ગયા વખતના લેખનું સમાપન કરતાં મેં પ્રશ્ન કર્યો હતો : ભારતમાં ઇસ્લામના આગમન પછી આમીર ખુસરો ભારતીય મુસલમાનોનો પહેલો અવાજ હતો. અત્યંત સ્વસ્થ, સર્વસમાવેશક અને સર્વગ્રાહી. એ અવાજ ભારતીય મુસલમાનોનો અવાજ કેમ નહીં બન્યો? એ અવાજને હિંદુઓએ કેમ નહીં ઝીલ્યો અને પડઘો નહીં પાડ્યો? નહોતો ઝીલ્યો અને નહોતો પડઘો પાડ્યો એવું નથી. મધ્યકાલીન સંતોએ અને સૂફીઓએ એ અવાજ ઝીલ્યો હતો અને પડઘો પાડ્યો હતો. પણ પછી વ્યવસ્થિત આયોજનના ભાગરૂપે એ અવાજને શાંત કરવામાં આવી રહ્યો છે.
આ શ્રેણીમાં મને અનુભવ થયો છે કે એ ખુસરોનો અવાજ આપણે ધારતા હતા તેના કરતાં પણ વધારે મોટા પ્રમાણમાં શાંત થઈ ચુક્યો છે. વેદો, ઉપનિષદો, જૈન અને બૌદ્ધ દર્શનની વાત કરતી વખતે જે લોકો ઊછળી ઊછળીને મારા ઓવારણા લેતા હતા એ ઈસ્લામ અને મુસલમાનો માટેના બે સારા શબ્દો જોઈને શાંત થઈ ગયા છે. કેટલાક ટીકા કરવા લાગ્યા છે, કેટલાક મને અજ્ઞાની કહે છે તો કેટલાક સલાહ આપે છે કે મારે હજુ વધારે અભ્યાસ કરવાની જરૂર છે. એમાં તો કોઈ શંકા નથી કે મારે હજુ વધુ ઊંડો અભ્યાસ કરવાની જરૂર છે, પરંતુ મારે જેને આદરણીય કહી શકાય એવા વિદ્વાન ભારતીયે લખ્યા હોય અને તેમના વિચારને પુષ્ટિ આપતા હોય એવા કયા ગ્રંથો જોઈ જવા જોઈએ એ તેઓ બતાવી શક્યા નથી. હજુ પણ બતાવી શકે છે જો તેઓ જાણતા હોય. આગ્રહ માત્ર એટલો કે તે આદરણીય વિદ્વાનનો લખેલો હોવો જોઈએ, કોમવાદી પ્રચારકનો નહીં.
હું જ્યારે વેદો અને ઉપનિષદો વિષે લખતો હતો ત્યારે ભાગ્યે જ કોઈ મુસલમાનને કાંઈ કહેવાનું હતું; પરંતુ જેવું મેં નિરીક્ષણ કર્યું કે ભારતમાં આવેલો ઈસ્લામ મહદ્ અંશે અસ્સલ ઈસ્લામ નહોતો; પરંતુ અભણ, અસભ્ય મુસ્લિમ આક્રમણકારોએ અપનાવેલો અને તેમને સમજાયેલો અધૂરો ઇસ્લામ હતો કે તરત કેટલાક મુસ્લિમ વાચકો મેદાનમાં આવી ગયા હતા. ઇસ્લામ અને અધૂરો? હોય જ નહીં. તમે નાસમજ છો. મેં જ્યારે કહ્યું કે મોટાભાગના ભારતીય મુસલમાનોએ હિંદુ સમાજમાં પ્રવર્તતા સામાજિક ભેદભાવથી છૂટકારો મેળવવા સ્વેચ્છાએ ઈસ્લામ ગ્રહણ કર્યો હતો અને તેમાં બળજબરી કે તલવારે બહુ ઓછો ભાગ ભજવ્યો હતો ત્યારે હિંદુઓને અને મુસલમાનોને એમ બંનેને માઠું લાગ્યું હતું.
