ગ્રૅટા થનબર્ગ અને વૅનૅસા નાકાતેનો વૈશ્વિક મીડિયાને ખુલ્લો પત્ર
પ્રિય વિશ્વભરના મીડિયા ઍડિટર,
પીગળતાં હિમનદીઓ, દાવાનળ, અનાવૃષ્ટિ, જીવલેણ હીટવેવ, અતિવૃષ્ટિ, જૈવ વૈવિધ્યમાં ખોટ — આપણી આજુબાજુ પળે પળે દેખા દેતા આ તમામ એક અસ્થિર ગ્રહના ચિહ્ન છે.
આ બધી બાબતોનો અહેવાલ તમે આપતા હો છો. આમ છતાં, અમુક વખત, હવામાન કટોકટી, આના કરતાં અનેક ઘણી વધુ હોય છે. જો તમે સાચેસાચ હવામાન કટોકટીને આવરવા ઇચ્છતા હો તો તમારે સમયના પાયાના પ્રશ્નો, સાકલ્યવાદી (holistic) વિચાર-વિમર્શ અને ન્યાય પર પણ અહેવાલ આપવા પડશે.
એનો અર્થ શો થાય? એક એક કરીને બધા મુદ્દા જોઈએ.
સૌ પ્રથમ, સમયનો ખ્યાલ. જો તમારી કહાણીઓમાં ટીકટીક કરતી ઘડિયાળનો સમાવેશ નથી, તો હવામાન કટોકટી તમારા રાજકીય મુદ્દાઓમાંનો ફક્ત એક મુદ્દો છે એમ માનવું રહ્યું. એવો મુદ્દો જેમાંથી ખરીદીને, બાંધકામ કરીને કે રોકાણ કરીને રસ્તો કરી શકાય છે. સમયનું પાસું કાઢી નાખો તો પછી રાબેતા મુજબ જ ચલાવી શકાય છે અને “પાછળથી પ્રશ્નોનો ઉકેલ” કાઢી શકાય છે, ૨૦૩૦, ૨૦૫૦ કે પછી ૨૦૬૦. ઉપલબ્ધ શ્રેષ્ઠ વિજ્ઞાન દર્શાવે છે કે ઉત્સર્જનના (emission) આપણા પ્રવર્તમાન દરને જોતા, ૧.૫ ડિગ્રી સેન્ટીગ્રેડના આપણા અનામત કાર્બન બજેટની નીચે રહેવાની ક્ષમતા આ દસકાના અંત પહેલાં ખતમ થઈ જશે.
બીજું, સાકલ્યવાદી વિચાર-વિમર્શ. આપણા અનામત કાર્બન બજેટને ધ્યાનમાં લેતી વખતે આપણે તમામ આંકડાનો, આપણા ઉત્સર્જન સહિત, સરવાળો કરવાનો રહે છે. હાલ તમે ઊંચી આવકવાળા દેશો અને મોટા પ્રદૂષણ કર્તાઓ પ્રત્યે આંખ આડા કાન કરો છો, અને છેલ્લાં ૩૦ વર્ષોમાં મહામહેનતે એમણે સર્જેલા અધૂરા આંકડા, છટકબારીઓ અને ખોખલી વાતોની ઓથે એમને સંતાવવા દો છો.
ત્રીજું, અને સૌથી અગત્યનું, ન્યાય. હવામાન કટોકટી ફક્ત આત્યંતિક ઋતુઓ સુધી સીમિત નથી. એનો સંબંધ લોકો સાથે છે. સાચા લોકો. જે લોકોનો હવામાન કટોકટીમાં સૌથી ઓછો ફાળો છે એ લોકો સૌથી વધારે ભોગવી રહ્યાં છે. વૈશ્વિક દક્ષિણ હિસ્સો હવામાન કટોકટીના સંદર્ભમાં મોખરે હોવા છતાં વિશ્વના દૈનિકોનાં મુખ્ય પાનાં પર દેખાતા નથી. કૅલિફોર્નિયા કે ઑસ્ટ્રેલિયાના દાવાનળ અથવા યુરોપના પૂર પર ધ્યાન કેન્દ્રિત કરતું પશ્ચિમી મીડિયા હવામાન સંબંધી હોનારતોના શિકાર બનતા વિશ્વના દક્ષિણી હિસ્સાના સમુદાયો તરફ ભાગ્યે જ ધ્યાન આપે છે.
