બોસ્નિયા, ર૧મી સદીના આરે ઊભેલા આલમનો, યુરોપ ખંડનો એક એવો દેશ જ્યાં માણસ માણસ વચ્ચેના વહેવાર-વર્તનમાં ક્રૂરતા અને કાતિલપણાંએ હદ વટાવી દીધી છે. બે’ક વરસ મારી દીકરી દીપિકા એ દેશના અમન, કાયદા અને આર્થિક જીર્ણોદ્ધારનાં કાર્યમાં સક્રિય હતી. એ સમયગાળાનાં બાપ-દીકરીનાં સંવેદનો, સ્પંદનો અને આંતરવ્યથા શબ્દબદ્ધ કરવાનો આ પ્રયાસ છે.
શરૂ કરીએ એક અંગ્રેજ કવિએ વર્ણવેલા આ માવતર-દીકરીના સૂક્ષ્મ-મીઠા સંબંધની એક કવિતાથી. આપણા ગુજરાતી સારસ્વત અને ઋષિકવિ મકરંદ દવેએ તેનો સરસ ભાવાનુવાદ આપ્યો છે :
જ્યારે વિધાતાએ દીકરી સરજી :
વિધાતાએ દીકરી ઘડીને ત્યારે ખૂબ ખાંતે
કસબ હાથેથી એણે કરી શી કમાલ!
રૂપનો અંબાર કરું, મીઠપ અપાર ભરું
ખજીનો ખુટાડી કરું ખલકને ન્યાલ.
દેવીયું કનેથી માગી લીધો મલકાટ
અને મધરાત કેરા માપી સીમાડા સુદૂર.
ચપટીક રજ લીધી ન ખેતર તણી
અને દીકરીને આંખે ભર્યા દમકતાં નૂર.
સાકરનો લઈને સવાદ એણે દીકરીમાં
તજ ને લવિંગ વળી ભેળવ્યાં જરીક
સૂરજનાં ધોળાં ફૂલ હાસ ને હુલાસ દીધાં
જોઈ કારવીને કીધું, હવે કા’ક ઠીક.
વિધાતાએ દીકરી ઘડીને વળી જોઈ જોઈ
વારે વારે હસું હસું થાય એનું મુખ,
હૈયે એને હાશ, હર માવતર કાજે ધર્યું
હર્યું ભર્યું હેત, નર્યું નીતર્યું આ સુખ
માવતરના જીવનમાં દીકરીના સંબંધની નિતાંતતા વિશે આપણા લેસ્ટરવાસી લેખક વનુ જીવરાજે એક અંગ્રેજી ઉક્તિ ટાંકી છે :
Your son is your son until his wife;
But your daughter is your daughter until your life.
પોર્ટસ્મથ યુનિવર્સિટીમાંથી ભૂગોળ અને અર્થશાસ્ત્રની સ્નાતક થયા પછી, દીપિકાએ બર્મિંગમમાં હોમ ઑફિસમાં કામ કર્યું; લંડનમાં યહૂદી સોની કંપનીમાં થોડો વખત ગાળીને વ્યવસાયી ભરતી કરતી ઍજન્સીમાં જોડાઈ. એ વહીવટીતંત્રમાં કામ કરતાં કરતાં જાતે જ બોસ્નિયા માટે પોતાની ભરતી કરી દીધી! અમેરિકા, બ્રિટન અને બીજા દેશોનું લશ્કર શાંતિ અને સુશાસન સ્થાપવા બોસ્નિયા મોકલવામાં આવ્યું ત્યારે એમના વહીવટ ચલાવનારાઓમાં એક ‘હ્યુમન રિસોર્સીસ મૅનેજર’ તરીકે, દીપિકાએ જોડાવાનો પ્રસ્તાવ મૂક્યો ત્યારે બાપ તરીકે હું તો થીજી જ ગયો! યુદ્ધગ્રસ્ત, છિન્નભિન્ન અને વેરની આગમાં સબડતા આ દેશમાં પચીસ વર્ષની, એકની એક દીકરીને મોકલવાની, ત્યાં જવાની પરવાનગી અપાય ખરી? આ પ્રસ્તાવે તો બેત્રણ અઠવાડિયાંની મારી ઊંઘ હરામ કરી નાંખી, પણ એ પોતે મક્કમ હતી. કંઈક કલ્યાણકાર્ય, માનવસેવા કરવાની ધગશ અને ઇચ્છા એને રહ્યા કરી છે. યહૂદી કિબૂત્ઝમાં જતાં જતાં માંડ રોકી શક્યો હતો! બે ભાઈઓની અને મારી વીનવણી, સમજાવટ પછી પણ અડગ રહી, ત્યારે ભગવાન ભરોસે અને પ્રાર્થના વચ્ચે, શુભ કામનાઓ સાથે, ફેબ્રુઆરી ૧૯૯૬માં દીપિકા બોસ્નિયા રવાના થઈ.
