આ કોલમમાં મેં મેહુલ ચોકસી અને નીરવ મોદીને કઈ રીતે દેશની બહાર જવા દેવામાં આવ્યા અને કઈ રીતે તેઓ જગતના જવાબદાર અને સમૃદ્ધ દેશોમાં ફરીને ધંધો કરી રહ્યા છે એની વિગતો આપી હતી. બહાર આવેલી વિગતો એટલી જડબેસલાક છે કે હજુ સુધી સરકાર પક્ષે તેનો કોઈએ જવાબ આપ્યો નથી. જવાબ આપવાની જરૂર પણ શું છે જ્યારે તેઓ સ્વયંસિદ્ધ દેશપ્રેમીઓ હોય. જેઓ લોકોને દેશપ્રેમના અને દેશદ્રોહના સર્ટિફિકેટ આપતા હોય ત્યારે કોઈની મજાલ છે કે તેમની દેશભક્તિ વિષે કોઈ સવાલ કરે? એટલે તો દેશપ્રેમીઓની દેશભક્તિ વિશેની બીજી જડબાતોડ વિગતો પ્રકાશમાં આવી ત્યારે બે-ચાર અપવાદ છોડીને મીડિયાએ ચુપકીદી સેવી હતી.
ભ્રષ્ટાચાર તો કોંગ્રેસીઓ કરે દેશભક્તો ઓછા કરે? તેમના દેશપ્રેમ વિષે શંકા જ કરવાની ન હોય અને જો કોઈ શંકા કરે તો તેમને દેશદ્રોહીનું લેબલ ચોડી દેવાનું જે રીતે સામ્યવાદી દેશોમાં શાસકો સામે શંકા કરનારાઓને મૂડીવાદી દેશોના એજન્ટ અને સર્વહારાના દુશ્મન તરીકે ઓળખાવવામાં આવતા હતા અને સાઈબેરિયામાં ગાયબ થઈ જતા હતા.
હા તો જડબાતોડ વિગતો ડાસ્સો એવિયેશન નામની કંપની સાથે કરવામાં આવેલા રાફેલ લડાકુ વિમાનના સોદાની છે. બે દિવસ પહેલાં ભૂતપૂર્વ કેન્દ્રીય પ્રધાન અરુણ શૌરી, યશવંત સિન્હા અને જાણીતા વકીલ પ્રશાંત ભૂષણે એક પત્રકાર પરિષદ બોલાવી હતી અને તેમાં દસ્તાવેજો ખુલ્લા કરવામાં આવ્યા હતા. આવડું મોટું કૌભાંડ અને તેનાથી પણ વધારે અકળાવનારી ચુપકીદી. ભાગ્યે જ કોઈ મીડિયાએ તેની નોંધ લીધી હતી એટલે તમને તો આ ઘટનાની જાણ પણ નહીં થઈ હોય. મીડિયા અને ભક્તો દેશપ્રેમના યજ્ઞના સમિધા બની ગયા છે. પહેલાંને પૈસા મળે છે અને બીજાને મનગમતું સુખ. [આ પત્રકાર પરિષદનો ઉપલબ્ધ વીડિયો લેખને અંતે આપાયો છે. − વિ.ક.]
હવે સોદાની વિગતો તપાસીએ. ૨૦૦૬માં હવાઈ દળે સંરક્ષણ મંત્રાલયને કહ્યું હતું કે મીગ-૨૧ લડાકુ વિમાનો જૂનાં થઈ ગયાં છે એટલે મીડિયમ મલ્ટી રોલ કોમ્બેટ એરક્રાફ્ટ (એમ.એમ.આર.સી.એ.)ની જરૂર છે. ૨૦૦૭માં ભારત સરકારે ૧૨૬ એમ.એમ.આર.સી.એ .ખરીદવા માટે ઇન્ટરનેશનલ ટેન્ડર બહાર પાડ્યું હતું. કુલ સાત કંપનીઓએ ટેન્ડર ભર્યા હતા, જેમાંથી લશ્કરી અધિકારીઓએ ફ્રેંચ કંપની ડાસ્સોના રાફેલ અને અમેરિકન ટાયફૂનને શોર્ટ લીસ્ટ કરવામાં આવ્યા હતા. એ પછી વાટાઘાટો થઈ હતી અને છેવટે યુ.પી.એ. સરકારે રાફેલ વિમાનો ખરીદવાનો નિર્ણય લીધો હતો. ભાવ પણ તેના બીજી કંપનીઓ કરતાં ઓછો હતો.
