વધુ એક પ્રજાસત્તાક દિન ઉર્ફે ગણતંત્ર દિન વીત્યો, સરકારી રાહે તેની ઉજવણી થઈ, પણ મોટા ભાગના લોકો માટે આ દિવસનું મહત્ત્વ ફરજિયાત રજાથી વિશેષ નથી હોતું. સરકાર પણ એમાં રાજી રહે છે. બલકે, સરકારો ઘણીખરી ઉજવણી જ એ આશયથી કરે છે કે તેની ઝાકઝમાળમાં મહાલતા લોકો સવાલો ન પૂછે. તેની સરખામણીમાં પહેલા પ્રજાસત્તાક દિવસ 26 જાન્યુઆરી, 1950 નિમિત્તે કેવો માહોલ હતો?
દેશના ભાગલાથી નિરાશ ગાંધીજી સ્વતંત્રતા દિવસની ઉજવણી વખતે દિલ્હીથી દૂર રહ્યા હતા અને તેમને કશી ઉજવણી કરવાપણું લાગ્યું ન હતું. દેશનું બંધારણ અમલમાં આવે ત્યાર પહેલાં તે સવાયા રાષ્ટ્રવાદનો દાવો કરતી વિચારધારાની ગોળીઓથી વીંધાઈને મૃત્યુ પામ્યા હતા. પરંતુ તેમણે ગુજરાતી, હિંદી અને અંગ્રેજી ભાષામાં શરૂ કરેલાં હરિજનપત્રો ચાલુ હતાં. તેમાંથી ગુજરાતી સાપ્તાહિક “હરિજનબંધુ”ના તંત્રી કિશોરલાલ મશરૂવાળાએ 22 જાન્યુઆરી, 1950ના અંકમાં ‘આપણો નવો દરજ્જો’ એવા મથાળા સાથે એક પાનાનો લેખ લખ્યો હતો.
તકલાદી/તકવાદી નહીં, મૌલિક ચિંતક તરીકે જાણીતા કિશોરલાલે કોઈ પણ જાતની શબ્દચાલાકી કર્યા વિના લખ્યું હતું કે ‘વ્યવહારદૃષ્ટિએ આ જાહેરાતથી ભારત સરકારને 1947ના ઑગસ્ટની 15મીએ કાયદામાં ન મળેલા એવા કોઈ નવા હકની પ્રાપ્તિ થતી નથી. પરદેશો સાથેના વહેવારમાં ભારત સરકારના સ્વરૂપમાં અને નામમાં ફેરફાર થશે એ સિવાય આજની ભારત સરકાર અને 26મી જાનેવારી પછીની ભારત સરકાર વચ્ચે કશો તાત્કાલિક તફાવત જોવા નહીં મળે. પુખ્ત વયના મતાધિકાર તળે આવતે વરસે જ્યારે નવી ચૂંટણીઓ થશે ત્યારે લોકોને નવા બંધારણની અસરો વહેવારમાં જોવા મળશે.’
પરંતુ તેમણે પ્રજાસત્તાકનો મહિમા દર્શાવતો એક મહત્ત્વનો અને ઐતિહાસિક મુદ્દો એ લેખમાં ઊભો કર્યો. તેમણે લખ્યું, ‘જાનેવારીની 26મી તારીખથી નિઃશંકપણે એક નવા યુગનું મંગલાચરણ થાય છે … રાજા વિનાના રાજ્યની કલ્પના કરવી એ જ આપણા લાખો બલકે કરોડો લોકો માટે તદ્દન નવો અનુભવ છે. તેમના મનમાં એવો સંસ્કાર ઘર કરી ગયો છે કે રાજા વિનાનું રાજ્ય હોઈ ન શકે.
ઇતિહાસકારો ભલે કહે કે ભારતના ઇતિહાસમાં એક વખત પ્રજાસત્તાક રાજ્યો હતાં પરંતુ લોકોમાં આવી પ્રજાસત્તાક રાજ્યતંત્રની હસ્તીની દંતકથા સરખી રહી નથી. હિંદમાં આજેયે એવા લાખો લોકો છે, જેમને ગવર્નર જનરલ કે ગવર્નર અને તેમના પ્રધાનો વચ્ચે કેવો સંબંધ છે અને તેમના હોદ્દાઓમાં શો ફેર છે તેનો જરાયે ખ્યાલ નહીં હોય. અને એવા ભોળા પ્રધાનો પણ છે, જેઓ તેમનાં દર્શન કરવા જમા થયેલી લોકોની મેદનીને પોતાની લોકપ્રિયતાની નિશાની માની લે છે …. ગામડાંમાં પણ એવા માણસોની સંખ્યા ઓછી નથી કે જેઓ બે વર્ષ પર ગાંધીજીની દોરવણી નીચે કૉંગ્રેસે બ્રિટિશ રાજ્યને હરાવ્યું અને પંડિત જવાહરલાલ નેહરુને હિંદની ગાદી પર રાજા તરીકે બેસાડ્યા એવી ભોળી માન્યતા ધરાવે છે. તેથી પંડિત નહેરુ જ્યારે જાહેરમાં દેખાય છે, ત્યારે લોકો હજારોની સંખ્યામાં ભેગા થાય છે અને રાજાનું દર્શન શુકનભર્યું મનાતું હોવાથી તેમનાં દર્શનથી પોતાને કૃતાર્થ થયેલા માને છે.’
