કર્ણાટક વિધાનસભાના ચૂંટણી પરિણામે વધુ એકવાર ભારતીય મતદારની મર્યાદા ઉજાગર કરી છે. આપણો મતદાર જાતિ-ધર્મ-કોમથી ઉપર ઊઠીને મતદાન કરતો નથી એ હકીકત કર્ણાટકના પરિણામોએ પણ દર્શાવી આપી છે.
કર્ણાટકની ચૂંટણીમાં ભા.જ.પ., કોંગ્રેસ અને જનતા દળ (એસ) વચ્ચે ત્રિપાંખિયો મુકાબલો હતો. આ ત્રણેય પક્ષોના મુખ્ય આગેવાનો જે જાતિઓના છે, તે જાતિઓએ તેમના પક્ષને ખૂલીને મત આપ્યા છે. બી.જે.પી. કર્ણાટકમાં ૧૦૪ બેઠકો મેળવી સૌથી મોટા પક્ષ તરીકે ઉભર્યો. બી.જે.પી.ના મુખ્યમંત્રી પદના ઉમેદવાર યેદિયુરપ્પા લિંગાયત જ્ઞાતિના છે. ૫૯ લાખની વસ્તી ધરાવતો આ સમુદાય રાજ્યની વસ્તીમાં ૯.૮ ટકાનું પ્રમાણ ધરાવે છે. પરંતુ કર્ણાટકના રાજકારણમાં તેની મહત્ત્વની ભૂમિકા રહી છે. આ ચૂંટણીમાં લિંગાયતોએ એક જૂથ રહીને ભા.જ.પ.ને અને તેના મુખ્યમંત્રી પદના લિંગાયત ઉમેદવાર યેદિયુરપ્પાના સમર્થનમાં ૬૧ ટકા વોટ આપ્યા છે. ‘દલિત દસ્તક’ના એક અહેવાલ પ્રમાણે કર્ણાટકની ૬૭ બેઠકો પર લિંગાયતોના મત અસરકર્તા છે. તેમાંથી ૪૦ બેઠકો બી.જે.પી.ને, ૨૦ કોંગ્રેસને અને ૭ જનતા દળ (એસ)ને મળી છે. ૨૦૧૩ની વિધાનસભા ચૂંટણીની તુલનામાં કોંગ્રેસને ૨૦ અને જનતા દળ(એસ)ને ૨ બેઠકોનું નુકસાન થયું છે. જ્યારે બી.જે.પી.ને ૨૭ બેઠકોનો ફાયદો થયો છે. કર્ણાટકના કુલ લિંગાયત મતદારોના ૬૧ ટકા મતદારો ભા.જ.પ.ને મત આપે કે યેદિયુરપ્પા બહુમતી માટે ખૂટતી સંખ્યા માટે લિંગાયત ધારાસભ્યો પર આધારિત હોય તેમાં જાતિવાદ સિવાય બીજું કશું જ નથી.
જો કે દોષ માત્ર લિંગાયતોનો નથી. જનતાદળ (એસ)ના નેતા એચ.ડી. દૈવેગૌડા અને તેમના મુખ્યમંત્રી પદના ઉમેદવાર પુત્ર કુમારસ્વામી વોક્કાલિંગા જ્ઞાતિના છે. કર્ણાટકમાં વોકાલિંગાઓની વસ્તી ૪૯ લાખ અને કુલ વસ્તીમાં તેમનું પ્રમાણ ૮.૧૬ % છે. જનતા દળ(એસ)ને ૬૩ ટકા વોક્કાલિંગાઓએ મત આપ્યા છે. સેક્યુલર પક્ષનો દાવો ધરાવતા જનતા દળને મુસ્લિમોના માત્ર ૬ ટકા અને દલિતોના ૫ ટકા જ મત મળ્યા છે.
કર્ણાટકની ચૂંટણી કોંગ્રેસ તેના મુખ્યમંત્રી સિધ્ધરામૈયાના નેતૃત્વમાં લડી હતી. કોગ્રેસ કર્ણાટકમાં ટકાવારીની રીતે રાજ્યમાં સૌથી વધુ મત મેળવનાર પાર્ટી છે પણ તેને બેઠકો ૭૮ જ મળી છે. કોંગ્રેસી મુખ્યમંત્રી સિધ્ધરામૈયા કુનબા જ્ઞાતિના છે. આ જ્ઞાતિની વસ્તી કર્ણાટકમાં ૪૩ લાખ છે અને તેનું વસ્તી પ્રમાણ ૭.૧ % છે. સર્વસમાવેશી હોવાનો દાવો કરતી કોંગ્રેસને સિધ્ધરામૈયાની કુનબા જ્ઞાતિના કુલ મતોમાંથી ૬૦ ટકા મત મળ્યા છે.
