સાંજ પડી ગઈ હતી અને સૂરજ આથમવાની ઘડીઓ ગણાઈ રહી હતી, ત્યારે જામનગરની રંગમતી નદીનાં કાંઠે એક વ્યક્તિ બેઠી હતી.
તે વિચારમાં વ્યસ્ત હતી અને આજુબાજુનું તેને કંઈ જ ભાન ન હતું.
તેનાં મનમાં બસ એક જ વિચાર ચાલતો હતો કે ….
‘મારી સાથે જ આવું કેમ?
હું ક્યાં કંઈ ખોટું કરું છું? હું તો મારા પરિવારને જીવથી પણ વધુ ચાહું છું, તેમના માટે મેં શું શું નથી કર્યું?
મારા પુત્રને ભણાવીને મોટો કર્યો. એના બધા મોજશોખ – મારી લિમિટ પ્રમાણે મેં પૂરા કર્યાં જ છે.
તેને જે કંપનીમાં નોકરી જોઈતી હતી, તે માટે તે મેનેજરને પૈસા આપવા તૈયાર હતો અને એ રકમ પણ, નાની નહીં, પૂરા છ મહિનાનો પગાર તેને લાંચમાં એડવાન્સમાં આપવાનો હતો.
આ વાત મને ખટકી. મેં ના પાડી. આવું ન કરાય અને હું તને કરવા પણ નહીં દઉં. આ મારા સિદ્ધાંતની વિરુદ્ધ છે.
ત્યારે તે મારી ઉપર ઉતરી પડ્યો અને બોલ્યો: “પપ્પા, મારે તમારી જેમ આખી જિંદગી ક્લાર્ક બનીને નથી જીવવું. મારે તો સ્માર્ટ નોકરી જોઇએ છે અને આ રકમ લાંચ નથી પણ મારા મતે ઇન્વેસ્ટમેન્ટ છે.”
ત્યારે મેં તેને સમજાવ્યો કે “બેટા, તું ચિંતા ન કર. હું તને તારી આ જ મનગમતી જોબ અપાવી દઈશ, પણ તું થોડી રાહ જો અને મારા પર વિશ્વાસ રાખ.”
ત્યાર પછી મેં મારા સિદ્ધાંતની વિરુદ્ધ જઈને તે કંપનીનાં સી.ઈ.ઓ.ની તપાસ કરી અને તેની સાથે કોઈને કોઈ સંબંધ મળી આવશે તેની મને ખાતરી હતી.
મેં ફેસબુક એકાઉન્ટમાંથી તેનો બાયોડેટા શોધી કાઢ્યો.
અને ખરેખર તે કંપનીનો સી.ઈ.ઓ. મારો મિત્ર નીકળ્યો.
અમે ધોરણ એક થી ચાર પ્રાથમિક શાળામાં સાથે ભણ્યા હતાં. પછી ધોરણ પાંચથી અમારી હાઈસ્કૂલ બદલી ગઈ અને કોલેજ પણ અલગ હતી.
હવે ધોરણ ચાર એટલે કે અમે માંડ નવ વર્ષનાં હોઈશું. તેને ત્યારનું યાદ કેવી રીતે હશે?
પણ ‘ડૂબતો માણસ તરણું ઝાલે’ એ કહેવત અનુસાર એક રજાના દિવસે હું તેના ઘરે પહોંચી ગયો.
મેં તેને મિત્ર તરીકે ઘણી યાદ અપાવી કે “આપણે ત્રીજા-ચોથા ધોરણમાં સ્કૂલમાં સાથે ભણતાં હતા, રિસેસમાં આપણે બેઉ સાથે નાસ્તો પણ કરતા હતા. ત્યારે આપણે બંને સાવ દુબળા-પાતળા હતા.
મિત્ર, યાદ છે તમને કે કોમપ્લાનનો ત્યારે જ જન્મ થયો હતો. એટલે તમે દરરોજ ક્લાસમાં બંને હાથ ઊંચા કરીને બોલતા “આઈ એમ કોમપ્લાન બોય…”
ત્યારે આપણા બધાં મિત્રો સાથે હું પણ તાળી પાડતો હતો.’
આ સાંભળીને તે બોલ્યો: “સરસ, તારી યાદશક્તિને દાદ દેવી પડે. તેં આટલી વાત ન કરી હોત, તો હું તને ઓળખી જ ન શકત. કોમપ્લાન મને બરાબર યાદ છે. હવે તું પણ યાદ આવી ગયો. હવે તું મને તમે નહીં પણ તું કહીંને બોલાવ. આપણે તો બચપણનાં મિત્રો એટલે લંગોટિયા યાર છીએ.
બોલ મિત્ર, મારા જેવું કંઈ કામ હોય, તો કહે.”
