દિલ્હીમાં લાગેલી આગમાં ૨૭ કામદારો બળી મર્યા એમાં મોટા ભાગની સ્ત્રીઓ હતી, જેને અસંગઠિત ક્ષેત્ર કહેવામાં આવે છે. એમાં કામદારોમાં રહેલી અસલામતી બધી રીતે પ્રગટ થાય છે. મકાન ધારાધોરણ પ્રમાણે બનાવ્યું ન હતું, એમાં આગ સામે જે સલામતી જોઈએ, તે માટેની સગવડો નહતી. કામદારોને, ખાસ કરીને સ્ત્રી-કામદારોને મહિને ૭,૫૦૦નું વેતન ચૂકવવામાં આવતું હતું. ૨૧ વર્ષની એ છોકરી કુટુંબનો આધાર હતી. કુટુંબમાં મા-બાપ ઉપરાંત, છ બાળકો હતાં. એ બધાંનો આધાર આ છોકરીના પગાર ઉપર હતો. કારણ કે પિતા છેલ્લા દસકાથી કંઈ કામ કરતો નહોતો. છોકરાં બધાં ભૂખ્યા રહેતાં હતાં, એમને પૂરતો ખોરાક મળતો નહોતો.
આ વર્ણન એટલા માટે કર્યું છે કે અસંગઠિત ક્ષેત્રમાં કેવી સ્થિતિ પ્રવર્તે છે, તેનો ખ્યાલ આપણને આવે. આ ક્ષેત્રમાં કામદારોને સ્પર્શતા કોઈ કાયદાનો અમલ થતો નથી. કામના કલાકો નિશ્ચિત હોતા નથી. કામદારોને વેતન ઘણું ઓછું આપવામાં આવે છે. એમાં પણ સ્ત્રી કામદારોને ઓછું વેતન ચૂકવવામાં આવે છે. એમને એવાં કામો સોંપવામાં આવે છે જેમાં કુશળતાની જરૂર ના હોય. એમ માની લેવામાં આવે છે કે સ્ત્રી-કામદારો પૂરક આવક માટે જ કામ કરતાં હોય છે. એમનું શોષણ કરવામાં આવે છે. દિલ્હી જેવા શહેરમાં રૂપિયા ૭,૫૦૦નો પગાર હોય એમાં કુટુંબ સારી રીતે ના જ જીવી શકે એ સમજી શકાય એવી વાત છે. પણ દિલ્હીની બહારથી આવેલા કામદારોને રોજગારીની ગરજ હોય છે. એનો લાભ કારખાનાના માલિકો લે છે.
ઘણાં વર્ષો પહેલાં સ્વીડિશ અર્થશાસ્ત્રી – Gunnar Myrdalએ એક પુસ્તક ‘એશિયન ડ્રામા’ એન ઈન્કવાયરી ઈન ટુ ધ પોવર્ટી ઑફ નાોમ્સ’ નામે લખ્યું હતું, એમાં મુખ્યત્વે ભારતના વિકાસની સમસ્યાઓની ચર્ચા કરવામાં આવી હતી. એમાં એમણે ભારતના રાજ્યને ‘Soft State’ તરીકે વર્ણવ્યું હતું તેનો અર્થ એ થતો હતો કે ભારતમાં કાયદાના અમલની બાબતમાં શિથિલતા પ્રવર્તતે છે. એને કારણે બાંધકામના નિયમોનું પાલન થતું નથી; ફૅક્ટરી કરવા માટે જે મકાન જોઈએ એનો આગ્રહ રાખવામાં આવતો નથી. દિલ્હીમાં જે ફૅક્ટરીમાં આગ લાગી તેમાં એક જ સીડી હતી, એને કારણે કામદારો બહાર જઈ શક્યા નહીં આવા મકાનમાં આગની સામે સલામતી માટે બે સીડીઓ હોવી જોઈએ. આનો અર્થ એ થાય કે ફૅક્ટરી માટે અનુકૂળ મકાન ન હતું, છતાં ય એમાં ફૅક્ટરી કરવામાં આવી હતી અને તે ચલાવી લેવામાં આવ્યું હતું. ૨૭ કામદારોનાં અવસાન પછી બે ભાગીદારોની ધરપકડ કરવામાં આવી છે.
દિલ્હીના મુખ્ય પ્રધાને માર્યા ગયેલા કામદારો માટે રૂપિયા દસ લાખના વળતરની જાહેરાત કરી છે, પણ આવી ઘટનાઓ ઓછી બને એ દિશામાં વિચાર્યું નથી. દેશમાં ૯૦ ટકાથી અધિક કામદારો અસંગઠિત ક્ષેત્રમાં કામ કરે છે. એટલે કે કામદારોની મોટી બહુમતીનો પ્રશ્ન છે. એના પ્રત્યે દુર્લક્ષ કરીને આપણે કામદારોનું કલ્યાણ ના કરી શકીએ. આવી ઘટનાઓ બને, ત્યારે સરકાર વળતર આપીને લોકલાગણીને સંતોષે છે. પણ વહીવટ સુધારીને કાયદાના અમલનો આગ્રહ રાખતી નથી.
સૌજન્ય : “નિરીક્ષક”, 01 જૂન 2022; પૃ. 05