૬.૧૭ કરોડની કર્ણાટકની કુલ વસ્તીમાં દલિતોની વસ્તી ૧.૦૮ કરોડ છે. ૧૮૦ પેટાજ્ઞાતિઓમાં વહેંચાયેલા કર્ણાટકના દલિતો રાજ્યની કુલ વસ્તીમાં ૧૮ ટકાનું વસ્તી પ્રમાણ ધરાવે છે. કર્ણાટક વિધાનસભાની કુલ ૨૨૪ બેઠકોમાં ૩૩ બેઠકો દલિતો માટે અનામત છે. આ ચૂંટણીમાં વોટ બેન્ક ગણાતા દલિત મતો વહેંચાયેલા રહ્યા છે. ૪૦ ટકા દલિતોએ બી.જે.પી.ને, ૩૭ ટકા દલિતોએ કોંગ્રેસને અને ૧૮ ટકા દલિતોએ જનતા દળ(એસ)ને મત આપ્યા છે. ૩૩ અનામત બેઠકોમાંથી બી.જે.પી.ને ૧૩, કોંગ્રેસને ૧૨, જનતા દળ(એસ)ને ૭ અને બહુજન સમાજ પક્ષને ૧ બેઠક મળી છે. કુલ ૩૮ બેઠકો પર દલિત મતો પ્રભાવી છે. પણ તેણે બી.જે.પી.ને જ ફાયદો કરાવ્યો છે. રાજ્ય કોંગ્રેસ પ્રમુખ અને લોકસભામાં કોંગ્રેસના નેતા જેવા મહત્ત્વના પદો પર કર્ણાટકના દલિત આગેવાનો બિરાજતાં હોવા છતાં કે પાડોશી રાજ્યના રોહિત વેમુલાની સાંસ્થાનિક હત્યા અને હાલના એટ્રોસિટી એક્ટના સુપ્રિમ કોર્ટના ચુકાદા પછીની પણ કોઈ અસર જાણે કે કર્ણાટકના દલિત મતદારો પર થઈ નથી. તેમણે બી.જે.પી.ને મોટા પાયે મત આપ્યા છે તે હકીકત છે. બહુજન સમાજ પાર્ટીના એક ઉમેદવાર આ વખતે કર્ણાટક વિધાનસભામાં ચૂંટાયા છે. ચામનગર જિલ્લાની કોલ્લેગલ દલિત અનામત બેઠક પરથી બી.એસ.પી.ના રાજ્ય પ્રમુખ એન. મહેશ વિજેતા બન્યા છે. તેમની જીતનું કારણ બી.એસ.પી.નું જે.ડી.એસ. સાથેનું ચૂંટણી જોડાણ અને તેમના મતવિસ્તારમાં ઉત્તર ભારતીય દલિત મતદારોનું મોટું પ્રમાણ છે.
કોંગ્રેસની પરંપરાગત વોટબેન્ક ગણાતા આદિવાસીઓએ પણ બી.જે.પી.નું સમર્થન આ ચૂંટણીમાં કર્યું છે. ૪૪ ટકા આદિવાસીઓએ બી.જે.પી.ને, ૨૯ ટકાએ કોંગ્રેસને અને ૧૬ ટકાએ જે.ડી.એસ.ને વોટ આપ્યા છે. રાજ્યમાં ૪૨ લાખ (કુલ વસ્તીના ૭ %) આદિવાસીઓ છે. બી.જે.પી.ને સૌથી મોટો લાભ રાજ્યના અન્ય પછાત વર્ગોની બેઠકો પર થયો છે. ૫૨ ટકા ઓ.બી.સી. મતદારોએ બી.જે.પી.ને આ ચૂંટણીમાં મત આપ્યા છે. ૨૪ ઓ.બી.સી. મત પ્રભાવિત બેઠકોમાં બી.જે.પી.ને ૧૮ , કોંગ્રેસને ૫ અને જે.ડી.એસ.ને ૧ બેઠક મળી છે. ગઈ ચૂંટણીમાં બી.જે.પી.ને ઓ.બી.સી. પ્રભાવિત વિસ્તારોની ૨ જ બેઠકો મળી હતી. આ વખતે ૧૮ મળતાં તેને ૧૬ બેઠકોનો ફાયદો થયો છે.