પહેલાં તો મેં વિચાર્યું કે, આજેને આજે તેને કામ કહેવું યોગ્ય નથી.
પણ પછી થયું કે, કર્યું તે કામ, આ માટે ફરી પાછું તેને મળવા અવાય કે ન અવાય, તેને આજે જ કહી દઉં.
એમ વિચારીને મેં મારા પુત્ર માટે તેની નોકરી વિશે વાત કરી.
અને કહ્યું: “તેને તારી કંપનીમાં કોઈ જોબ હોય તો ચાન્સ આપજે.”
તો તરતજ તેણે કહ્યું:- “હા, છે ને, તું એમ કર, તારા દીકરાને મારું આ કાર્ડ આપી દેજે અને કાલે સોમવારે બપોરે બરાબર અગિયાર વાગ્યે મારી ઓફિસે આવી અને કાર્ડ બતાવી અને સીધો મારી કેબિનમાં આવી જાય. મને આવી વિશ્વાસુ વ્યક્તિની જ જરૂર છે.”
આમ વાત થઈ એટલે હું રાજી રાજી થતો મારા ઘરે પહોંચ્યો અને મારા પુત્રને આ વાત કરી અને કહ્યું : “ચાલ બેટા, તારું કામ થઈ ગયું. હવે તારે કોઈ વચેટિયાને કંઈ નહીં આપવું પડે.”
આ સાંભળ્યાં પછી પણ તેના ચહેરા ઉપર આનંદ ન દેખાયો.
આ જોઈને હું મુંઝાયો. મેં તરત જ મારી પત્ની તરફ જોયું તો તેને પણ મોઢું ફેરવી લીધું.
મને કંઈ સમજાયું નહીં.
પણ મારું ધ્યાન તેનાં ગળા પર ગયું. તેનાં ગળામાં મંગળસૂત્ર નહોતું.
આથી મેં પૂછ્યું : “આ શું થયું? તારું મંગલસૂત્ર તૂટી ગયું છે? મને આપજે, હું તેને રીપેર કરાવી લાવીશ.”
પણ ત્યારે પત્ની બોલી : “તે તૂટી નથી ગયું, પણ તમે ઘણું મોડું કર્યું.”
“એટલે? હું કંઈ સમજ્યો નહીં?”
“એટલે કે કાલે સોમવારે ઈન્ટરવ્યુ છે, તેથી મારા રાજુએ કહ્યું : ‘મમ્મી, પપ્પા કંઈ નહીં કરે, તું જ કંઈ કર.’ આથી લાંચ આપવા માટે મેં મારું મંગલસૂત્ર તેને વેંચવા માટે આપી દીધું અને તેનાં ઉપરાંત મારી પાસે જે બચત હતી તે પણ તેને આપી દીધી અને હમણાં જ તે પેલા (વચેટિયા) ભાઈને તે આપી આવ્યો છે.
હવે તમે આટલી મોડી ઓળખાણ કાઢી આવ્યા, તેનો શો મતલબ?
હવે કંઈ પેલો પૈસા પાછા નહીં આપે.”
મને પણ થોડો ગુસ્સો આવી ગયો. મેં કહ્યું : “પણ આટલું બધું કરતાં પહેલાં મને પૂછવું તો હતું ને?”
“શું પૂછીએ, તમને? તમે આજ સુધીમાં કર્યું છે જ શું? આખી જિંદગી તમે તમારા નીતિ નિયમોનું પૂછડું પકડીને જ રહ્યા છો. ક્યારે ય તેમાં બાંધછોડ કરી નથી. તો અમને કેમ વિશ્વાસ આવે કે તમે આવું કરવાની હિંમત પણ કરશો.” રાજુએ જવાબ આપ્યો.
“અરે દીકરા, તારા માટે આજે મેં પહેલીવાર મારા સિદ્ધાન્તોને છોડીને આ પગલું ભર્યું છે.
મને ખબર હોત કે, તમને મારા ઉપર જરા પણ વિશ્વાસ નથી, તો હું આજે તમારા માટે મારા આદર્શને નવે ન મુકત.”
…આમાં મેં ખોટું શું કર્યું?
મને તો લાગે છે કે મારા ઘરમાં કોઈને મારી જરૂરત નથી.
તો હવે મારે જીવી ને શું કરવું? તે મા-દીકરો જીવી લેશે તેમની જિંદગી. મારી હવે કોઈને જરૂરત નથી. હજી તો મારા હાથ પગ ચાલે છે, પણ કાલે હું પરવશ થઈ જઈશ, તો આ લોકો મને…
શું કહું? મને તેની કલ્પના કરવી પણ નથી ગમતી.
