‘આપણા સિનિયર્સ એસોસિયેશનના મેમ્બર – પેલાં જીવીકાકી – ગુજરી ગયાં. તેમનું ફ્યુનરલ ગુરુવારે બપોરે ૧૧ થી ૧ વચ્ચે, ગાર્ડન ઓક ફ્યુનરલ હોમમાં રાખ્યું છે.’
સામાન્ય રીતે કોમ્યુિનટીમાં કોઇ ગુજરી જાય, ત્યારે ઇ-મેઇલ મારફતે મેસેજ મળતા હોય છે. જીવીકાકી નામ તો જાણીતું હતું, પણ ચહેરો યાદ આવતો ન હતો. કદાચ વર્ષોથી કાકી બિમાર હોવાનાં કારણે મિટિંગમાં કે પિકનિકમાં દેખાતાં ન હતાં. આવો શોકસંદેશ મળતાં જ, હું મારા કોમ્પ્યુટર પર ગુજરાતી ફોન્ટ્સમાં શોકસંદેશ કે શ્રધ્ધાંજલિ લખી નાંખું અને બધાંને મોકલાવું. ફ્યુનરલમાં પણ જઉં અને સિનિયર્સના વડીલ તરીકે કોઇ મને માઈક પર બોલાવે તો બે શબ્દો કહું પણ ખરો. મને આ બધાંની સારી ફાવટ છે. છાપામાં ફોટા સહિત ‘ફૂલ ગયું ને ફોરમ રહી ગઈ’, જેવી શ્રદ્ધાંજલિઓ પણ લખી આપું.
એ દિવસે મારે, બે વખત નહાવું પડે. મારી પત્ની ચુસ્ત પુષ્ટિમાર્ગિય વૈષ્ણવ છે. એટલે ફ્યુનરલમાંથી આવ્યા બાદ, મારે તરત જ, ક્યાં ય અડ્યા વગર, બાથરૂમમાં જઈને બધા જ કપડાં કાઢી નાંખીને, પલાળી દઈને સ્નાન કરવું પડે. ઘરમાં પગ મૂકતાં જ ચીસાચીસ કરવા લાગે કે -‘ જોજે ક્યાં ય અડતો નહીં. ખિસ્સામાંથી રૂમાલ કાઢવાનું ભૂલતો નહીં. બધો બોળાવાળો કરી મૂકીશ. મારા ઠાકોરજીને – ’ વગેરે વગેરે .. અને હું એના ઠાકોરજીને મણમણની ચોપડાવતો, નિર્વસ્ત્ર થઈને નહાવા બેસી જઉં. ગાળાગાળી કરું પણ પત્નીના ડરથી એનું કહ્યું તો માનું જ.
હાં ! તો આ કયાં જીવીકાકી ગયાં, એ જાણવા હું ફ્યુનરલમાં ગયો. ૧૬” બાય ૨૦”ની તસ્વીર જોઇને હું જીવીકાકીને ઓળખી ગયો. પહેલી હરોળમાં સફેદ વસ્ત્રો પહેરેલાં એમના આપ્તજનોને જોઇને મને થયું કે અરે! આ બધાંને તો હું ઓળખું છું. ચાર દીકરીઓ, બે દીકરા, પ્રપૌત્રો, ભાઈઓ બધાંને હું ઓળખું. પણ કોઇને, જીવીકાકીને કારમાં લઈને મિટિંગ સ્થળે મૂકવાં આવતાં જોયેલાં નહીં. જીવીકાકી હંમેશાં પાડોશણની રાઈડ લઈને જ આવતાં હતાં. અથવા મારા જેવા પરગજુ વોલન્ટિયરને વિનંતિ કરીને બોલાવી લેતાં. જીવીકાકીનાં નવ પરિવારજનોએ ગળગળાં થઈને, ગળે ડૂમો ભરાઇ જવાના અભિનય સાથે, શ્રદ્ધાંજલિઓ આપી. બેક ગ્રાઉન્ડમાં, કોફિનની પાછળથી, જીવીકાકીનાં બાળપણથી જુવાની અને ઘડપણ સુધીના ખૂબસૂરત ફોટાઓની સ્લાઈડો સ્ક્રીન પર દર્શાવાતી હતી. હું, પણ, કારમાં રાઈડ આપતી વખતે, જીવીકાકીએ કહેલી તેમનાં જીવનની ખાટીમીઠી વાતોને યાદ કરી રહ્યો હતો.
