શું તમે પણ એ લોકોમાંના એક છો જે રવિવારની બપોરથી સોમવાર સવારની ચિંતામાં પડી જાવ છો? જો એમ હોય તો વાંધો નથી કારણ કે એવું અનુભવનારા તમે એકલા નથી
‘મંડે બ્લૂઝ’ – આ શબ્દથી આપણે બધા બહુ સારી પેઠે પરિચીત છીએ. ભલેને આપણે હકારાત્મકતાના બણગાં ફૂંકીએ, પણ સોમવારની સવાર, માળી, અઘરી તો હોય જ છે. દિવાળીની રજાઓ પૂરી થઇ ગઇ. આપણે કંઇ ગિજુભાઇ બધેકાની વાર્તાના પાત્રની માફક નવે નાકે દિવાળી નથી કરવાની. છતાં ય કહેવાતી રજાઓનો જે થોડોઘણો હરખ, લોકોને મળ્યાનો ઉત્સાહ, વજન વધ્યાની ચિંતા એ બધાનું જ સરવૈયું કાઢી આપણે હોંશે હોશે કામે પાછા ચઢવા ‘રિચાર્જ’ થઇ ગયા છીએ એવું માનીએ ને રૂટિન ચાલુ કરીશું એટલે ગણતરીના કલાકોમાં જ્યાં હતા ત્યાંના ત્યાં જ આવવાના છીએ.
ના ના, જરીકે એમ ન માનતા કે તમારા ઉત્સવની ઉજવણીના ઉત્સાહ પર આપણી નોકરિયાત અને કામઢી લાચારીનું ગાર્નિશિંગ થઇ રહ્યું છે. આ વાત તો એ સંદર્ભે કરી રહ્યા છીએ કે અઠવાડિયા પહેલાં ગિનિસ બૂક ઑફ વર્લ્ડ રેકોર્ડે એક મોટી જાહેરાત કરી – આ જાહેરાત હતી કે આખા અઠવાડિયાનો સૌથી ખરાબ દિવસ છે સોમવાર. આ જાહેરાત સાથે જ મંડે બ્લૂઝની વાસ્તવિકતાઓ પર ચર્ચાઓ છેડાઇ. શું તમે પણ એ લોકોમાંના એક છો જે રવિવારની બપોરથી સોમવાર સવારની ચિંતામાં પડી જાવ છો? જો એમ હોય તો વાંધો નથી કારણ કે એવું અનુભવનારા તમે એકલા નથી. વળી ગિનિસ વર્લ્ડ રેકોર્ડે આ અધિકૃત જાહેરાત કરી એમાં નેટિઝન્સે તેમના ટ્વિટ નીચે એમ લખી પાડ્યું, કે લે તમને આ બહુ મોડા ખબર પડી નહીં કે સોમવાર અઠવાડિયાનો સૌથી ખરાબ દિવસ છે? વીકેન્ડ વાઇબ્સમાંથી વર્ક વાઇબ્સમાં પાછા ફરવા માટે આપણને ધક્કા મારતો દિવસ એટલે સોમવાર – મંડે – અને એટલે જ તો, માળું, એમાં બધી મજા મરી જાય છે.
સોમવાર આપણને મળ્યો છે ગ્રેગોરિયન કેલેન્ડરને કારણે જેની શરૂઆત રોમન કેથલિક કેલેન્ડર તરીકે થઇ હતી. આ કેલેન્ડર કોઇ પુરાણો પર આધારિત નથી, પણ પેગોન કેલેન્ડર અને ગણતરીઓ પર આધારિત છે – આ વાત આપણે ઘણાં વખત પહેલાં પણ અહીં કરી છે. સામ્રાજ્યવાદીઓએ આ કેલેન્ડર જ્યાં ગયા ત્યાં લાગુ કર્યું, જેથી ધંધો-ધાપો કરવામાં સરળતા રહે અને મોટાભાગની સંસ્કૃતિઓએ આ સ્વીકારી લીધું. જો કે આ સ્વીકૃતિઓ પણ ભાંજગડ બાદ જ થઇ હતી – અમુક સંસ્કૃતિઓએ આ બદલવાનો પ્રયાસ પણ કર્યો પણ કોઇ કારી ફાવી નહીં.