આથી જ થાય છે કે, હવે મારા જીવને આ રંગમતી નદીમાં જ હોમી દંઉ.
પણ પાછો બીજો વિચાર આવે છે કે, એવું ન કરાય. ભગવાને આ અતિ ઉત્તમ માનવ યોનિમાં જન્મ આપ્યો છે. મારે આપઘાત કરીને મારા ભગવાનનું અપમાન નથી કરવું.
વળી અપમૃત્યુથી તો જીવને પ્રેત યોનિમાં ભટકવું પડે અને હવે તો લોકો પ્રાર્થના સભામાં પણ ‘લૌકિક વ્યવહાર બંધ છે’ તેમ લખે છે.
તેથી દસમા-બારમા ની ક્રિયા તો ભાગ્યશાળીને જ પ્રાપ્ત થાય છે.
આથી આપઘાત તો નહીં કરું, એની બદલે જે પીડા ભગવાને આપી હશે તે હસતાં મુખે ભોગવી લઈશ.
આમ વિચારીને ઘરે પાછો આવ્યો.
રાતનાં ઘણું મોડું થઈ ગયું હતું. બધાએ જમી પણ લીધેલું.
વળી મારી પત્ની મને જમવાનું પૂછવાને બદલે બોલી : “આટલું મોડું કરાય? કંઈ છમ્મકછલ્લું પાસે ગુલછરાં ઉડાવવા ગયા હતા?”
“એવું કંઈ નથી, જરા મોડું થઈ ગયું.” એવું કહીને હું મારા રૂમમાં આવી સુવા લાગ્યો.
એ જોઈને મારી પત્ની બોલી : “ચાલો, ચાલો, હવે જમી લો, મને ખબર છે, તમે પાણીએ ય નથી પીધું. હું મજાક કરતી હતી, એટલું ય ન સમજ્યા?”
ત્યારે મનમાં થયું કે ‘મેં પાણીયે નથી પીધું તેની ખબર છે અને ટોણાં છમ્મકછલ્લુંનાં મારે છે. આ પત્નીને મારે કેવી રીતે સહન કરવી?’
પણ હું ગમ ખાઈ ગયો.
વળી અન્નદેવતાનું અપમાન ન થાય એટલે તેણીએ જે પિરસ્યું હતું તેટલું ખાઈને ઉઠી ગયો.
બીજે દિવસે સોમવાર હતો.
મારો પુત્ર ઈન્ટરવ્યુ આપવા ગયો. તેને મારા કરતાં તે લાંચિયા ઓફિસર પર વધુ વિશ્વાસ હતો.
તે ઉમેદવારોની લાઈનમાં બેઠો હતો અને નામ પ્રમાણે બધાં વારાફરતી અંદર જતાં હતાં.
ત્યાં અગિયાર વાગ્યા એટલે સાહેબની કેબિનમાંથી આવીને પ્યુન બોલ્યો.
“રાજુ મધુસૂદન ત્રિવેદી”
આ સાંભળીને રાજુ ચમક્યો, તેનો વારો તો ઘણો પાછળ હતો. પણ પોતાનું નામ સાંભળીને તે સીધો સાહેબની કેબિનમાં ગયો.
ત્યાં સાહેબે કહ્યું : “આવ, બેટા આવ, તારા પપ્પા મારા મિત્ર છે. તેમના જેવી સિદ્ધાંતવાદી વ્યક્તિ મેં આખી જિંદગીમાં જોઈ નથી. તે સુદામાની જેમ મારી પાસે આવ્યા હતા.
હું કૃષ્ણ તો નથી, એટલે મેં તેમના આવવાનું પ્રયોજન પૂછ્યું, ત્યારે પણ બીતાં બીતાં તેમણે મને તારી વાત કરી.
મને ખાતરી છે કે તું પણ તારા પિતાજી જેવો જ સિદ્ધાંતવાદી હશે. હોય જ ને, કહે છે ને કે બાપ તેવા બેટા.
એટલે હું તને સૌથી મોટી જવાબદારી સોંપવા માંગું છું.
મને જાણવા મળ્યું છે કે મારો એચ.આર. છે, તે બહું જ કરપ્ટેડ છે, તે નોકરી આપવા માટે લાખોની લાંચ લે છે.
મારી પાસે પૂરાવા નથી, નહિતર હું તેને હમણાં જ નોકરીએથી છૂટો કરી દઉં અને તેની જગ્યાએ તારા જેવા ઈમાનદાર માણસને તે પોસ્ટ આપી દઉં.”
