સંપાદકીય

સરદાર-નેહરુને આમનેસામને મૂકવાનો વાયરો એટલો ચાલ્યો છે કે આ બંનેની જોડીએ લાંબા સમય સુધી ખભેખભા મિલાવીને કરેલાં કાર્યોને અવગણી દેવાય છે. આઝાદ ભારતના પ્રથમ વડા પ્રધાન અને નાયબ વડા પ્રધાન રહેનારા આ બંને આગેવાનો વચ્ચે મતભેદ હતા; પરંતુ તેમના માટે સર્વોપરીતા દેશની હતી. સરદાર-નેહરુના સંબંધો વિશે લખાયેલા ઇતિહાસમાં થોડા ઊંડા જઈએ તો તેમની વહીવટી જુગલબંદીના અજોડ દાખલા મળે છે. એકસાથે આ પ્રકારના દાખલા જોવા હોય તો તેમના વચ્ચેનો પત્રવ્યવહાર સહજ-સરળ માર્ગ છે. સરદાર-નેહરુના સંબંધોમાં સૌથી કટોકટીનો સમય દેશની આઝાદી કાળનો હતો; જેમાં દેશનું વિભાજન થયું, ઠેરઠેર રમખાણો થયાં, દેશ-નિર્માણની જવાબદારી આવી અને તે દરમિયાન ગાંધીજીની હત્યાથી વાત ઓર વણસી હતી. આ બંને આગેવાનોનો રાજકીય કાળ સાથે-સાથે આરંભાયો અને ચાલ્યો. એક પાક્કા કર્મવીર બન્યા અને બીજા સ્વપ્નદૃષ્ટા. બંને અલગ-અલગ પૃષ્ઠભૂમિ ધરાવતા હતા. બંનેની વિચારવાની ઢબ જુદી હતી. વિવિધ મુદ્દા વિશે તેમનો દૃષ્ટિકોણ વેગળો હતો. આ કારણે તેમના ભેદ વિશે ખૂબ ચર્ચાઓ તે વખતે પણ થઈ અને આજે પણ તે દોર અટક્યો નથી.
સરદાર-નેહરુના વ્યક્તિત્વને સામસામે જોઈએ તેમ છતાં આ બંને તે સમયના દેશવ્યાપી જનસમર્થન ધરાવનારા કૉંગ્રેસ પક્ષના અગ્રહરોળના આગેવાન હતા. અનેક ચૂંટણીઓમાં તેમણે સાથે રહીને રણનીતિ ઘડી હતી. અંગ્રેજોને જાકારો દેવા એકસાથે લડત ચલાવી હતી. ગાંધીજીના નિષ્ઠાવંત શિષ્યો બનીને રહ્યા. આવી અસંખ્ય ઘટનાઓ તેમનાં જીવનની આસપાસ ઘટી હતી. પરંતુ તેમના મતભેદોની વાત આવે છે ત્યારે તેમનાં સઘળાં કાર્યોને સમેટીને જોવાય છે. જો કે સ્વતંત્ર રીતે સરદાર-નેહરુના દેશ પ્રત્યેના યોગદાનનો ક્યાસ કાઢીએ તો તેમાં તેમના વચ્ચેના મતભેદો સાવ નગણ્ય ઘટના છે. આ મતભેદોનું અસ્તિત્વ તેમના જીવનમાં કેટલું હતું તે જોવું હોય તો ય તેમના પત્રવ્યવહારમાં જોઈ શકાય.
સરદાર-નેહરુ વિશેના મતભેદ અંગે આટલું ઠોસ રીતે કહી શકાય તેનું એક કારણ વી. શંકર દ્વારા સંપાદિત ‘સરદાર પટેલ : પસંદ કરેલો પત્રવ્યવહાર, ૧૯૪૫-૧૯૫૦’ના બે ગ્રંથ છે. આ બે ગ્રંથ ખરેખર તો દુર્ગાદાસ સંપાદિત ‘Sardar Patel Correspondence’ના દસ ભાગમાંથી પસંદ કરેલા પત્રોનો અનુવાદ છે. આ પત્રવ્યવહારમાં દેશ અંગેના અગત્યના મુદ્દાની ચર્ચા સરદાર-નેહરુ વચ્ચે કેવી રીતે થઈ હતી તે વાંચી શકાય છે. આ પત્રવ્યવહારમાંથી પસાર થઈએ તો ખ્યાલ આવે કે સરદાર-નેહરુ પાસે કેટકેટલી બાબતોનું સમાધાન કરવાનું આવ્યું હતું. પ્રધાનમંડળના મતભેદ હોય, જમ્મુ-કાશ્મીર, હૈદરાબાદ, જૂનાગઢ જેવાં દેશી રાજ્યોના વિલીનીકરણની પ્રક્રિયા હોય, કેન્દ્રીય સરકારની સમસ્યાઓ, આઝાદ હિંદ ફોજ અને કોમી હુલ્લડો … આવા અગણિત વિષયો હતા જે અંગે આ બંને આગેવાનો વચ્ચે પત્રવ્યવહાર થયો હતો. આ પત્રવ્યવહારમાં સરદાર-નેહરુએ પોતાના મુદ્દા મક્કમ રીતે મૂક્યા છે. એકબીજા સાથેના મતભેદ દર્શાવવાનું ખુલ્લાપણું પણ તે પત્રોમાં દેખાય છે. આ મતભેદમાં પરસ્પર એકબીજા પ્રત્યેનું વલણ ગાંધીજીની હત્યા બાદ સાવ બદલાયું હતું.
