ઓગણીસમી સદીમાં મુંબઈ ઈલાકામાં ગુજરાતી મુદ્રણનો આરંભ થયો ત્યારે છાપખાનાનું બધું કામ હાથ વડે કરવું પડતું. હાથ વડે ચાલતા યંત્ર પર એક કલાકમાં ૨૪૦ થી ૪૮૦ નકલ છાપી શકાતી, કાગળની એક બાજુએ. આ નકલો પરની શાહી સૂકાઈ જાય પછી જ કાગળની બીજી બાજુ પર છાપકામ થઈ શકતું. યુરોપ અને બ્રિટનમાં પણ ૧૮૧૨ સુધી હાથ વડે ચાલતા મશીન પર જ છાપકામ થતું. ૧૮૧૨ના અરસામાં તેને બદલે સ્ટીમ પ્રેસ પ્રચલિત બનવા લાગ્યાં. જેમાં મશીન શરૂઆતમાં કલાકની ૮૦૦ નકલ છાપી શકતાં પણ ૧૮૧૮ સુધીમાં તે ઝડપ વધીને ૨૪૦૦ પાનાં જેટલી થઈ. આ જ અરસામાં અગાઉ વપરાતાં ફલેટબેડ મશીનને બદલે રોટરી સિલિન્ડરવાળાં મશીન કામ કરતાં થયાં. તેના પર કાગળની બંને બાજુ એક સાથે છાપી શકાતું. જો કે આવાં મશીન અખબારો છાપવા માટે જ વપરાતાં. પુસ્તકો છાપવા માટે તો ફલેટબેડ કે પછીથી આવેલાં પગથી ચલાવાતાં ટ્રેડલ મશીન જ વપરાતાં. જો કે મુંબઈ ઈલાકામાં સ્ટીમ પ્રેસ, રોટરી સિલિન્ડર પ્રેસ, ટ્રેડલ મશીન કયારથી વપરાતાં થયાં તેની માહિતી મળતી નથી. પણ ૧૯મી સદીની છેલ્લી પચીસીમાં આ પ્રકારનાં કેટલાંક છાપખાનાં મુંબઈ શહેરમાં તો હતાં જ. ૧૯૧૧થી મુંબઇ શહેરમાં વીજળીનો ઔદ્યોગિક વપરાશ શરૂ થયો. પણ શરૂઆતમાં તો સુતરાઉ કાપડની મિલ જેવા મોટા ઉદ્યોગો જ વીજળી વાપરતા થયા. મુદ્રણ જેવા લઘુ ઉદ્યોગોમાં તો વીજળીનો વપરાશ ઘણો મોડો શરૂ થયો.
છાપવા માટેનાં મશીન બદલાયાં, તેમની ઝડપ વધી, પણ ૧૭૯૭થી માંડીને ૨૦મી સદીનાં છેલ્લાં વર્ષો સુધી ગુજરાતી પુસ્તકોનું મોટા ભાગનું છાપકામ હેન્ડ કમ્પોઝ વડે થતું. તેમાં એક એક અક્ષરનું બીબું હાથ વડે ગોઠવવું પડતું જે કામ કમ્પોઝિટરો કરતા. હેન્ડ કમ્પોઝમાં વપરાતાં બીંબા વધુ સુઘડ અને સુડોળ થયાં, તેનું ટાઇપ ફાઉન્ડ્રીઓમાં મોટે પાયે ઉત્પાદન થવા લાગ્યું, છતાં એક અક્ષર માટે એક બીબું એ મૂળભૂત વાત તો જેમની તેમ રહી.
આમાં આમૂલ પરિવર્તન આવ્યું છેલ્લાં કેટલાંક વર્ષોમાં કમ્પ્યુટરના ઉપયોગને કારણે. જો કે દેશની બીજી કેટલીક ભાષાઓની સરખામણીમાં આપણે આ સગવડ જરા મોડેથી અપનાવી. હવે ધાતુનાં બીબાં જ રહ્યાં નથી એટલે તેની સાથેનો સરંજામ પણ રહ્યો નથી. હવે નથી તો મૂળ લખાણના કાગળ પર શાહીના ડાઘ પડતા. અક્ષરોના વળાંક તો જેવા હતા તેવા જ રહ્યા છે, થોડાક નજીવા ફેરફારને બાદ કરતાં – પણ હવે લખાણ કમ્પોઝ કરવાને બદલે ડેટા એન્ટ્રી વડે કમ્પ્યુટર પર તૈયાર થાય છે. ભાંગેલા, ઘસાયેલા, ખોટા માપના ટાઇપ બદલવા પડે એવું હવે રહ્યું જ નથી. એકંદરે છાપકામની સમગ્ર પ્રક્રિયા વધુ સહેલી, ઝડપી, સ્વચ્છ-સુઘડ અને ઓછી ખર્ચાળ બની છે. અખબારો અને સામયિકો માટે જ નહીં, પુસ્તકો છાપવા માટે પણ આ નવી પદ્ધતિ ઝડપથી પ્રચલિત બની છે.
આજે મુંબઈ જેવાં શહેરમાં ગુજરાતી લેટર પ્રેસ ભાગ્યે જ જોવા મળે. વળી કમ્પોઝ કામ અને મુદ્રણ એક જ સ્થળે થાય એ પણ હવે જરૂરી રહ્યું નથી. ડેટા એન્ટ્રી એક શહેરમાં થાય, તૈયાર થયેલાં પાનાં ઇમેલથી મોકલાવાય અને છાપકામ સેંકડોં માઇલ દૂરના શહેરમાં થાય એ હવે સ્વાભાવિક વાત બનવા લાગી છે.