જો એક હાથમાં તલવાર અને બીજા હાથમાં કુરાનની થિયરી અપનાવવામાં આવે તો હિંદુ ધર્મમાંની ખામી અને બાપ-દાદાઓ દ્વારા દલિતો પર કરવામાં આવેલા અત્યાચાર એમ બંનેથી એક સાથે છૂટકારો મળી જાય. તલવારની થિયરી હિંદુઓને અપરાધબોધથી મુક્તિ આપે છે એટલે તે તેને ભાવે છે. બીજી બાજુ કેટલાક મુસલમાનો એ વાત સ્વીકારવા તૈયાર નથી કે ભારતના પદદલિતોને ઈસ્લામ દ્વારા ન્યાય મળ્યો હતો. ઇસ્લામ તેમનો ઉદ્ધારક હતો. ઊલટું, તેઓ દાવો કરે છે કે તેમના વડવાઓ વિદેશથી ઇસ્લામ લઈને જ ભારત આવ્યા હતા અથવા તેમના બાપદાદાઓ બ્રાહ્મણ કે બીજી ઉચ્ચ જ્ઞાતિના હતા. જ્ઞાતિકીય ઊંચ-નીચની કેટલી પકડ ભારતીય માનસ પર છે એ આમાં જોઈ શકાય છે. ઈસ્લામ અપનાવ્યા પછી પાંચસો વરસે ભારતીય મુસલમાન પોતાનાં મૂળ બ્રાહ્મણમાં શોધે છે. વાહ રે જ્ઞાતિ!
હિંદુ માનસ, મુસ્લિમ માનસ અને આપસમાં સંબંધોનું સંકુલ-જટિલ જાળું રચનારું ભારતીય માનસ બે જણની સમજમાં બરાબર આવી ગયું હતું. એક હતો કબીર અને બીજા યુરોપિયન, મુખ્યત્વે અંગ્રેજ. કબીર અને અંગ્રેજને સમજાઈ ગયું હતું કે સરેરાશ ભારતીય ‘સ્વ’ સાથે જીવતો નથી. તે પોતાનું વજૂદ અન્યત્ર શોધે છે. ધર્મમાં, સંપ્રદાયમાં, ચોક્કસ જ્ઞાતિમાં હોવાપણામાં કે પછી ચોક્કસ જ્ઞાતિમાં નહીં હોવાપણામાં, ધાર્મિક આડંબરો અને કર્મકાંડોમાં, ભદ્ર અને અભદ્ર (ગ્રામીણ) ભાષામાં, ધોતિયું અને પાઘડીની જ્ઞાતિવાચક વેશભૂષામાં, ગાયમાં અને સૂવરમાં, તિલક અને શીખામાં, ધર્મસ્થાનકોના કોલાહલોમાં, મેળાઓ અને મહોત્સવોમાં અને બીજાં અનેક સ્વરૂપોમાં પ્રત્યેક ભારતીય પોતાનું વજૂદ શોધી રહ્યો છે. માત્ર નીરુપાધિક ‘સ્વ’થી ભાગે છે. હકીકતમાં આ ઘટાટોપ ‘સ્વ’થી ભાગવા માટેનો છે.
પ્રત્યેક ભારતીયમાં ‘સ્વ’નો અભાવ છે અને અન્યત્ર કાંઈક શોધી રહ્યો છે. શું શોધી રહ્યો છે? એક આશ્રય જેનું અવલંબન લઈ શકાય અને બીજો પરાયો અને અંતિમે શત્રુ જેની ખીંટીએ પોતાની મર્યાદાઓને અને નિષ્ફળતાઓને ટીંગાડી શકાય. કોઈકની આંગળી ઝાલો અને કોઈકને ધુત્કારો એટલે ‘સ્વ’ની કવરાવનારી દુનિયાથી છૂટકારો. ઉપર જેટલાં લક્ષણો ગણાવ્યાં એ બધાં એક જ સમયે બન્ને કામ કરે છે. તેનાં હોવામાં આશ્રય પણ મળે છે અને તેના અભાવમાં પરાયો કે શત્રુ પણ મળે છે.