સરદાર-નેહરુનો સ્નેહ તેમના પત્રોમાં સતત ઝળકે છે. ૩ ફેબ્રુઆરી ૧૯૪૮ના રોજ જવાહરલાલ નેહરુ સરદારને લખેલા પત્રમાં એક ઠેકાણે લખે છે કે, ‘… આપણે પચીસ વર્ષ કરતાંયે વધુ સમયથી એકબીજા સાથે સંકળાયેલા છીએ અને ઘણાંયે તોફાનો અને જોખમોનો આપણે સાથે મળીને સામનો કર્યો છે. મારે પૂરેપૂરી પ્રામાણિકતાપૂર્વક કહેવું જોઈએ કે આ સમય દરમિયાન તમારે માટેનાં મારાં સ્નેહ અને માનમાં વધારો થયો છે, અને એને ઘટાડે એવું કંઈ પણ બની શકે એમ હું માનતો નથી …’
આ પત્રનો ઉત્તર સરદાર પટેલે એટલા જ ઉમળકાથી આપતાં લખ્યું હતું : ‘ …આપણે બંને એક સહિયારા ધ્યેય માટે જીવનભરના સાથીદારો રહ્યા છીએ. આપણા દેશનાં સર્વોપરી હિતો અને પરસ્પરનાં પ્રેમ અને માન જે કોઈ વિચારભેદ અને સ્વભાવભેદ હતા તેનાથી પર જઈ આપણને ભેગા રાખી શક્યા છે. આપણે બંને પોતપોતાનાં દૃષ્ટિબિંદુઓને અને કામ કરવાની પદ્ધતિઓને ચુસ્તપણે વળગી રહ્યા છીએ; છતાં આપણે હંમેશાં હૃદયની એકતા જાળવી શક્યા છીએ, અને એ એકતા ઘણા બોજાઓ અને પ્રહારો સામે ટકી રહી છે અને કૉંગ્રેસ તથા સરકારની અંદર સંયુક્ત રીતે કામ કરવા આપણને શક્તિમાન બનાવ્યા છે. …’
સરદાર-નેહરુએ અરસપરસ એકબીજા પ્રત્યેનો પ્રેમ વરસાવે રાખ્યો છે. મતભેદ-સ્નેહ સિવાય પણ તેમના પત્રોમાં દેશના આઝાદી કાળ, તે વખતની કટોકટી અને તેમાંથી દેશને ઉગારવાની પ્રક્રિયા દરમિયાન થયેલો પત્રવ્યવહાર આજે આપણો અમૂલ્ય દસ્તાવેજ છે. આ દસ્તાવેજમાંથી જૂજ પત્રો આ અંકમાં સમાવ્યા છે. આ દિગ્ગજ આગેવાનો વચ્ચેના સંબંધોનો બોધપાઠ આજે ય લેવા જેવો છે. તેમને સામસામે દર્શાવવાની જે રમત થઈ રહી છે તેના પર પૂર્ણવિરામ મુકાવવું જોઈએ. સરદાર પટેલની ૧૫૦મી જન્મજયંતીના પ્રસંગે કમસે કમ આટલું થાય તો ય તેમના પ્રત્યેની આપણી સાચી શ્રદ્ધાંજલિ કહેવાશે.
