પાટલી છોડીને બહાર
ઘણા ઘામ અને ઉકળાટ પછી અચાનક એક ઝાપટું શરૂ થયું. કંઈક અંશે ભીંજાવાથી બચવા અને કંઈક અંશે વરસતા વરસાદની મસ્તીને માણવા હું નજીકના બસસ્ટૅન્ડમાં જઈને ઊભો રહ્યો. જીવનનાં એંસી ચોમાસાં જોયાં હતાં; આથી મને ખાતરી હતી કે આ કાંઈ લાંબું વરસવાનું નથી.
“અરે, શાહસાહેબ, આપ … અહીં … અચાનક … ડાબા કાને જરા પહેલી નિવૃત્તિ-વી.આર.એસ. લઈ લીધી હતી. છતાં ‘જમણેરી’ સહાયથી મને થોડીઘણી સમજ તો પડી જ! મેં અવાજની દિશા પકડી. બાજુમાં જ ઊભેલા કોઈક ભાઈની આંખોમાં આત્મીયતા છલકાતી હતી. પણ મારો ચહેરો વૈશાખ-જેઠની બપોર જેવો શુષ્ક હતો. સાહેબ, હું દરજી – કાંતિલાલ દરજી – ૧૯૬૧-૭૪નો તમારો વિદ્યાર્થી’. રંગભૂમિ ઉપરથી પડદો હટે અને આતુર પ્રેક્ષકની ઉત્કંઠાનો અંત આવે તેમ મારા મનપટલ ઉપર દૃશ્ય તરી આવ્યું. “અરે, દરજીભાઈ, તમે … આમ મળાશે તેવું કલ્પ્યું પણ નો’તું.” મેં કહ્યું.
કાંતિ દરજી મારા જૂના વિદ્યાર્થી. કૉલેજના વર્ગમાં નિયમિત હાજરી, અભ્યાસમાં બરાબર મન લગાવે અને તેથી હંમેશાં સારા માર્ક્સ તો લાવે જ. વળી અધ્યાપકોના પ્રીતિપાત્ર ! અંગ્રેજી વિષય રાખ્યો હોવા છતાં બી.એ. અને એમ.એ.માં ઘણા સારા ટકા લાવીને નજીકની કૉલેજમાં અધ્યાપક બન્યા હતા.
સાહેબ, ચાલો ચા-નાસ્તો કરીએ, તેણે કહ્યું અને સામેની ફૂટપાથ તરફ તેણે ઇશારો કર્યો. બે-ત્રણ મિનિટમાં ચાર-પાંચ કપ ચા આવી ગઈ. દરજીભાઈ બોલ્યા : ‘સાહેબ, મારી કૉલેજની નોકરી ચાલુ હતી, ત્યારે પણ હું બપોર અને સાંજે ગામમાં રખડતો. તમે મને વંચાવેલા સમરસેટ મૉમ, એચ.જી. વેલ્સ, ઇબ્સન, ચાર્લ્સ ડિકન્સ વગેરે મનમાં રમ્યા કરે. સાચું કહું, મને એક વિચિત્ર વિચાર આવતો. આવું સરસ અને માનવીય સંવેદનાઓવાળું વિચારનારા પરદેશોમાં જ કેમ હશે ? અલબત્ત, મને પ્રેમચંદ ગમતા પણ ટાગોર કે શરદબાબુની મધ્યમવર્ગીય વિચારણાની કોઈ અસર મને પડતી જ નહીં.’ ‘આનંદયજ્ઞ’માં થોડોક-થોડોક ઉજાસ દેખાતો, પરંતુ મહર્ષિ ગણાતા અરવિંદ ઘોષ અને અન્ય ‘આધ્યાત્મિક’ ગુરુઓ તરફ મને કોઈ ભાવ પ્રગટતો જ નહીં. ગામમાં ફરતો, વિદ્યાર્થીઓને ઘેર જતો, તેમના ખેતરે જતો અને ક્યારેક તેમનાં નાનાં મોટાં કામ કરી આપવા સરકારી કચેરીઓમાં પણ જઈ આવતો. ચાની ચૂસકીઓ લેતાં-લેતાં એ એકધાર્યું બોલે જતો હતો. મેં પણ મારું ધ્યાન ચાના કપ ઉપર જ કેન્દ્રિત કર્યું. વરસાદ તો હજુ ચાલુ જ હતો.