મુસ્લિમો માટે જાયે તો જાયે કહાં જેવો ઘાટ સમગ્ર દેશમાં છે. જાણે કે તેનો ઊગારો કોંગ્રેસમાં જ છે. રાજ્યની કુલ વસ્તીમાં ૧૨.૫ %નું પ્રમાણ ધરાવતા ૭૫ લાખ મુસ્લિમોમાંથી બહુમતી મુસ્લિમોએ કોગ્રેસને જ વોટ આપવા પડ્યા છે. રાજ્યના કુલ મુસ્લિમ મતદારોમાંથી ૭૮ ટકાએ કોંગ્રેસને મત આપ્યા છે. કોઈ પણ રાજકીય પક્ષને મળેલું આ એક જથ્થે સૌથી મોટું જનસમર્થન છે. જો કે તેનું સીટોમાં રૂપાંતર બહુ ઓછું થયું છે. ૨૦૧૩ની ચૂંટણીમાં મુસ્લિમ ડોમિનન્ટ ૧૭ બેઠકો પર કોંગ્રેસનો જ વિજ્ય થયો હતો. પણ આ વખતે એવું બન્યું નથી. ભૂતકાળમાં કર્ણાટકમાં મુસ્લિમ રાજકારણીઓનો દબદબો હતો પણ હવે વિધાનસભામાં મુસ્લિમ પ્રતિનિધિત્વ ઘટી રહ્યું છે. બી.જે.પી.ને માત્ર ૫ ટકા મુસ્લિમ મતો મળ્યા હોવાનો અંદાજ છે પણ તેને મુસ્લિમ મત પ્રભાવિત વિસ્તારોમાં પણ નોંધપાત્ર બેઠકો મળી છે.
કોંગ્રેસે લઘુમતી, પછાત વર્ગ અને દલિતોને કેન્દ્રમાં રાખી “અહિંદા”ની ચૂંટણી રણનીતિ ઘડી હતી. આ જ ત્રણ વર્ગોના મતોના જોરે તે પાંચ વરસ પહેલાં સત્તામાં આવી હતી. પરંતુ તેનો આ જનાધાર તેણે વીત્યા પાંચ વરસના શાસન કાળમાં તેમના પ્રત્યે દુર્લક્ષ સેવીને ગુમાવી દીધો છે. એટલે કોંગ્રેસને મુસ્લિમ મતો મળ્યા, પણ મુસ્લિમ મત પ્રભાવિત વિસ્તારોમાં બેઠકો ઓછી મળી. ઓ.બી.સી. તેનાથી સંપૂર્ણ દૂર રહ્યો અને દલિતોના મતો તેમની સંખ્યાબંધ પેટાજ્ઞાતિઓની જેમ વહેંચાયેલા રહ્યા. હવે કોઈ રાજકીય પક્ષ આ કે તે જ્ઞાતિના વોટ તેના ખિસ્સામાં છે તેમ કહી શકશે નહીં. હા તે જ્ઞાતિનો નેતા જરૂર એમ કહી શકશે. જે રાજ્યની માતૃભાષા કન્નડ સૌથી વધુ જ્ઞાનપીઠ પુરસ્કૃત સર્જકો ધરાવતી હોય, જે રાજ્યમાં ઉદારમતવાદની દીર્ઘ પરંપરા હોય, જેનું પાટનગર બેંગલુરુ આધુનિક કર્ણાટકનું પ્રતીક બની સિલિકોન વેલી સાથે સરખાવાતું હોય, જે રાજ્યની પોણા ભાગની વસ્તી સાક્ષર હોય તેનો મતદાર ધર્મજાતિકોમ નિરપેક્ષ રહીને નાગરિક તરીકે મતદાન ન કરે તેને શું કહીશું ? જાતિનો પ્રભાવ અકબંધ છે એમ જ ને?