આપણું કેલેન્ડર એટલે કે પંચાંગ ગુપ્ત યગ દરમિયાન શોધાયેલું. આર્ય ભટ્ટ અને વરાહ મિહીરની ગણતરીઓને આધારે એ બન્યું હતું અને વિક્રમ સંવત રાજા વિક્રમાદિત્યને પગલે શરૂ થયું. આપણે ચંદ્રને આધારે ગણતરી કરીએ છીએ તો ગ્રોગેરિયન કેલેન્ડરમાં સૂર્ય કેન્દ્ર સ્થાને છે. ચાલો આપણે આ ઇતિહાસની ચર્ચા બાજુમાં મૂકીને આ સોમવારની મેથી મારીએ.
આપણે ભલે ચંદ્રને જોઇને કવિતાઓ કરીએ પણ સોમવાર – ચંદ્રનો વાર ભલભલી કવિતાઓ ભૂલાવી દે તેવો છે. વીકેન્ડને ગમે એટલો જોરદાર બનાવવાનું નક્કી કરીએ, રવિવારની સાંજથી જો તમે એ જોરદાર મુડમાં જ રહેતા હો તો, બૉસ, ડૉક્ટરને બતાડી આવો. ભલેને આપણે બધાએ કોરોનાકાળમાં ‘વર્ક ફ્રોમ હોમ’ કર્યું હોય પણ આપણો એ સોમવાર માટેનો ડર તો, માળો, ઘટવાને બદલે વધ્યો. કારણે એટલું જ કે ઑફિસથી તો છ વાગે નીકળી જઇએ પણ વર્ક ફ્રોમ હોમમાં લાંબા કલાકો પણ કામ ખેંચાયું છે અને આ અનુભવ બહુમતી કર્મચારીઓએ અનુભવ્યો છે. મંડે બ્લૂઝને તમે ભલેને કોઇ ‘ક્લિનિકલ ઇલનેસ’ ન માનતા હો પણ આ એક વાસ્તવિક અનુભૂતિ છે. કૉર્પોરેટના માલિકનો એવો દાવો હોઇ શકે કે તમે શનિ-રવિ આરામ કરીને આવ્યા તો પછી સોમવારે તમને તો રિચાર્જ્ડ લાગવું જોઇએ એને બદલે આવું કેમ લાગે છે. સોમવારે ઑફિસનાં પગથિયાં ચઢનારને બે લાગણી મનમાં હોય – એક તો એ કે હાય આખો દિવસ કાઢવાનો ફરી અને અઠવાડિયાનો એક દિવસ તો ગયો હાથમાંથી. એક રિસર્ચ અનુસાર કર્મચારીઓને હંમેશાં અઠવાડિયાનો પહેલો દિવસ ભારે જ લાગે કારણ કે નજર સામે કામનો ખડકલો હોય. નોકરી સામે લોકોને વાંધો નથી હોતો પણ સોમવારની શરૂઆતે પગે પાણાં બાંધ્યા હોય એવું તો લાગે જ છે. મંડે બ્લૂઝના ત્રાસ અને કામનાં સ્ટ્રેસને કારણે જ્યારે કર્મચારીઓ વર્ક-લાઇફ બેલેન્સ કરવામાં પાછા પડે છે એવું લાગ્યું તો આઇસલેન્ડ જેવા દેશે તો ચાર દિવસ વર્કની સિસ્મટ લાગુ કરી દીધી. આમાં નથી કામ ઘટતું, નથી કામના કલાકો ઘટતા કે ન તો પગાર ધોરણો પર ફરક પડે છે. કર્મચારીઓની પ્રોડક્ટીવિટી પર આનાથી સારી અસર પડે છે તેવું આનો અમલ કરનારા દેશોનું કહેવું છે. યુરોપમાં અમુક દેશોએ આની જાહેરાત કરી છે પણ હજી પૂરો અમલ નથી કર્યો તો યુ.કે.ની અમુક કંપનીઓએ આની ટ્રાયલ કરી અને ભારે સફળતા મેળવી. સ્કોટલેન્ડ અને વેલ્શ જેવા દેશોએ પણ આ પરિવર્તનોને લાગુ કરવા કવાયત કરી છે.
