મુંબઈના કોઈ રસ્તાની ધારે
સમી સાંજના શમિયાણામાં ધીમો ધીમો ધૂપ જલે છે
ઉમાશંકર જોશીએ ક્યાંક એક કિસ્સો નોંધ્યો છે. એક દિવસ યુનિવર્સિટીથી ઘરે જવા નીકળ્યા અને રસ્તામાં ચંપલ તૂટી. સારે નસીબે થોડે દૂર ઝાડ નીચે એક ઘરડો મોચી બેઠો હતો. તેમની પાસે જઈને ચંપલ રિપેર કરવા આપી. રિપેર થઈ ગઈ એટલે મોચી કહે : ‘લો સાહેબ! તમારી ચંપલ.’ ઉમાશંકર ઉવાચ : ‘ભાઈ! મને ‘સાહેબ’ કહેવાની જરૂર નથી. તમે તો ઉંમરમાં મારાથી મોટા છો.’ મોચીએ તરત જવાબ આપ્યો: ‘તમને કોણ કહે છે? હું તો તમારી અંદર જે ‘સાહેબ’ બેઠો છે તેને કહું છું.’ આ સાંભળીને ઉમાશંકર અવાચક. પણ આજે આ વાત યાદ આવવાનું કારણ? કારણ આજે મિસિસ પોસ્ટાન્સ સાથે બજારમાં ફરતાં સૌથી પહેલી વાત કરવી છે બૂટ-ચંપલની દુકાનની.

૧૯મી સદીમાં બનેલો હાથી દાંતના નકશીકામવાળો પટારો
એ જમાનાના મુંબઈમાં બૂટ-ચંપલ વેચતી દુકાનો બહુ ઓછી. અને તૂટેલાં પગરખાં સમાં કરી આપનાર મોચી તો એનાથી ય ઓછા. કારણ? મિસિસ પોસ્ટાન્સના કહેવા પ્રમાણે ચમાર, મોચી, વગેરે ‘અસ્પૃશ્ય’ વર્ગના ગણાય અને એટલે ‘ઉજળિયાત’ વર્ગના લોકો ન તેમની પાસેથી કશું ખરીદે કે ન કશું સમુંનમું કરાવે. બલકે ઘણા લોકો તો કાં પગમાં લાકડાની કે શણ જેવા જાડા કપડાની સપાટ પહેરે, કે પછી ઉઘાડે પગે જ બહાર પણ ચાલે. મંદિરોમાં તો ઉઘાડે પગે જ દાખલ થવું પડે. હા, વિદેશીઓ માટે બજારમાં બે-ચાર દુકાનો ખરી. મોટે ભાગે બંગાળી કારીગરોની. બારેક શિલિંગમાં ત્યાંથી એક જોડ મળી જાય ખરી, પણ કામ ઘણું કાચું. એ લોકો પરદેશી પગરખાંનું અનુકરણ કરવાની મહેનત કરે, પણ તેમાં ખાસ સફળ થાય નહિ. અને એમાં ય પરદેશી સ્ત્રીઓ માટે તો પગરખાંની મુશ્કેલી સૌથી વધુ. ‘જેક્સન’ જેવું અંગ્રેજી નામ ધરાવતી એક દુકાન બજારમાં છે ખરી. એ તમને એકાદ પરદેશી જૂનું કેટલોગ બતાવીને તેમાંથી ડિઝાઈન પસંદ કરવા કહે. તમે પસંદ કરો. બે ચાર દિવસ પછી લેવા જાવ અને જુઓ તો પેલા કેટલોગમાંની ડિઝાઈન અને તમારી સામે જે જોડી મૂકાય તેની વચ્ચે આસમાન-જમીનનો ફરક હોય! અને અહીંના ચમારો ચામડાને પૂરતું કમાવતા જ નથી. એટલે બે-પાંચ મહિનામાં તો તમારાં પગરખાં ચીંથરા જેવાં થઈ જાય.