e.mail : maheriyachandu@gmail.com
![]()





માર્કસને પેરિસનિવાસ ઘણો ઉપયોગી નીવડ્યો. અહીં જ એમના મનમાં ઇતિહાસના ભૌતિકવાદી અર્થઘટન અને વર્ગ સિદ્ધાંતના બીજ વવાયાં –અંકુરિત થયાં. “ઈકોનોમિક એન્ડ ફિલોસોફિકલ મેન્યુસ્ક્રીપ્ટસ” અને એન્જલ્સ સાથે “જર્મન આઈડિયોલોજી” જેવા બે મહત્ત્વના ગ્રંથો લખ્યા. ઈયર બુક્ની નકલો પ્રુશિયન સરકારે જપ્ત કરી, માર્કસ સામે નોટિસ કાઢી ને આખરે પેરિસ છોડવું પડ્યું. રઝળપાટનું એક વધુ ચરણ શરૂ થયું ને કોઈપણ રાજકીય પ્રવૃત્તિમાં ભાગ નહિ લેવાની શરતે, બ્રસેલ્સમાં આશ્રય લીધો. પણ ત્યાં ય માર્કસ પ્રવૃત્તિ વિના શાના રહી શકે. “કમ્યુિનસ્ટ કોરસપોન્ડસ કમિટી” રચીને એમણે સંઘર્ષ ચાલુ રાખ્યો. “લીગ ઓફ જસ્ટ”ના સભ્યો સાથેનો નાતો ગાઢ બનતા, ૧૮૪૭માં, લંડનમાં એનું પ્રથમ અધિવેશન મળ્યું. જ્યાં એન્જલ્સના મંત્રીપદે “કમ્યુિનસ્ટ લીગ”ની સ્થાપના કરવામાં આવી. આ સંસ્થાના સિદ્ધાંતો અને ઉદ્દેશોનો મુસદ્દો ઘડવાનું કામ માર્કસ અને એન્જલ્સને સોંપવામાં આવ્યું. “કમ્યુિનસ્ટ મેનિફેસ્ટો” તરીકે જાણીતો, ૪૦ પાનાંનો આ મહાન ઐતિહાસિક દસ્તાવેજ, ઈ.સ. ૧૮૪૮ના ફેબ્રુઆરીમાં લંડનથી પ્રગટ થયો. “બધી જ સત્તાઓ હવે સામ્યવાદને ખુદને એક સત્તા તરીકે સ્વીકારે છે. તેથી, તેને વિશેના કપોળકલ્પિત ગપાટાઓને ખતમ કરવા અહીં તેનું જાહેરનામું બહાર પાડવામાં આવે છે.” એવા શબ્દોથી શરૂ થતો આ મેનિફેસ્ટો આજે જગતની તમામ ભાષાઓમાં અનૂદિત થઈ ચૂક્યો છે. બટ્રાન્ડ રસેલે આ મેનિફેસ્ટોને, “જગતનાં પ્રચંડ પરિબળો, તેમની વચ્ચેના તુમુલ યુદ્ધ અને તેની અનિવાર્ય પરિણિતિને સંક્ષેપમાં પણ આશ્ચર્યકારક રીતે ઓજસ્વી અને વિર્યવાન શૈલીમાં રજૂ” કરનાર ગણાવ્યો હતો.
લંડન નિવાસ દરમિયાન માર્ક્સે ક્રાંતિની નિષ્ફળતાનાં કારણો શોધ્યા. ક્રાંતિ કોઈ વ્યક્તિની મૂર્ખતાના કારણે નહીં, પણ ઐતિહાસિક પરિબળોને કારણે નિષ્ફળ ગઈ હતી એવું સ્થાપિત કર્યું. માર્કસનો આ લંડનવાસ અત્યંત કારમી ગરીબીમાં વીત્યો. થોડાક લેખોનો પુરસ્કાર, હમદર્દોની મદદ અને એન્જલ્સનાં વર્ષાસનથી માંડમાંડ ગુજારો ચાલતો હતો. વિશ્વની સોનેરી નગરી લંડનમાં, “મૂડી” નામના મહાગ્રંથના લેખક માર્ક્સે જે યાતનાઓ વેઠી છે તે આજે ય કમકમાટી ઉપજાવે છે. જ્યારે માર્ક્સનું એક બાળક લોહીની ઊલટી કરતાં કરતાં મરણને શરણ થઈ રહ્યું હતું, એ જ વખતે ચડત ભાડાની વસૂલાત માટે એની ઘરવખરીની હરાજી થતી હતી અને તેમાંથી બાળકોનાં રમકડાં કે પારણું સુધ્ધાં બાકાત નહોતાં રહ્યાં. પોતાનો એક લેખ તંત્રીને મોકલવા માર્ક્સને બૂટ ગીરવે મૂકવા પડેલા, તો લખવાના કાગળો માટે કોટ વેચવો પડેલો. વહાલસોયી દીકરીના દફન માટે કફન ન હોય તેવી અવસ્થામાં પણ “મૂડીવાદી સમાજમાં પૈસો કમાનાર યંત્ર ન બની જવાય” એ માટે માર્ક્સ સજાગ રહ્યા. જો કે એકવાર રેલવેના ટિકિટ ક્લાર્કની નોકરી માટે માર્ક્સે પ્રયત્ન કરેલો પણ જગતના શ્રમિકોના સદનસીબે એમના ગરબડિયા અક્ષરો તેમને આ નોકરીથી વંચિત રાખવામાં નિમિત્ત બનેલા.
નીરુભાઈ દેસાઈ સન્માનપુરસ્કૃત પત્રકાર, લેખક, હાસ્યલેખક, સંશોધક, બ્લોગર, પ્રકાશક અને હવે અધ્યાપક એવી બહુમુખી પ્રતિભા ધરાવતા ઉર્વીશ કોઠારી ન માત્ર ગુજરાતી પત્રકારત્વની, ગુજરાતના નાગરિકસમાજની અને એકંદર જાહેરજીવનની એક વિરલ જણસ છે.