દીપિકાને નવું નવું શીખવાનો, નવા અનુભવો મેળવવાનો સાહસિક સ્વભાવ. છેલ્લાં પાંચસાત વર્ષોમાં ભારત અને શ્રીલંકાનો લાંબો પ્રવાસ એણે કર્યો હતો. વળી, તૂર્કી, ઇજિપ્ત અને યુરોપના દેશોમાં પણ એ પ્રવાસ ખેડી આવી હતી … અને આ વિધુર બાપ, બંને માવતરની લાગણીનો પિંડ, આવી સાહસિક દીકરીના માર્ગમાં ન આવવું જોઈએ એવી માન્યતા સાથે એની ‘હા’માં ‘હા’ ભેળવી, પરવાનગી આપતો રહ્યો છે. દીકરી એની કદર પણ કરે છે. બોસ્નિયાથી એક પત્રમાં ભાઈઓનો અને મારો આભાર માનતા લખતી હતી : “I still cannot get over lucky how I have been in life to have you as my family. I don’t think any daughter or sister has ever so much love and encouragement given as I have.”
બોસ્નિયાના લગભગ એક દાયકાના સંઘર્ષ, સંહાર અને બરબાદીનાં દૃશ્યો તથા સીતમની વાતો અખબારોને પાને અને ટેલિવિઝનના માધ્યમથી આવતી રહેતી. એ દૃશ્યો અને વાતો દુનિયાના કેટકેટલા ય માણસોનાં હૃદય વિચારતંત્રોને ખળભળાવી મૂક્યાં હતાં.[1] માણસમાંની આસ્થા પણ ડગમગવા માંડી હતી. બ્રિટનની સંસદના એક અપક્ષ સભ્ય અને બી.બી.સી.ના એક વેળાના નામાંકિત પત્રકાર માર્ટિન બેલ એમના સંઘર્ષ વિશેના પુસ્તક In Harm's Wayમાં લખે છે કે યુરોપ ખંડના બીજા વિશ્વયુદ્ધ અને સંહાર પછી પ૦ વર્ષમાં, આ એક બીજો મોટો સંહાર સર્જાયો – એવો ભીષણ સંહાર કે માનવ ઇતિહાસમાં કાળા અક્ષરે એ લખવો પડશે! ‘scenes from hell, written on the darkest pages of human history.’ માર્ટિન બેલ કહે છે કે પત્રકારત્વનાં જૂનાં મૂલ્યો, સાક્ષીભાવે જોઈ વર્ણન કરવાના અને પછી ભૂલી જવાના – ‘traditions of balanced, dispassionate, objective by standard journalism.’ આ બધું અમાનવીય લાગ્યું છે. પત્રકારત્વ અને માનવીય મૂલ્યોની ખેંચતાણીમાં માનવીય મૂલ્યોનો જય છે અને પોતાને લાગવા માંડ્યું કે પત્રકારત્વ આવું હોવું જોઈએ : “a moral enterprise, informed by an idea of right and wrong.” માર્ટિન બેલ આગળ લખે છે : પોતાના વ્યક્તિત્વમાં અને આંતરખોજમાં મોટા ફેરફારની અનુભૂતિ થઈ રહી છે. The genocide in Bosnia changed me, changed my way of doing things and seeing things.
દીપિકા પણ આવા મનોવિગ્રહ અને અશાંતિમાંથી પસાર થતી રહી. કહે છે કે અમેરિકી લશ્કરીતંત્ર પુષ્કળ સુવિધાઓ અને સહુલિયતો આપે છે. સુરક્ષામાં ક્યાંય કચાશ નથી. વેતન ટેલિફોન નંબરના આંકડામાં અપાય છે, પણ … કહે છે કે આવા યુદ્ધગ્રસ્ત જગતમાં બાળકની મા બનવાની ઇચ્છા થતી નથી. એક જાતનો શૂન્યાવકાશ અને ઘોર નિરાશા મનમાં પ્રવર્તે છે. દીપિકાની આ વાતો સાંભળતા, કાગળો વાંચતા બાપની મનોદશા કદાચ સમજાય. હૃદયના ઊંડાણમાંથી નીકળતા દીકરીના શબ્દો આ રહ્યા : “Last week I drove through the zone of separation at Brocko, one of the worst hit towns in Bosnia. I was stunned at the sheer devastation and could not help but cry.”
