વર્ગના. વધુમાં માતા-પિતાએ હસ્તોદ્યોગ અને ગ્રામોદ્યોગથી પેદા થતી વસ્તુઓ વાપરવાનું વ્રત લીધેલું, એટલે ‘અપના હાથ જગન્નાથ’ એ મંત્રના જાપ જપીને મોટાં થયાં. કાતરી કરવા યોગ્ય બટેટા મળવા લાગે તેની જાણ અમારો શાકવાળો કરે. મારી મા શિક્ષિકા. શનિવારે અર્ધા દિવસની શાળા. બપોરે બટેટા લાવી કાતરી કરવા માટેનાં તમામ સાધનો એકઠાં કરી રાખીએ. બીજે દિવસે વહેલી સવારે બટેટા છોલી, કાતરી પાડીને મીઠાવાળાં ઉકળતાં પાણીમાં ઝબોળી તરત જૂની થયેલી સાડી પર તડકામાં સુકવી નાખવાની. બપોર થયે એક તરફ સુકાઈ ગયેલ કાતરીને ફેરવી લેવાની. સાવ કોરી થઇ જાય ત્યારે મોટા ડબ્બાઓમાં ભરી લેવાની. એ બધાં કામ સતત ધ્યાન માંગી લેતાં. ઘેર બનાવેલ કાતરીમાં મીઠું તો નામનું નાખીએ અને તે સિવાય બીજાં કોઈ સ્વાદ-રંગનાં મેળવણની જરૂર નહીં. તળીએ ત્યારે તેલ બહુ ઓછી માત્રામાં વપરાય તે મોટા થતાં સમજાયું. એટલું જ નહીં, ડબ્બો ભરીને કાતરી તળી હોય તો જેને જેટલી જોઈએ તેટલી જ લે, દરેક વ્યક્તિ 100 ગ્રામ કાતરી ખાય એ જરૂરી નહોતું/ તેની સરખામણીમાં આજે crispsના તૈયાર પડીકામાં અનેક સ્વાદ અને રંગના છંટકાવ કરેલા હોય છે. ઉંમર હોય પાંચ, પંચાવન કે પંચાશી, દરેક એ પેકેટમાંની બધી ક્રીસપ્સ ખાય તે તેમના શરીરને અનુકૂળ નથી હોતું.
કાતરી બનાવીને હાથ નવરા થાય ત્યાં મસાલા બનાવવાની ઋતુ આવી પહોંચે. મોટાં ભાગનાં લોકો મસાલા ઘેર બનાવતાં. હળદરના ગાંગડા ધોઈને સુકવી દેવાના. ત્યાર બાદ તેને ખાંડી અને દળવાની. એ જ રીતે સૂકા ધાણા શેકી, જીરા સાથે ભેળવીને ધાણા-જીરું તૈયાર કરવામાં આવતું. મારી આગલી પેઢીએ તો હાથ ઘંટી પર મસાલા દળેલાં, કોઈ ઘરમાં વીજળી સંચાલિત ઘંટી પર દળે તો બીજા નજીકની મિલમાં દળાવે, પણ સરવાળે એ તમામ મસાલા જાતે તૈયાર થતા. તેમાં જાત મહેનત અને શ્રમ ઉમેરાતા.
નવું અનાજ દાણાપીઠમાં આવે. બજારમાં ઘઉં આવે ત્યારે અમારા ઘરમાં પાંચ મણના બે કે ત્રણ કોથળા આવતા અને ઘરની દસ વર્ષની કુમારિકાથી માંડીને નેવું વર્ષની વડદાદી ઘઉં ચાળવા, વીણવા અને દિવેલ દઈને ભરવાના કામમાં જોડાઇ જતાં. ક્યારેક પાડોશીઓ પણ મદદમાં આવી જાય. ઘરના દરેક સભ્ય અને પાડોશીઓ આમ એકબીજાંની સાથે હસતાં વાતો કરતાં કામ કરતાં. પહેલાં હાથ ઘંટી અને ત્યાર બાદ વીજળીથી ચાલતી ઘંટી પર તાજા દળેલ લોટની રોટલી અને રોટલાની મીઠાશ ચાખી હોય તેવા લોકો આજે દુર્લભ હોવાના. આજે દુકાનમાંથી તૈયાર લોટ લઈને રોટલી કરતી ગૃહિણીઓ પણ ઓછી થતી જાય છે કેમ કે સુપર માર્કેટ તૈયાર રોટલી પણ વેંચે. આજે હવે પાડોશીઓ તો શું, ઘરના સભ્યોને પણ આવાં કામ સાથે મળીને કરવાની આવશ્યકતા નથી, આપણે કેવા નસીબદાર?
