મહાત્મા ગાંધીની 154મી જયંતી પર વર્ધાના સેવાગ્રામમાં ગાંધી કુટિર સામે ઊભો હતો અને વિચારતો હતો કે ‘ક્યા ગાંધીને નમન કરું? એ ચશ્માંવાળા સંતને જે સરકારી જાહેરાતોમાં ખૂણામાંથી જૂએ છે? કે એ ચરખાવાળા દાર્શનિક જે લાઈબ્રેરી / સેમિનારમાં છૂપાયેલ છે? કે ચંપારણવાળા એ આંદોલનજીવીને જે દેશની ધૂળ ફાંકી રહ્યો છે? સડકો પર ભટકી રહ્યો છે?
આજે ગાંધી દરેક જગ્યાએ મોજૂદ છે, ભાષણમાં, પુસ્તકોમાં, મ્યુઝિયમમાં, ચાર રસ્તા પર, નોટ પર. ફાઈવ સ્ટાર હોટલમાં, UNમાં, G-20માં ! ગાંધીની આ સર્વવ્યાપકતા ઉત્સવનો નહીં પરંતુ ચિંતાનો વિષય હોવો જોઈએ. જો દેશમાં ગાંધીના હત્યારાના ખભે હાથ રાખનારા વિદેશીઓ સામે ગાંધીનું નામ જપે તો સમજવું કે કંઈક ગડબડ છે ! ગાંધીના સૌથી હોનહાર પરંતુ વાંકા શિષ્ય રામમનોહર લોહિયાએ ગાંધી હત્યાના થોડાં વરસ પછી ગાંધી વારસા પરના ખતરાને માપી લીધો હતો.
લોહિયાએ ગાંધીવાદીઓને ત્રણ શ્રેણીમાં વહેંચ્યા હતા; પ્રથમ શ્રેણીમાં હતા સરકારી ગાંધીવાદી, જેમાં નેહરુ સહિત અધિકાંશ કાઁગ્રેસી નેતાઓ હતા. બીજી શ્રેણીમાં તેમણે મઠાધીશોને મૂક્યા હતાં, જેમાં કદાચ વિનોબા ભાવે સહિત સર્વોદયના કાર્યકરોને મૂક્યા હતા. લોહિયા માનતા હતા કે આ બન્ને શ્રેણીવાળા ગાંધીના સાચા વારસદાર ન હતા.
જો ગાંધી વારસાને સાચા અર્થમાં કોઈ બચાવી શકે તો તે ત્રીજી શ્રેણીના કુજાત ગાંધીવાદી હતા, જેમાં લોહિયા પોતાને ગણતા હતા. આજના સંદર્ભે લોહિયાનું વર્ગીકરણ પ્રાસંગિક નથી રહ્યું. સરકાર બદલાઈ ગઈ. મઠ પડી ભાંગ્યાં અને ગાંધીવાદી નામની જાતિ જ બચી નથી ! પરંતુ લોહિયાનો સવાલ આજે પણ પ્રાસંગિક છે. ગાંધીના સાચા વારસદાર કોણ છે? આ સવાલ દરેક નવી પેઢીએ પૂછવો પડશે. નવી ઓળખ કરવી પડશે.
