
રમેશ ઓઝા
ઓક્ટોબર નવેમ્બર મહિનામાં ભારતે રશિયાથી કરવામાં આવતી ક્રુડની આયાતમાં ૩૮ ટકાનો ઘટાડો કર્યો અને ૨૮ નવેમ્બરે ભારત સરકારના વિદેશ મંત્રાલયે જાહેરાત કરી કે રશિયન પ્રમુખ વ્લાદિમીર પુતિન ચોથી અને પાંચમી ડિસેમ્બરે બે દિવસ માટે ભારતની મુલાકાત લેવાના છે. નિવેદનમાં કહેવામાં આવ્યું હતું કે સૂચિત મુલાકાત વડા પ્રધાન નરેન્દ્ર મોદીના નિમંત્રણના પ્રતિસાદરૂપે ગોઠવાઈ છે અને એ રીતે ભારત અને રશિયા વચ્ચેની ૨૩મી વાર્ષિક શિખર પરિષદ યોજાશે.
વાત એમ છે કે ભારત અમેરિકાના દબાણ હેઠળ અમેરિકાને ખુશ કરવા રશિયન ક્રુડની આયાત ઘટાડી રહ્યું છે અને રશિયાને એ પરવડે એમ નથી. એ તો યાદ હશે કે અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે ભારતથી કરવામાં આવતી આયાત પર ૫૦ ટકા ઈમ્પોર્ટ ડ્યુટી (ટેરીફ) લાદી છે જેમાંથી ૨૫ ટકા દંડ રૂપે છે. ભારત જ્યાં સુધી રશિયા પાસેથી ક્રુડ ખરીદવાનું બંધ નહીં કરે ત્યાં સુધી ૨૫ ટકા ટેરીફ પેનલ્ટી રૂપે વસૂલ કરવામાં આવશે. આ નાગાઈ છે. ઉઘાડી નાગાઈ. દાદાગીરી. અમેરિકા દાદાગીરી માટે ખ્યાતિ ધરાવે છે, પણ ટ્રમ્પની દાદાગીરીમાં નાગાઈ છે. ચાર મહિના થવા આવ્યા પણ ટ્રમ્પ ટસના મસ નથી થતા. બે દેશો વચ્ચે વ્યાપાર સમજૂતી કરવા માટે પ્રયાસો ચાલી રહ્યા છે, પણ છ રાઉન્ડની ચર્ચા પછી તેમાં હજુ સફળતા મળી નથી. રશિયા પાસેથી ચીન પણ ક્રુડ ખરીદે છે, પણ અમેરિકાએ રશિયા પર પેનલ્ટી લાદી નથી. ચીન પર અંધાધૂંધ ટેરીફ લાદ્યા પછી ચીને એવો સણસણતો જવાબ આપ્યો કે ટ્રમ્પ કુણા પડી ગયા અને ખુદ ત્રીજા દેશમાં (દક્ષિણ કોરિયા) ચીન સાથે સમજૂતી કરવા ગયા.
એક વાત કબૂલ કરવી રહી કે ચીન જે તાકાત ધરાવે છે એ ભારત ધરાવતું નથી અને એટલે ટ્રમ્પ નાટક અને નાગાઈ કરે છે, વાણિજ્ય સમજૂતી થતી નથી અને ભારતે નાછૂટકે રશિયન તેલની આયાત ઘટાડવી પડી અને એ પણ મામૂલી માત્રામાં નહીં, ૩૮ ટકા. એક મહિનામાં ૩૮ ટકા આયાત ઘટાડી દીધી. એક રીતે એ ભારતની અમેરિકા સામે શરણાગતિ હતી. ભારત હજુ વધુ તેલની આયાત ઘટાડે એ પહેલાં પુતિન ભારત આવી ગયા. રશિયાની પણ મજબૂરી છે. યુક્રેન પર રશિયાએ આક્રમણ કર્યું એ પછી પશ્ચિમના દેશોએ રશિયા પર પ્રતિબંધ મુક્યા છે અને પુતિનને પણ એ દેશો પોતાને ત્યાં બોલાવતા નથી અથવા પ્રવેશવા દેતા નથી. પ્રવાસ પ્રતિબંધ છે. પણ રશિયા પાસે ત્રણ ચીજ છે; એક યુરેનિયમ, બીજી ચીજ છે શસ્ત્રો અને ત્રીજી ચીજ ક્રુડ તેલ. અમેરિકા ખુદ રશિયા પાસેથી યુરેનિયમ ખરીદે છે. ચીન અને ભારત તેલ ખરીદે છે. આ સિવાય ભારત રશિયા પાસેથી શસ્ત્રો પણ ખરીદે છે. ભારત તેની જરૂરિયાતનું ૫૦ ટકા તેલ અને ૭૦ ટકા શસ્ત્રો રશિયા પાસેથી ખરીદે છે. ભારત રશિયાને છોડી શકે એમ નથી અને અમરિકાની ઉપેક્ષા કરી શકે એમ નથી. બાયડન જ્યારે અમેરિકાના પ્રમુખ હતા ત્યારે પણ ભારત આટલી જ માત્રામાં રશિયન તેલ ખરીદતું હતું, પણ તેમણે તેની સામે વાંધો નહોતો લીધો. ટ્રમ્પ કહે છે કે કાં રશિયા અને કાં અમેરિકા. કાં મિત્ર કાં દુ:શ્મન. નાદાનની આ ભાષા છે. પેલી કહેવત છે ને કે નાદાન કી દોસ્તી જાન કા ખતરા. વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ નાદાન સાથે દોસ્તી કરી હતી.