તો બીજી બાજુ પરદેશીઓને અચરજ થાય એવી વસ્તુઓ પણ મુંબઈની બજારમાં વેચાય છે. આવી એક તે હાથી દાંતની કોતરણી કામ કરેલી વસ્તુઓ. સફેદ બાસ્તા જેવા હાથી દાંતની પટ્ટીઓ પર જે રીતે રંગબેરંગી કપચી કામ કરવામાં આવે છે તે ખરેખર ખૂબ સુંદર હોય છે. ગ્રેટ બ્રિટનથી અહીં આવતા ઘણાખરા લોકો આ જાતની એક-બે વસ્તુ તો પોતાની સાથે લઈ જ જાય છે. એટલે હવે યરપમાં પણ આ સુંદર નકશીકામ ઘણું જાણીતું થયું છે. આવું કામ કરેલા નાના ડબ્બાથી માંડીને ટેબલ-ખુરસી સુધીની વસ્તુઓ અહીં મળે છે. કેટલીક વસ્તુઓની તો આખેઆખી સપાટી જ આ રીતે બનાવેલી હોય છે. તો કેટલીકમાં માત્ર બોર્ડર તરીકે જ તે જોવા મળે છે. વળી કેટલીક વાર તેમાં ચાંદીનો પણ ઉપયોગ થાય છે. આ કળા મૂળ તો સિંધ પ્રદેશની છે, પણ હવે મુંબઈમાં તેના કારીગરો ઘણા જોવા મળે છે. અને કારીગરો દુકાનમાં બેસીને જ કામ કરતાં હોય છે. એટલે તમારી જરૂરિયાત કે રુચિ પ્રમાણેની વસ્તુ પણ બનાવી આપે છે. અને મહેનત મજૂરીની સરખામણીમાં આ વસ્તુઓ પ્રમાણમાં સસ્તામાં મળી રહે છે. હા, ભાવ-તાલ કરવાની આવડત તમારામાં હોવી જોઈએ. અને જો તમારે આવી ઘણી બધી વસ્તુ ખરીદવી હોય તો કારીગર તમારે ઘરે આવીને તમારી જરૂરિયાત પ્રમાણે બનાવી આપે એવી સગવડ પણ થઈ શકે છે.
પણ મુંબઈની બજારમાં સૌથી વધુ નફાકારક ધંધો કયો? તાડી વેચવાનો. બજારમાં દરેક છઠ્ઠી દુકાન તાડીની જોવા મળે છે. આવી દુકાનોની સંખ્યા એટલી તો વધી ગઈ છે કે તે અંગે હવે સરકારે કાયદો કરવો પડ્યો છે. તે પ્રમાણે તાડીની બે દુકાનો વચ્ચે અમુક અંતર રાખવાનું ફરજિયાત છે. જેમની ફરજ કાયદો અને વ્યવસ્થા જાળવવાની છે તેમનું કહેવું છે કે તાડીના વધતા જતા વેચાણને કારણે નાના ગુનાઓનું પ્રમાણ સતત વધતું રહ્યું છે.

તાડ પર ચડતો ભંડારી
અલબત્ત, સૂર્યોદય પહેલાં આ રસ – જેને અહીંના લોકો ‘નીરો’ કહે છે – ઠંડો અને સ્ફૂર્તિદાયક હોય છે. પણ સૂર્યોદય પછી તેમાં આથો આવતો જાય છે અને બને છે તાડી. અને આ તાડી પીધા પછી માણસ છકી જાય છે. અને અહીંના લોકો સોજ્જો મજાનો નીરો પીવાને બદલે નુકશાનકારક તાડી જ પીવાનું પસંદ કરે છે! તાડી બનાવવાનું કામ મુંબઈમાં જોરશોરથી ચાલે છે કારણ અહીં ઠેર ઠેર તાડનાં ઝુંડનાં ઝુંડ જોવા મળે છે. અરે! અહીં તો એક ગલ્લીનું નામ જ છે તાડવાડી! મુંબઈની સમથળ જમીન પર ડાંગરની ખેતી થાય છે, જ્યારે જરા ઉબડખાબડ જમીન પર તાડ અને નાળિયેરીની વાડીઓ જોવા મળે છે. આવી વાડીવાળાઓએ ઝાડ દીઠ સરકારને વરસે એક રૂપિયાનો વેરો ભરવો પડે છે. પણ આ ઝાડની પછીથી ઝાઝી સારસંભાળ રાખવી પડતી નથી, અને ઝાડ લાંબા વખત સુધી આવકનું સાધન બની રહે છે. એટલે અહીંના લોકો આવી વાડીઓ પસંદ કરે છે. આમ તો તાડના હર કોઈ ઝાડમાંથી તાડી મળી રહે, પણ પંખા આકારનાં ઝાડની તાડી સૌથી વધુ સારી – એટલે કે સૌથી વધુ માદક – હોવાનું મનાય છે.