ચશ્માંવાળા ગાંધી સંત છે, ભળાભોળા છે. પ્રવચન સારું આપે છે પણ વિચારમુક્ત છે. સફળ સંતોની જેમ સચ્ચાઈ / ભલાઈનો ઉપદેશ આપે છે અને પછી આંખો બંધ કરીને ધન્નાશેઠ ભક્તોને છૂટ્ટા મૂકી દે છે ! આ ગાંધી બાબા એવું પરબીડિયું છે જેમાં આપ મનમરજી મુજબ જે રાખવું હોય તે રાખી શકો છો. સ્વચ્છતા મિશન / NGO / કંપનીઓની જાહેરખબર માટે આ ગાંધી ઉપલબ્ધ છે. પોતાના હત્યારાથી ઘેરાયેલા કારણ વગર હસતા આ 154 વર્ષના વૃદ્ધને દરેક મહેલના ખૂણામાં સજાવી શકાય છે. બ્લેકનો ધંધો કરનારા પોતાની કમાણીને ‘ગાંધી’માં ગણે છે ! આ ગાંધીને જોઈને કોઈએ કહ્યું હશે કે ‘મજબૂરીનું નામ મહાત્મા ગાંધી !’ આ ચશ્માંવાળા ગાંધી, મારા ગાંધી નથી. આ આપણા સમયના જ્યોતિપુંજ ન બની શકે.
ચરખાવાળા ગાંધી દાર્શનિક છે, ગાંધીવાદના જનક છે. પાછલા 2-3 દસકાથી પુસ્તકો અને સેમિનારોની દુનિયામાં આ ગાંધી બહુ જોવા મળે છે. અને કેમ ન હોય? આ ગાંધી ‘હિન્દ સ્વરાજ’ના લેખક છે, પશ્ચિમી સભ્યતાના આલોચક છે. આધુનિકતાના વિકલ્પ છે. દુનિયાને વિકાસની વૈકલ્પિક દિશા દેખાડનાર દૂરબિન છે ગાંધી. આ ગાંધી સત્યના શોધક છે. ‘ઈશ્વર સત્ય છે’થી લઈને ‘સત્ય જ ઈશ્વર છે’ની યાત્રા કરી ચૂક્યા છે. આ ગાંધી દુનિયાને અહિંસાનો પાઠ ભણાવે છે કે હાથ પર હાથ રાખીને બેસવાથી અહિંસા ન જળવાય ! અહિંસા માટે હિંસાનો સક્રિય પ્રતિકાર કરવો જરૂરી છે. સભ્યતાનાં મૂળમાં છૂપાયેલી હિંસાને રોકવી અનિવાર્ય છે.
આ ગાંધી નિ:સંદેહ આકર્ષક છે, આવશ્યક છે, પણ આજના સંદર્ભમાં આ બહુ અધૂરા છે. આજના પડકારોને જોતાં ગાંધીને માત્ર દાર્શનિક બનાવી દેવા ગાંધી સાથે અન્યાય છે. આપણી સાથે પણ. ગાંધીએ કહ્યું હતું કે મારો સંદેશ મારા લખાણોમાં નહીં મારા જીવનમાં છે. જ્યારે ગાંધીનાં સ્વપ્નના ભારત પર પ્રાયોજિત હુમલાઓ થઈ રહ્યા છે, ત્યારે ગાંધીનાં પુસ્તકોનો માત્ર પોપટપાઠ કરવાનો પ્લાન છે ! આજના ગાંધી ચંપારણના આંદોલનજીવી હશે, સત્યાગ્રહના સિપાઈ હશે, સતત સંઘર્ષ અને નિર્માણમાં લીન કર્મયોગી જ આપણા સમયના ગાંધી હોઈ શકે. આ ગાંધી કોઈ વૈચારિક ખાંચામાં બંધાવા તૈયાર નથી. તે જીવનભર પ્રયોગ કરે છે અને દરેક પ્રયોગથી શિખવા તૈયાર છે.