ઘરના બનાવેલ મસાલાને કેરી-ગુંદા આવે તેની રાહ રહેતી. દરેક પરિવારની જરૂરિયાત મુજબ કાચી કેરી અને ગુંદા લાવી. તેના બે-ચાર પ્રકારનાં અથાણાં બનાવવાં એ દરેક ગૃહિણીનો મન પસંદ ઉદ્યમ હતો. આથી જ દરેકને ઘેર જુદા જુદા સ્વાદનાં અથાણાં ચાખવાની લહેજત આવતી. કુટુંબ કે પાડોશમાંથી કોઈને એક પ્રકારનાં અથાણાં બનાવવાની ફાવટ હોય તો કોઈને બીજામાં. એક બીજાને બોલાવી તેમની પાસે શીખવા-શીખવવાની રસમ રહેતી.
આ રીતે મોટા ભાગની વસ્તુઓ ઘેર બનાવવાનો ચાલ હતો એથી કેટકેટલા ફાયદા થતા. એક તો તેનાથી કરકસર થતી. બીજું, ગૃહિણીઓની કાર્યકુશળતા વિકસતી અને જળવાઈ રહેતી અને પેઢી દર પેઢી વારસામાં મળતી રહેતી. આજે તો ગૃહિણીની આવડતનું મૂલ્યાંકન તેને ઘેર પાઠકનાં અથાણાં છે કે અહમદનાં તેના ઉપર આધાર રાખે. બીજો ફાયદો એ થતો કે દરેક વસ્તુઓમાં મીઠું, ખાંડ, તેલ, અન્ય મસાલાઓ પ્રમાણસર નાખવાનો નિયમ અનુસરે તેઓને સ્વાસ્થ્ય જાળવવાનો પણ ફાયદો થતો. એક વર્ષથી વધુ સમય પોતાનો માલ ટકાવવો હોય અને દૂર સુદૂરના દેશોમાં મોકલવો હોય, તેથી કંપનીઓએ બનાવેલ ખાદ્ય પદાર્થોમાં અનેક જાતના રંગ અને રસાયણોનાં મિશ્રણ આપણાં સ્વાસ્થ્યને હાનિકર્તા સાબિત થતાં જણાયાં છે. ત્રીજો અને કદાચ સીધી રીતે આવી બાબતોને સ્પર્શતો ન લાગે તેવો ફાયદો પારિવારિક અને સામાજિક સંબંધોની જાળવણીનો હતો. અગાઉ કહ્યું તેમ ઘરના નાના મોટા બધા સભ્યો પોતાનાથી શક્ય તે તમામ કામ કરે. સહકાર વધે. વડીલોના અનુભવ અને યુવાનોની શક્તિનો એકબીજાને લાભ મળે. પાડોશીઓ અને કુટુંબીઓ એકબીજાને મદદ કરવા હાજર થાય એટલે પરસ્પરનો પરિચય વધે અને મેલ-જોલ જળવાઈ રહે. આજે બૃહદ્દ સમાજ તો શું, એક જ શેરીમાં કે સોસાયટીમાં રહેતાં લોકો એકબીજાંને ભાગ્યે જ ઓળખતાં જોવાં મળે છે; એટલું જ નહીં, એક જ પરિવારના સભ્યોને પણ એકબીજાંની કુશળતા કે આવડતનું ભાન નથી હોતું. સાથે મળીને કામ કરવાથી વાતો કરતાં હસતાં હસાવતાં જે આનંદ થાય, તેનાથી આપણાં માનસિક સ્વાસ્થ્ય પર સારી અસર થાય એ પુરવાર કરવાની જરૂર ઊભી થઇ છે. શેરી કે ગામમાં રહેતાં લોકો પરિચિત ન હોય તો તેમને હાનિ પહોંચાડવામાં હતાશ થયેલો કે ક્રોધે ભરાયેલ આદમી ખચકાય નહીં તેમાં નવાઈ શી?
સંભવ છે કે વધતી જતી શારીરિક અને માનસિક બીમારી અને સામાજિક સમસ્યાઓના કારણો શોધવા જતાં સાવ સામાન્ય લાગે તેવા જૂની ગણાતી જીવન પદ્ધતિના ખ્યાલોને ફરી મંચ પર લાવીને વિચાર કરવાની ફરજ પડે.