એક બીજા ફ્યુનરલમાં, એક ડોક્ટરના પિતાશ્રી ગુજરી ગયેલા. એમના ભાઇઓ પણ બધા જ ડોક્ટર્સ. સદ્દગત પિતાશ્રી પણ ડોક્ટર હતા, ડાઘુઓની સામે કોફિનમાં મૃતદેહ પડ્યો હતો અને એક પછી એક દીકરાઓ, સદ્દગત પિતાશ્રીને શ્રદ્ધાંજલિ આપતા હતા. એમના એક દીકરા ડોક્ટર આદિત્ય ઐયરે પિતાજીની અંત્યેિષ્ઠ ક્રિયામાં મદદરૂપ થવાં આવેલાં એક રૂપાળાં, પ્રૌઢ સન્નારીને જોઇને, કાંઇક આવી મતલબની શ્રદ્ધાંજલિ આપવા માંડી.
‘આજથી ત્રીસ વર્ષ પહેલાં, હું આ શહેરમાં આવેલો ત્યારે અમે એક નાટક કરેલું. એમાં આ બહેન (પેલા પ્રૌઢ ખૂબસૂરત સન્નારી) પણ એમાં કામ કરતાં હતાં. એ મારા હિરોઇન હતાં. નાટક કરતાં, એના રિહર્સલ /પ્રેક્ટિસ કરવામાં વધારે મજા આવતી. ખરું ને પ્રિયંકાબહેન ? (નામ બદલ્યું છે) …. અને પછી આદિત્ય ઐયર સાહેબ ભૂતકાળની સ્મૃિતઓમાં ખોવાઈ ગયેલા. અને ડાઘુઓ સ્તબ્ધ થઈને જોઇ રહ્યા હતા.
ફ્યુનરલ માં આવા યે નંગ ભટકાઇ જાય છે.
અમારા શહેરના એક ભાઈને જો શ્રદ્ધાંજલિ આપવા માટે માઈક હાથમાં આપીએ એટલે, પોતાની વિદ્વત્તાનું પ્રદર્શન કરવા માટે, સંસ્કૃતમાં ફાડવા માંડે અને પછી ‘ઇતિ, મતિ, બુદ્ધિ’…થી શરૂ કરીને આખી ભીષ્મ-સ્તુિત શરૂ કરી દે. ત્યાંથી નહીં અટકતાં, મતિ અને બુદ્ધિનો તફાવત સમજાવવા માંડે અને મહાભારતના યુદ્ધમાં ભીષ્મપિતામહ, બાણશય્યા પર પડેલા અને શ્રીકૃષ્ણ ભગવાનને બોલાવી પોતાની બે માનસપુત્રીઓનું દાન કરેલું, એની કથા કહેવા માંડે. અમે તો આ બધું અગાઉ પણ એટલી બધી વાર સાંભળેલું કે જેવો એ વક્તા ઊભા થાય કે અમે તો બીડી પીવાં ફ્યુનરલ હોમની બહાર જતા રહીએ, અને પુષ્પાંજલિ સમયે હાજરી આપવા જ આવીએ.