તાડીની દુકાન
તાડીના ધંધામાં મોટે ભાગે ભંડારીઓની બોલબાલા છે. માછીમારોની જેમ આ ભંડારીઓ પણ મુંબઈના મૂળ વતનીઓ હોવાનું મનાય છે. તો કેટલાક કહે છે કે ના. તેઓ મુંબઈ નજીકના દરિયા કિનારેથી અહીં આવીને વસ્યા. વંશપરંપરાગત રીતે તેમનામાં તાડનાં ઊંચાં ઊંચાં ઝાડ પર ઝડપભેર ચડી જવાની કૂનેહ હોય છે. આ ઝાડના થડ પર કુદરતી રીતે જ જે ખાંચા ખાંચા હોય છે તેનો ઉપયોગ કરીને અને સલામતી માટે કમ્મરે દોરડું બાંધીને તે ઝાડની ટોચ સુધી પહોંચે છે. મોટા ભાગના ભંડારીઓ માથે કિરમજી રંગની ટોપી પહેરે છે કે એ જ રંગનું કપડું વીંટાળે છે. ગળામાં કપડાનો કટકો બાંધેલો હોય છે, જે સૂરજનાં આકરાં કિરણોથી તેને બચાવે છે. શરીરનો નીચેનો ભાગ ચામડાના હાફ પેન્ટ જેવા કપડાથી ઢંકાયેલો હોય છે. તેના પર વીંટાળેલા દોરડામાં જરૂરી સાધનો ખોસેલાં હોય છે. ચામડાના પટ્ટા સાથે જોડેલા દોરડાને બીજે છેડે હુક હોય છે જેને તે કુશળતાથી ઝાડના થડમાં ભરાવી દે છે, જેથી તેને નીચે પડવાની બીક ન રહે. તાડનાં ઝાડની ટોચ પરથી જે તાડી મળે તે સૌથી સારી મનાય છે. એટલે તે છેક ટોચ સુધી જઈને થડમાં કાપા પાડે છે અને તાડી નીકળવા લાગે કે તરત માટીની માટલી બાંધી દે છે. રોજ સવાર-સાંજ બે વખત તે આ રીતે ઝાડ પર ચડે છે. તાડીથી ભરાઈ ગયેલી માટલી ઉતારી લે છે અને બીજી ખાલી માટલી તેની જગ્યાએ બાંધી દે છે.