આ આત્મવંચના અર્થાત્ જાતને છેતરવાની પ્રવૃત્તિ છે. આ ભાગેડુપણું છે. ‘સ્વ’થી ભાગવાની વૃત્તિ છે. અન્યત્ર પરનાં અવલંબનો છે. ટૂંકમાં ભારતીય માનસે ‘સ્વ’થી ભાગવા માટે એક આડંબરીય દુનિયા રચી છે જેમાં સત્ત્વ ઓછું છે અને જૂઠાં અવલંબનો વધુ છે. હિંદુ, મુસલમાન અને સવર્ણ ભારતીયનાં આ સ્વભાવલક્ષણો અંગ્રેજો ભારતમાં આવ્યા એ પહેલાં કબીરે પારખી લીધાં હતાં. કબીરનો જન્મ ૧૩૯૯માં થયો હોવાનું અને સો વરસ કરતાં લાંબુ આયુષ ભોગવ્યું હોવાનું કહેવાય છે. એ જે હોય તે, પણ એક વાત નક્કી છે કે કબીરે ભારતભ્રમણ ખૂબ કર્યું હતું. એટલે તેણે માત્ર લખીને અને વિરક્ત થઈને એક જગ્યાએ બેસીને નહીં, પણ લોકોનો સંપર્ક કરીને તેમને સીધા સંબોધીને પણ ઉપદેશ કર્યો હતો.
આખા કબીરસાહિત્યનો નીચોડ એટલો જ છે કે અવલંબનોનો આશરો લેવાનો છોડીને ‘સ્વ’ને ઓળખો. આધ્યાત્મિક અને લૌકિક એમ બન્ને અર્થમાં. ‘સ્વ’ને ઓળખશો તો કિરતાર સાથે પણ તાર જોડાશે અને પડોશી સાથે પણ દિલનો તાર જોડાશે. જ્યાં સુધી પડોશી સાથેનો સંબંધ ગ્રંથિમુક્ત નહીં થાય ત્યાં સુધી કિરતાર સાથેનો તાર સંધાવાનો નથી. પડોશી વિધર્મી પણ હોઈ શકે છે અને વિજાતીય પણ હોઈ શકે છે. બુદ્ધ પછી કબીર એક એવો ફિલસૂફ છે જેણે આધ્યાત્મિક અને લૌકિક એમ બંને ધરાતલ પર કામ કર્યું છે. કાન આમળ્યા પણ છે અને હાથ પણ ઝાલ્યો છે. બુદ્ધ કાન નહોતા આમળતા, કબીર આમળતો. કદાચ તેને એમ લાગ્યું હશે કે બીમારી ઘણી જટિલ છે એટલે માત્ર મીઠો ઉપદેશ આપવાથી ચાલે એમ નથી. ધરાર બંધ કરી દેવામાં આવેલી આંખને ખોલાવડાવવી પડશે. કબીરને મન મોક્ષની પહેલી શરત માણસ હોવું છે. જ્યાં સુધી તમારી અંદર ‘કોઈક’ બેઠો હશે ત્યાં સુધી તે તમને તમારા ‘સ્વ’ને વિસ્તરવા નહીં જ દે. જેવી શંકરાચાર્યની માયા એવો જ કબીરનો પકડી રાખનારો ‘કોઈક’.
થોડાં પ્રમાણો જોઈએ:
हिन्दु की दया, मेहर तुरकन की, दोनों घरसे भागी,
वह करै जिबह, वो झटका मारै, आगि दुओ घर लागी ।
***
हिन्दु कहत है, राम हमारा, मुसलमान रहमाना,
आपस में दोउ लड़ मरते हैं, भेद न कोई जाना ।
***
जो खोदाय मस्जिद बसतु है, और मुलुक केही केरा?
तीरथ-मूरत रामनिवासी, बाहिर केहिका डेरा?
***
वेद-कितेब छाँडी दे पांडे, ई सब मन के भरमा ।
***
साधो, पांडे निपुन कसाई ।
बकरी मारि भेंड़ को धाए, दिल में दरद न आई ।
गाय बधे सो तुरक कहावे, यह क्या उनसे छोटे?