૨૦૧૪માં લોકસભાની ચૂંટણી યોજાઈ એના મહિના પહેલાં ૧૩મી માર્ચે ભારત સરકારની હિન્દુસ્તાન એરૉનેટિક લિમિટેડ (એચ.એ.એલ.) અને રાફેલ વિમાન બનાવનાર ડાસ્સો વચ્ચે ભાગીદારીનો કરાર થયો હતો. કરારમાં સમજૂતી એવી હતી કે ભારત સરકાર રાફેલના ૧૮ વિમાન ફ્લાય અવે કન્ડિશનમાં એટલે કે લશ્કર તાત્કાલિક ઉપયોગમાં લઈ શકે એ રીતે આપશે. ૧૨૬માંથી બાકીના ૧૦૮ વિમાનોનું ઉત્પાદન ભારતમાં થશે જેને માટે ડાસ્સો હિન્દુસ્તાન એરૉનોટિકને ટેકનોલોજીને વિમાન બનાવવાની ટેકનોલોજી આપશે. આ રીતે રાફેલ વિમાનોનું ૭૦ ટકા ઉત્પાદન ભારતમાં એચ.એ.એલ. કરશે અને ૩૦ ટકા કામ ડાસ્સો કરશે. વાચકને જાણ હશે કે એચ.એ.એલ. ભારત સરકારની માલિકીની છે અને વિમાન બનાવવાનો ૬૦ વરસનો અનુભવ છે.
૨૦૧૪ના મેં મહિનામાં નરેન્દ્ર મોદી વડા પ્રધાન બને છે અને અનેક સૂત્રોની માફક મેક ઇન ઇન્ડિયાનું સૂત્ર આપે છે. અમને તમારી મૂડી, ટેકનોલોજી અને નફા સામે વાંધો નથી; ઉત્પાદન ભારતમાં કરો એ મેક ઇન ઇન્ડિયાનું તાત્પર્ય છે. એના દ્વારા રોજગારી મળશે, પૂર્જાઓની સપ્લાય કરનારાઓને ધંધો મળશે અને સરકારને કરવેરાની આવક થશે. હવે રાફેલ વિમાનોનું તો ૭૦ ટકા ઉત્પાદન ભારતમાં થવાનું હતું અને ઉપરથી ટેકનોલોજી(નો હાઉ)નો લાભ મળવાનો હતો. માત્ર ૧૮ વિમાન ખરીદવાના અને ૧૦૮ ભારતમાં બનાવવાના.
યુ.પી.એ. સરકારે સોદાને આખરી સ્વરૂપ નહોતું આપ્યું, પરંતુ સોદાની સમજૂતી બની ગઈ હતી. પ્રારંભમાં અરુણ જેટલી સંરક્ષણ પ્રધાન હતા અને તેમણે ક્યારે ય નહોતું કહ્યું કે રાફેલ સોદાની સમજૂતી વિષે ફેરવિચાર કરવામાં આવશે. એ પછી નવેમ્બર ૨૦૧૪માં મનોહર પર્રીકરને સંરક્ષણ પ્રધાન બનાવવામાં આવ્યા હતા અને તેમણે પણ ક્યારે ય નહોતું કહ્યું કે રાફેલ સોદા વિષે પુનર્વિચાર કરવાની જરૂર છે. બધું જ બરોબર ચાલતું હતું અને ૧૦મી એપ્રિલ ૨૦૧૫ના રોજ વડા પ્રધાનની ફ્રાંસની મુલાકાતની તૈયારી ચાલી રહી હતી.