હવે રાજુ સલવાયો. તેની પાસે લાંચ આપ્યાનો પુરાવો હતો, પણ જો તે કહે કે, મારી પાસે પુરાવો છે, તો તે નોકરી કરપ્શનથી લેવા માગતો હતો, તેવું સાબિત થાય, તેથી તે પણ કરપ્ટેડ ગણાય, આથી તેના પર વિશ્વાસ રહે નહીં અને તેને નોકરી પણ મળે નહીં. અને જો તે આ વાત ન કરે તો તેને નોકરી તો મળી જાય, પણ તે કરપ્ટેડ સાહેબ ત્યાં જ રહે.
હવે આ સમયે તેને તેના પપ્પા યાદ આવી ગયા, કે તે જો તેની જગ્યાએ હોત તો તે શું કરત? આમ વિચારતાં તેને થયું કે, ભલે નોકરી ન મળે, પણ મારે, મેં પણ કરપ્શન આપ્યું છે, તે વાત મારા સાહેબને તો કરવી જ જોઈએ.
આથી તેણે સાહેબને બનેલી બધી વાત કરી દીધી અને માફી માંગી લીધી.
આ સાંભળી સાહેબે તેને પૂછ્યું : “તે તેને કેટલી રકમ, ક્યારે અને કંઈ જગ્યાએ આપેલી? ત્યાં સી.સી.ટી.વી. છે?
“હા, સાહેબ, મેં મારી મમ્મીનું મંગલસૂત્ર હું સોનીને વેંચવા ગયો હતો, ત્યારે તે મારી સાથે જ આવ્યો હતો, તેથી તે રકમ મેં સોનીની દુકાનમાંથી બહાર આવીને તરત જ તેનાં હાથમાં મૂકેલી અને સોનીની દુકાને અંદર તથા બહાર સી.સી.ટી.વી. પણ હતાં.
આ પૂરાવાઓ સાથે પોલીસ કમ્પલેઈન્ટ કરીને તે એચ.આર.ને સસ્પેન્ડ કરવામાં આવ્યો. આ ઉપરાંત તેણે જેની પાસેથી નોકરી અપાવવાના પૈસા લીધા હતા, તે બધાનાં પૈસા પણ તેની પાસેથી કઢાવીને જેનાં હતાં, તેમને પરત આપવામાં આવ્યા.
પછી સાહેબે તેને તેના પપ્પા સાથે પોતાના ઘરે બોલાવ્યો અને કહ્યું :
“મિત્ર, મને તમારા સિદ્ધાંત ખૂબ જ ગમે છે. હા, તમારો પુત્ર તેમાં ઊણો ઉતર્યો છે, પણ તે આખરે તો તમારું જ લોહી છે, એટલે હું તેને સન્માન સાથે મારી કંપનીમાં એચ.આર.ની પોસ્ટ આપું છું” અને તેણે રાજુને કહ્યું : “બેટા, તને ભલે તારા પપ્પા ચિકણા લાગે, પણ આ દુનિયા તેમના જેવાં સિદ્ધાંતવાદીઓથી જ ટકી રહી છે. અને મને તેવા જ સિદ્ધાંતવાદીની જરૂર છે. જે વ્યક્તિ પૈસા જોઈને ચળી જાય, તેના કેવા હાલ થાય છે, તેની હવે તને તો ખબર જ છે. તેના દિવસો જેલમાં કેવા જશે તેની કલ્પના કરી લેજે.
તો તને કબૂલ છે ને તારા પપ્પાના સિદ્ધાંતો?”
“હા, સાહેબ” કહીને તે સાહેબની સાથે પપ્પાને પણ પગે લાગ્યો.
આમ સિદ્ધાંત જ સર્વોપરી છે અને શાંતિથી ટેન્શન વિના જીવવાનું એકમાત્ર સાધન છે. તે હવે રાજુ ને સમજાઈ ગયું હતું.
ઘરે આવ્યા બાદ પત્નીને આ સમગ્ર ઘટનાની જાણ થાય છે. તેને પોતાની ઉતાવળ, પોતાના કઠોર વેણ અને પતિને ન સમજી શક્યાનો તીવ્ર પસ્તાવો થાય છે. તે આંખમાં આંસુ સાથે પતિ પાસે માફી માંગે છે અને કહે છે કે, “આજે તમારા સિદ્ધાંતોએ જ આપણા ઘરની આબરૂ અને દીકરાનું ભવિષ્ય બચાવી લીધું.”
આ જોઈને મારી આંખો પણ ભરાઈ આવી. હવે મારી સિદ્ધાંતવાદી તરીકેની મારી પીડાનો અંત મારા સિદ્ધાંતને કારણે જ આવ્યો.
102, Cloud 3, Valkeshwari Nagri, B/h Gokul Hospital, Nr. Sat Rasta, Jamnagar – 361 008. Gujarat.
Email: anilanmolstory@gmail.com
![]()