ચારસો- પાંચસો ઝાડવાળી તાડની વાડીનું દૃષ્ય મનોરમ હોય છે. દરેક ઝાડને મથાળે લાલ માટીની માટલી બાંધી હોય છે જે સૂરજના તડકામાં ચમકતી દેખાય છે. ભંડારીઓ આંખના પલકારામાં એક ઝાડ પરથી બીજા ઝાડ પર વાંદરાની જેમ કૂદી કૂદીને પહોંચી જાય છે. તો બીજા કેટલાક ઝાડ નીચે બેસીને પોતાના છરા વગેરેને ધાર કાઢતા હોય છે કે દોરડાની મજબૂતી તપાસતા હોય છે. નહિ નહિ તો ય પચાસ ફૂટ ઊંચા ઝાડ પર સડસડાટ ચડી જવું એ કાંઈ ખાવાના ખેલ નથી. એમાં જીવનું જોખમ પણ ખરું. પણ અનુભવી ભંડારીઓ તો કશી પરવા કર્યા વગર સડસડાટ ઉપર ચડી જાય છે. અને આ કાંઈ એક ઝાડ પર ચડવાની વાત નથી. એક પછી એક કેટલાંયે ઝાડ પર રોજ સવાર-સાંજ ચડે છે ને ઊતરે છે. ઝાડની ટોચ પર પહોંચ્યા પછી આસપાસનું જે દૃષ્ય દેખાય તે તો ઘણું મનોરમ હોય જ. પણ ઝાડ પર ચડેલા ભંડારીની તેજ નજર નીચે ભોંય પર જે બનતું હોય છે તે પણ નોંધતી રહે છે. એમની તીક્ષ્ણ નજર કશુંક પણ અસાધારણ દેખાય તો આપોઆપ તેની નોંધ લઈ લે છે. અંધારાના ઓળા ઊતરે પછી તાડની વાડીમાંથી પસાર થતા રાહદારીઓને ચોર-લૂંટારાનો ભો રહે છે. સોના-ચાંદીનાં ઘરેણાં કે રોકડ રકમ, જે હાથ આવે તે પડાવી લેવા માટે વટેમારગુને ઢોર માર મારતાં આ લૂંટારા અચકાતા નથી. પણ એમને ખબર હોતી નથી કે તેમનો આ કાળો કામો કોઈક ઝાડની ટોચ પરથી એકાદ ભંડારી જોઈ ગયો છે. આવા કિસ્સામાં ઘણી વાર માત્ર એકાદ ભંડારીની જુબાનીને પ્રતાપે ગુનેગાર જેલના સળિયા ગણતો થઈ જાય છે.

સંધ્યા સમયે તાડની વાડી
તાડ, નાળિયેરી, ખજૂરી, વગેરેને આપણે તો ‘પામ ટ્રી’ જેવા એક જ નામે ઓળખીએ છીએ. પણ એ દરેકને પોતાનો આગવો દેખાવ, આગવો પ્રભાવ હોય છે. આવી કેટલીક વાડીઓમાં સ્થાનિક ધનિકોના નાના બંગલા પણ આવેલા હોય છે. જો કે અહીં તેઓ કાયમ માટે રહેતા નથી. પણ શનિ-રવિમાં કે વાર તહેવારે આરામ ફરમાવવા અહીં આવે છે. તો વળી કેટલાક લોકો લગ્નેતર સંબંધો માટે આવા બંગલાનો ઉપયોગ કરતા હોય છે. જો કે તેમણે ભંડારીની બાજ નજરથી સતત બચતા રહેવું પડે છે.
સાંજ ઢળવા લાગે ત્યારે લોકો ઝડપભેર પોતપોતાના ઘર તરફ જવા નીકળી પડે છે અને શહેરના રસ્તા પર ભીડ થઈ જાય છે. બજારમાંના લોકો હવે રસ્તા પર ઠલવાતા જાય છે, અને બજાર ખાલી થતી જાય છે. માલ-સામાન લઈને જતાં બળદ ગાડાંનાં કિચુડ કિચુડ કરતાં પૈડાં ધૂળની નાની નાની ડમરી ઉડાડતા જાય છે. એ ડમરી પર પડતાં આથમતા સૂરજનાં કિરણો કોઈક જૂદું જ મનોરમ દૃષ્ય ખડું કરી દે છે. અને એ જ વખતે રસ્તાની ધારે આવેલી કોઈ દરગાહ પાસેથી લોબાનના ધૂપની સુવાસ વાતાવરણમાં ફેલાતી રહે છે.
અંગ્રેજ બાનુની આ વાત વાંચતાં આપણને તો કવિ વેણીભાઈ પુરોહિતની પંક્તિઓ યાદ આવે :
સમી સાંજના શમિયાણામાં ધીમો ધીમો ધૂપ જલે છે.
વહાલાં જેને જાય વછોડી, એ હૈયું ગુપચૂપ જલે છે.