૨૫મી માર્ચે ડાસ્સો કંપનીના સી.ઈ.ઓ.એ અંતિમ સોદાની તૈયારી વિષે સંતોષ વ્યક્ત કરતા કહ્યું હતું કે તેમની એચ.એ.એલ.ના અધ્યક્ષ સાથેની વાતચીત સફળ રહી હતી. બધી જ તૈયારીઓ થઈ ગઈ છે અને સમજૂતીની વિગતો સ્પષ્ટ થઈ ગઈ છે. તેમના શબ્દોમાં: ‘હું કેટલો ખુશ છું એની કલ્પના તમે કરી શકો છો. ડાસ્સો અને એચ.એ.એલ.ની જવાબદારીઓની ભાગીદારી (ટેકનોલોજી આપવાની અને ૭૦ ટકા ઉત્પાદન એચ.એ.એલ. ભારતમાં કરશે)ની બાબતમાં અમે પ્રતિબદ્ધ છીએ. મને હવે ખાતરી છે કે બહુ જલદી સોદા પર હસ્તાક્ષર થવાના છે અને એ વાતે હું ઉત્સાહિત છું.’ આ નિવેદન વડા પ્રધાન ફ્રાંસ જાય એના ૧૬ દિવસ પહેલાનું છે.
વડા પ્રધાન ફ્રાંસ જવાના હતા એના એક અઠવાડિયા પહેલાં ભારત સરકારના વિદેશ સચિવ શું કહે છે જુઓ: ના ના, તેમણે સૂર બદલ્યો હતો એવા અનુમાન પર તમે પહોંચ્યા હો તો તમે ભૂલ કરો છો. તેમણે પણ એ જ વાત કરી હતી જે ડાસ્સોના સી.ઈ.ઓ.એ કરી હતી. તેમણે કહ્યું હતું કે રાફેલ વિમાન બનાવનારી ફ્રેંચ કંપની, દેશનું સંરક્ષણ મંત્રાલય અને હિન્દુસ્તાન એરૉનેટિક લિમિટેડ સોદાને આખરી ઓપ આપી રહ્યા છે. આ ભારતના વિદેશ સચિવનું નિવેદન છે.
૧૦મી એપ્રિલ ૨૦૧૫ના રોજ વડા પ્રધાન ફ્રાંસ જાય છે અને રાફેલના કરવામાં આવેલા સોદામાંથી હિન્દુસ્તાન એરૉનેટિક કંપની ગાયબ થઈ જાય છે. જે કંપની ભારત સરકારની માલિકીની છે અને ૬૦ વરસથી વિમાનો બનાવવાનો અનુભવ ધરાવે છે એ સોદામાંથી સાવ ગાયબ થઈ જાય છે. અચાનક. કોઈ ખુલાસા વિના. નવા સોદા મુજબ ભારત સરકાર ૩૬ વિમાનો રેડી ટુ ફ્લાયની કન્ડિશનમાં ખરીદશે. કેટલા રૂપિયામાં? યુ.પી.એ. સરકારે ઠરાવેલા ભાવ કરતાં બમણી કિંમતે. વડા પ્રધાન ૧૦મી એપ્રિલે ફ્રાંસ હતા અને ૧૩મી એપ્રિલે એ સમયના સંરક્ષણ પ્રધાન મનોહર પર્રીકરે દૂરદર્શનને આપેલી મુલાકાતમાં કહ્યું હતું કે ૧૨૬ વિમાનો ખરીદવાનો સોદો ૯૦ હજાર કરોડ રૂપિયાનો હશે.
ખેલની ચરમસીમા હવે આવે છે. રિલાયન્સ ડિફેન્સ (મૂળ નામ પીપાવાવ શિપયાર્ડ લિમિટેડ, એ પછી નામ બદલીને પીપાવાવ ડિફેન્સ એન્ડ ઓફશોર એન્જિનિયરિંગ કંપની લિમિટેડ, એ પછી નામ બદલીને રિલાયન્સ ડિફેન્સ એન્ડ એન્જિનિયરિંગ લિમિટેડ અને હવે તાજું નામ રિલાયન્સ નેવલ એન્ડ એન્જિનિયરિંગ લિમિટેડ)ના અધ્યક્ષ અનીલ અંબાણી પાછળ પાછળ ફ્રાંસ જાય છે અને રાફેલ વિમાન બનાવવા માટે જોઈન્ટ વેન્ચર કંપનીની રચના કરે છે. કાગળ પર રચના કરે છે, સ્થાપના તો થાય ત્યારે. રિલાયન્સને વિમાન બનાવવાનો શૂન્ય અનુભવ છે. જેમ મોટાભાઈની જીઓ યુનિવર્સિટીને તેની સ્થાપના થાય એ પહેલાં એક્સ્લન્સીનો દરજ્જો આપી દેવામાં આવ્યો હતો એમ નાનાભાઈને કંપની સ્થપાય એ પહેલાં ભારત સરકાર માટે વિદેશી કંપની સાથે મળીને વિમાન બનાવવાનો સોદો આપી દીધો.