ભારત નથી અમેરિકાને નારાજ કરી શકતું કે નથી રશિયાને છોડી શકતું. તમે એક ચીજ નોંધી? રશિયન પ્રમુખ પુતિને ત્રીજા દેશના દબાણ હેઠળ નહીં આવવા બદલ ભારતની ખુમારીના મોંફાટ વખાણ કર્યા છે જ્યારે કે ભારતના વડા પ્રધાન તેલનો ત અને અમેરિકાનો અ નથી બોલ્યા. પુતિને રશિયા, ચીન અને ભારત વચ્ચે પરસ્પર સહયોગની પણ વાત કરી છે. રશિયા અને ચીને અમેરિકા વિરુદ્ધ ધરી રચી છે જેમાં તે ઇચ્છે છે કે ભારત જોડાય. પણ ભારત માટે એ વિકલ્પ પણ ખુલ્લો નથી, કારણ કે ચીન સાથે ભારતનો સરહદી પ્રદેશનો વિવાદ છે. ચીન છાશવારે લડાખ અને અરુણાચલ પ્રદેશનો પ્રશ્ન ઉઠાવીને ભારતને દબાવે છે. હમણાં પંદર દિવસ પહેલા બહુ આક્રમક ભાષામાં ચીને અરુણાચલ પ્રદેશ પર તેની માલિકીનો પ્રશ્ન ઉઠાવ્યો છે. અત્યાર સુધી આવી ખરાબ ભાષામાં ચીન બોલ્યું નહોતું. હવે ધારો કે ચીન રશિયા પર દબાણ કરે અને રશિયા ભારતને શસ્ત્રો આપવાનું બંધ કરે તો ભારતની શી હાલત થાય? રશિયા ચીનના દબાણને ખાલી શકવા જેટલું શક્તિશાળી નથી. ભારતને સંરક્ષણ માટે પણ અમેરિકા અને બીજા દેશોની જરૂર છે.
ભારત માટે આગળ ખાઈ અને પાછળ કૂવા જેવી સ્થિતિ છે. જાગતિક રાજકારણમાં ભારત જે સંકડામણ અનુભવી રહ્યું છે એટલી સંકડામણ તેણે આજ સુધી અનુભવી નથી. મારી દૃષ્ટિએ આનો ઉપાય છે સ્પષ્ટ ભૂમિકા. સ્પષ્ટવક્તા સુખે ભવેત એમ કહેવાય છે. ખોંખારો ખાઈને ભારતે અમેરિકા, રશિયા અને ચીનને કહી દેવું જોઈએ કે ભારતનું હિત ભારતની પ્રાથમિકતા હશે અને દરેક દેશને પોતાના હિત અનુસાર નીતિ અપનાવવાનો અધિકાર છે. શીતયુદ્ધના દિવસોમાં જવાહરલાલ નેહરુએ ખોંખારો ખાઈને મૂડીવાદી અને સામ્યવાદી દેશોને જણાવી દીધું હતું કે ભારત કોઈ છાવણીમાં નહીં જોડાય. વખતોવખત કારણ વિનાની વિદેશ યાત્રાઓ કરીને, કે ખોટા વખાણ કરીને કે પછી મૂંગા રહીને કોઈને રાજી ન કરી શકાય કે ન વાસ્તવિકતા બદલી શકાય. બીજો ઉપાય છે સાચી તાકાતમાં વધારો કરવાનો. ચીન જે તાકાત ધરાવે છે એવી. સાચી ટકોરાબંધ. એવી તાકાત જેમાં તમે શરતો લાદી શકો અથવા જડબાતોડ જવાબ આપી શકો. ત્રીજો ઉપાય છે ચીન સાથેના સરહદી ઝઘડાનો અંત લાવવાનો. એનો અંત આવતાની સાથે જ જાગતિક સમીકરણો બદલાઈ જશે. ચોથો ઉપાય છે કૃતક રાષ્ટ્રવાદનો નશો છોડીને વાસ્તવિકતા સ્વીકારવાનો.
પ્રગટ : ‘નો નૉનસેન્સ’, નામક લેખકની કટાર, ‘રવિવારીય પૂર્તિ’, “ગુજરાતમિત્ર”, 07 ડિસેમ્બર 2025
![]()



