પાયામાં કોમવાદના બહુ મોટા તફાવતને બાદ કરતાં, કોંગ્રેસ અને ભાજપનું રાજકારણ ખાસ જુદું ન હતું
જાહેર બાબતોની ચર્ચાના હેતુ, ધોરણ અને ગુણવત્તાનો પ્રશ્ન આજકાલનો નથી કે ફક્ત આ સરકારનો પણ નથી. છતાં, આ સરકારની હિંસક-મુખર જડતામાં ભળેલા વિચારાધારાકીય રસાયણને લીધે, તે જરા વધારે ગંભીર – વધારે ચિંતાજનક લાગે છે. આઝાદ ભારતના રાજકારણમાં એવું કોઇ પાપ નથી, જે ભાજપે પહેલી વાર કર્યું હોય. આઝાદીના દાયકાઓ સુધી સત્તાધારી હોવાને કારણે કોંગ્રેસે — ખાસ કરીને ઇંદિરા ગાંધીયુગની કોંગ્રેસે — કરંડિયામાંથી બધા સાપ છૂટા મૂકી દીધા હતા : જ્ઞાતિવાદ, (સેક્યુલરિઝમના અંચળા હેઠળ) કોમવાદ, લોકશાહીની હત્યા (કટોકટી), ગરીબી હટાવોનાં ગુલાબી સપનાં, ભ્રષ્ટાચાર, કૌભાંડો, વ્યક્તિવાદ, રાજકીય વારસાઈ … અને ઇંદિરા ગાંધીની હત્યા પછી શીખોનો સામૂહિક હત્યાકાંડ.
પરંતુ એ વખતે બૌદ્ધિકો ચૂપ હતા કે આંખ આડા કાન કરતા રહ્યા, એવો પ્રચાર જૂઠો છે. વિરોધની તીવ્રતા કે માત્રા વિશે કચવાટ હોઈ શકે, પણ કોંગ્રેસી કુશાસન વખતે બૌદ્ધિકો ચૂપ રહ્યા અને મોદીરાજમાં બધા અચાનક જાગી ઊઠ્યા, એવું સંઘ પરિવાર-ભાજપ એન્ડ કંપનીએ ઊભું કરેલું ચિત્ર વાસ્તવમાં જૂઠાણાં ફેલાવવાની તેમની ક્ષમતાનો ઉત્તમ નમૂનો છે. કટોકટી પહેલાંના કોંગ્રેસી રાજ વિશે મનુભાઈ પંચોળીએ ‘સોક્રેટિસ’ જેવી કૃતિઓના માધ્યમથી અને જાહેર પ્રવચનોમાં પણ ચેતવણીના ગંભીર સૂર કાઢ્યા હતા. તેમની મુખ્ય ચિંતા લોકશાહીના નામે ચાલતી ‘ટોળાશાહી અને લાંચ-ભ્રષ્ટાચારથી ખદબદતી મતશાહી’ વિશેની હતી. કોંગ્રેસી રાજમાં જ ઉમાશંકર જોશી ગુજરાતના જાહેર જીવનના સ્તંભ અને લોકશાહીવિરોધી બળોના ટીકાકાર તરીકે ઉભર્યા. કટોકટી વખતે તેમણે રાજ્યસભાના નિયુક્ત સભ્ય તરીકે ગૃહમાં હિંમતપૂર્વક સરકારની ટીકા કરી અને તેમના માસિક ‘સંસ્કૃિત’માં સરકારવિરુદ્ધ-લોકશાહીની તરફેણમાં સાફ શબ્દોમાં લખ્યું.