કેવો ધગધગતો દેશપ્રેમ! રાષ્ટ્રવાદ હો તો આવો હજો! મેક ઇન ઈન્ડિયા માટે કેવી પ્રતિબદ્ધતા. સરકારના વડા તરીકે પોતાની માલિકીની કંપની માટે કેવો અનુરાગ! હવે જ્યારે સવાલ ઊઠાવવામાં આવે છે ત્યારે સંરક્ષણ પ્રધાન નિર્મલા સીતારામન્ કહે છે કે ફ્રાંસ સરકાર સાથેનો ગુપ્તતાનો ક્લોઝ વચ્ચે આવે છે, એટલે સરકાર વિગતો જાહેર કરી શકતી નથી. ગુપ્તતા? ચૂંટણી પહેલાં તો પારદર્શકતાની વાતો કરવામાં આવતી હતી, તો આ ગુપ્તતા ક્યાંથી આવી? શા માટે સામે ચાલીને કાંડાં કાપી આપ્યાં? દેશદ્રોહી અને ભ્રષ્ટ યુ.પી.એ.ના શાસકોએ તો કાંડાં કાપીને નહોતા આપ્યાં તો દેશભક્તોને એની શી જરૂર પડી?
દેશભક્તિ એક અમલ છે જે બેવકૂફ ભક્તોને કેફમાં રાખે છે. જો સુરતમાં હો તો આટલા સવાલ પૂછી જુઓ:
એક. યુ.પી.એ. સરકારે કરેલી સમજૂતી ખામીવાળી છે એમ નરેન્દ્ર મોદીની સરકારના સંરક્ષણ પ્રધાને, સંરક્ષણ મંત્રાલયની સંસદીય સમિતિએ, લશ્કરી અધિકારીઓએ, સુરક્ષા નિષ્ણાતોએ કે બીજા કોઈએ કહ્યું હતું ખરું?
બે. હિન્દુસ્તાન એરૉનોટિક વિમાનો બનાવવાની ક્ષમતા નથી ધરાવતી એવો ઊહાપોહ કોઈએ કર્યો હતો ખરો?
ત્રણ. મનોહર પર્રીકરે સોદાની કિંમત ૯૦ હજાર કરોડ રૂપિયા બતાવી છે એ વિષે ખુલાસો કેમ કરવામાં નથી આવતો? કમસેકમ રદિયો તો આપો? આનો અર્થે થયો કે દેશના સંરક્ષણ પ્રધાનને સુધ્ધા રિલાયન્સના થઈ રહેલા પ્રવેશની જાણ નહોતી.
ચાર. રિલાયન્સે બહુ અદ્ભુત ટેકનોલોજી હાંસિલ કરી છે અને તે ડિફેન્સ પ્રોડક્શનમાં ક્રાંતિ કરવાની છે એવું કોઈએ કહ્યું છે ખરું? અહીં તો એવું પણ નથી.
પાંચ. જો જો હિન્દુસ્તાન એરૉનોટિકને હટાવી દેવાની હતી તો તેના અધ્યક્ષ વડા પ્રધાન ફ્રાંસ ગયા એના પખવાડિયા પહેલા સુધી ડાસ્સો વાતચીત શા માટે કરતા હતા? શું તેમને પણ અંધારામાં રાખ્યા હતા?
છ. વડા પ્રધાન ફ્રાંસ ગયા એના અઠવાડિયા પહેલાં ભારત સરકારના વિદેશ સચિવ એચ.એ.એલ.નો ઉલ્લેખ કરે છે. ભારતના વિદેશ સચિવને પણ અંધારામાં રાખવામાં આવ્યા હતા?
સાત. હવે કહો તો ખરા કે ભારતને ચોક્કસ શું ભાવે વિમાનો પડવાના છે?