જો કોઈ મોટો અવરોધ હોય તો તે એ છે કે મોટાભાગના ગુજરાતી ફોન્ટ (ટાઇપ) યુનિકોડ – આંતરરાષ્ટ્રીય સ્વીકૃત ધોરણ – પ્રમાણેના નથી. તેથી એક ફોન્ટ વાપરીને તૈયાર કરેલું લખાણ બીજા ફોન્ટમાં બદલવાનું કે છાપવાનું મુશ્કેલ છે. આથી ઘણીવાર એક કરતાં વધારે વાર ડેટા એન્ટ્રી કરવી પડે છે. તેથી સમય, શ્રમ અને પૈસાનો બગાડ થાય છે. વખત જતાં આવી મુશ્કેલીઓ દૂર થશે એવી આશા રાખી શકાય. નોન-યુનિકોડ ફોન્ટનું યુનિકોડ ફોન્ટમાં રૂપાંતર કરવા માટેની સગવડ એ આ દિશાનું પહેલું પગલું છે, પણ ખરી જરૂર નોન-યુનિકોડ ફોન્ટનો ઉપયોગ કરવાનું ટાળવાની છે. આજે હવે હેન્ડ કમ્પોઝ માટે ધાતુના ટાઈપ વાપરીને લેટર પ્રેસથી છાપકામ કરવાનું લગભગ બંધ થઈ ગયું છે. પણ કમ્પ્યુટરના સ્ક્રીન પર તેના લીસોટા તો રહી ગયા છે.
(વધુ હવે પછી)
સૌજન્ય : ‘ફલેશબેક’, દીપક મહેતા સંપાદિત ‘અક્ષરની આરાધના’, “ગુજરાતમિત્ર”, 06 અૉક્ટોબર 2014
![]()


(૧૯૧૪ના ઓક્ટોબરની પંદરમી તારીખે જન્મેલા મનુભાઈ પંચોળી ‘દર્શક એટલે આપણા એક મોટા ગજાના સર્જક, મૌલિક ચિંતક, સંનિષ્ઠ શિક્ષક, અને જાહેર જીવનના સદા જાગૃત રખેવાળ. દર્શકની દીપનિર્વાણ નવલકથાને ઉમાશંકર જોશીએ ગોવર્ધનરામની નવલકથા પછીની એક અગ્રગણ્ય નવલકથા તરીકે ઓળખાવી છે. આજથી બે-અઢી હજાર વર્ષ પહેલાંના ભારતને પાર્શ્વભૂમિ તરીકે રાખીને લેખકે સુચરિતા, સુદત્ત, અને આનંદ વચ્ચેનો પ્રણયત્રિકોણ અહીં આલેખ્યો છે. આ નવલકથાના મુખ્ય સ્ત્રીપાત્ર સુચરિતાની વાત તેની જ એકોક્તિ રૂપે સાંભળીએ, દર્શકની જન્મ શતાબ્દી નિમિત્તે)
મૌલિક અને અનુવાદિત મળીને કુલ ૧૪ નાટક લખનાર રણછોડભાઈ ઉદયરામ દવેનો જન્મ ૧૮૩૭ના ઑગસ્ટની નવમી તારીખે નડિયાદ નજીકના મહુધા નામના ગામમાં. બાળપણમાં મહુધામાં ભવાઈના વેશો જોયેલા. બાળપણથી જ અવાજ સારો. દસેક વર્ષની ઉમ્મરે વૈજનાથ મહાદેવના મંદિરમાં શિવપાર્વતીનાં સ્તોત્રો ગાઈને તેમણે લોકોને મુગ્ધ કરેલા. પ્રાથમિક શિક્ષણ મહુધામાં લીધું. સુરતના મિસ્ટર ગ્રેહામ પરીક્ષા લેવા આવેલા ત્યારે રણછોડભાઈની તેજસ્વિતાથી પ્રભાવિત થઈ અંગ્રેજીના અભ્યાસ માટે પોતાની સાથે સુરત લઈ જવાની તૈયારી બતાવી. પણ કુટુંબીજનો બાળક રણછોડને આટલે દૂર સુધી મોકલવા તૈયાર ન થયા, એટલે રણછોડભાઈ નડિયાદ જઈ એક ખાનગી શિક્ષક પાસે અંગ્રેજી શીખ્યા. નડિયાદમાં હરિદાસ વિહારીદાસ અને મનસુખરામ સૂર્યરામ ત્રિપાઠી સાથે મૈત્રી બંધાઈ. વધુ અભ્યાસ માટે ત્રણ જણ પહેલાં ખેડા અને પછી અમદાવાદ ગયા. ત્યાં હાઇ સ્કૂલનું શિક્ષણ પૂરું કરી ‘લૉ ક્લાસ’માં જોડાયા. અમદાવાદના અભ્યાસ દરમિયાન જ કવિતા અને નિબંધો લખવાનું શરૂ કર્યું. ૧૮૫૮માં આઠ મહિના માટે ગુજરાત વર્નાક્યુલર સોસાયટીના આસિસ્ટન્ટ સેક્રેટરી તથા ‘બુદ્ધિપ્રકાશ’ માસિકના તંત્રી થયા.