નવનિર્માણ આંદોલન અને બિહારના જયપ્રકાશ આંદોલન વખતે સંખ્યાબંધ બૌદ્ધિકો ઇંદિરા ગાંધીનાં શાસનના અનિષ્ટોની સામે પડ્યા હતા – લડ્યા હતા. સંઘ પરિવાર-જનસંઘ-ભાજપે જેનો ભરપૂર લાભ લીધો એ બિનકોંગ્રેસવાદ નકરું રાજકીય સર્જન ન હતો. તેને જન્મ અને બળ આપવામાં બૌદ્ધિકો-વિચારવંતોનો મોટો ફાળો હતો. લોહિયા-જયપ્રકાશ જેવા કેટલાક બૌદ્ધિક અને જનસંપર્ક ધરાવતા નેતાઓ બિનકોંગ્રેસવાદના મૂળમાં હતા, જેની મબલખ ફસલ સંઘ પરિવારની સંસ્થાઓએ ઉતારી. કટોકટી બિનકોંગ્રેસવાદ માટે ભરતીનો સમય બની. છતાં, મોટા ભાગના ટૂંકી દૃષ્ટિના, સ્વાર્થી નેતાઓનો શંભુમેળો કોંગ્રેસનો વિકલ્પ બની શક્યો નહીં અને ફરી એક વાર વડાપ્રધાન તરીકે ઇંદિરા ગાંધી લમણે લખાયાં.
અલબત્ત, નરેન્દ્ર મોદીના કથિત વિકાસપ્રેમનાં વખાણ કરનારો આખો વર્ગ છે, તેમ ઇંદિરા ગાંધીએ લાદેલી કટોકટીનાં વખાણ કરનારો વર્ગ પણ હતો. અત્યારે જેમ વિકાસના ગુલાબી ગાલીચા તળે લોહીના ડાઘથી માંડીને કુશાસના ઉકરડા ઢાંકી દેવાય છે, તેમ કટોકટી વખતે ટ્રેનો સમયસર આવે એનાથી પ્રભાવિત થઈને કટોકટીને નજરઅંદાજ કરનારા કે તેનાં વખાણ કરનારા લોકો પણ હતા. સરકારની આંખમાં આંખ મિલાવીને સવાલ પૂછવાને બદલે એની ‘મર્દાનગી’ (ન્યૂસન્સ વેલ્યુ)થી બીવાની જાણે લોકોને મઝા આવતી હતી. કટોકટી વખતે જનસંઘના લાલકૃષ્ણ અડવાણીએ કહ્યું હતું,‘(સરકારે) લોકોને ઝૂકવાનું કહ્યું ને એ લેટી પડ્યા.’ નરેન્દ્ર મોદી વધારે ‘કાર્યક્ષમ’ નીકળ્યા. એમણે દેખીતી કટોકટી લાદ્યા વિના, વિકાસની વાતો અને કોમી દ્વેષના સંયોજનથી એવું રસાયણ નીપજાવ્યું કે લોકો ઝૂકવા-લેટવા ઉપરાંત ભાન ભૂલીને ઝૂમવા લાગ્યા.
૧૯૮૪માં ઇંદિરા ગાંધીની હત્યા સાથે ઇંદિરાયુગનો કરુણ અંત આવ્યો. તેના પગલે શીખ હત્યાકાંડ થયો અને રાજીવ ગાંધીએ તેમનું કુખ્યાત બનેલું નિવેદન આપ્યું, ત્યારે બૌદ્ધિકો ચૂપ ન હતા. પીપલ્સ યુનિઅન ફોર સિવિલ લીબર્ટી જેવી સંસ્થાઓએ શીખ હત્યાકાંડ વિશે વિગતે અહેવાલ તૈયાર કર્યો હતો. તેમાં ચાવીરુપ ભૂમિકા ભજવનાર પ્રો. રજની કોઠારી પ્રત્યે કૃતજ્ઞતાને કારણે શીખ ટેક્સી ડ્રાયવરો તેમની પાસેથી ભાડું લેવાની આનાકાની કરતા હતા, એવું ધીરુભાઈ શેઠ જેવા પ્રો. કોઠારીના સાથીદારો પાસેથી સાંભળ્યું છે.
