ચીનના વુહાનનાં લેખિકા ફેન્ગ ફેન્ગે (Fang Fang) લૉક ડાઉન દરમિયાન રોજેરોજ ‘વુહાન ડાયરી’ લખીને વિશ્વને સાચી માહિતીથી અવગત કરાવ્યું. ચીનના સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર તેમની ડાયરી ચીની ભાષામાં લખાતી હતી અને તેનો ઝડપભેર અંગ્રેજીમાં અનુવાદ યુનિવર્સિટી ઑફ કૅલિફોર્નિયાના પ્રૉફેસર માઇકલ બેરી દ્વારા થયો છે. આ ડાયરી વુહાનમાં લૉક ડાઉન દરમિયાન કેવી સ્થિતિ હતી તેનો ચિતાર આપે છે. ચીનના તંત્ર સામે પડીને લખવાનું હોવાથી તેમાં કેટલોક ભાગ સૅન્સર પણ થયો.
ડાયરીના એક પોસ્ટમાં ફેન્ગ લખે છે : “આજે ફરી વધુ ખરાબ સમાચાર આવ્યા. મારી દીકરીએ મને કહ્યું કે તેના મિત્રના પિતા લીવર કેન્સરથી પીડાતા હતા અને હવે તેઓ કોરોના-શંકાસ્પદ છે. તેમને હૉસ્પિટલે લઈ જવામાં આવ્યા, પણ ત્યાં તેમની સારવાર માટે કોઈ ન હતું અને માત્ર ત્રણ કલાકમાં તે મૃત્યુ પામ્યા.” આ રીતે ફેન્ગ વુહાનને સૌપ્રથમ કોરોના વિશે ચેતવનારા ડૉક્ટર લિ વેનલિઆન્ગના મૃત્યુના સમાચાર આવ્યા ત્યારે તે વિશે લખ્યું હતું : “આજે લિ વેનલિઆન્ગના મૃત્યુના સમાચાર આવ્યા. હું ખૂબ અસ્વસ્થ છું. મારા મિત્રવર્તુળમાં સૌએ કહ્યું કે સમગ્ર વુહાન લિના મૃત્યુના શોકમાં રડી રહ્યું છે. શબ્દરૂપી આંસુઓની ઇન્ટરનેટ પણ જાણે ભરતી આવી છે.”
ફેન્ગની ડાયરી હાર્પર કૉલિન્સ દ્વારા જૂન, 2020માં પ્રકાશિત થવાની છે. ડાયરીની સાઠ પોસ્ટમાં વુહાન મહામારી દરમિયાન કેવી સ્થિતિમાંથી પસાર થયું તેનું ચિત્ર મળે છે અને ચીન સરકારે જે સ્થિતિ રજૂ કરી હતી તેનાથી ફેન્ગ ફેન્ગે દર્શાવેલું વુહાન વેગળું દેખાઈ આવે છે. ચીનનું મીડિયા જ્યારે સરકારની જ આંખે જોતું ને બતાવતું હોય ત્યારે ફેન્ગની દૃષ્ટિ વાસ્તવિકતા જોવા માટે ખૂબ અગત્યની છે. ફેન્ગની જેમ હાલમાં જે ડાયરીની ચર્ચા થઈ રહી છે તે યુનાઇટેડ કિંગડમના બ્રેડફોર્ડ રોયલ ઇન્ફરમરી હોસ્પિટલમાં ફરજ બજાવતા ડૉ. જ્હોન રાઇટની છે. 9 એપ્રિલના રોજ ડાયરીમાં ડૉ. જ્હોન રાઇટ નોંધે છે : “વિશ્વમાં હાલમાં કોરોનાના પાંચ લાખ કેસ છે
અને યુનાઇટેડ કિંગ્ડમમાં 55,000. અહીં મૃત્યુઆંક 6,000 સુધી પહોંચી ચૂક્યો છે. તમે જ્યારે યુદ્ધના મેદાને હો ત્યારે શાંતિથી વિચારવું તમારા માટે અઘરું છે.”