ન્યાયના તત્ત્વનો સમાવેશ કરવા માટે, પોતાના ઉત્સર્જન ઘટાડવાની દિશામાં ઝડપ વધારવાની વિશ્વના ઉત્તરના દેશોની નૈતિક જવાબદારીને નજરઅંદાજ કરી શકાય એમ નથી. આ વર્ષના અંત સુધીમાં વિશ્વએ સામૂહિક ધોરણે કાર્બન બજેટનો ૮૯% બાળી નાખ્યો હશે, જેના પરિણામે ૧.૫ ડિગ્રી સેન્ટીગ્રેડ નીચે રહેવાનો ૬૬% અવકાશ રહે છે.
આથી, ઐતિહાસિક ઉત્સર્જનો ના કેવળ મહત્ત્વના છે, પરંતુ હવામાન ન્યાય સંબંધી ચર્ચાના હાર્દમાં છે. આમ છતાં, મીડિયા અને સત્તાધીશો દ્વારા ઐતિહાસિક ઉત્સર્જનોને સંપૂર્ણપણે નજરઅંદાજ કરવામાં આવે છે.
પૅરિસ કરારમાં નિર્ધારિત લક્ષ્યની નીચે રહેવા માટે, અને એથી માનવોના કાબૂ બહારની પ્રત્યાઘાત પરંપરાઓ સર્જાવવાના જોખમો ઘટાડવા માટે, વિશ્વમાં ક્યારે ય નહીં કરવામાં આવેલા એવાં તાત્કાલિક, સખત વાર્ષિક ઉત્સર્જનો ઘટાડવાના પગલાં લેવાની આવશ્ક્તા છે. ભાખવું શક્ય છે એવા ભવિષ્યમાં આ લક્ષ્યાંક થોડે અંશે પણ સિદ્ધ કરી શકાય, એવા સ્વયંસિદ્ધ તકનીકી ઉપાયો આપણી પાસે નથી. આનો અર્થ એ કે આપણા સમાજમાં આપણે ધરમૂળના ફેરફારો આણવા પડશે. આ કટોકટીને પહોંચી વળવામાં આપણા નેતાઓની નિષ્ફળતાનું આ અકળાવનારું પરિણામ છે.
આ નિષ્ફળતા સુધારવામાં તમારી જવાબદારીનો ઉલ્લેખ કરવો વધુ પડતું નહીં કહેવાય. આપણે કટોકટીનો સામનો કરી રહ્યાં છીએ, એવું જો આપણા નેતાઓ અને આપણું મીડિયા નહીં વર્તે તો આપણે નહીં સમજી શકીએ કે આપણે સામાજિક પ્રાણી છીએ. આપણા સમાજ સામેના મોટા પડકારો વિશે નાગરિકોને તટસ્થ રીતે જણાવે એવું મુક્ત પ્રેસ કાર્યક્ષમ લોકશાહીનું એક આવશ્યક તત્ત્વ છે. વધુમાં, મીડિયાએ સત્તા પર બેઠેલાઓની સક્રિયતા કે નિષ્ક્રિયતા માટે એમને જવાબદાર ઠેરવવા જોઈએ.
તમે અમારી છેલ્લી આશાઓમાંના એક છો. આપણી સામેના સાવ ટૂંકા સમયગાળામાં વધુમાં વધુ લોકો સુધી પહોંચવાની શક્યતા અને તક બીજા કોઈ પાસે નથી. તમારા વગર અમારા માટે આ કરવું શક્ય નથી. હવામાન કટોકટી વધુ તાકીદની બનવાની છે. જઘન્ય પરિણામો ખાળવા હજુ શક્ય છે, પરિસ્થિતિને હજુ ફેરવી શકાય એમ છે. પરંતુ આજની માફક જ ચલાવતા રહીને નહીં. કહાણીને રાતોરાત બદલી નાખવાના સંસાધનો અને શક્યતાઓ તમારી પાસે છે.
પડકારને સ્વીકારવા ખડા થવું કે નહીં એ તમારા હાથમાં છે. તમે જે માર્ગે જશો ઇતિહાસ તમારો ન્યાય કરવાનો.
ગ્રૅટા અને વૅનૅસા.
ગ્રૅટા સ્વીડનના youth climate strike leader (યુવાન હવામાન પ્રહાર આગેવાન) છે. વૅનૅસા યુગાન્ડાના climate-justice activist (હવામાન-ન્યાય કર્મશીલ) અને Rise Up Movementના સ્થાપક છે.
સ્રોત: મૂળ Timeમાં પ્રકાશિત, countercurrents.orgમાંથી,
e.mail: rupaleeburke@yahoo.co.in