આવતે અઠવાડિયે આ અંગ્રેજ બાનુની સાથે જશું માટુંગા.
e.mail : deepakbmehta@gmail.com
xxx xxx xxx
(પ્રગટ : “ગુજરાતી મિડ-ડે”; 10 ફેબ્રુઆરી 2024)
![]()


કહેવત એટલે જીવંત ભાષાના દેહ પરનું અત્તરનું પૂમડું. આજે આપણે જેને ‘અભણ’ કહીએ તેવાં સ્ત્રી-પુરુષો પણ વાતચીતમાં કહેવતોનો છૂટથી ઉપયોગ કરે. પણ હવે શહેરીકરણને પ્રતાપે શિક્ષિત વર્ગની રોજની બોલચાલમાં કહેવતોનો ઉપયોગ ઓછો ને ઓછો થતો જાય છે. પણ આપણે ત્યાં મુદ્રણની સગવડ આવી તે પછી સમાજમાં પ્રચલિત કહેવતોને એકઠી કરીને સાચવી લેવાના ઘણા પ્રયત્ન થયા. આવો પહેલો પ્રયત્ન થયો છેક ૧૮૦૮માં, અને તે પણ એક સરકારી નોકરી કરતા અંગ્રેજ ડોક્ટરને હાથે. મુંબઈ ઇલાકામાં કામ કરતા અંગ્રેજ અધિકારીઓ અને પાદરીઓને મદદરૂપ થવાના ઈરાદાથી ડો. રોબર્ટ ડ્રમન્ડે ગુજરાતી-મરાઠી-અંગ્રેજીનું સંયુક્ત વ્યાકરણ લખીને પ્રગટ કર્યું: Illustrations of the grammatical parts of the Guzerattee, Mahratta & English Languages. ગુજરાતી વ્યાકરણની સોદાહરણ સમજણ આપવા ઉપરાંત આ પુસ્તકમાં તેમણે ૧૭૦ જેટલી ગુજરાતી કહેવતો નોંધી છે અને તેનો અંગ્રેજી અનુવાદ પણ આપ્યો છે.
પણ ડ્રમન્ડનું આ પુસ્તક માત્ર કહેવતોનું પુસ્તક નથી. એવું પુસ્તક આપણને પહેલી વાર મળે છે ૧૮૫૦માં. કંપની સરકારમાં ઉચ્ચ હોદ્દાઓ ધરાવનાર એલેક્ઝાન્ડર કિનલોક ફોર્બ્સની સૂચનાથી કવીશ્વર દલપતરામે ‘કથનસપ્તશતી’ નામનું પુસ્તક તૈયાર કર્યું. તેમાં ૭૦૦ કહેવતો સંઘરાઈ છે. દલપતરામનું અ પુસ્તક પ્રગટ થયું ત્યારે જ તેની સામે બે ફરિયાદ ઊઠી. એક તો, સાત સોની સંખ્યા ઘણી ઓછી છે. બીજું ઘણી બધી જાણીતી કહેવતો તેમાં જોવા મળતી નથી. ગુજરાત વર્નાક્યુલર સોસાયટી(આજની ગુજરાત વિદ્યા સભા)એ દલપતરામનું પુસ્તક પ્રગટ કરેલું. ફરિયાદને ધ્યાનમાં લઈને મગનલાલ વખતચંદને બીજું પુસ્તક તૈયાર કરવા સોસાયાટીએ જણાવ્યું. મગનલાલે પોતાનું પુસ્તક પણ ઉતાવળે તૈયાર કર્યું અને ૧૮૫૧માં તો તે પ્રગટ થઈ ગયું. દલપતરામે નહિ સંઘરેલી એવી લગભગ ૧,૮૦૦ કહેવત મગનલાલે પોતાના પુસ્તકમાં સમાવી છે.
૧૮૬૫માં પ્રગટ થયેલું પેશતનજી કાવશજી રબાડીનું ‘કહેવત મુલ ઇઆને ચાલુ વપરાતી કહેવતોની ઉતપતી અને તવારીખનો મુખતેશર શારાઉંશ’ જરા જૂદી ભાત પાડતું પુસ્તક છે. કારણ, અહીં માત્ર કહેવતો સંઘરાઈ નથી, પણ તેની પાછળની કથાઓ પણ લેખકે આપી છે. ૨૦૭ પાનાંના પુસ્તકમાં લેખકે ૪૩ જેટલી કહેવતો પાછળની કથાઓ સમાવી છે. પુસ્તકની ભાષા, અલબત્ત, પારસી ગુજરાતી છે.