ડૉ. રાઇટે આફ્રિકા અને અન્ય દેશોમાં પ્રસરેલી મહામારીમાં સીધું ફિલ્ડ પર કામ કર્યું છે અને તે અંગે સંશોધન પણ કર્યું છે. 18 એપ્રિલની પોસ્ટમાં તે લખે છે : “અહીં બે બાબત અગત્યની છે. પ્રથમ, કોરોના પ્રસરવાની ભીતિ અતિ ગીચ વસ્તીમાં છે અને બીજું જેઓ ડાયાબિટીસ, બ્લડપ્રેશરથી પીડાતા હોય તે. દક્ષિણ એશિયાના લોકોમાં સામાન્ય રીતે આ બીમારીઓ વધુ જોવા મળે છે.” ડૉ. જ્હોન રાઇટે ઓનલાઇન ડાયરીમાં એવું ઘણું લખ્યું છે જે ડૉક્ટરો અને સામાન્ય લોકો માટે ઉપયોગી છે.
આ સિવાય પણ વર્તમાનમાં કોરોના ડાયરી લખાઈ રહી છે. અગાઉ મહામારી વિશે લખાયેલી ડાયરીઓની વિગતનાં સંશોધનમાં સેમ્યુઅલ પેપીસનાં નામ સામે આવે છે. સેમ્યુઅલ પેપીસ ઇંગ્લેન્ડ નેવીના વહિવટી અધિકારી અને સાંસદ પણ રહી ચૂક્યા છે. તેમણે ઇ.સ. 1660થી 1669 દરમિયાન લખેલી ડાયરીમાં લંડનના પ્લેગનું ચિત્રણ મળે છે. 1665માં લંડનમાં પ્લેગના મોતના આંકડા વિશે સેમ્યુઅલે ડાયરીમાં નોંધ્યું, “ઑગસ્ટના અંત સુધી પ્લેગનો મૃત્યુઆંક 6,102 સુધી પહોંચી ચૂક્યો છે, પણ સાચો આંકડો દસ હજાર જેટલો હોઈ શકે છે. જે શહેરી ગરીબ વર્ગમાં આવે છે તેમનાં મૃત્યુનો સમાવેશ આમાં થયો નથી. સપ્ટેમ્બર આવતાં પ્લેગને કાબૂ કરવાના તમામ પ્રયાસ નિષ્ફળ રહ્યા. સોશિયલ ડિસ્ટન્સિંગ પણ ક્યાં ય દેખાતું ન હતું.” આ પ્રકારનાં લખાણ અપ્રસ્તુત બનતાં નથી એ કરુણતા છે.
e.mail : kirankapure@gmail.com
સૌજન્ય : “નિરીક્ષક” − ડિજિટલ આવૃત્તિ; 11 મે 2020
![]()


વાચકો પાસે આજે માહિતી મેળવવાના અમર્યાદિત વિકલ્પો છે; તે ઇચ્છે તે સ્વરૂપમાં માહિતી મેળવી શકે છે. પણ વિકલ્પોની ભરમાર વચ્ચે જ્યારે વાચક વિશ્વસનીય, તટસ્થ અને તાર્કિક કન્ટેન્ટની શોધ આદરે છે, ત્યારે માહિતીના દરિયામાં તે અસહાય દેખાય છે.
नवजीवनની આ સફર આરંભાઈ અને જેમ-જેમ ગાંધીજીના સેવાકાર્યનો યજ્ઞ હિંદુસ્તાનમાં વિસ્તરતો ગયો તેમ नवजीवनનાં પાનાં પર દેશની ઐતિહાસિક ઘટના નોંધાતી રહી. नवजीवनની આ ભૂમિકા ગુજરાતી પત્રકારત્વ ક્ષેત્રે અમૂલ્ય લેખાય છે. ગાંધીજી હિંદુસ્તાન આવ્યા ત્યાર બાદ તેમનું માતૃભાષામાં વિપુલ જાહેર લખાણ नवजीवन થકી જ મળ્યું છે. આ કાળમાં ગાંધીજીના ઘડાતા-ઘડાયેલા વિચારોનું પ્રતિબિંબ પણ नवजीवन દ્વારા જ ઝિલાયું છે. यंग इन्डिया, नवजीवनના સમાંતરે અંગ્રેજી ભાષામાં આ જ ભૂમિકા ભજવી રહ્યું હતું.