પાયામાં કોમવાદના બહુ મોટા તફાવતને બાદ કરતાં, કોંગ્રેસ અને ભાજપનું રાજકારણ ખાસ જુદું ન હતું. છતાં, ભાજપ પાસે સત્તા ન આવી ત્યાં સુધી એમની વચ્ચે બહુ ફરક હોવાનો આભાસ ટકેલો રહ્યો. બધાં પ્રકારનાં પાપ કોંગ્રેસે અગાઉ કરેલાં હોવાથી, ભાજપે ‘વોટઅબાઉટીઝમ’(‘ત્યારે-તમે-ક્યાં-હતા?’વાદ)ને પોતાના આક્રમક પ્રચાર અને કહેવાતી ચર્ચાઓનું કેન્દ્રવર્તી સૂત્ર બનાવી દીધું. તમામ બાબતોમાં કોંગ્રેસના પગલે ચાલવા છતાં, ઘણી બાબતોમાં ભાજપે નવા રેકોર્ડ બનાવ્યા. શેરીમાંથી ઊભો થયેલા, ગાંધીવિરોધી-મુસ્લિમવિરોધી-ખ્રિસ્તીવિરોધી માનસિકતાવાળી માતૃસંસ્થા ધરાવતા પક્ષ તરીકે ભાજપે સવાઈ બેશરમીથી બધાં કરતૂત આચર્યાં. (જેમ કે, કોંગ્રેસે ૧૯૮૪માં શીખ હત્યાકાંડ પછી ગૌરવયાત્રા કાઢી ન હતી. નરેન્દ્ર મોદીએ ૨૦૦૨માં ગુજરાતની કોમી હિંસા પછી એ જ વર્ષે ગૌરવયાત્રા કાઢી) આ બાબતે ભાજપ-સંઘના નેતાઓ કે સમર્થકોનો કાંઠલો પકડવામાં આવે ત્યારે તેમની પાસે જવાબરૂપી સવાલ તૈયાર હતો : ‘ત્યારે તમે ક્યાં હતા?’
એ સવાલની બાળાગોળીનું ભાજપ-સંઘ દ્વારા ધૂમ વિતરણ થયું. લોકોએ તેના પર ચોંટાડેલું રાષ્ટ્રવાદનું લેબલ વાંચીને એ હોંશેહોંશે પીધી અને તેની અસરમાં આવીને એ પણ ‘ત્યારે તમે ક્યાં હતા?’ પૂછતા થઈ ગયા. તેના જ વિસ્તાર તરીકે ઘણા લોકો અત્યારે એવોર્ડ પાછા આપનારા લેખકોની ટીકા પર અને ‘એવોર્ડ સાથે રૂપિયા પાછા આપ્યા કે નહીં?’ એવી અસંબદ્ધ ચર્ચા પર ઊતરી આવ્યા છે. પરંતુ જે કારણથી એવોર્ડ પાછા અપાઈ રહ્યા છે એની ચર્ચામાં તેમને રસ પડતો નથી. તેમની પાસે સવાલ તૈયાર છે : ‘કોંગ્રેસના રાજમાં આવું થયું ત્યારે તમે ક્યાં ગયા હતા?’
આવું પૂછનારાને સાદો સવાલ : પહેલાં એ તો કહો કે ચાલુ વર્તમાનકાળમાં બધું બની રહ્યું છે, ત્યારે તમે ક્યાં છો? તમે સ્થાપિત હિત ધરાવતા રાજનેતા કે તેમના પેઇડ પ્રચારક નથી, તો તમે કેમ ભૂતકાળની ઓથે ભરાઈને વર્તમાનની શરમ ઢાંકવા કે એને વાજબી ઠરાવવા કોશિશ કરો છો? કોંગ્રેસી શાસન વખતે વાજબી રીતે પ્રગટેલો ભ્રષ્ટાચારવિરોધનો ઉત્સાહ વ્યાપં ને લલિત મોદીની વાત આવે ત્યારે કેમ ગલ્લાંતલ્લાં પર કે ટેક્નિકલ બાબતો પર ઊતરી અને કંઈ જ ન સૂઝે ત્યારે ‘તમે ક્યાં હતા?’ પર ઊતરી જાય છે?