कहैं कबीर, सुनो भाई साधो, कलि के बाम्हन खोटे।
કહત કબીર સુનો ભાઈ સાધો એમ કહીને કબીરે તો આવા હજારો વચનો લખ્યાં છે, પણ તેને સાંભળવામાં નહોતાં આવ્યાં. પંથનો વિરોધ કરનારા કબીરનો પંથ રચાયો કબીરને પણ ઈશ્વરનો અવતાર ગણવામાં આવ્યો.
જો કબીરને સાંભળવામાં આવ્યો હોત તો કબીર પછી ત્રણસો વરસે ભારતમાં શાસક તરીકે સ્થાયી થયેલા અંગ્રેજોને ભારતીય માનસની સંકુલતાને હજુ વધારે જટિલ અને ઘનીભૂત કરવાનો મોકો ન મળ્યો હોત. તેમણે ખાસ પ્રકારે બધાને માફક આવતો ઇતિહાસ લખીને ભારતીય ખરજવાને મીઠું ખરજવું બનાવી આપ્યું હતું. બસ, વલૂરતા રહો અને મજા લેતા રહો! પહેલા બુદ્ધને નકાર્યા, પછી કબીરને નકાર્યો અને અત્યારે ગાંધીજીને નકારવામાં આવે છે.
e.mail : ozaramesh@gmail.com
સૌજન્ય : ‘દૂધનું દૂધ, પાણીનું પાણી’ નામક લેખકની સાપ્તાહિક કટાર, ‘સંસ્કાર’ પૂર્તિ, “સંદેશ”, 03 નવેમ્બર 2019
![]()


રવીન્દ્રનાથ ટાગોરે રાષ્ટ્રવાદ પર ભાષણ આપ્યું એની શરૂઆત જ આ શબ્દોમાં કરી હતી. Our real problem is not political. It is social. This is a condition not only prevailing in India, but among all nations. અને એ પછી આગળ કહે છે, Nationalism is a great menace. It is the particular thing which for years has been at the bottom of India’s troubles. રવીન્દ્રનાથ કહે છે કે ભારતની સમસ્યા રાજકીય નથી, સામાજિક છે અને આવી સ્થિતિ એકલાં ભારતમાં નથી પણ બાકીના દેશોમાં પણ છે. રાષ્ટ્રવાદ એક અભિશાપ છે અને ભારતની સમસ્યાઓનું એ કેન્દ્રવર્તી કારણ છે.
આ એ સમયનું કથન છે જ્યારે ભારતે હજુ આઝાદી મેળવવાની બાકી હતી અને રાષ્ટ્રીય ચેતના જાગૃત કરવા રાષ્ટ્રવાદનો ખપ હતો. જેમ લોકમાન્ય તિલકને લાગ્યું હતું, જેમ અન્ય નેતાઓને લાગ્યું હતું, જેમ કંઈક અંશે ગાંધીજીને પણ લાગ્યું હતું એમ રવીન્દ્રનાથને પણ લાગવું જોઈતું હતું કે પ્રજાકીય જાગરણ માટે રાષ્ટ્રીય ચેતના જરૂરી છે અને તેને માટે રાષ્ટ્રવાદ સશક્ત માધ્યમ બની શકે એમ છે. મેધામાં રવીન્દ્રનાથ, વિવેકાનંદ અને ગાંધીથી ચડે એમ હતા અને તેમની દેશભક્તિ બીજા કોઈ પણ કરતાં ઓછી નહોતી. રવીન્દ્રનાથે દેશને બેઠો કરી દેનારા ગાંધીજીની પીઠ થપથપાવવી જોઈતી હતી અને એની જગ્યાએ કાન આમળે છે. એ બે મહાનુભાવો વચ્ચે સંબંધ કેટલો હાર્દિક હતો અને જીવનપર્યંત રહ્યો હતો તેની વિગતો આપવાની અહીં જરૂર નથી.