માત્ર ૩૨ વરસની ઉંમરે ૧૮૮૮માં જમશેદજી નસરવાનજી પીતીતનું અવસાન થયું તે પહેલાં તેમણે ‘કહેવતમાળા’નો ઘણો મોટો ભાગ તૈયાર કર્યો હતો. પણ તે પુસ્તક પ્રગટ થયું છેક ૧૯૦૩માં. સ્કૂલમાં ભણતા હતા ત્યારથી જમશેદજીને કહેવતો ભેગી કરવાનો શોખ જાગ્યો હતો. તેમણે એકઠી કરેલી દસ હજાર જેટલી કહેવતો ‘કહેવતમાળા’ એવા મથાળા સાથે એ વખતના જાણીતા સામયિક ‘વિદ્યામિત્ર’માં હપ્તાવાર પ્રગટ થઈ હતી. જમશેદજીના અવસાન પછી તેમના નિકટના મિત્ર જીજીભાઈ પેસ્તનજી મિસ્ત્રીએ એ સામગ્રીને સુધારી, મઠારીને ૧૯૦૩માં બે ભાગમાં ‘કહેવત-માળા’ પુસ્તક પ્રગટ કર્યું હતું. આ પુસ્તકમાં લગભગ ૧૨ હજાર જેટલી ગુજરાતી કહેવતો અકારાદિ ક્રમે ગોઠવી છે. અને સાથોઆથ દેશ અને દુનિયાની બીજી ભાષાઓની સમાંતર કહેવતો પણ આપી છે. મહારાષ્ટ્ર રાજ્ય ગુજરાતી સાહિત્ય અકાદમીએ ૨૦૦૯માં આ પુસ્તકનું પુનર્મુદ્રણ કર્યું હતું.
જમશેદજીનું પુસ્તક પ્રગટ થયું તે પહેલાં ૧૮૯૩મા દામુભાઈ ડાહ્યાભાઈ મહેતાનું ‘ગુજરાતી કહેવતો’ પુસ્તક પ્રગટ થયું હતું. દામુભાઈનો જન્મ ૧૮૬૨માં. મુંબઈની એલ્ફિન્સ્ટન કોલેજના વિદ્યાર્થી. ૧૮૮૩માં બી.એ. અને ૧૮૮૫માં એમ.એ. અને બી.એસસી. થયા પછી ૧૮૮૭માં એલ.એલ.બી.ની ડિગ્રી મેળવી. પછી વડોદરા ટ્રેનિંગ સ્કૂલના હેડ માસ્ટર તરીકે નોકરીની શરૂઆત કરી. પછી શિક્ષણ ખાતામાંથી ન્યાય ખાતામાં ગયા અને અમરેલી પ્રાંતના જજ બન્યા. આ પુસ્તક પ્રગટ થયું ત્યારે તેઓ વડોદરાના એક્સ્ટ્રા આસિસ્ટન્ટ જજ હતા. પુસ્તકની પ્રસ્તાવના વાંચતાં જણાય છે કે કોલેજના અભ્યાસ દરમ્યાન અંગ્રેજી કહેવાતોના સંગ્રહ તેમના જોવામાં આવેલા. ત્યારથી તેમણે મનોમન નક્કી કરેલું કે ગુજરાતી ભાષાનો આવો કહેવત સંગ્રહ તૈયાર કરવો. એટલે કોલેજમાં ભણતા હતા ત્યારથી જ તેમણે ગુજરાતી કહેવતો એકઠી કરવાનું શરૂ કર્યું. એ માટે ઘણાં પુસ્તકો વાંચ્યાં. વડોદરા રાજ્યની નોકરીમાં જોડાયા પછી પણ તેમણે આ કામ ચાલુ રાખ્યું. “કહેવતોનો સંગ્રહ એટલો મોટો થઈ ગયો કે તેનાં કાગળીઆંઓ સાચવી રાખવાનું કામ પણ કઠણ થવા લાગ્યું.” એટલે આ પુસ્તક તેમણે છપાવવાનું નક્કી કર્યું. પ્રસ્તાવના પછી દામુભાઈએ કહેવત વિષે વિસ્તૃત નિબંધ લખ્યો છે.