એક બીજા વક્તા શ્રદ્ધાંજલિ આપવા ઊભા થાય કે તરત મૃતદેહના કોફિન સામે બે હાથ જોડીને, ગળગળા થઈ જવાના અભિનય સહિત શરૂ કરે – ‘દાદા…’ શ્રોતાઓમાંથી કોઇ સુધારે – ‘દાદા નથી, દાદી છે.’ એ સાંભળીને સુધારી લે કે – ‘દાદી … છેલ્લા દિવસોમાં તમે મને ફોન કરી કરીને કહેતા કે’ સુધાકર, પેલું ભજન સંભળાવ ને ! અને મને તમારી પાસે આવવાનો સમય જ ન મળ્યો.’ આવો, આપણે બધાં ‘બા’નું પ્રિય ભજન ગાઈને તેમને અંજલિ આપીએ’.
અને પછી એક લાં..બ્બુ ભજન, એમના ખોખરા સ્વરે, આપણા માથે ઠપકારે. પાછું આ જ નાટક બીજી કોઇ ડોશીનાં ફ્યુનરલમાં યે સાંભળવાની આપણે તૈયારી રાખવાની!
હવે તો, ફ્યુનરલ ૧૧ વાગ્યે હોય તો હું ૧૨ કે સવા બાર વાગ્યે જ જઉં, અને વિઝિટર્સ બુકમાં નામ લખીને, કોરિડોરમાં સોફા પર જ બેસું છું અને પુષ્પાંજલિ સમયે, લાઈનમાં ઊભો રહીને, મૃતદેહ સમક્ષ નતમસ્તકે ઊભો રહી, મૃતકનાં અન્ય પરિવારજનો, મારી હાજરીની નોંધ લે એ રીતે, પુષ્પાંજલિ કરીને, દરવાજા પાસે લાઇનસર ઊભેલાં પરિવારજનોને ભેટીને કે જય શ્રીકૃષ્ણ કરીને વિદાય લઉં છું.
ફ્યુનરલની આગલી સાંજે મૃતકના નિવાસસ્થાને ભજન રાખ્યાં હોય, ત્યાં જવાનું હું ટાળી દઉં છું. એનાં બે કારણો – એક તો, સૂતકીને ઘેર જવાથી યે સૂતક લાગે અને કપડાં બોળીને મારી પુષ્ટિમાર્ગિય ભક્તાણી પત્ની મને નવડાવે. અને બીજું, એમના નિવાસસ્થાન પાસે પાર્કીંગ ન મળે અને દૂરદૂર ગાડી પાર્ક કરીને ચાલવું પડે. સોફામાં બેસવાની જગ્યા ન મળે અને નીચે શેતરંજી પર બેસવું પડે તો ટાંટિયા વળતા નથી. વળી ભજન આઠ વાગ્યા પછી જ હોય એટલે રાત્રે ડ્રાઇવ કરવું પડે.
અમુક સમજુ સજ્જનો ફ્યુનરલમાં ચોક્સાઇપૂર્વક અમુક સમયમર્યાદામાં પ્રસંગને સમેટી લેતા હોય છે. બીનજરૂરી વક્તાઓને કે ચીટકુ વિદ્વાનોને માઈક આપવાનું ટાળે છે.
મેં તો મારા રજિસ્ટર્ડ વીલમાં લખી દીધું છે કે મારા અવસાન પછી, ‘દેહદાન’ જ કરી દેવું.
નો ફ્યુનરલ … નો શ્રદ્ધાંજલિઓ…. નો ભીષ્મસ્તુિતઓ … પણ મારી ભક્તાણી પત્ની એ નહીં માને. એ તો કહેશે કે પેલા વિરાટભાઇ કહે છે કે મરનારનો આત્મા તેર દિવસ સુધી ઘરમાં ભટકતો રહે છે. માટે એને પિંડદાન કરવું જોઇએ. અને તેર દિવસ ભજન કીર્તન કરવાં જોઇએ.
બાકી, મારી શ્રદ્ધાંજલિમાં મિત્રોએ આટલું જ કહેવું કે – "નવીન એક પંખીની જેમ આવ્યો, જીવ્યો અને ઊડી ગયો. સૌને રામ રામ, આવજો."
6606 DeMoss Dr. # 1003, Houston, Tx 77074
e.mail : navinbanker@yahoo.com