કોંગ્રેસ હોય કે ભાજપ કે પછી આપ, સરવાળે તે એટલાં જ સીધાં છે, જેટલાં તેમને રાખવામાં આવે. આપણું કામ એમના ચગડોળે ચડવાનું કે એમના ‘વોટઅબાઉટીઝમ’ના ચિયરલીડર બનવાનું નથી. તેમની પાસેથી જવાબો માગવાનું છે. એવોર્ડ પાછા આપનારા લેખકો પાસેથી જવાબ માગવામાં રાખ્યો, એનાથી અડધો ઉત્સાહ સત્તાધીશો પાસેથી જવાબ માગવાનો રાખ્યો હોત તો?
પર વો દિન કહાં …
સૌજન્ય : ‘આભાર અને વાસ્તવ’, “દિવ્ય ભાસ્કર”, October 20, 2015
http://www.divyabhaskar.co.in/news/ABH-urvis-kothari-article-on-congress-and-bjp-politics-5146199-NOR.html
![]()


ગાંધીજીએ અંગ્રેજ સરકાર સામે અસહકાર આંદોલન શરૂ કરતાં પહેલાં, અંગ્રેજો તરફથી મળેલા ત્રણ ચંદ્રક પાછા મોકલી આપ્યા હતા. દક્ષિણ આફ્રિકામાં લડાઇઓ દરમિયાન સારવારટુકડીમાં આપેલી સેવા બદલ તેમને આ ચંદ્રક મળ્યા હતા. ૨ ઓગસ્ટ, ૧૯૨૦ના રોજ, સરકાર સામે વિરોધની અભિવ્યક્તિ તરીકે ગાંધીજીએ ચંદ્રકો પાછા મોકલાવ્યા, ત્યારે તેમને કોઇએ એવું પૂછ્યું હશે કે ‘એપ્રિલ, ૧૯૧૯માં જલિયાંવાલા બાગનો હત્યાકાંડ થયો ત્યારે તમે ક્યાં ગયા હતા? એ વખતે રવીન્દ્રનાથ ટાગોરે પોતાનો ‘નાઇટહુડ’નો ખિતાબ પાછો આપ્યો ત્યારે તમે કેમ તમારા ચંદ્રક પાછા ન આપ્યા? ને હવે કેમ ચંદ્રક પાછા આપવા નીકળ્યા છો? ધીક્કાર છે તમારા દંભને-તમારાં બેવડાં ધોરણને … ભારત…માતાકી ..’ ગાંધીજી બચી ગયા. બાકી, અત્યારની રીત જોતાં, પોપટિયા સવાલો દ્વારા ગાંધીજીની દેશભક્તિની અગ્નિપરીક્ષા લેવાઇ હોત અને તેમાં એમને નાપાસ જાહેર કરી દેવાયા હોત.
વાત સુભાષચંદ્ર બોઝની છે. તેમના મૃત્યુને લગતી ચર્ચા અને કોન્સ્પીરસી થિયરી(કાવતરાંકથાઓ)ની વધુ એક મોસમ આવી છે. આ વખતે પશ્ચિમ બંગાળ સરકારે ખુલ્લા મુકેલા — અને કેન્દ્ર સરકારે હજુ દબાવી રાખેલા –નેતાજીને લગતા કેટલાક સરકારી દસ્તાવેજ અટકળબાજીનું નિમિત્ત બન્યા છે. નેતાજીના મૃત્યુની કે ૧૯૪૫ પછી વર્ષો સુધી તેમના જીવિત હોવાની ચર્ચા મોટે ભાગે ઝાડવાં ગણતાં જંગલ ભૂલવા જેવી બની રહે છે. નેતાજીનું મૃત્યુ કેવી રીતે થયું, એ જાણવાની ઇંતેજારી વાજબી છે. તેની પાછળનું સત્ય જાણવાની ચટપટી સમજી શકાય એવી છે, પરંતુ એ બન્નેની લ્હાયમાં નેતાજી સાથે સંકળાયેલી અને આજે પણ યાદ રાખવા જેવી કેટલીક હકીકતો ભૂલી જવાય છે. કારણ કે, એ યાદ રાખવાથી અત્યારના રાજનેતાઓ કે રાજકીય પક્ષોને કશો ફાયદો નથી.