આ એ સમયનું કથન છે જ્યારે રૉલેટ ઍક્ટ તરીકે ઓળખાતો કાળો કાયદો ભારતમાં લાગુ કરવામાં આવ્યો હતો અને તેનો વિરોધ કરી રહેલા નિ:શસ્ત્ર લોકો પર અમૃતસરમાં જાલિયાંવાલા બાગમાં નિર્મમ ગોળીબાર કરીને ૩૭૯ લોકોને મારી નાખવામાં આવ્યા હતા. ગાંધીજીએ અસહકારની ચળવળ શરૂ કરી હતી અને દેશ બેઠો થઈ ગયો હતો. ભારતમાં હવે વધારે સમય રાજ કરવું શક્ય નથી એવું અંગ્રેજોને લાગવા માંડ્યું હતું, તે ત્યાં સુધી કે ૧૮મી માર્ચ ૧૯૨૨ના રોજ લંડનમાં આમની સભામાં બ્રિટિશ વડા પ્રધાને નિવેદન કરીને બ્રિટિશ પ્રજાને સધિયારો આપવો પડ્યો હતો કે ભારતમાં બ્રિટિશ સામ્રાજ્ય સલામત છે અને રહેશે.
એક સપ્તાહ તમારી પાસે છે. એ દરમ્યાન તમે ઈચ્છો તો રવીન્દ્રનાથના રાષ્ટ્રવાદ વિશેના ત્રણ પ્રવચનોનો ડૉ. ત્રિદીપ સુહ્રદે ગુજરાતીમાં કરેલો અનુવાદ જોઈ જઈ શકો છો. નવજીવન પ્રકાશન મંદિરે તેનું પ્રકાશન કર્યું છે. એમાં પશ્ચિમનો રાષ્ટ્રવાદ અને જપાનના રાષ્ટ્રવાદ એમ બે નિબંધો વધુ વાંચવા મળશે. નાનકડું પુસ્તક છે એટલે એક અઠવાડિયામાં વાંચી જઈ શકશો. જો અંગ્રેજી વાંચતા હો તો એસ. ઈરફાન હબીબ દ્વારા સંપાદિત ‘ઈન્ડિયન્સ નેશનાલિઝમ’ પુસ્તક પણ જોઈ શકો છો. એમાં મહાદેવ ગોવિંદ રાનડે, સુરેન્દ્રનાથ બેનર્જી, બાળ ગંગાધર ટિળક, લાલા લજપત રાય, બિપીન ચન્દ્ર પાલ, શ્રી અરવિંદો, મૌલાના હુસેન અહમદ મદની, અલ્લામા ઇકબાલ, સરોજિની નાયડુ, પ્રફુલ્લ ચન્દ્ર રાય, મહાત્મા ગાંધી, સરદાર વલ્લભભાઈ પટેલ, જવાહરલાલ નેહરુ, ડૉ. બી.આર. આંબેડકર, સી. રાજગોપાલાચારી, સુભાષ ચન્દ્ર બોઝ, ભગત સિંહ, માનવેન્દ્રનાથ રોય, મૌલાના અબુલ કલામ આઝાદ, ખાન અબ્દુલ ગફાર ખાન, ખ્વાજા અહમદ અબ્બાસ, જયપ્રકાશ નારાયણ અને રવીન્દ્રનાથ ટાગોરનો ઉપરનો નિબંધ એમ કુલ ૨૩ મહાનુભાવોના રાષ્ટ્રવાદ વિશેના વિચારો એક જ સ્થળે મળી રહેશે.
મહારાષ્ટ્ર અનેહરિયાણાની વિધાનસભાનાં અને કેટલીક પેટા ચૂંટણીઓનાં પરિણામો એટલાં મહત્ત્વપૂર્ણ છે કે અહીં એક સપ્તાહ રાષ્ટ્રવાદની ચર્ચા બાજુએ રાખીને પરિણામોની ચર્ચા કરવી જરૂરી લાગે છે. કારણ એ છે કે દેશમાં કેટલાક સમયથી એક રાજકીય પ્રયોગ ચાલી રહ્યો છે જેની સામે પરિણામોએ પડકાર પેદા કર્યો છે.