સૌજન્ય : “नवजीवनનો અક્ષરદેહ”; ઑક્ટોબર – નવેમ્બર 2025
e.mail : kirankapure@gmail.com
![]()




વ્યક્તિની ઓળખ માટે પત્રો ખૂબ ઉપયોગી થઈ શકે અને ગાંધીજીના કિસ્સામાં પણ તે સાચું હતું; તે વાત કાકાસાહેબે લખી છે. પ્રેમાબહેન કંટકને સંબોધીને ગાંધીજીએ લખેલા પત્રોને સમાવતાં બાપુના પત્રો પુસ્તકની પૂર્વભૂમિકામાં એક ઠેકાણે કાકાસાહેબ લખે છે : “બાપુજીના પત્રોમાં ડગલેપગલે એમની જીવનસાધના પ્રગટ થાય છે. પોતાને ભૂલી જવું, શૂન્ય થઈને રહેવું, પોતાના દોષો જોવા, બીજા લોકોના ગુણ જોવા, પોતા પ્રત્યે કઠોર થવું, બીજા પ્રત્યે ઉદાર થવું, જેઓ દૂર છે તેમને સમજવા સવિશેષ પ્રયત્ન કરવો, વગેરે વગેરે વસ્તુઓ એમના લેખોમાં બહુ જોવામાં નહીં આવે તે એમના કાગળોમાં વિશેષ રૂપે દેખાય છે. … નિકટના સાધક હોય અથવા જેમને આશ્રમના આદર્શ પ્રમાણે તેઓ કેળવવા માગતા હોય, તેમને ઉદ્દેશીને લખેલા કાગળોમાં બાપુજી પોતાને અને પોતાની સાધનાને ઉત્કટ રીતે પ્રગટ કરે છે.” પોતાના દોષ જોવાની વાત કાકાસાહેબ લખે છે તે ઘટના ગાંધીજીના જીવનમાં પંદર વર્ષે બની હતી, જેને લઈને તેમણે તેમના પિતાને ચિઠ્ઠી લખી હતી. આ ઘટના જાણીતી છે; જેમાં તેમણે તેમના ભાઈનું પચીસ રૂપિયાનું કરજ પતાવવા માટે સોનાના કડામાંથી એક ટુકડો કાપવાની ચોરી કરી હતી. પણ પછી આ વાત અસહ્ય થઈ પડી અને આખરે ગાંધીજી આત્મકથામાં લખે છે : “છેવટે ચિઠ્ઠી લખીને દોષ કબૂલ કરવો ને માફી માગવી એવો મેં ઠરાવ કર્યો. મેં ચિઠ્ઠી લખીને હાથોહાથ આપી. ચિઠ્ઠીમાં બધો દોષ કબૂલ કર્યો ને સજા માગી.” પત્ર લખવાના આ ક્રમને પછીથી ગાંધીજીએ એટલો નિયમિત બનાવ્યો કે પત્રો તેમના જીવનનું અભિન્ન અંગ બની રહ્યા. ગાંધીજીનો અક્ષરદેહના પ્રથમ ગ્રંથમાં સંપાદક એટલે ટાંકે છે કે, “પત્રવહેવારમાં તેઓ [ગાંધીજી] બહુ નિયમિત હતા. વિચાર કરી જવાબ આપવાને લાયક એક પણ પત્ર એવો ભાગ્યે જ હશે જેનો તેમણે જાતે જવાબ આપ્યો નહીં હોય. પોતાના અંગત અને ખાનગી સવાલોને લગતા કાગળો અનેક માણસો તેમને લખતા; તેમના પત્રવહેવારનો ઘણો મોટો ભાગ આવા પત્રોનો રહેતો અને તે બધાના તેમણે આપેલા જવાબોમાંથી એવી જ જાતના સવાલોમાંથી મૂંઝાતા લોકોને કીમતી દોરવણી મળે છે. પોતાના જીવનના મોટા ગાળા દરમિયાન તેમણે શૉર્ટહૅન્ડ લખનાર અથવા ટાઇપિસ્ટની મદદ લીધી નથી. પોતાને જે કંઈ લખવાની જરૂર પડતી તે તેઓએ પોતાને હાથે લખવાનું ચાલુ રાખ્યું.” કેળવણી કે માર્ગદર્શન માટે ગાંધીજીના પત્રોનો ઉલ્લેખ જેમ મળે છે; તેમ તેમના અસંખ્ય પત્રો જાહેર પ્રશ્નો વિશે પણ છે. આ પત્રોનો દોર તેમના દક્ષિણ આફ્રિકાના નિવાસ દરમિયાન જોવા મળે છે. આફ્રિકાનાં શરૂઆતી વર્ષોમાં તેમણે સ્થાનિક અખબારોને હિંદીઓ સાથે અન્યાય સંબંધે પત્રો લખ્યા છે. ઉપરાંત દક્ષિણ આફ્રિકાના સંસ્થાનના પદાધિકારીઓને, મંત્રીઓને, બ્રિટિશ એજન્ટને, હિંદ સરકારને અને હિંદના આગેવાનોને પણ લખેલા પત્રો છે. આ ક્રમ તેમણે હિંદુસ્તાન આવ્યા પછી પણ જાળવ્યો છે. તેમના જીવનમાં પત્રોની સંખ્યા જવલ્લે જ ઓછી થતી દેખાય છે. પત્રો દ્વારા સતત અન્ય લોકોના સંપર્કમાં રહ્યા છે. જેલમાંથી પણ તેમણે મંજૂરી મળી હોય ત્યારે પત્રો લખ્યા છે. પત્રોની સંખ્યા તેમના જીવનકાળમાં ઘણી વાર એટલી વધારે છે કે તેની નોંધ ગાંધીજીનો અક્ષરદેહના સંપાદકોએ પ્રસ્તાવનામાં ઉલ્લેખી છે. ગ્રંથક્રમાંક છની પ્રસ્તાવનામાં નોંધ છે કે, ‘આ લખાણોમાં મૂળ ગુજરાતીમાં લખેલા પત્રો અને લેખોનું પ્રમાણ વધારે છે.’ જાહેરજીવનમાં ગાંધીજીના કેટલાક ઉકેલ પણ પત્રવ્યવહારને આભારી છે. ૧૯૧૧ના માર્ચમાં તેમના અને દક્ષિણ આફ્રિકાના પદાધિકારી જનરલ સ્મટ્સ વચ્ચેના પત્રવ્યવહારથી હિંદીઓ સાથે થઈ રહેલા અન્યાય અંગેનાં સમાધાનો માટે માર્ગ મોકળો થયો હતો.