તમને લાગે છે કે ભારતમાં આ ચાર દિવસ વાળી વાત અમલમાં મુકાય તો કામને મામલે બધું સચવાઇ જાય? આ સવાલ કરવો પડે છે એ જ કદાચ બતાડે છે કે આપણે એવું જોખમ લેવાની જરૂર નથી. સોમવારની ચિંતામાં શુક્રવાર સાંજથી વીકેન્ડ મોડમાં આવી જનારા કર્મચારીઓની સંખ્યા મોટી છે.
સોમવાર આપણને એક રૂરિન – એક ઘટમાળ આપે છે. ભલે તમે તમારી ઘટમાળને ઘડિયાળના કાંટાની માફક અનુસરતા ન હો, પણ નકરી અચોક્કસતા અને અણધાર્યાપણાની લાગણીની તાણ કરતાં ઘટમાળ બહેતર છે. સોમવાર પણ આપણી ઘટમાળનો જ એક ભાગ છે. ગમે કે ન ગમે, હિંદુ પંચાગમાં હોય કે ગ્રેગોરિયન કેલેન્ડર – આપણે રોટલો રળવા તો જવું જ પડશે. સોમવારને ધિક્કારવાને બદલે કમને સ્વીકારી લઇએ તો બહેતર છે કારણ કે બદલી ન શકાય તો સ્વીકારી લેવું એ જ શ્રેષ્ઠ ઉપાય છે એવું કોઇકે તો ક્યાંકને ક્યાંક કીધું જ હશે.
બાય ધી વેઃ
કંટાળો, રૂટિન, થાક આ બધું જ આપણા મનની ઊપજ છે. સતત ઉત્સાહમાં નથી રહી શકાતું તેમ સતત ચિઢાયેલા રહેવાનો ય કોઇ અર્થ નથી. સોમવારનો થાક લગાડવાને બદલે એવી ચીજો પર ફૉકસ કરી શકાય કે જે આપણા કાબૂમાં હોય, જે આપણને મજા આપતી હોય અને એ સોમવાર હોય કે શુક્રવાર – કોઇ પણ વારે આપણા તાબામાં હોય. સોમવાર બહુ ધીમો, કંટાળાજનક અને લાંબો લાગી શકે છે પણ જો શુક્વારને આપણે અઠવાડિયાનો પહેલો દિવસ માનવાનું ચાલુ કરીશું તો એનો ય કંટાળો આવો જ હશે. તમારો અભિગમ જ આ બધા માનસિક મેનેજમેન્ટમાં કામ લાગશે. દિવાળીની રજાઓએ તમને રિચાર્જ કર્યા હોય તો આવો કોઇ અભિગમ વિકસાવવા પર કામ કરો તો મંડે બ્લુઝનો બોજ ઉપાડનારા કોર્પોરેટ મજૂરોને પ્રેરણા મળે એવું કંઇ કરજો, બાકી તો બ્લૂ હૈ પાની પાની પાનીની માફક બ્લુ હૈ મંડે મંડે … હેપ્પી ન્યુ યર … સોમવારે ઑફિસે જઇએ પછી વાત કરીએ.