e.mail : 71abuch@gmail.com
 


 જુસેપે લાન્ઝા દેલ વાસ્તો – ઉર્ફે શાંતિદાસ. અહિંસક ચળવળો વિષે રસ ધરાવનારાઓએ આ નામ કદાચ સાંભળ્યું હશે. જન્મ સમયનું નામ Giuseppe Giovanni Luigi Maria Enrico Lanza di Trabia-Branciforte. જન્મ થયેલો ઇટાલીના સિસિલી પ્રાંતમાં અને મૃત્યુ સ્પેઇનમાં. 29 સપ્ટેમ્બર 1901થી 6 જાન્યુઆરી 1981ના જીવનકાળ દરમ્યાન કરેલાં કર્મોનો વ્યાપ ઘણો મોટો. ફ્રાંસના ગાંધી તરીકે પંકાયેલા. તેઓ મૂળે એક કેથોલિક ધર્મના તત્ત્વજ્ઞાની, કવિ અને કલાકાર હતા, જેમાં અહિંસક માર્ગના મશાલચીનું પાસું ઉમેરાયું. તત્ત્વજ્ઞાનમાં ડોક્ટરેટની ઉપાધિ મેળવ્યા બાદ, તેમણે વિવિધ ધર્મો વચ્ચે વાર્તાલાપ કરવા, આધ્યાત્મિક વિચારોને નવો ઓપ આપવો, પ્રાણી તથા માનવસૃષ્ટિ તથા પર્યાવરણને લગતી બાબતોમાં કાર્યશીલ રહેવું અને જગતભરમાં અહિંસક વિચારધારાને પ્રસરાવવાનું કાર્ય કરવામાં જ જીવન વ્યતીત કર્યું.
જુસેપે લાન્ઝા દેલ વાસ્તો – ઉર્ફે શાંતિદાસ. અહિંસક ચળવળો વિષે રસ ધરાવનારાઓએ આ નામ કદાચ સાંભળ્યું હશે. જન્મ સમયનું નામ Giuseppe Giovanni Luigi Maria Enrico Lanza di Trabia-Branciforte. જન્મ થયેલો ઇટાલીના સિસિલી પ્રાંતમાં અને મૃત્યુ સ્પેઇનમાં. 29 સપ્ટેમ્બર 1901થી 6 જાન્યુઆરી 1981ના જીવનકાળ દરમ્યાન કરેલાં કર્મોનો વ્યાપ ઘણો મોટો. ફ્રાંસના ગાંધી તરીકે પંકાયેલા. તેઓ મૂળે એક કેથોલિક ધર્મના તત્ત્વજ્ઞાની, કવિ અને કલાકાર હતા, જેમાં અહિંસક માર્ગના મશાલચીનું પાસું ઉમેરાયું. તત્ત્વજ્ઞાનમાં ડોક્ટરેટની ઉપાધિ મેળવ્યા બાદ, તેમણે વિવિધ ધર્મો વચ્ચે વાર્તાલાપ કરવા, આધ્યાત્મિક વિચારોને નવો ઓપ આપવો, પ્રાણી તથા માનવસૃષ્ટિ તથા પર્યાવરણને લગતી બાબતોમાં કાર્યશીલ રહેવું અને જગતભરમાં અહિંસક વિચારધારાને પ્રસરાવવાનું કાર્ય કરવામાં જ જીવન વ્યતીત કર્યું.
 ગાંધીજીના જીવન કાળ દરમ્યાનનું ભારત ધર્મ અને જ્ઞાતિના વાડાઓમાં ઠેકઠેકાણે ખંડિત થયેલું હતું. પ્રજામાં સર્વધર્મ સમભાવની ભાવના જન્મે તો કોમી એખલાસ પેદા થાય અને સ્વતંત્ર ભારતના તમામ નાગરિકોની સુખાકારી અને સલામતી માટે એ અત્યંત આવશ્યક પણ છે એ હકીકતની જાણ ગાંધીજીને હતી. તે માટેના તેમનાં અનેક પગલાંઓમાંનું એક, તે આશ્રમની સવાર-સાંજની સર્વધર્મ પ્રાર્થના. તેમાં બોલાતા શ્લોક, ગવાતાં ભજનો અને ધૂનનો સંગ્રહ તે ‘આશ્રમ ભજનાવલી’. આ ‘ભજનાવલી’નો વિકાસ કેવી રીતે થયો એ વાત સ્વ. કાકાસાહેબ કાલેલકરે લખી છે તે જાણવાલાયક છે.
ગાંધીજીના જીવન કાળ દરમ્યાનનું ભારત ધર્મ અને જ્ઞાતિના વાડાઓમાં ઠેકઠેકાણે ખંડિત થયેલું હતું. પ્રજામાં સર્વધર્મ સમભાવની ભાવના જન્મે તો કોમી એખલાસ પેદા થાય અને સ્વતંત્ર ભારતના તમામ નાગરિકોની સુખાકારી અને સલામતી માટે એ અત્યંત આવશ્યક પણ છે એ હકીકતની જાણ ગાંધીજીને હતી. તે માટેના તેમનાં અનેક પગલાંઓમાંનું એક, તે આશ્રમની સવાર-સાંજની સર્વધર્મ પ્રાર્થના. તેમાં બોલાતા શ્લોક, ગવાતાં ભજનો અને ધૂનનો સંગ્રહ તે ‘આશ્રમ ભજનાવલી’. આ ‘ભજનાવલી’નો વિકાસ કેવી રીતે થયો એ વાત સ્વ. કાકાસાહેબ કાલેલકરે લખી છે તે જાણવાલાયક છે.
