હરનિશ જાની એ શ્રદ્ધાનો વિષય નથી, હાસ્યનો વિષય છે, એટલે એમને શ્રદ્ધાંજલિ નહીં .., હાસ્યાંજલિ શોભે!
એમને ગુમાવ્યાનું દુ:ખ જરૂર થયું છે .., કારણ એક, હાસ્યકાર ગુમાવ્યો છે .., એ કહેતા “Laughing is a serious matter!”
અમે બંને એક જ ક્ષેત્રમાં હતા, એટલે મને એમને ઓળખવાની તક વધારે મળેલી. વર્ષો પહેલાં કિશોરભાઇના “ગુર્જરી”ના પહેલા અંકથી જ પરિચય થયેલો. “ગુર્જરી”માં એમનો હાસ્ય લેખ વાંચતા વાંચતા જ નક્કી કરી લીધેલું, કે આ માણસ મળવા જેવો છે; અને એ પર ચક્રો ગતિમાન કરી દીધાં! પછી તો એમનો એક પણ લેખ વાંચવાનો બાકી નહીં રાખ્યો !
ફોન, પત્ર દ્વારા મળવાનું થયું, ને અવાર નવાર રૂબરૂ પણ મળવાનું થયું. સામાન્ય રીતે એક બાજુ જાણીતી વ્યક્તિ હોય, અને બીજી બાજુ મારા જેવી સામાન્ય વ્યક્તિ હોય તો કેમેસ્ટ્રી જામે નહીં .., તમે ગમે તેટલાં ફાંફાં મારો પણ દાળ ગળે નહીં. અમારી બાબતમાં ઊલટું થયું! એમને જાણતા પહેલાં એ મને માણતા થઇ ગયા! ક્યાં ય પણ એમનો કાર્યક્રમ હોય, ત્યાં મને પણ રેકમન્ડ કરતા! હ્યુસ્ટન, યુનાઇટેડ કિંગ્ડમ, ન્યુ જર્સી ઘણી જગ્યાએ અમારા કાર્યક્રમો સાથે થયા, એક બાજુ હરનિશ જાનીનો સ્ટેન્ડઅપ કોમેડી શો હોય તો બીજી બાજુ મહેન્દ્ર શાહનો સ્ટેન્ડઅપ કાર્ટૂન શો હોય … બસ ફરક ફક્ત એટલો જ કે હરનિશભાઇ ઊભા ઊભા સ્ટેન્ડઅપ કોમેડી કરતા, ને લોકો બેઠા બેઠા માણતા. મહેન્દ્ર શાહની બાબતમાં લોકો ઊભા ઊભા એમનાં કાર્ટૂન્સ માણતાં ને મહેન્દ્ર શાહ એક ખૂણામાં ખુરસી પર બેસી માણવાવાળાને નીરખતા!
જો કે લોકોને આ કેમેસ્ટ્રી માફક આવી ગયેલી, લોકોને હાસ્ય માણવાના ઓપ્સન્સ મળતા … લોકો એક ખૂણે ઊભા ઊભા કાર્ટૂન્સ જોઇને કંટાળતાં, તો આખું ટોળું બીજા ખૂણે હરનિશભાઇને સાંભળવા જતું રહેતું! હરનિશભાઇને કહેતો, “માફ કરજો, પણ હંમેશાં હું “હરનિશ” લખવામાં કન્ફ્યુઝ થાઉં છું. “ન” ને હ્રસ્વઇ આવે કે દીર્ઘઇ? … એ કહેતા, “ગુજરાતીમાં લખો, તો હ્રસ્વઇ દીર્ઘઇ કંઇ ફરક નથી પડતો, પણ અંગ્રેજીમાં લખો તો એપોસ્ટ્રોપી “S” કરવાનો!
હરનિશભાઇ મારાં કાર્ટૂન્સ પ્રદર્શનના આગ્રહી જ નહીં, પ્રોત્સાહક પણ હતા. અને મિત્રોને મારી ઓળખાણ આપી ખાસ કહેતા, ક્યાંક સાહિત્ય, લિટરરી કે ‘ચાલો ગુજરાત’ના મેળાવડામાં હજ્જારો સાહિત્યકારો, કવિઓ, લેખકો જોવા મળશે પણ કાર્ટૂનિસ્ટ તો એક જ જોવા મળશે!” હંસાબહેન, તમે અને કુટુંબ એકલાં જ નહીં, આપણે બધા હરનિશભાઇને મીસ કરશું! એમને યાદ કરીએ ત્યારે એમના હાસ્ય લેખો, અને કોમેડી યાદ આવે જ ને? અને એ યાદ આવે ત્યારે હોઠો પર હાસ્ય આવે, તો પછી એમને “હાસ્યાંજલિ” કેમ નહીં?
આ સાથે, અવારનવાર પ્રસંગોપાત્ત એમના પર બનાવેલાં કાર્ટૂન્સ રજૂ કરું છું :
એક પ્રસંગ તો ખાસ યાદ રહી જાય એવો, વિપુલભાઇએ એમના “ઓપિનિયન”ના દસમી એનિવર્સરીના કાર્યક્રમમાં અમને લંડન આમંત્રેલા અને દુનિયાની નાનામાં નાની ગાડીમાં કીર્તિદા જોષી, ચંદ્રિકા જોષી − નણંદ ભોજાઇ હોટલ પરથી હરનિશ કપલને પિકઅપ કરી, ચાર જણ અને આઠ બેગો સાથે લંડન સફરે ગયેલાં ! મેં એ પ્રસંગ ઘરે આવતાં જ કાર્ટૂનમાં ઢાળેલો ! એ ય અહીં સાદર …
e.mail : mahendraaruna1@gmail.com