“I saw children playing in the fields, innocent and happy not realising that they could be playing on the minefield. My heart just wanted together them up and take them away. This was the first time in my life that I considered not having children, certainly not in a world still at war with itself.”
દીપિકાનું નિરીક્ષણ અને તેના અનુભવો કહી રહ્યા હતા કે સામાન્યજન ધાર્મિક ઝનૂન છોડી, વેરભાવ, ભેદભાવ ભૂલી જવા તૈયાર છે. શાંતિભર્યા સામાન્ય જીવન માટે એક મોટો તલસાટ જાગ્યો છે. સામાન્ય જીવન ફરી આવે એની રાહ જોવાઈ રહી છે. એના કૅમ્પમાં કામ કરતા બધી જાતિના ને ત્રણ જુદા જુદા ધર્મોના માણસો પ્રેમભાવથી રહેતા હતા.
બોસ્નિયાનો પ્રમુખ ધર્મ ઇસ્લામ અને પ્રદેશ પુષ્કળ રળિયામણો, સ્વિટ્ઝર્લેન્ડની યાદ અપાવે એવો! માણસોનો સ્વભાવ મિલનસાર, ભાષા ગુજરાતી ભાષાને મળતી આવે. આવા બધા અનુભવો એના જ શબ્દોમાં જોઈએ : “The local staff are great and really have grown on me : all of them bend backwards to make me feel comfortable. The country is truly beautiful, in parts dramatic, in others rolling hills and valleys remind you of Switzerland. The Bosnian language is a very easy language to pick up, very similar in parts to ours.”
દીપિકાનાં બીજાં વર્ષનાં કામકાજમાં દસ્તાવેજીકરણ કરવાનો ઉમેરો થયો છે. એના છેલ્લા કાગળમાં એ લખતી હતી : I have taken over historical documentation for this project. Tomorrow I’m going to Glanmoc, a remote artillery site near Dalmatian coast line in an Army Chinook helicopter. Hopefully one day I will be able to bring you to visit Bosina-Herzegovina. Still many buildings are left with signs of heavy sheelings and mortar attacks.
બોસ્નિયા-હર્ઝગોવિના, ક્રોએશિયા, સર્બિયા એટલે એક યુગનું સંયુકત રાષ્ટ્ર, યુગોસ્લાવિયા દેશ. એના ભૂતપૂર્વ પ્રમુખ જોસેફ બ્રોઝ ટીટો. ટીટો પહેલા ભારતીય પ્રધાન મંત્રી જવાહરલાલ નેહરુના ખાસ મિત્ર. વળી, બિનજોડાણવાળા દેશોના જૂથના અગ્રગણ્ય નેતા. નેહરુને પોતાના દેશની સમસ્યાઓ વિશે એક વખતે ટીટોએ કહેલું, ‘અમારું રાષ્ટ્ર એક, અક્ષરમાળા બે, ભાષાઓ ત્રણ, ધર્મો ચાર, પ્રજા પાંચ અને છ રાષ્ટ્રો તેમ જ પડોશી રાજ્યો સાત.’
આજે આ સંયુક્ત રાષ્ટ્ર, ધર્મના નામે, છિન્નભિન્ન થઈ ગયું, આર્થિક બરબાદીમાં ધકેલાઈ ગયું અને આમ પ્રજાનો મોટો સંહાર થઈ ગયો. દેશ એક અંધારિયા યુગમાં જઈને પડ્યો છે. આ ઐતિહાસિક, કરુણ ઘટનામાંથી ભારતીય ઉપખંડના દેશોએ એક પાઠ શીખવવાનો છે અને સફળતાના પંથની દિશા ચોક્કસ કરવાની છે.
અમેરિકા, બ્રિટન અને યુરોપના બીજા દેશોની મદદથી બોસ્નિયા અને યોગોસ્લાવિયાના બીજા દેશોના ટુકડાઓને સાંધી અંધારામાંથી બહાર કાઢવાને ભગીરથ પ્રયાસ થયેલો એમ લાગે છે. આવા મહાભારત કાર્યમાં એક ગુજરાતી યુવતી પોતાનો અલ્પ સમય આપે, સહજતાથી ભાગ ભજવે એનો મને ગર્વ છે. પિતા તરીકે આનંદ છે. કયારેક સ્વાભાવિક ચિંતા ધસી આવે છે, પણ ભગવાન પ્રત્યેની આસ્થાએ દિવસો પસાર થયા છે. આવા આઘાત-પ્રત્યાઘાત, આશા-નિરાશાનું નિરૂપણ આખરે શુભમાં પરિણમે; માનવજાતમાં ફેર આસ્થા પેદા થાય, એવી જ પ્રાર્થના સાથે વિરમું છું.