‘સાહેબ, બહુ માથાકૂટ પછી મને લાગ્યું કે તમામ સાહિત્ય, સર્જનાત્મક અને સંવેદના પેટના ખાડામાં છુપાયેલાં છે. જે દિવસે આ વિચારે મારામાં જન્મ લીધો તેની આખી રાત મને ઊંઘ ના આવી. પણ બીજા દિવસે સવારથી – કૉલેજ ગયો ત્યારથી – મારું ચિત્ત હળવું થઈ ગયું હતું. મને મારો મારગ મળી ગયો હતો. ચા પીવાનું માંડી વાળી હું તેના ચહેરાને તાકી રહ્યો. તેનો ચહેરો અચાનક તપેલા તાંબા જેવો દેખાતો હતો. તેના બોલવાનો રણકો પણ જુદો હતો. તેણે આગળ ચલાવ્યું : ‘સાહેબ, હું તમારી જેવા પાસે ભણ્યો ન હોત, તો હું પણ મારા બાપદાદાનો દરજીકામનો ધંધો જ કરતો હોત ને ! ભણ્યો તેથી શું થયું ? કૉલેજના અધ્યાપક તરીકે પગાર તો સારો જ હતો. મેં પાંચ મશિનનો ઓર્ડર આપ્યો. ગામની બહેનોને એકઠી કરી. મહમદ યુનૂસે બતાવેલા માર્ગે બચતમંડળી શરૂ કરી. બહેનોને સીલાઈકામ શિખવાડ્યું. પણ કામ આવડે તેથી આવક થોડી જ થાય ? હવે તેમને માટે ઑર્ડર મેળવવા શહેરમાં ભટકવા માંડ્યો, તપ કરતા કરતા ખાદીહાટોમાં વેચાતાં તૈયાર કપડાં સીવવાના ઑર્ડર મળવા લાગ્યા.’
‘કામ વધતું ગયું, માણસો જોડાતા ગયા … બસ, બહુ નહીં તો ય પચાસેક પરિવારોમાં ખુશી ફેલાવી શક્યો, તેનો આનંદ રહ્યો. તે પછી તો હું ય નિવૃત્ત થયો અને અહીં રહેવા આવ્યો. ત્યાં આ જુવાન ભટકાયો.’ સંચે બેઠેલા ભાઈ તરફ નિર્દેશ કરી તેણે કહ્યું.
‘હું તો રોજ સાંજે આ બગીચામાં ફરવા આવતો. પણ જીવ દરજીનો તેથી આની તરફ ધ્યાન ગયું. લોકો અહીં પરચૂરણ દરજીકામ માટે આવતા. પણ આને સફાઈબંધ અને સરખું કામ ફાવે નહીં. હું તેની સાથે બેસતો થયો અને હવે સાહેબ તેની પાસે પણ સ્કૂટર છે.’ તેણે કહ્યું.
થોડોક સમય ચૂપકીદી પ્રસરી રહી. પછી અચાનક જાગીને કહેતો હોય તેમ તે બોલ્યો ‘સાહેબ, તમે એક વખત વર્ગમાં કહેલુંને – Lead Kindly Light – પેલા જ્હૉન હેન્રી ન્યૂમેનની ૧૮૩૩ની રચના – તમે એને પ્રભુપદ કહેતા. ન્યૂમેન નામના યુવા પાદરીની જગતની સેવા દ્વારા ઈશ્વરની સેવા કરવાની વાત તમે કરેલી. પછી ઉમેરેલું. ‘પ્રેમળજ્યોતિ તારો દાખવી મુજ જીવનપંથ ઉજાળ’માં નરસિંહરાવ દિવેટિયાએ કેવી અવિસ્મરણીય પ્રાર્થના કરી છે. તે દર્શાવેલું, સાહેબ, મારું બાકીનું બધું ભણવાનું તો ઠીક, આ માણસની સેવા દ્વારા ઈશ્વરની સેવાનો જે વિચાર તમે મારામાં મૂક્યો, તેનાથી હું તો ધન્ય બની ગયો છું.’ તે મારા પગે પડ્યો, મેં તેને માથે હાથ ફેરવ્યો.
વરસાદ રહી ગયો હતો. વધુ કાંઈ જ બોલ્યા વગર હું ‘આવજે ભાઈ, કહીને નીકળી ગયો.’
સૌજન્ય : “અભિદૃષ્ટિ”, ઑગસ્ટ 2019; વર્ષ – 13; અંક – 141; પૃ. 23 તેમ જ 05