‘માતૃભાષા મોરી મોરી રે …’, સંપાદક : અનિતા તન્ના અને રમેશ તન્ના, પ્રકાશક : લેખક પોતે, પાનાં 328, રૂ.325, સંપર્ક : 9824034475, 8849609083
આ પુસ્તકમાં ‘જુદાં જુદાં ક્ષેત્રની વ્યક્તિઓએ માતૃભાષા ગુજરાતી વિશે વ્યક્ત કરેલા હૃદયભાવનો સંચય’ છે. પુસ્તકના અઠ્ઠાવન લેખકોમાં સંપાદક દંપતી અને કેટલાક સાહિત્યકારો ઉપરાંત ગૃહિણી, શિક્ષક, પત્રકાર, સમાજસેવક, ગાયક, અભિનેતા, ચિકિત્સક, વ્યાવસાયિક, પૂર્વ સનદી અધિકારી, સરકારી અધિકારી, ચિત્રકાર ઇત્યાદિનો સમાવેશ થાય છે.
આપણા સમયના આ મહત્ત્વના દસ્તાવેજી પુસ્તકનો વિશેષ છે કે તેમાં માત્ર ગૌરવગાન નથી, ક્રિટિકલ દૃષ્ટિકોણ અને વ્યાપક પરિપ્રેક્ષ્ય પણ છે. અધઝાઝેરા લેખો અભ્યાસપૂર્ણ અને ગંભીર છે. તેમાં ભાષા અને માતૃભાષાના અનેકાનેક પાસાંની ચર્ચા છે, જેમ કે ભાષાઓનો લોપ, માતૃભાષા માટેની ચળવળો, અંગ્રેજીનો પ્રભાવ, શહેરીકરણ, પાઠ્યપુસ્તકો, બાળઉછેર, ડાયેસ્પોરા અને બીજા અનેક.
કનુ પટેલના મુખપૃષ્ઠથી ઓપતાં આ પુસ્તકમાં દરેક લેખકના અત્યારના પાસપોર્ટ સાઇઝના ફોટા ઉપરાંત તેમના બાળપણની અને તેમની માતાની એક એક મધ્યમ કદની તસવીરો છે.
* * * * *
‘એવર ગ્રીન ઓલ્ડી‘, લેખક : વિરલ વૈશ્નવ, પ્રકાશક : લે. પોતે, પાનાં 304, રૂ. 350, સંપર્ક : 9909904664
અભાવો વચ્ચે ભણીગણીને શહેરમાં નોકરી કરીને પરિવારને ટેકો કરતી નાયિકા પોતાની કથા અહીં પ્રથમ વ્યક્તિ એકવચન એટલે કે ‘હું’ દ્વારા કહે છે.
સોળ વર્ષની ઉંમરે છાત્રાલયમાં થયેલા જાતીય સતામણીના આઘાતજનક અનુભવ પછી તે જુદી જુદી નોકરીઓ દરમિયાન પુરુષોથી ખૂબ ચેતીને ચાલે છે.
પણ ત્રીસેક વર્ષની ઉંમરે જ્યારે તે એક પ્રતિષ્ઠિત કંપનીમાં નવી નોકરી લે છે ત્યારે તેના પિસ્તાળીસેક વર્ષના ‘સર’નો તેને ઇન્ટરવ્યૂના દિવસથી ખૂબ સારો અનુભવ થાય છે. આ ખાનદાની, દાક્ષિણ્યપૂર્ણ, સંસ્કારી, તંદુરસ્ત અને દેખાવડા બૉસે ઝગડાળુ પત્ની સાથે ફારકત લેવાની અને નાયિકા સાથેના તેના સંબંધને ઘનિષ્ઠ બનવાની પ્રક્રિયને લેખકે સમાંતરે વર્ણવી છે.
અંતે નાયિકા તેને ખૂબ આધાર આપનારા ‘સર’ સાથે ઉંમરનો તફાવત બાજુ પર રાખીને, માતાપિતાને મનાવીને લગ્ન કરે છે. એકંદરે વાચનીય નવલકથાનો મોટો હિસ્સો ‘હું’ અને ‘સર’ના સંબંધોના વિગતવાર રસપ્રદ નિરૂપણમાં રોકાય છે.