પ્રગટ : ‘બહુશ્રૃત’ નામક લેખિકાની સાપ્તાહિક કટાર, ’રવિવારીય પૂર્તિ’, “ગુજરાતમિત્ર”, 30 ઑક્ટોબર 2022
![]()


મુંબઇનાં જાણીતાં પત્રકાર, લેખક, ગાયક અને એક ઉમદા ઇન્ટરવ્યુઅર એવાં નંદિની ત્રિવેદીએ ‘સેહત કે સૂર’નામનું પુસ્તક સર્જયું છે, જેમાં વિવિધ રાગ-રાગિણી કઇ રીતે કોઇને પણ હીલ કરવા માટે લેખે લાગી શકે તેની વિગતવાર વાત કરાઇ છે. ‘હીલિંગ પાવર ઑફ મ્યુઝિક’નો આ રાગ જે યુ.એસ.એ.માં છેડાયો છે તેનો સંદર્ભ આપી જ્યારે તેમની સાથે વાત કરી ત્યારે તેમણે કહ્યું કે, “વિશ્વમાં સૌથી પહેલો મ્યુઝિક થેરપી પ્રોગ્રામ મિશિગન સ્ટેટ યુનિવર્સિટીમાં 1944માં લોન્ચ થયો હતો. મ્યુઝિક થેરાપી માત્ર વાંચીને નહીં, અનુભવી સંગીતજ્ઞ કે યોગ્ય થેરાપિસ્ટની દેખરેખ હેઠળ થવી જોઈએ. સ્વર, નાદ, મંત્ર, ઓમકાર, સંગીત તથા સાત ચક્રોના સંબંધને માન્યતા મળી ચૂકી છે.” તેમણે પોતે પણ પોતાની સાથે થયેલો એક અનુભવ વહેંચ્યો, જે તેમણે પોતાની એક નોંધમાં પણ ટાંક્યો છે જ્યારે તે પોતે કોઇ કારણોસર ખૂબ સ્ટ્રેસમાં હતાં અને તેમણે પોતાની મિત્રને ઘરે જવાનું નક્કી કર્યું. મિત્રએ તેમની પ્રાથમિક પરોણાગત કરી, અને પછી મેડિટેશન રૂમમાં જ્યાં મંત્રોચ્ચારનું સંગીત હતું ત્યાં થોડી વાર સુવાનું સૂચન કર્યું. એક કલાકનો સમય ક્યાં વીત્યો, તે ખબર પણ ન પડી અને કોઇપણ પ્રકારની એન્ટિ એન્ક્ઝાઇટી પિલ કે બીજી કોઇ દવા વિના મન શાંત થયું હતું. નંદિની ત્રિવેદીનાં પુસ્તક ‘સેહત કે સૂર’માં સંગીતને કારણે હીલિંગનો અનુભવ થયો હોય તેવા કિસ્સા તો ટાંકેલા છે જ, પણ સાથે કયા
રાગની મન પર કે શરીર પર કેવી અસર થાય, શાસ્ત્ર સાથે જોડાયેલા નવ રસ વગેરેની પણ વિગતો આપેલી છે.
દક્ષિણ ભારતીય દિગ્દર્શક મણિરત્નમે હંમેશાં ‘ક્લાસ અપાર્ટ’ ફિલ્મો બનાવી છે પછી તે ‘રોજા’ હોય કે ‘બૉમ્બે’ હોય. તાજેતરમાં એમની એક ભવ્યાતિભવ્ય ફિલ્મ રિલીઝ થઇ ‘પોન્નીઅન સેલ્વન-1’ (PS-1). પ્રાચીન ભારતના ચોલ સામ્રાજ્યની પ્રગતિ અને વિકાસનો જેને શ્રેય અપાય છે તેવા રાજરાજા ચોલનની વાત આ ફિલ્મમાં કરાઇ છે. આ ફિલ્મ કલ્કી ક્રિષ્ણમૂર્થી નામના લેખકની પાંચ ભાગમાં લખાયેલી ‘ફિક્શન’ નવલકથાના આધારે બનાવાઇ છે. આ ફિલ્મ રિલીઝ થઇ અને તેના ‘સિનેમેટિક’ વિવેચનને બદલે કોઇ બીજા જ મુદ્દે ચર્ચાનો વિષય બની ગઇ. રાજરાજા ચોલા હિંદુ રાજા હતો કે ન હતો તેની પર હુંસાતુંસી શરૂ થઇ ગઇ.