તે અંગ્રેજ રાજ સામે સંઘર્ષ કરે છે, અંગ્રેજો પ્રત્યે ધૃણા કર્યા વગર. તે છૂતાછૂત સામે યુદ્ધ છેડે છે, જાતિ દ્વેષ વધાર્યા વગર. તે અંતિમ વ્યક્તિ સાથે ઊભા રહે છે, તેને મજબૂત કરવા માટે આત્મનિર્ભરતાનું મોડેલ તૈયાર કરે છે. તે દરેક આગને ઓલવવા તેમાં કૂદવા તૈયાર રહે છે. આ ગાંધી રાજનેતા છે, કેમ કે તે જાણે છે કે રાજનીતિ આજનો યુગધર્મ છે. 154 વર્ષનો આ નવયુવાન પોતાના જન્મદિવસે સેવાગ્રામ કે રાજઘાટમાં દેખાતો નથી. તે મણિપુરમાં દરેક ખતરાનો સામનો કરતા ઘૂમી રહ્યો છે. બન્ને તરફથી ગાળો સાંભળી રહ્યો છે, દિલોને જોડી રહ્યો છે, સત્તાને ખરી-ખોટી સંભળાવી રહ્યો છે. તે નૂંહમાં જઈને અગનઝાળ અને બુલ્ડોઝર બન્નેના શિકારને મળી રહ્યો છે. હિન્દુ અને મુસ્લિમોને સમજાવી રહ્યો છે. સરકારની નિષ્ક્રિયતા / નિષ્ફળતા પર આંગળી ઊઠાવી રહ્યો છે. તે લિંચિંગના દરેક શિકારનું દર્દ સહન કરી રહ્યો છે, રામનવમીની આડમાં હુલ્લડ કરનારાઓને સમજાવી રહ્યો છે, તે કાશ્મીરના જખમ પર મલમ લગાવી રહ્યો છે. પાછલા કેટલાંક સમયથી આ ગાંધીએ નવા મિત્રો બનાવી લીધા છે; ભગતસિંહ અને ભીમરાવ આંબેડકર. આ ગાંધીને જોઈને લોકો કહે છે : ‘મજબૂતીનું નામ મહાત્મા ગાંધી !’
[સોજન્ય : યોગેન્દ્ર યાદવ, પ્રસિદ્ધ એક્ટિવિસ્ટ. 2 ઓક્ટોબર 2024]
સૌજન્ય : રમેશભાઈ સવાણીની ફેઇસબૂક દીવાલેથી સાદર
![]()




વિશ્વવિખ્યાત ડચ ચિત્રકાર વિન્સેન્ટ વાન ગૉગનું જીવન આલેખતી, અમેરિકન ચરિત્રકાર Irving Stone – અરવિન્ગ સ્ટોને લખેલી કથા ‘લસ્ટ ફોર લાઈફ’ (1934) વિશ્વભરના વાચકોની પ્રિય કૃતિ છે. આ કૃતિને ‘સળગતાં સૂરજમુખી’ (1994) નામે ગુજરાતીમાં ઊતારવાનું કામ વિનોદ મેઘાણીએ કર્યું છે … ધર્મ અને પુરાણોને લગતાં લાખેક ચિત્રો આંખ તળેથી પસાર થઈ ગયા પછી અરવિન્ગ સ્ટોનને લાગ્યું કે ચિત્રકળા સરસ માધ્યમ હશે, પણ પોતાને માટે એમાં કશો સંદેશો નથી. વધુ ચિત્રો જોવાની તેમની હામ રહી નહોતી. એવામાં એક મિત્રના અત્યાગ્રહથી તેઓ વિન્સેન્ટનાં ચિત્રોનું પ્રદર્શન જોવા ગયા. તેમણે લખ્યું છે : ‘મેં જે અનુભવ્યું તેવું પહેલાં ક્યારે ય અનુભવ્યું નહોતું. મૂઢ બનીને હું ઊભો જ રહી ગયો. વિચારવાની કે શ્વાસ લેવાની શક્તિ પણ ઓસરી ગઈ.’ આ અનુભવ પછી તેમને આ ચિત્રકારના જીવનમાં રસ પડ્યો અને ‘લસ્ટ ફોર લાઈફ’નું સર્જન થયું. Lust for Life – ‘સળગતાં સૂરજમુખી’ પુસ્તક વિશે ધારાસભ્ય જિજ્ઞેશ મેવાણીએ 4 ઓગસ્ટ