‘કોઈ પણ પાત્ર, સ્થળ, વસ્તુ કે વાર-તહેવારનાં નામ વગરની નવલકથા’ લખવાનો લેખકનો પ્રયોગ નવીન છે.
* * * * *

‘બૃહદારણ્યક ઉપનિષદ’, લેખક : મૃદુલા મારફતિયા, પ્રકાશક : ગૂર્જર, પાનાં 60, રૂ.110
‘કદાવર અને મહત્તાયુક્ત ઉપનિષદના પ્રત્યેક અધ્યાયના મહત્ત્વના મુદ્દાઓની’ લેખિકાએ છણાવટ કરી છે. તેમણે સંસ્કૃતમાં ડૉક્ટરેટ મેળવ્યાં બાદ ઘરસંસારની જવાબદારી નિભાવવાની સાથે સાત ઉપનિષદો પર પુસ્તકો લખ્યાં.પ્રસ્તુત પુસ્તક વૃદ્ધાવસ્થાની અનેક શારિરીક અને માનસિક વિટંબણાઓ વચ્ચે પૂરું કર્યું જેનું મરણોત્તર પ્રકાશન પરિવારજનોએ કર્યું.
લેખિકાનું નોંધપાત્ર મંતવ્ય છે : ‘મૂળે સંસ્કૃત ભાષાની જાણકારીનો આભાવ, અધ્યાત્મવિદ્યાનો શુષ્ક (મનાતો) અને કઠિન વિષય, સંક્ષિપ્ત અને પ્રતીકાત્મક એવી આર્ષવાણી ઇત્યાદિને કારણે ઉપનિષદનું અધ્યયન આજે અત્યંત મુશ્કેલ બની રહે છે.’
* * * * *
‘દાદા દાદી આવ્યાં, વાતો મજાની લાવ્યાં‘, લેખક : પ્રહ્લાદ સુથાર ,પ્રકાશક : લેખક પોતે, પાનાં 128, રૂ.140
સત્ત્યાવીસ બાળવાર્તાઓના સચિત્ર સંગ્રહમાં કેટલીક વાર્તાઓ રસપ્રદ છે. એક વાર્તામાં શાળાએ જતાં કિશોરોમાં ભૂતપ્રેતનો ડર ઊભો કરનાર એક મોટેરાનો એક વિદ્યાર્થી સાફ વિરોધ કરે છે.
ગામડાંની શાળાનાં એક શિક્ષિકા મહામારીને પગલે આખા ગામને શાળાના માસ્ક પહેરતું કરે છે. એક માજી ભર તડકે પરબ માંડીને વટેમાર્ગુઓને વિનામૂલ્યે પાણી પિવડાવે છે.
કેટલાંક પક્ષીઓ વિશે વાર્તા કથન દ્વારા માહિતી અપાઈ છે.દાદીના છીંકણીના બંધાણ પર દાદા-દાદી વચ્ચેના કજિયાની વાત પણ છે. પુસ્તકને અંતે સદાચાર અંગેની વીસ સૂક્તિઓ ચિત્રો સાથે મૂકવામાં આવી છે.
પ્રાપ્તિસ્થાન : ગ્રંથવિહાર : 98797 62263
પ્રગટ : ‘પુસ્તક સાથે મૈત્રી’ નામક લેખકની સાપ્તાહિક કોલમની સંવર્ધિત અને વિસ્તૃત આવૃત્તિ, ‘રસરંગ’ પૂર્તિ, “દિવ્ય ભાસ્કર”; 24 માર્ચ 2024
e.mail : sanjaysbhave@yahoo.com
સૌજન્ય : સંજયભાઈ ભાવેની ફેઇસબૂક દીવાલેથી સાદર
![]()


Journalism of Courage એ The Indian Express દૈનિકનું સૂત્ર છે. હંમેશાં તરવરિયા તેજસના વ્યક્તિત્વમાં હિમ્મતના દેકાર-પડકારા હોતા નથી. પણ તેનું ધૈર્ય તેની સ્ટોરીમાં કેવી રીતે છે તે સ્ટોરીમાં જોઈ શકાશે.