Category: • બ્રિટન અને યુરોપના અન્ય દેશો • અંગ્રેજી ભાષા-સાહિત્ય-પત્રકારત્વ • ગુજરાતી ભાષા-સાહિત્ય-પત્રકારત્વ • ધર્મ-કોમ-સંપ્રદાય
[પુસ્તકમાંથી, પ્રકરણ-26]
એક ગુજરાતી, દેશ અનેક : લેખક – ડાહ્યાભાઈ નાનુભાઈ મિસ્ત્રી, સંપાદક : કેતન રુપેરા, પરામર્શન : વિપુલ કલ્યાણી, પ્રકાશન : 3S, Publication, પ્રાપ્તિસ્થાન : ગ્રંથવિહાર, ગુજરાતી સાહિત્ય પરિષદ – અમદાવાદ – 380 009, પ્રથમ આવૃત્તિ, માર્ચ 2021, પાકું પૂઠું, સાઈઝ : 5.5” x 8.5”, પૃ. 352 (16+336), રૂ.500 • £ 15
[1]. દક્ષિણ-પૂર્વ યુરોપનો આ દેશ છે – બોસ્નિયા ઍન્ડ હર્ઝગોવિના. લોકો તેને બોસ્નિયા તરીકે વધુ ઓળખે છે. એક વખતે આ દેશ યુગોસ્લાવિયાનો ભાગ હતો. ૧૯૯૧માં સોવિયેત યુનિયનનું વિઘટન થયું એ સાથે જ યુરોપના કેટલાક દેશોમાં પણ રાજકીય અસ્થિરતા પેદા થઈ. એમાંનો એક દેશ તે યુગોસ્લાવિયા. તેના અલગ અલગ પ્રદેશો જાતે જ પોતાને આઝાદ દેશ તરીકે જાહેર કરવા માંડ્યા, તેમાંનો એક પ્રદેશ બોસ્નિયા પણ ખરો. આઝાદીની આ લહેરે આ પ્રદેશમાં પહેલેથી અસ્તિત્વ ધરાવતા જાતિવાદને વધુ ભડકાવ્યો. બોસ્નિયામાં મુખ્યત્વે ત્રણ સમુદાયના લોકો વસે છે. ક્રોઆટ, મુસ્લિમ અને સર્બિયન. ક્રોઆટ અને મુસ્લિમ પ્રજા આઝાદ થવા માગતી હતી જ્યારે સર્બિયન પ્રજાનો આ અંગે વિરોધ હતો. માર્ચ ૧૯૯રમાં આ મુદ્દે જનમત લેવાયો. જેમાં આઝાદી ઇચ્છતા વર્ગની જીત થઈ. અને તેના આધારે ક્રોઆટ-મુસ્લિમ વર્ગે યુગોસ્લાવિયાથી અલગ હોવાની ઘોષણા કરી. આનાથી નારાજ સર્બિયન સમુદાયે જાહેર કર્યું કે તેમની વસાહતવાળો વિસ્તાર ‘સર્બ રિપબ્લિક’ નામે અલગ દેશ કહેવાશે, અને બસ… આ મુદ્દે ગૃહયુદ્ધ ફાટી નીકળ્યું. ત્રણેય સમુદાયોમાં સર્બિયન વધુ શક્તિશાળી હતા. તેનાં કારણોમાં એક મહત્ત્વનું ‘સર્બિયા’ નામે પાડોશી દેશ પણ ખરો. ત્યાં સર્બિયનો જ વસતા હતા. તેમણે આ સર્બ સમુદાયને ખાસ્સી મદદ કરી. સર્બિયનોએ ક્રોઆટ અને મુસ્લિમ વર્ગ પર ઘણી હિંસા આચરી અને ત્રાસ ગુજાર્યો. આખરે સંયુક્ત રાષ્ટ્ર અને નાટોની દરમિયાનગીરી પછી છેક ૧૯૯પમાં આ યુદ્ધનો અંત આવ્યો. જોકે, ત્યાં સુધીમાં એક લાખ ઉપરાંતનાં મોત, રર લાખ લોકોનાં સ્થળાંતર અને અંદાજે ૧રથી પ૦ હજાર સ્ત્રીઓ પર બળાત્કારની ઘટના બની ચૂકી હતી.
– સં. (Courtesy: britanica.com & thelallantop.com)