આવા સામાન્ય લોકો પ્રત્યે ચૂંટાયેલા પ્રતિનિધિઓની શી ફરજ છે? કિશોરલાલે લખ્યું હતું, ‘આપણે ભાષાવાર કે બહુભાષી પ્રાંતોની ચળવળ કરીએ, ઉદ્યોગીકરણનો કે હાથઉદ્યોગનો પક્ષ લઈએ … ઘી કે વનસ્પતિના ગુણદોષ જોઈએ, જૂના હિંદુ કાયદાની હિમાયત કરીએ કે તેને સુધારવાની, દારૂબંધીની નીતિ રાખીએ કે દારૂ છૂટની, વંદેમાતરમ્ ગાવા માગીએ કે જનગણમન … દરેક ચર્ચામાં આપણે એ કસોટી રાખીએ કે આ મૂંગી અને નિરાધાર જનતાનાં જીવન અને સગવડો તથા તેમનાં ચારિત્ર્ય અને પ્રગતિ પર તે દરેકની શી અસર પડશે.’
ગાંધીજીની ગૂજરાત વિદ્યાપીઠના વિદ્યાર્થીમાંથી તેજસ્વી સર્જક તરીકે પ્રતિષ્ઠિત ઉમાશંકર જોશીએ તેેમના માસિક ‘સંસ્કૃિત’ના ફેબ્રુઆરી, 1950ના અંકમાં समानो मन्त्रः। એ શીર્ષક હેઠળ, આનંદ કરતાં વધારે જવાબદારી અને ભયસ્થાનો ચીધ્યાં. ભારત હજુ કૉમનવેલ્થનું સભ્ય હોવાથી તે ઇંગ્લેન્ડના રાજાનો વડા તરીકે સ્વીકાર કરે છે, પ્રજાએ બંધારણસભાના પ્રતિનિધિઓ ચૂંટવા બાકી છે, એવા મુદ્દા ઊભા કરીને તેમણે લખ્યું, ‘જે રીતે સત્તાની સંક્રાન્તિ થઈ છે અને જે રીતે એ સત્તાનો ઉપયોગ થાય છે એ જોતાં માત્ર ઘોષણા કરવાથી પ્રજાને હસ્તક જેની સત્તા હોય એવું રાજ્ય અસ્તિત્વમાં આવી ગયું એમ માનવું પણ મુશ્કેલ બને છે.
પસાર થયેલા બંધારણમાં … નાગરિકની સલામતી માટેના હેબિયસ કોર્પસની યોજના સંતોષકારક રીતે થઈ નથી. કામ મેળવવાનો હક્ક અને કેળવાવાનો હક્ક તેની ઉપર પણ જોઈતું ધ્યાન અપાયું નથી.’ ગાંધીજીને રાજકીય આઝાદી કરતાં સામાજિક આઝાદીની ખેવના અનેક ગણી વધારે હતી. એવી લાગણીનો પડઘો પાડતાં ઉમાશંકર જોશીએ લખ્યું હતું, ‘રાજકીય સ્વાતંત્ર્ય એ આજના યુગની ફૅશન લાગે છે. આર્થિક અને સામાજિક મુક્તિનો જ કાંઈ અર્થ છે.
એને માટેની મોટી વ્યવસ્થા કે ઝુંબેશ હિંદમાં દેખાતાં નથી. મૂડીને પંપાળવામાંથી નેતાગારી ઊંચી આવતી નથી. પીછેહટવાદીઓને છૂટો દોર અપાઈ રહ્યો છે. હિંદુ કોડબિલ જેવી બાબતમાં ડૉ. રાજેન્દ્રપ્રસાદ અને પં. નહેરુ જેવા પણ ઢીલું વલણ લઈ શકે છે. આર્થિક અને સામાજિક અન્યાયોને ભરખી જતી પ્રજાચેતનાની જ્વાલાઓ ક્યાં ય નજરે ચઢતી નથી. કાગળ પરના બંધારણથી શો સંતોષ લેવો?’ એમ કહીને તેમણે બીજા દેશોમાં રચાયેલાં ને નિષ્ફળ ગયેલાં બંધારણોનું ઉદાહરણ આપ્યું છે.