આને ગેમ કરી નાખી કહેવાય. તમે આ નહોતા જાણતા ને?
સૌજન્ય : ‘કારણ તારણ’ નામક લેખકની કટાર, “ગુજરાતી મિડ-ડે”, 13 અૉગસ્ટ 2018
Press conference by Swaraj Abhiyan National President Prashant Bhushan, Yashwant Sinha & Arun Shourie on the biggest defence Scam of our Country i.e. "BJP's Bofors" #Rafale.,
https://www.youtube.com/watch?v=3pYnDNSadq8
![]()


આપણે અહીં રાજકીય પ્રભાવ/જગ્યા(પોલિટિકલ સ્પેસ)ની ચર્ચા કરી રહ્યા છીએ. ભારતીય સમાજમાં એવું શું છે જેને કારણે કૉંગ્રેસને પાંચ પાંચ દાયકા માટે ખાતરીપૂર્વકની રાજકીય જગ્યા મળે જેમાં ૪૦ ટકા જેટલા મત અને બે તૃતીયાંશ બહુમતી તો આસાનીથી મળી જતી હતી. બીજી બાજુ ભારતીય જન સઘ અને હવે બી.જે.પી.ને સત્તા સુધી પહોંચતા છ દાયકા લાગ્યા, સ્પષ્ટ બહુમતી મેળવતા સાત દાયકા લાગ્યા અને બીજી મુદ્દત મળશે કે કેમ એની ખાતરી નથી. આ એ લોકો છે જે શીરાની જેમ ગળે ઊતરી જાય એવી દેશપ્રેમની અને રાષ્ટ્રવાદની દલીલ કરે છે. દેશની બહુમતી પ્રજા કરોડરજ્જુ છે, ભરોસાપાત્ર છે, દેશનું હિત જેટલું તેના હૈયે છે એટલું બીજી કોઈ પ્રજાના હૈયે ન હોઈ શકે, વગેરે. આવી દલીલ તેઓ આજકાલ કરતા થયા છે એવું નથી, સો વરસથી કરે છે. અહીં એ પણ નોંધી લેવું જોઈએ કે કૉંગ્રેસ આવી દલીલનો ખોંખારો ખાઈને વિરોધ કરતી હતી, બીજા શબ્દોમાં કહેવું હોય તો દેશપ્રેમ અને રાષ્ટ્રવાદનો વિરોધ કરતી હતી અને છતાં ભારતની બહુમતી હિન્દુ પ્રજા જન સંઘ/બી.જે.પી.ની જગ્યાએ કૉંગ્રેસને મત આપતી હતી. જરૂર ભારતીય સમાજના સ્વરૂપમાં આનો ઉત્તર હોવો જોઈએ.
મહારાષ્ટ્રમાં બ્રાહ્મણ વિરોધી બહુજન સમાજના નેતાઓ ગાંધીજીના આવ્યા પછી, કોંગ્રેસમાં જોડાઈ ગયા. તેમણે જોયું કે ગાંધીજી સવર્ણ હોવા છતાં બધાને બાથમાં લઈને ચાલે છે. આ બાજુ મહારાષ્ટ્રના કેટલાક બ્રાહ્મણ નેતાઓના ધ્યાનમાં પણ આવ્યું કે ગાંધીજીની બાથ હરિજનો, બહુજન સમાજ, સ્ત્રીઓ અને મુસલમાનો સહિત બધાને સમાવી શકે એવી વધારે પડતી મોટી છે. તેમને એની સામે વાંધો હતો એટલે તેઓ કોંગ્રેસથી દૂર થયા અને હિંદુ મહાસભા અને રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘમાં જોડાયા. મદ્રાસ પ્રાંતમાં ઊંધું થયું. ત્યાં બ્રાહ્મણ કોંગ્રેસીઓ ગાંધીજીની સાથે રહ્યા એટલે બહુજન સમાજે કોંગ્રેસથી છેડો ફાડ્યો. શરુઆતના વર્ષોમાં પેરિયાર રામસ્વામી નાયકર ગાંધીજીના સિપાહી હતા અને મંદિર પ્રવેશના વાયકોમ સત્યાગ્રહમાં ભાગ પણ લીધો હતો.