નવજીવનનો આ ઉદ્દેશનો સાર ત્યાર બાદ પણ તેની બધી જ પ્રવૃત્તિઓમાં રેડાયો છે. પુસ્તકપ્રકાશન ક્ષેત્રે નવજીવનની પ્રવૃત્તિ અનન્ય ઘટના છે, જે અંતર્ગત ગાંધીજી અને તેમના સમકાલીનોનાં પુસ્તકો પ્રકાશિત થયાં. આરંભ અને પછીના સમયમાં નવજીવનને સતત અંગ્રેજ શાસનનું દમન, કાગળની મોંઘવારી અને છાપખાનાની અગવડો રહી, પણ છતાં તેનું કાર્ય વિસ્તરતું ગયું. અને એક સમય એવો આવ્યો જ્યારે ગાંધીસાહિત્યના પ્રચાર-પ્રસારની સઘળી જવાબદારી નવજીવનની થઈ. તે સમયનાં મહદંશે ગાંધીજીનાં બધાં જ પુસ્તકો નવજીવન દ્વારા પ્રકાશિત થતાં રહ્યાં. ૧૯૪૦માં તો ગાંધીજીએ પોતાનાં લખાણોના કૉપીરાઇટના તમામ હકોનો વારસો નવજીવનને સોંપ્યો. આમ, નવજીવન આરંભથી લઈને આજ દિન સુધી ગાંધીસાહિત્યના પ્રચાર-પ્રસારનું વહન કરી રહ્યું છે. ગુજરાતી, હિંદી, અંગ્રેજી સહિત કુલ સોળ ભાષાઓમાં ગાંધીજીની આત્મકથા નવજીવન પ્રકાશિત કરી ચૂક્યું છે. આ ઉપરાંત, કાકાસાહેબ કાલેલકર, કિશોરલાલ મશરૂવાળા, જવાહરલાલ નેહરુ, મહાદેવભાઈ દેસાઈ, મેડલિન સ્લૅડ, મણિબહેન પટેલ, સુશીલા નૈય્યર, પ્યારેલાલ સહિત ગાંધી સમકાલીનોનાં પુસ્તકો નવજીવનની મૂડી છે. આઝાદીની લડત અને તે કાળનો અતિ મૂલ્યવાન ઇતિહાસ આમનાં લખાણો થકી સચવાયો છે, જેનું જતન અને નજીવી કિંમતે પ્રચાર-પ્રસાર નવજીવન કરતું આવ્યું છે અને કરતું રહેશે.
ગાંધીજીએ તેમના સમગ્ર જીવનકાળ દરમિયાન અંદાજે ૬૨૫થી વધુ અખબારી મુલાકાતો આપી છે, જેમાંથી ૬૭ મુલાકાતો ગાંધીજીએ તેમના દક્ષિણ આફ્રિકાના વસવાટ દરમિયાન આપી છે. આ ગાળો ગાંધીજીના જીવનમાં એવો રહ્યો, જ્યાં તેઓ જાહેર જીવન તરફ પ્રયાણ કરી રહ્યા હતા. દક્ષિણ આફ્રિકામાં જ ગાંધીજી લોકો પ્રત્યે થતા અન્યાય વિશે જાણતા થયા. અહીં જ તેઓ અન્યાય સામે અવાજ ઉઠાવતાં શીખ્યા, ‘સર્વોદય’ના સિદ્ધાંતનો પરિચય કેળવાયો, સત્ય અર્થે ઝઝૂમ્યા, આશ્રમ જીવનનો આરંભ કર્યો. આવાં અનેક કારણે ગાંધીજીના જીવનમાં દક્ષિણ આફ્રિકાનું વિશેષ મહત્ત્વ છે, અને એથી જ દક્ષિણ આફ્રિકામાં અખબારો સમક્ષ ગાંધીજી જે બોલ્યા છે, તે તેમના પ્રારંભિક વિચારોને સમજવા માટે આધારભૂત સ્રોત બની રહે છે. ત્રીસીની ઉંમરમાં જાહેરજીવનમાં પ્રવેશેલા ગાંધીભાઈ અખબારોને કેવી રીતે મુલાકાતો આપતા અને તેમની સાથે સંવાદ કેવી રીતે કરતા અને તેમાં કઈ વાતોને પ્રાધાન્ય આપતા, કયા કયા વિષયોને મુલાકાતોમાં આવકારતા, પત્રકારોના સવાલોના જવાબો આપવામાં કેવી કુશળતા દાખવતા અને ક્યાં મુક્ત થઈને બોલતા વગેરે બાબત જાણવી જરૂરી બને છે.