પ્રજાસત્તાકનો મહિમા તેમણે લખ્યું, ‘હિંદની યાત્રામાં 26મી એક મહત્ત્વનો મજલથંભ છે. રાજા સાથેનો સંબંધ ઘણો ઘસાયો છે. દેશમાં પ્રથમ વાર એકતા અને સાર્વભૌમતા સ્થપાય છે … આખા દેશમાં એક વિશાળ ગણરાજ્યની સ્થાપના પ્રથમ વાર હવે જ થાય છે’ અને તેને સફળ કેવી રીતે બનાવવું તેની ચાવી સૂચવતાં લખ્યું, ‘સૉક્રેટીસે કહ્યું છે કે પૈસો અને કીર્તિ જેને આકર્ષી ન શકે તેને સજાનો ડર બતાવીને રાજકાજમાં આકર્ષવા જોઈએ. સૌથી મોટી સજા ખરાબ માણસો આપણી ઉપર રાજ કરે એ છે. એમાંથી છૂટવું હોય તો સારા માણસોએ રાજકાજનો બોજ ઉઠાવવા આગળ આવવું જોઈએ. मा नो दुःशंस ईशत।— દુષ્ટ તત્ત્વોનું આપણી ઉપર શાસન ન હો! વીરપૂજા અને ઉચ્ચનીચના ભાવ છોડીને અને સમૂહવૃત્તિ કેળવીને પોતાને મળેલા મતને દરેક પ્રજાજન સાર્થક બનાવી રહો!’
ઉમાશંકરની આવી કડક અભિવ્યક્તિ છતાં કોઈએ તેમને દેશદ્રોહી ગણાવ્યા નહીં એ યાદ રાખવા જેવું છે અને કિશોરલાલ-ઉમાશંકરની ઘણીખરી ટીકા, અપેક્ષા અને લાગણીઓ 2018માં પણ બંધ બેસે છે, તે ભૂલવા જેવું નથી.
સૌજન્ય : ‘નવાજૂની’ નામક લેખકની સાપ્તાહિક કોલમ, ‘રસરંગ’ પૂર્તિ, “સન્ડે ભાસ્કર”, 28 જાન્યુઆરી 2018
![]()


સ્વામી આનંદ જેવા પ્રખર દેશભક્ત, ટિળક-ગાંધીના અનુયાયી, અધ્યાત્મપુરુષે નાનાભાઈ ભટ્ટ માટે ‘યાજ્ઞવલ્ક્ય સમા’ એવું વિશેષણ વાપર્યું હતું. સ્વામી ગુણગ્રાહી ખરા, પણ વિશેષણો વહેંચનારા નહીં. બલકે, આકરાપણા માટે ઠીક ઠીક જાણીતા. છતાં, નાનાભાઈ માટે તેમણે લખ્યું હતું, ‘સૃષ્ટિ તેમ જ જીવનવિષયક વિચારણાઓમાં નાનાભાઈ ઉપનિષદ કાળના ઋષિ યાજ્ઞવલ્ક્યની યાદ અપાવતા.’
આક્રમક અંદાજમાં પૂછાતો મૂળ સવાલ તો એ છે કે કોંગ્રેસે આટલાં વર્ષોમાં શું કર્યું? પણ આજે જવાહરલાલ નેહરુની જન્મતારીખે, સાઠ વર્ષનો હિસાબ કરવાને બદલે, ફક્ત તેમની વાત કરીએ. ભારત નસીબદાર હતું કે આઝાદીની લડાઈમાં તેને ચાલુ કિસમના બાપુઓને બદલે ગાંધીજી જેવા ‘બાપુ’, હરિયાણાના માથાભારે ‘તાઉ’ દેવીલાલને બદલે નેહરુ જેવા ‘ચાચા’, અડવાણી જેવા ‘છોટે સરદાર’ને બદલે વલ્લભભાઈ જેવા સરદાર, રામરહીમ કે બીજા અનેકને બદલે આંબેડકર જેવા ‘બાબા’ અને મુલાયમસિંહને બદલે સુભાષ જેવા ‘નેતાજી’ મળ્યા.