એમનું નામ એમ. ચંદ્રકુમાર છે. લોકો તેમને 'ઑટો ચંદ્રન' તરીકે ઓળખે છે. તે લેખક છે અને કોઈમ્બતુરમાં ઑટો રિક્ષા ચલાવે છે. તેમણે સાત નવલકથાઓ લખી છે. તેમની 'લોક-અપ' નામની નવલકથા પરથી તમિલમાં 'વિસારનાઇ' ફિલ્મ બની હતી, જેને ઓસ્કાર માટે ભારત તરફથી નોમિનેટ કરવામાં આવી હતી.
16મી એપ્રિલે 58 વર્ષના ચંદ્રકુમારે સાબિત કર્યું કે તે રિયલ લાઈફ હીરો છે. શુક્રવારે, લોકડાઉનમાં ઓડિશાની એક સગર્ભા મહિલા કોઈમ્બતુરમાં એક પાર્ટીના કાર્યાલય બહાર અસહ્ય પીડામાં ફસડાઈ પડી. આજુબાજુના લોકો ભેગા થઈ ગયા, પણ કોરોના વાઇરસના ખોફના કારણે કોઈએ તેને હૉસ્પિટલમાં લઈ જવાની હિંમત ના કરી. તેમાંથી એક પાર્ટી કાર્યકરે ચંદ્રકુમારને ફોન કર્યો. ત્યારે ચંદ્રકુમાર જરૂરતમંદ લોકોને જીવનજરૂરી ચીજો પહોંચાડવામાં વ્યસ્ત હતા, એટલે તેમણે પહેલાં તેમની દીકરી જીવાને ફોન કરીને મહિલા પાસે દોડવા કહ્યું, અને પછી ખુદ ત્યાં પહોંચ્યા. સગર્ભા સ્ત્રીએ ત્યાં સુધીમાં ખાસુ લોહી ગુમાવી દીધું હતું અને તે તે પીડાથી આક્રંદ કરતી હતી. લોકોએ એમ્બ્યુલન્સ બોલાવી હતી, પણ કોઈ કારણસર તે પહોંચી ન હતી, એટલે ચંદ્રકુમારે જાતે જ મહિલાને સહાય કરવાનું નક્કી કર્યું. શરૂમાં, બીજી સ્ત્રીઓએ તેને રોક્યો, પણ તેણે ખાતરી આપી કે તેને ડિલિવરીની જાણકારી છે. મિનિટોમાં સ્ત્રીએ પુત્રને જન્મ આપ્યો અને ચંદ્રકુમારે તેને પગેથી પકડીને પીઠ થપથાપાવી, જેથી તે શ્વાસ લેવાનું ચાલુ કરે. દરમિયાનમાં, એમ્બ્યુલન્સ પણ આવી ગઈ હતી અને દીકરી જીવાએ ડોક્ટરોને પરિસ્થિતિની જાણકારી આપી.
પછીથી જીવાએ તેની ફેસબૂક પોસ્ટમાં લખ્યું હતું, "બાળપણથી પિતાએ મને લેસન આપ્યું છે અને નવા અનુભવોની તકો આપી છે, પણ આ તો સાવ જ અનોખો અનુભવ હતો." ચંદ્રકુમારે કહ્યું હતું, "મેં મારા જીવનમાં ઘણી પ્રસૂતિ જોઈ છે. મેં ઑટો રિક્ષામાં એક ડિલિવરી કરાવી હતી અને તે અનુભવ પરથી 2013માં મેં એક વાર્તા પણ લખી હતી. મને ઓડિશાની મહિલાને જોઈને જ ખબર પડી ગઈ હતી તે ટૂંક સમયમાં બાળકને જન્મ આપવાની છે. એ નૉર્મલ ડિલિવરી હતી. મારે કશું કરવું પડ્યું ન હતું."
એમ. ચંદ્રકુમાર બચપણમાં ઝઘડો થતાં ઘરેથી નાસી ગયા હતા અને અનેક શહેરોમાં ફરીને મોટા થયા હતા. એમાં એક વાર ચોરની ગેંગના સભ્ય હોવાની શંકા પરથી પોલીસ તેમને ઉઠાવી ગઈ હતી અને 13 દિવસ સુધી તે 'નર્ક'માં રહ્યા હતા. તેમની 'લોક-અપ' નવલકથા આ અનુભવ આધારિત હતી.
સૌજન્ય : “નિરીક્ષક” − ડિજિટલ આવૃત્તિ; 21 ઍપ્રિલ 2020
![]()


આપણે ગયા સપ્તાહે આ કોલમમાં વાંચ્યું હતું કે કોરોના વાઈરસની મહામારી કેવી રીતે દુનિયાની સરકારોને તેના નાગરિકોની જાસૂસી કરવાનો અવસર પૂરો પાડવાની છે. આ મહામારી માનવ જીવનના ઇતિહાસમાં એક પછી એક મોટા બદલાવ લાવવાની છે. મેડિકલ સાયન્સ સામે એક નવો જ પડકાર ઊભો થયો છે. અનેક અર્થવ્યવસ્થાઓ આજે બેવડ વળી ગઈ છે અને દુનિયા તેમાંથી ઉભરશે, ત્યારે નવા સરવાળા-ભાગાકાર થશે. અંતરરાષ્ટ્રીય સમીકરણો બદલાઈ જશે. વૈશ્વિકીકરણની દિશા ફંટાઈ જશે. લોકો જે છૂટથી પરદેશોમાં ઊડાઊડ કરતા હતા, તેમાં બ્રેક વાગશે. એકબીજાને મળવાની, હાથ મિલાવવાની અને આલિંગનો આપવાની પરમ્પરા બદલાઈ જવાની છે. આપણે અહીં, અમુક હપ્તાઓ સુધી એ જોવાનો પ્રયાસ કરીશું કે આપણે જે દુનિયાને ઓળખીએ છીએ, તે કોરોના વાઇરસના કારણે કેટલી અને કેવી બદલાઈ ગઈ હશે. આજે એમાં ચીનની વાત.